કાશ્મીરમાં અશોકસ્તંભના અપમાનનો જ્યાં વિવાદ થયો એ હજરતબલ દરગાહ ખાસ કેમ છે?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, જમ્મુ-કાશ્મીર, મુસ્લિમ, રાષ્ટ્રીય ચિહ્ન
ઇમેજ કૅપ્શન, દાલ સરોવર પાસે બનેલી આ મસ્જિદ વિશે કહેવાય છે કે અહીં પયગંબર મહમદનો મોઈ-એ-મુકદ્દસ રખાયો છે

કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં હાજર હજરતબલ દરગાહમાં લાગેલા ફાઉન્ડેશન સ્ટોન પર અશોકચિહ્ન અંગે વિવાદ શરૂ થયો છે.

કેટલાક લોકોએ આની સામે જમ્મુ-કાશ્મીર વકફ બોર્ડ વિરુદ્ધ વિરોધપ્રદર્શન કર્યું છે. તેમજ સોશિયલ મીડિયા પર આ સ્ટોન પર કંડારાયેલા અશોકચિહ્નને તોડવાનો વીડિયો વાઇરલ થઈ રહ્યા છે.

આ ઘટના શુક્રવારની છે, એ દિવસે ઈદ-એ-મિલાદ ઉન નબી હતી. ઘટના બાદ જમ્મુ-કાશ્મીર વકફ બોર્ડનાં ચૅરપર્સન દરક્શા અંદ્રાબીએ આ મામલામાં એફઆઇઆરની અપીલ કરી હતી, જે નોંધાઈ ચૂકી છે.

તેમજ સત્તાધારી નૅશનલ કૉન્ફરન્સ (એનસી)એ કહ્યું છે કે, "અમારી મઝારો આસ્થા, વિનમ્રતા અને એકતાનું પ્રતીક છે, આ જગ્યાઓને ઇબાદતના સ્થાન તરીકે જળવાઈ રહેવા જોઈએ, ના કે વિભાજનના."

આ દરગાહ ખાસ કેમ છે?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, જમ્મુ-કાશ્મીર, મુસ્લિમ, રાષ્ટ્રીય ચિહ્ન
ઇમેજ કૅપ્શન, શનિવારે દરગાહની બહાર કડક સુરક્ષા બંદોબસ્ત જોવા મળ્યું

શ્રીનગરમાં રહેલા બીબીસી સંવાદદાતા માજિદ જહાંગીર જણાવે છે કે થોડા સમય પહેલાં હજરતબલ દરગાહમાં પુનર્નિર્માણનું કામ શરૂ થયું.

આ દરમિયાન ત્યાં એક ફાઉન્ડેશન સ્ટોન લગાવાયો, જેમાં જમ્મુ-કાશ્મીર વકફ બોર્ડનાં ચૅરપર્સન અને ભાજપનાં વરિષ્ઠ નેતા દરક્શાં અંદ્રાબી સિવાય બોર્ડના અન્ય સભ્યોનાં નામ લખાયેલાં હતાં.

આ જ ફાઉન્ડેશન સ્ટોન પર ઉપરની તરફ અશોકચિહ્ન બનેલું હતું, જે અંગે લોકોએ નારાજગી વ્યક્ત કરી.

ટીકાકારોનું કહેવું છે કે અંદ્રાબી અને તેમની સાથે કામ કરનારા અન્ય મૌલવીઓએ આવી કરીને જમ્મુ-કાશ્મીરમાં મુસ્લિમોની ધાર્મિક ભાવનાઓનું અપમાન કર્યું છે.

શુક્રવારે ગુસ્સે ભરાયેલી ભીડે તેને તોડવાની કોશિશ કરી. આ ઘટનાના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર શૅર કરાયા છે.

મુસ્લિમો માટે શ્રીનગરમાં આ મસ્જિદ અત્યંત મહત્ત્વપૂર્ણ મનાય છે. માન્યતા પ્રમામે અહીં પયગંબર મહમદની દાઢીનો વાળ (મોઈ-એ-મુકદ્દસ) રખાયો છે.

આ મસ્જિદને અસ્સાર-એ-શરીફ, દરગાહ શરીફ અને મદીનાત-ઉસ-સની નામે પણ ઓળખવામાં આવે છે.

આ દરગાહનું નિર્માણ 1968માં મુસ્લિમ ઔકાફ ટ્રસ્ટના શેખ મહમદ અબ્દુલ્લાની નિગરાણીમાં શરૂ થયું હતું. આ કામ 1979માં ખતમ થયું.

મોઈ-એ-મુકદ્દસને 1699માં કાશ્મીર લાવવામાં આવ્યો હતો. પહેલાં એ નક્શબાદ સાહિબમાં રખાયો હતો. બાદમાં હજરતબલમાં લાવીને મૂકવામાં આવ્યો.

દર વર્ષે શબ-એ-મેરાજ અને મિલાદ-ઉન-નબીના ખાસ અવસરે આ મસ્જિદમાં રખયેલા પયગંબર મહમદના મોઈ-એ-મુકદ્દસને જોવા માટે આખા પ્રદેશથી અને સુદૂર વિસ્તારોથી લોકો આ દરગાહમાં આવે છે.

ઇસ્લામમાં મનાય છે કે શબ-એ-મેરાજની રાત્રે જ ઇસ્લામના અંતિમ પયગંબર હજરત મહમદે યાત્રા કરીને અલ્લા સાથે મુલાકાત કરી હતી.

પ્રદેશ વકફ બોર્ડનાં ચૅરપર્સન શું બોલ્યાં?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, જમ્મુ-કાશ્મીર, મુસ્લિમ, રાષ્ટ્રીય ચિહ્ન
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

તોડફોડની ઘટના બાદ દરક્શાં અંદ્રાબીએ શુક્રવારે સાંજે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે આ એક અફસોસજનક હુમલો છે.

તેમણે નામ લીધા વિના એક રાજકીય પાર્ટી તરફ ઇશારો કરતાં કહ્યું, "રાષ્ટ્રચિહ્નને તોડવું એ એક અપરાધ છે, એક રાજકીય પાર્ટીના ગુંડાઓએ આ કામ કર્યું છે."

એવું મનાઈ રહ્યું છે કે અંદ્રાબીનો ઇશારો નૅશનલ કૉન્ફરન્સ તરફ હતો. તેમણે આરોપ કરતાં કહ્યું કે, "આ જ પાર્ટીએ પહેલાં પણ કાશ્મીરમાં તબાહી કરી હતી, આજે પણ તેઓ ખૂલીને દરગાહ શરીફમાં આવી ગયા હતા."

તેમણે કહ્યું, "અમારો ઍડમિનિસ્ટ્રેટર મરતાં મરતાં બચ્યો છે, તેમના પર હુમલો કરાયો હતો. શુક્રવારે આખી દુનિયામાં દરગાહ શરીફનો વીડિયો જોવા મળ્યો હતો. પરંતુ આમના દિલ પર તીર વાગી રહ્યા હતા. તેમણે પોતાના ગુંડા મોકલ્યા, જેમણે આ હુમલો કર્યો."

તેમણે પબ્લિક સેફ્ટી ઍક્ટ અંતર્ગત એફઆઇઆરની અપીલ કરી હતી અને કહ્યું, "કાયદાકીય દૃષ્ટિએ રાષ્ટ્રીય ચિહ્નને નુકસાન પહોંચાડવું એ ગુનો છે. તેમણે દરગાહની સંપત્તિને પણ નુકસાન પહોંચાડ્યું છે. આવા લોકોની ઓળખ કરાશે અને જેમની ઓળખ કરાશે, તેમને હંમેશાં માટે દરગાહથી બૅન કરી દેવાશે અને તેમના વિરુદ્ધ એફઆઇઆર પણ થશે."

નૅશનલ કૉન્ફરન્સની પ્રતિક્રિયા

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, જમ્મુ-કાશ્મીર, મુસ્લિમ, રાષ્ટ્રીય ચિહ્ન

ઇમેજ સ્રોત, BASIT ZARGAR/Middle east images/AFP via Getty Images

સત્તાધારી નૅશનલ કૉન્ફરન્સ (એનસી)ના નેતા અને પ્રદેશના મુખ્ય મંત્રી ઉમર અબ્દુલ્લાહે કહ્યું, "પથ્થર પર ચિહ્ન લાગવું જોઈતું હતું કે નહીં, પહેલો સવાલો તો આ છે."

તેમણે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું, "મેં અત્યાર સુધી કોઈ ધાર્મિક સ્થળ કે કાર્યક્રમમાં આ પ્રકારના ચિહ્નનો ઉપયોગ થતો હોય એવું નથી જોયું. એવી શું મજબૂરી હતી કે હજરતબલના આ પથ્થર પર ચિહ્નનો ઉપયોગ કરાયો."

ઉમર અબ્દુલ્લાહે સવાલ કર્યો, "પથ્થર લગાવવાની શી જરૂર હતી? પથ્થર લગાવવાની કોઈ જરૂર નહોતી, જો કામ યોગ્ય રીતે થયું હોત તો લોકો જાતે જ એ કામને ઓળખી લેત."

તેમણે માફીની માગ કરી અને કહ્યું, "મંદિર, મસ્જિદ, ગુરુદ્વારા - આ બધાં ધાર્મિક સ્થળ છે, જ્યાં રાષ્ટ્રીય ચિહ્નની જરૂર નથી. આ સ્થળોએ રાષ્ટ્રીય ચિહ્નનો ઉપયોગ નથી થતો. સરકારી ચિહ્નનો ઉપયોગ સરકારી કાર્યક્રમોમાં થાય છે."

આ પહેલાં જમ્મુ-કાશ્મીર નૅશનલ કૉન્ફરન્સ (જેકેએનસી)એ અંદ્રાબીના આરોપનો જવાબ આપતાં સોશિયલ મીડિયા એક્સ પર એક નિવેદન જાહેર કર્યું હતું.

નિવેદનમાં લખાયું છે કે પાર્ટીએ હંમેશાં શેખ મહમદ અબ્દુલ્લાના માર્ગદર્શક સિદ્ધાંતને જાળવી રાખ્યા છે અને તેમનું એવું માનવું હતું કે હિંદુ, મુસ્લિમ, શીખ - તમામ ધર્મમાં એકતા, એકબીજા માટે સન્માન અને તમામ આસ્થાઓની ગરિમા પાર્ટીની વિચારધારના કેન્દ્રમાં છે.

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, જમ્મુ-કાશ્મીર, મુસ્લિમ, રાષ્ટ્રીય ચિહ્ન

ઇમેજ સ્રોત, Waseem Andrabi/Hindustan Times via Getty Images

ઇમેજ કૅપ્શન, મુખ્ય મંત્રી ઉમર અબ્દુલ્લાહે કહ્યું છે કે ધાર્મિક સ્થળો પર રાષ્ટ્રીય ચિહ્નનો ઉપયોગ નથી થતો

નૅશનલ કૉન્ફરન્સે પોતાના નિવેદનમાં લખ્યું છે કે, "આ ગંભીર ચિંતાનો વિષય છે કે ઇસ્લામના મૂળભૂત સિદ્ધાંતો વિરુદ્ધ કામ થઈ રહ્યું છે, જેમ કે પવિત્ર હજરતબલ દરગાહની અંદર કોઈ જીવિત પ્રાણી (વ્યક્તિ કે પશુ)ની તસવીર કે સાંકેતિક તસવીરનો ઉપયોગ કરાયો છે. આ હજારો લોકો માટે તેમની આસ્થાનું સ્થળ છે. ઇસ્લામમાં તૌહીદના સિદ્ધાંત અનુસાર આ પ્રકારના સંકેતોનો ઉપયોગ વર્જિત છે. શ્રદ્ધાળુઓ માટે આ મામૂલી મામલો નથી, બલકે આ તેમની ધાર્મિક ભાવનાઓ સાથે ઊંડાણપૂર્વક સંકળાયેલો છે."

"વકફ કોઈ ખાનગી સંપત્તિ નથી, એ ટ્રસ્ટ છે, જે સામાન્ય મુસ્લિમોના યોગદાનથી ચાલે છે. તેનું સંચાલન લોકોની આસ્થા અને પરંપરા પ્રમાણે થવું જોઈએ."

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, જમ્મુ-કાશ્મીર, મુસ્લિમ, રાષ્ટ્રીય ચિહ્ન

નૅશનલ કૉન્ફરન્સે પોતાના નિવેદનમાં વકફ બોર્ડનાં ચૅરપર્સન પર નિશાન સાધતાં લખ્યું, "અમે એવા પ્રતિનિધિઓને જોઈ રહ્યા છીએ જેમની ચૂંટણી નથી થઈ, જમ્મુ-કાશ્મીરના લોકોનું સમર્થન તેમની સાથે નથી, પરંતુ આ પવિત્ર સ્થળોમાં પોતે ઊંચા હોદ્દા પર બેસી ગયાં છે. આ એ દરગાહની પવિત્રતાનું તો અપમાન છે જ, સાથે જ જવાબદારી અને વિનમ્રતા જેવા મૂળ સિદ્ધાંતોની પણ મજાક ઉડાવે છે."

એનસીએ પોતાના નિવેદનમાં આગળ લખ્યું છે કે, "લોકોની ધાર્મિક લાગણી દુભાવવા બદલે માફી માગવાને સ્થાને પબ્લિક સેફ્ટી કાયદા અંતર્ગત ધરપકડની ધમકી અપાઈ રહી છે, આ વાત પરેશાન કરનારી છે."

નિવેદનના અંતમાં આગળ લખાયું છે કે, "આપણાં પવિત્ર સ્થળોએ અમારી આસ્થા, વિનમ્રતા અને એકતાનું પ્રતીક છે, એ ઇબાતનાં સ્થળો તરીકે જળવાઈ રહેવાં જોઈએ, ના કે વિભાજનનાં."

તેમજ એનસીના મુખ્ય પ્રવક્તા અને ઝાદીબલના ધારાસભ્ય તનવીર સાદિકે કહ્યું કે દરગાહ પર જીવિત પ્રાણીની તસવીર લગાડવી એ ઇસ્લામ વિરુદ્ધ છે, કારણ કે ઇસ્લામમાં મૂર્તિપૂજા પ્રતિબંધિત છે.

તેમણે સમાચાર એજન્સી એએનઆઇએ કહ્યું, "કોઈ પણ ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડવું ખોટું છે. અમે તેની કઠોર ટીકા કરીએ છીએ. તેમને ખબર હોવી જોઈએ કે ઇસ્લામમાં મૂર્તિપૂજાની સખત મનાઈ છે. આ સરકારી ઇમારત નથી, દરગાહ છે."

પીડીપી પ્રમુખે કરી ટીકા

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, જમ્મુ-કાશ્મીર, મુસ્લિમ, રાષ્ટ્રીય ચિહ્ન

ઇમેજ સ્રોત, Firdous Nazir/NurPhoto via Getty Images

પીડીપી પ્રમુખ મહેબૂબા મુફ્તીએ શુક્રવારે થયેલા આ ઘટનાની કઠોર શબ્દોમાં ટીકા કરી છે.

સમાચાર એજન્સી પીટીઆઇ સાથેની વાતચીતમાં તેમણે કહ્યું, "આ દરગાહ મહમદ પયગંબર સાથે સંકળાયેલી છે, ત્યાં આ પ્રકારની ગુસ્તાખીથી લોકોની ભાવનાઓ ભડકી ઊઠી છે. લોકો પ્રતીક વિરુદ્ધ નથી, પરંતુ ઇસ્લામમાં મૂર્તિપૂજા વર્જિત છે, તેથી લોકોનો એ સવાલ છે કે અહીં કેમ લગાવાયું."

"એવું કહેવું કે લોકો વિરુદ્ધ પબ્લિક સેફ્ટી કાયદા અંતર્ગત ધરપકડની કાર્યવાહી થવી જોઈએ, એ ખોટું છે. મને લાગે છે કે તેમની વિરુદ્ધ 295એ અંતર્ગત મામલો ચલાવવો જોઈએ, કારણ કે મુસલમાનો માટે આ વાત ઈશનિંદા સમાન છે."

તેમણે સીએમને કાર્યવાહીની વિનંતી કરી અને કહ્યું, "હું મુખ્ય મંત્રીને વિનંતી કરીશ કે તેમાં ઔકાફ જવાબદાર છે, કારણ કે ત્યાં બધા મુસ્લિમ છે, તેમને આ વાતની ખબર હોવી જોઈતી હતી. તેમણે ફાઉન્ડેશન સ્ટોનમાં આ પ્રકારની વસ્તુઓ મૂકી જે ઇસ્લામમાં વર્જિત મનાઈ છે."

ઈદ અંગે શો વિવાદ થયો હતો?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, જમ્મુ-કાશ્મીર, મુસ્લિમ, રાષ્ટ્રીય ચિહ્ન

ઇમેજ સ્રોત, BASIT ZARGAR/Middle east images/AFP via Getty Images

ઇમેજ કૅપ્શન, મુસ્લિમોમાં આ મસ્જિદની ખૂબ માન્યતા છે, અહીં દર શુક્રવારે હજારોની સંખ્યામાં લોકો નમાજ પઢવા આવે છે

આખા દેશામાં શુક્રવારે ઈદ-એ-મિલાદ ઉન નબી મનાવાઈ હતી, પરંતુ જમ્મુ-કાશ્મીરમાં આના માટે શનિવારે સરકારી રજા અપાઈ હતી.

જમ્મુ-કાશ્મીરના મુખ્ય મંત્રી ઉમર અબ્દુલ્લાહે આ અંગે એક્સ પર પોસ્ટમાં કહ્યું કે તંત્ર દ્વારા શુક્રવારને સ્થાને શનિવારે રજા આપવાનો નિર્ણય અસંવેદનશીલ છે. અને આવું લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડવા માટે કરાયું છે.

તેમણે સરકારી પ્રેસ તરફથી છપાયેલા કૅલેન્ડરની એક તસવીર શૅર કરી, જેમાં 5 સપ્ટેમ્બરના રોજ ઈદ-એ-મિલાદ ઉન નબીની રજા, ચંદ્ર દેખાયાના આધારે બતાવાઈ છે.

તેમણે લખ્યું કે, "આનો અર્થ છે કે રજા ચંદ્રની કળા પ્રમાણે બદલાઈ શકે છે. બિનચૂંટાયેલી સરકારનો રજા ન બદલવાનો જાણીજોઈને લેવાયેલો નિર્ણય અસંવેદનશીલ અને લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડવા માટે કરાયો છે."

તેમજ પ્રદેશ સરકારમાં મંત્રી સકીના ઇટ્ટૂએ લખ્યં કે, "ચંદ્રની કળા આધારે" રજાનો શો અર્થ, જ્યારે તેના પર અમલ જ ન કરાય.

તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું, "ચૂંટાયેલી સરકારની તરફથી રજાનો દિવસો બદલવાની વિનંતી ઘણી વાર કરાઈ, છતાં કોઈ કાર્યવાહી ન કરાઈ. આ પ્રકારના નિર્ણયો ચૂંટાયેલી સરકારના હાથમાં હોવા જોઈએ."

પીપલ્સ ડેમૉક્રૅટિક પાર્ટી (પીડીપી)ના ઇલ્તજા મુફ્તીએ આના માટે એનસી સરકારને જવાબદાર ઠેરવી.

તેમણે કહ્યું, "સમગ્ર વિશ્વના મુસ્લિમો માટે ઈદ-એ-મિલાદ જેવો મુબારક અવસર જમ્મુ-કાશ્મીરમાં યોગ્ય દિવસે ન મનાવાય એ ખૂબ દુર્ભાગ્યપૂર્ણ છે. આપણે જોઈ રહ્યા છીએ કે બહુમતી છતાં એનસી સરકાર આવા નિર્ણયોને કાયદેસર અને સામાન્ય ગણાવી દે છે."

તેમજ ઑલ પાર્ટીઝ હુર્રિયત કૉન્ફરન્સના મીરવાઇઝ ઉમર ફારુખે કહ્યું કે, "મુસ્લિમોની ભાવનાઓને નજરઅંદાજ કરીને રજા ન બદલાઈ, આવું આ સતત બીજી વખત થયું છે. આ મામલામાં પ્રદેશની ચૂંટાયેલી સરકાર ચૂપ છે, આ જોઈને દુ:ખ થાય છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન