ગુજરાતમાં અતિભારે વરસાદ બાદ સિસ્ટમનો રસ્તો બદલાયો, હવે કયા જિલ્લામાં જળબંબાકાર થશે?

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાતમાં આગામી બેથી ત્રણ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ ઉપરાંત કેટલાક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ પણ પડી શકે છે.
ગુજરાત અને રાજસ્થાન પર રહેલી સિસ્ટમ વધુ મજબૂત બની છે, અને હવામાન વિભાગના જણાવ્યાનુસાર આ સિસ્ટમ હજી વધુ મજબૂત બનશે અને ડિપ્રેશનમાં ફેરવાઈ જશે.
જેના કારણે ગુજરાતમાં હજુ વધુ વરસાદ પડવાની સંભાવના છે. આ સિસ્ટમ ડિપ્રેશન બનવાની સાથોસાથ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પવનની ગતિમાં પણ વધારો થશે.
બંગાળની ખાડીમાં બનીને આગળ વધેલી સિસ્ટમ વેલમાર્ક્ડ લૉ પ્રેશર એરિયા બન્યા બાદ એ નબળી પડી હતી, ગુજરાત અને રાજસ્થાન પર આવતાં આવતાં આ સિસ્ટમ ફરીથી મજબૂત બની છે.
આગામી સમયમાં આ સિસ્ટમ વધુ મજબૂત બનવાની શક્યતા દેખાઈ રહી છે. જેના કારણે ખાસ કરીને ઉત્તર ગુજરાતના વિસ્તારો અને કચ્છ-સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે. આની સાથોસાથ દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતના ઘણા વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડવાની શક્યતા છે.
આ સિસ્ટમની અસર હજુ પણ ગુજરાત પર આજથી ત્રણ દિવસ સુધી રહે એવી શક્યતા છે. જે બાદ આ સિસ્ટમ આગળ વધીને અગાઉ પાકિસ્તાન તરફ જાય એવી શક્યતા હતી, પરંતુ હવે ફરીથી ડિપ્રેશન ગુજરાત તરફ પાછું ફરે એવો વરતારો છે.
ગુજરાતના વિવિધ જિલ્લામાં ધોધમાર વરસાદ

ઇમેજ સ્રોત, Paresh Padhiyar
શનિવાર સવારથી ગુજરાતમાં જબરદસ્ત સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અમદાવાદ સહિતનાં શહેરો અને જિલ્લામાં ઘણા વિસ્તારોમાં પવન ફૂંકાવાની સાથે ભારે વરસાદ જોવા મળ્યો હતો.
ચોમાસાની વિદાય નિકટ આવતી જાય છે ત્યારે અંતિમ દિવસોમાં ભારે વરસાદને પગલે રાજ્યમાં મોટા ભાગની નદીઓ અને જળાશયોનાં જળસ્તર વધ્યાં છે. ઘણી જગ્યાએ તો સિઝનના અંતિમ દિવસોમાં અસામાન્ય ભારે વરસાદ જોવા મળી રહ્યો છે.
હવે ભારતના હવામાન વિભાગે રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદની સ્થિતિ કેવી રહેશે એ મતલબની આગાહી કરી છે.
જે મુજબ રવિવારે કેટલાક રેડ ઍલર્ટ અને ઑરેન્જ ઍલર્ટ જાહેર કરી દેવાયું છે.
એ પહેલાં જાણીએ રાજ્યમાં પાછલા 24 કલાકમાં પડેલા વરસાદ અને હવામાનની સિસ્ટમોની સ્થિતિ વિશે.
હવામાન વિભાગે જાહેર કરેલી માહિતી મુજબ પાછલા 24 કલાકમાં ગુજરાતના મહીસાગર, તાપી અને વલસાડ ખાતે છૂટાંછવાયાં સ્થળોએ અતિભારે વરસાદ જોવા મળ્યો હતો.
આ સિવાય મહીસાગર, તાપી, અરવલ્લી, સુરત, નવસારી, પંચમહાલ, ખેડા, ભરૂચ અને ગાંધીનગર કેટલીક જગ્યાએ ભારે વરસાદ પડ્યો હતો.
ગુજરાત પરની સિસ્ટમ ભારે વરસાદ લાવશે?

ઇમેજ સ્રોત, Apurva Parekh
આ ઉપરાંત દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના ઘણા વિસ્તારોમાં શનિવારે વરસાદ જોવા મળ્યો હતો.
શનિવારની સ્થિતિ મુજબ દક્ષિણપૂર્વ રાજસ્થાન અને તેની આસપાસના વિસ્તારોની ઉપર રહેલું લૉ પ્રેશર એરિયા પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધ્યું અને દક્ષિણ રાજસ્થાનના મધ્યમાં આવેલા વિસ્તારોમાં એ ટકી રહ્યું હતું.
આ સિવાય સમુદ્રસપાટીથી 9.6 કિમી ઉપર સાયક્લૉનિક સર્ક્યુલેશન જોવા મળ્યું હતું. જે પશ્ચિમ અને ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધીને દક્ષિણ રાજસ્થાન અને નિકટના ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ડિપ્રેશન તરીકે ટકી રહેવાની શક્યતા વ્યક્ત કરાઈ હતી.
ઉત્તરપૂર્વ ઝારખંડ અને મધ્યપ્રદેશથી દક્ષિણ રાજસ્થાનના મધ્ય ભાગો પરના લૉ પ્રેશર એરિયા સાથે સંકળાયેલ સાયક્લૉનિક સર્ક્યુલેશનનો ટ્રફ સમુદ્ર સપાટીથી 0.9 અને 1.5 કિમી ઉપર જળવાયેલો છે.
મોન્સૂન ટ્રફ જેસલમેર, દક્ષિણ ગુજરાત મધ્ય ભાગો, ગુના, દામોહ, પેન્ડ્રા રોડ, સંબલપુર, ગોપાલપુર અને મધ્યપૂર્વ બંગાળની ખાડી સુધી પસાર થઈ રહ્યો છે.
આ જિલ્લાઓમાં પડી શકે છે અત્યંત ભારે વરસાદ

ઇમેજ સ્રોત, IMD
હવામાન વિભાગના બુલેટિન પ્રમાણે રવિવારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લી ઉપરાંત કચ્છમાં છૂટાંછવાયાં સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે.
આ વિસ્તારોમાં હવામાન વિભાગે રવિવાર માટે રેડ ઍલર્ટ પણ જાહેર કર્યું છે.
આ સિવાય પાટણ, ગાંધીનગર, મહીસાગર, સુરેન્દ્રનગર, રાજકોટ અને મોરબી માટે ઑરેન્જ ઍલર્ટ જાહેર કરાયું છે. અહીં પણ રવિવારના દિવસે છૂટાછવાયાં સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે.
ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા અને બોટાદ ખાતે ભારે પવન ફૂંકાવાની સાથે તેમજ ગાજવીજ સાથે છૂટાછવાયાં સ્થળોએ ભારે વરસાદની આગાહી કરાઈ છે.
સોમવારની આગાહીની વાત કરીએ તો બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, મોરબી, દ્વારકા અને કચ્છ ખાતે છૂટાછવાયાં સ્થળોએ ભારે વરસાદની આગાહી કરાઈ છે. હવામાન વિભાગે આ વિસ્તારો માટે સોમવારના દિવસે યલો ઍલર્ટ જાહેર કર્યો છે.
ગુજરાત સરકારની કેવી છે તૈયારી?

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાત સરકારે જાહેર કરેલી પ્રેસનોટ પ્રમાણે અત્યંત ભારે વરસાદની આગાહીને ધ્યાને લઈ મુખ્ય સચિવ પંકજ જોષીના અધ્યક્ષ સ્થાને સ્ટેટ ઇમર્જન્સી ઑપરેશન સેન્ટર-ગાંધીનગર ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં મહેસૂલ વિભાગનાં અધિક મુખ્ય સચિવ ડૉ. જયંતી રવિ તેમજ રાહત કમિશનર અલોકકુમાર પાંડે ઉપસ્થિત રહ્યાં હતાં.
આ બેઠકમાં પશુપાલન, ઊર્જા, કૃષિ, CWC, માર્ગ અને મકાન, આરોગ્ય અને પરિવાર કલ્યાણ, પંચાયત, શહેરી વિકાસ, સિંચાઈ, સરદાર સરોવર નિગમ અમે એનડીઆરએફ સહિતના સંબંધિત વિભાગોને તેમજ સંબંધિત જિલ્લા વહીવટી તંત્રને વિવિધ સૂચનો કરી, તકેદારી રાખવા જણાવાયું હતું.
6 સપ્ટેમ્બરની આ પ્રેસનોટ પ્રમાણે રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 98 ટકા નોંધાયો છે. સંભવિત વરસાદની પરિસ્થિતિને ધ્યાને રાખીને કોઈ પણ કટોકટીને પહોંચી વળવા રાજ્યના વિવિધ જિલ્લામાં 12 એનડીઆરએફ અને 20 એસડીઆરએફની ટીમો તહેનાત કરવામાં આવી છે. જ્યારે એક એનડીઆરએફની ટીમને વડોદરા ખાતે રિઝર્વ રાખવામાં આવી છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












