You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
એ અભિનેતા જેને તેમના રંગને લીધે તક ન મળી અને પછી ધડાધડ હીરો તરીકે એક જ વર્ષમાં 18 ફિલ્મો કરી
અભિનેતા અને ડીએમડીકે પક્ષના નેતા વિજયકાંતે 70 વર્ષની ઉંમરે આ દુનિયાને અલવિદા કહી દીધી. હૉસ્પિટલનાં સૂત્રોએ જણાવ્યા અનુસાર તેમનું કોરોનાની સારવાર દરમિયાન મૃત્યુ થયું છે.
તેમનું પાર્થિવ શરીર ડીએમડીકેની ઑફિસમાં રખાયું છે.
તેમને હૉસ્પિટલમાં ન્યુમોનિયાને કારણે દાખલ કરાયા હતા. તેઓ વૅન્ટિલેટર પર હતા. હૉસ્પિટલનાં સૂત્રોએ જણાવ્યા અનુસાર ડૉક્ટરોએ તેમને બચાવવાના ખૂબ પ્રયત્નો કર્યા.
પક્ષનાં સૂત્રોએ જણાવ્યું હતું કે તેમને મંગળવારે 26 ડિસેમ્બરે હૉસ્પિટલમાં નિયમિત ચેકઅપ માટે લઈ જવાયા હતા.
ડીએમડીકેએ એક નિવેદન જાહેર કરીને જણાવ્યું હતું કે તેમના નેતાને કોરોના થયો છે અને તેમને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે.
મોટા પ્રમાણમાં ડીએમડીકેના નેતાઓ કાર્યકર્તાઓ તેમના ઘરે જમા થઈ રહ્યા છે.
પોલીસે મ્યાટ હૉસ્પિટલની નજીક સુરક્ષા વધારી દીધી છે, જ્યાં વિજયકાંતને દાખલ કરવામાં કરાયા હતા.
પાછલાં કેટલાંક વર્ષોથી વિજયકાંત સતત બીમારીઓથી પીડાઈ રહ્યા હતા. તેમને હૉસ્પિટલમાં ઘણી વાર દાખલ કરાયા હતા અને તેમને સારવાર પણ અપાઈ હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગત મહિને હૉસ્પિટલેથી પરત ફરીને તેમણે પાર્ટીની મિટિંગોમાં પણ ભાગ લીધો હતો.
વિજયરાજથી વિજયકાંત સુધી...
વિજયકાંત ઉર્ફે વિજયરાજનો જન્મ 25 ઑગસ્ટ, 1952માં તિરુમંગલમમાં થયો હતો. જે તામિલનાડુના મદુરાઈમાં આવેલું છે.
તામિલનાડુમાં એવો દાવો કરાય છે કે તેઓ તેલુગુ મૂળના છે.
વિજયકાંતને અભ્યાસમાં બહુ રુચિ ન હોવાથી તેઓ ઘણી વાર તેમના મિત્રો સાથે નાટકો જોવા પહોંચી જતા. તેઓ એમજીઆરની ફિલ્મો ખૂબ જોતા હતા.
તેમના નજીકના મિત્રો અનુસાર તેઓ એમજીઆરની ફિલ્મોના દરેક દૃશ્યને સમજવાનો પ્રયત્ન કરતા. ત્યાર બાદ તેમણે ચેન્નઈ જવાનું નક્કી કર્યું હતું.
જ્યાં સુધી તેઓ ચેન્નઈ ન ગયા ત્યાં સુધી તેમને તમિળ ફિલ્મોમાં કામ કરવાની બહુ તક મળી ન હતી. તેમણે ઘણી વાર એવું કહ્યું છે કે તેઓ જ્યાં પણ ફિલ્મોમાં અભિનય માટે જતા ત્યાં તેમનો રંગ જોઈને તેમને કામ આપવાની ના પાડી દેવાતી.
પરંતુ તેમણે સતત પ્રયાસો શરૂ રાખ્યા અને તેમણે 1979માં ફિલ્મ ‘ઇનિક્કમ ઇલામાઈ’માં ડૅબ્યૂ કર્યું. આ ફિલ્મનું ડિરેક્શન એમ. એ. કાજાએ કર્યું હતું.
કાજાને વિજયરાજનું નામ ગમતું ન હતું. તે સમયે રજનીકાંત ખૂબ સારું પર્ફૉર્મન્સ આપી રહ્યા હોવાથી તેમણે વિજયરાજનું કામ વિજયકાંત કરી નાખ્યું.
એક જ વર્ષમાં 18 ફિલ્મો કરવાનો રેકૉર્ડ
વિજયકાંતે તમિળ સિનેમામાં ખૂબ મોટા અભિનેતા તરીકે નામના મેળવી છે. તેમણે સતત હિટ ગયેલી ફિલ્મોમાં કામ કર્યું હતું.
તેમની ફિલ્મો તેલુગુમાં પણ રજૂ થઈ હતી.
વિજયકાંતે તેમની કારકિર્દીમાં 150થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. તેમના નામે એક જ વર્ષમાં 18 ફિલ્મોમાં કામ કરવાનો રેકૉર્ડ છે.
તેમણે એસએ ચંદ્રશેખર અને રામ નારાયણનના નિર્દેશન હેઠળ પણ ઘણી ફિલ્મો કરી છે.
રાજકારણમાં કઈ રીતે આવ્યા?
વર્ષ 2005માં તેમણે અદેશિયા મુરકોપુ દ્રવિડ કલગામ (ડીએમડીકે) નામે પક્ષની સ્થાપના કરી હતી.
તેમણે જાહેરાત કરી હતી કે ડીએમડીકે એ તામિલનાડુની દ્રવિડિયન પાર્ટીઓ ડીએમકે અને એઆઈએડીએમકેનો વિકલ્પ છે.
વિજયકાંતે 2006માં વિધાનસભા અને 2009માં લોકસભાની ચૂંટણી પણ લડી હતી. તેમાં તેમણે કોઈ ગઠબંધન કર્યું ન હતું.
પાર્ટીની સ્થાપનાના એક વર્ષ પૂરું થાય તે પહેલાં જ યોજાયેલી 2006ની વિધાનસભા ચૂંટણીમાં તેમને 8.4% મત મળ્યા હતા. 2009ની લોકસભા ચૂંટણીમાં તેમને 10.3% મત મળ્યા હતા.
પરંતુ તે બાદ તેઓ ગઠબંધનના રાજકારણનો હિસ્સો બની ગયા. પછી લોકોમાં ડીએમડીકેનું સમર્થન ઘટ્યું.
ડીએમડીકેને 2011ની વિધાનસભા ચૂંટણીમાં 7.9% અને 2014ની લોકસભા ચૂંટણીમાં 5.1% મત મળ્યા હતા.
2016ની વિધાનસભા ચૂંટણીમાં 2.4% મત અને 2021ની લોકસભા ચૂંટણીમાં 0.43% મત મળ્યા હતા.
તેમણે 1979માં ફિલ્મ ‘ઈનિકમ ઈલામાઈ’થી તમિળ સિનેમામાં પ્રવેશ કર્યો અને ઘણી હિટ ફિલ્મોથી લોકોના મનમાં સ્થાન મેળવ્યું.
પાછળથી તેઓ ‘બ્લૅક એમજીઆર’ તરીકે જાણીતા થયા. આ સમર્થનને કારણે તેમની રાજકીય કારકિર્દીના શરૂઆતના દિવસોમાં તેમને ઘણી સફળતા મળી.
1991માં રિલીઝ થયેલી ફિલ્મ ‘કૅપ્ટન પ્રભાકરન’ ની સફળતાથી તેને કૅપ્ટનનું બિરુદ મળ્યું.
2001માં, તામિલનાડુ સરકારે તેમને કલાઈમામણિ ઍવૉર્ડ એનાયત કર્યો. 2002માં રિલીઝ થયેલી ફિલ્મ "રમના" માટે તેમને તમિલનાડુ સરકારનો ફિલ્મ પુરસ્કાર મળ્યો હતો.
એકમાત્ર અભિનેતા જેમણે 54 નવા ડિરેક્ટર આપ્યા
પ્રોડ્યૂસર સિવાએ એક વાર કહ્યું હતું કે અભિનેતા વિજયકાંત 54 નવા ડિરેક્ટરોને ફિલ્મ નિર્માણમાં લાવ્યા હતા.
તેઓ કહે છે, "વિશ્વ સિનેમામાં અન્ય કોઈએ આવું કર્યું નથી. વિજયકાંતે ઘણા નવા નિર્માતાઓ અને ટેકનિશિયનોને તક આપી."
નિર્માતા સિવા કહે છે, “તેમણે જ એક નિર્માતા તરીકે મારો પરિચય કરાવ્યો હતો. દૃશ્યો, સંવાદો અને સ્ટોરીની બાબતમાં તેઓ કોઈ પણ પ્રકારની બાંધછોડ કરતા ન હતા. વિજયકાંત માત્ર એક મહાન વ્યક્તિ ન હતા તેઓ એક સારા પ્રૉફેશનલ કલાકાર છે.”
વડા પ્રધાને પાઠવી શ્રદ્ધાંજલિ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિજયકાંતના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.
તેમણે ટ્વીટ કરીને કહ્યું કે અભિનેતા વિજયકાંતનું નિધન ખૂબ જ આઘાતજનક છે.
“વિજયકાંત તમિળ સિનેમાના દિગ્ગજ છે. તેમના અભિનયે લાખો હૃદયોને સ્પર્શી લીધાં છે. એક રાજકીય નેતા તરીકે પણ તેમણે તામિલનાડુના રાજકારણમાં પ્રભાવ પાડ્યો છે.”
તેલંગાણા અને પુડુચેરીના રાજ્યપાલ તમિલસાઈ સૌદરરાજને પણ તેમના ઍક્સ એકાઉન્ટ પર વિજયકાંતના નિધન બાદ શ્રદ્ધાંજલિ આપી હતી.
તેમણે ટ્વીટ કર્યું કે, "ડીએમડીકેના પ્રમુખ અને ભાઈ કૅપ્ટન વિજયકાંતના મૃત્યુના સમાચારથી હું ખૂબ જ દુઃખી છું. તેઓ એક સારા રાજકારણી, એક સારા માણસ અને સારા ભાઈ હતા. એકંદરે આપણે એક સારા વ્યક્તિ ગુમાવ્યા છે."
તામિલનાડુના મુખ્યમંત્રી એમ.કે.સ્ટાલિને પણ વિજયકાંતના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.