You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મોરબીના ખેડૂતે ખેતીની જમીન ખોદીને બે તળાવો બનાવ્યાં અને આવક કેવી રીતે વધારી?
- લેેખક, સંજય દવે
- પદ, બીબીસી ગુજરાતી માટે
એક આદર્શ ખેડૂત શું કરે? તે ટૂંકા ગાળાના ફાયદા જોવાને બદલે ખેતીને ટકાઉ બનાવવાની કોશિશ કરે. તે તેની પાસે જે કંઈ ખેતીની જમીન હોય તેનો મહત્તમ ઉપયોગ કરે, સાથેસાથે તેની પાસે ઉપલબ્ધ પાણીના સ્રોતનો કાર્યક્ષમ ઉપયોગ કરીને ખેતીને ખોટનો ધંધો બનતી અટકાવે છે.
યાસિનભાઈ મામદભાઈ દેકાવાડીયા આવા જ એક આદર્શ કહી શકાય એવા ખેડૂત છે.
વાંકાનેર તાલુકાના ધમલપર ગામના આ ખેડૂતે પોતાની કુલ 15 વીઘા જમીનમાં આંતરપાક, મિશ્રપાક, શેઢેપાળે વૃક્ષારોપણ, અળસિયાં ખાતર બનાવવાના પાકા બેડ, બાયોગૅસ પ્લાન્ટ, માછીમારી માટેનું તળાવ અને ખેતતલાવડી બનાવવા જેવા અનેક સફળ પ્રયોગો કર્યા છે.
ખેતી છોડી દેવાનું કેમ વિચાર્યું હતું?
યાસિનભાઈએ તેમની 15 વીઘા જમીનમાં છેલ્લાં ચારેક વર્ષથી કોઈ પણ પ્રકારનાં રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાનો ઉપયોગ સદંતર બંધ કર્યો છે.
વર્ષોથી રાસાયણિક ખેતી કરતા યાસિનભાઈએ કેમ રસાયણોને તિલાંજલિ આપી? તેનો તરત જ જવાબ આપે છે, "2018માં મેં મારા કપાસના પાકને કેમિકલ આપવાનું આખું શિડ્યુલ બહુ ઉત્સાહથી તૈયાર કર્યું હતું. તે મુજબ મેં ડ્રીપમાં કપાસને યોગ્ય સમયે રાસાયણિક ખાતર આપ્યું હતું."
"તેમ છતાં મારો કપાસ લાલ થઈ ગયો. તેથી હું બહુ નિરાશ થઈ ગયો હતો. એ વખતે મને ખેતી છોડી દઈને દા’ડીએ જવાનું મન થઈ ગયું હતું."
2019ના શિયાળુ પાકથી જ રસાયણો વાપરવાનું બિલકુલ બંધ કરી દીધું.
તે પછી 2019માં જ યાસિનભાઈએ વાંકાનેર અને ટંકારા તાલુકામાં કાર્યરત એક સ્વૈચ્છિક સંસ્થા દ્વારા યોજાયેલી તાલીમો અને મીટિંગોમાં ભાગ લીધો ત્યારે તેમને રાસાયણિકને બદલે પ્રાકૃતિક ખેતીનો વિકલ્પ મળ્યો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઉપરાંત, કૃષિ વિજ્ઞાન કેન્દ્રો દ્વારા યોજાતી ખેડૂત-તાલીમોમાં માર્ગદર્શન મેળવ્યા પછી તેમણે 2019ના શિયાળાથી જ રસાયણો વાપરવાનું બિલકુલ બંધ કરી દીધું.
કૂકડાની અઘારનું ખાતર વાપરવાનો પણ પ્રયોગ કર્યો
યાસિનભાઈએ 2019માં, ઘઉંના પાકમાં વેસ્ટ-ડી-કમ્પોઝરનો ઉપયોગ કર્યો. ઉપરાંત, ગૌશાળામાંથી છાણ અને ગૌમૂત્ર લાવીને તેનો અખતરો કર્યો.
ખેતીમાં તેના ફાયદા જોઈને તેમણે એક ગાય ખરીદી લીધી. તે પછી 2020ના ખરીફ પાકના પાયામાં તેમણે તળાવની માટી સાથે છાણિયું ખાતર ભેળવીને આપ્યું તેમ જ જીવામૃતનો છંટકાવ કર્યો.
સ્થાનિક સંસ્થાના પ્રતિનિધિઓ નમ્રતાબહેન રૂદાણી અને હિતેશભાઈ ગુજ્જર કહે છે, "યાસિનભાઈએ દેશી ખાતર અને માટી સાથે કૂકડાની અઘારનું ખાતર વાપરવાનો પણ પ્રયોગ કર્યો છે તેના ફાયદા જોવા મળ્યા છે. ઉપરાંત, સંસ્થા દ્વારા યોજાતી તાલીમો અને નિદર્શનોમાંથી શીખ મેળવીને તેમણે જીવામૃત, નીમ ઓઇલ, અજમાસ્ત્ર, અગ્નિસ્ત્ર, ખાટી છાશ વગેરેનો ઉપયોગ કરીને ખેતીના ખર્ચમાં ઘટાડો કર્યો છે."
"જૈવિક ખેતીથી મારી જમીન ફળદ્રૂપ બની, ફાલ સારો થયો અને ખેતી પ્રત્યેની મારી નફરત દૂર થઈ."
યાસિનભાઈ કહે છે, "મારી 15 વીઘા જમીનમાં જૈવિક ખાતર અને દવાનો ખર્ચ વર્ષે 15,000 રૂપિયા જેટલો થાય છે. પહેલાં કેમિકલમાં 50,000 રૂપિયા જેટલો ખર્ચ થતો. જોકે, કપાસનું વીઘા દીઠ ઉત્પાદન 22 મણ જેટલું મળતું હતું એટલું જ અત્યારે મળે છે, પણ જૈવિક ખેતીથી મારી જમીન ફળદ્રૂપ બની, ફાલ સારો થયો અને ખેતી પ્રત્યેની મારી નફરત દૂર થઈ."
યાસિનભાઈ માટે રાસાયણિક ખેતી છોડવાનો નિર્ણય કરવો સહેલો નહોતો. તે બાબતે સૌથી પહેલાં તો ઘરમાંથી જ વિરોધ શરૂ થયો.
યાસિનભાઈનાં પત્ની સુમૈયાબહેન અને પિતા મામદભાઈ, યાસિનભાઈના જૈવિક ખેતીના નિર્ણયથી નારાજ થયાં. તેથી તેના ઉકેલ રૂપે યાસિનભાઈએ તેમના પિતાની જમીનમાં કેમિકલવાળી ખેતી અને પોતાની જમીનમાં જૈવિક ખેતી કરી બતાવીને બન્ને વચ્ચેનો તફાવત સમજાવ્યો.
જૈવિક ખેતીના ફાયદા પ્રત્યક્ષ જોયા ત્યારથી પિતા મામદભાઈએ યાસિનભાઈને કહી દીધું કે, "હવે પ્રાકૃતિક ખેતીમાં 5 મણ જ કપાસ થાય તોય મને વાંધો નથી, પણ હવેથી રસાયણો વાપરવાં નથી."
આંતરપાક અને મિશ્રપાક લઈને એક જ જમીનમાંથી એક સાથે વધુ આવક મેળવી
કેમિકલ છોડ્યા પછી યાસિનભાઈએ આંતરપાક અને મિશ્રપાક લેવાનું શરૂ કર્યું.
તેમણે 15 વીઘાના કપાસના ચાસમાં વીઘા દીઠ 10 મણ સોયાબીનનો પાક લીધો છે. ઉપરાંત, ત્રણ વીઘા કપાસમાં 12 મણ મગ તેમ જ એક વીઘામાં ગુવાર, ભીંડા જેવાં શાકભાજીનો મિશ્રપાક લઈને તેમણે એક જ જમીનમાંથી એક સાથે વધુ આવક મેળવી છે.
ડ્રીપ અપનાવવાથી તેમનું વીજળીનું બિલ 30 ટકા જેટલું ઘટ્યું
તેમણે પાણીના કાર્યક્ષમ ઉપયોગ માટે ટપક સિંચાઈ પદ્ધતિ અપનાવી છે. ડ્રીપ અપનાવવાથી તેમનું વીજળીનું બીલ 30 ટકા જેટલું ઘટ્યું છે.
સંસ્થા દ્વારા આપવામાં આવેલાં 10 પ્રકારનાં શાકભાજીનાં બિયારણમાંથી ચાર ગુંઠામાં ઑર્ગેનિક શાકભાજી પકવીને તેમના પરિવારે ઘરમાં વાપર્યું, થોડુંક વેચીને પાંચેક હજાર રૂપિયાની આવક રળી અને બીજા 10 પરિવારોને પણ તેમણે વિનામૂલ્યે આપી છે.
જળસંગ્રહ તથા મત્સ્યપાલનના હેતુથી ખેતીની જમીનમાં બે તળાવો ખોદ્યાં
ઑગસ્ટ 2023માં પ્લાન્ટેશન માટે મળેલાં અરડુસી, ખાટી આંબલી, લીમડો, જાંબુ, જામફળ, સીતાફળ વગેરેનાં મળીને કુલ 100 છોડ તેમણે તેમના ખેતરના શેઢેપાળે વાવ્યાં છે.
વળી, તેમના ખેતરની અંદર તેમણે બે તળાવો ખોદ્યાં છે.
2020માં અઢી લાખના ખર્ચે બનાવેલું એક તળાવ તેમણે જળસંગ્રહ તથા મત્સ્યપાલનના હેતુથી કર્યું છે. તેનાથી જળસંગ્રહની સાથેસાથે તેમના બે બોરવેલ પણ રિચાર્જ થશે એવો તેમને દૃઢ વિશ્વાસ છે.
આ તળાવ તેમણે બોરવેલનાં ઠંડાં પાણીથી ભર્યું છે, જેથી માછલીઓને તેમાંથી ઑક્સિજન મળે. મત્સ્ય-ઉછેરથી તેમની આવક તો વધશે.
સાથેસાથે પાણીના ટીડીએસ સ્તરમાં ઘટાડો થશે અને ખેતીના પાકને પિયત માટે સારાં તત્ત્વો મળી રહેશે.
તેમણે આઠ મહિના પહેલાં જ એક ખેતતલાવડી પણ બનાવી છે.
તેમાંથી પ્રાપ્ત થયેલું મીઠું પાણી તેમને શિયાળામાં જીરું, ચણા, ઘઉં પકવવાના ખપમાં આવ્યું.
ઉપરાંત, આ તળાવમાંથી નીકળેલી માટી તેમણે તેમના ખેતરમાં વાપરી તથા શેઢેપાળે બૉર્ડર બનાવવામાં ઉપયોગમાં લીધી છે. તળાવો બનવાથી તે પાણી, શિયાળામાં બે પિયત અને ચોમાસામાં વરસાદ પછી એક પિયત કરવા કામે લાગ્યું છે.
યાસિનભાઈ કહે છે, "ગામના કેટલાક લોકો મને એમ કહેતા કે, તળાવ ખોદીને તમે ખેતીની જમીન બગાડી. જોકે, આવી વાતોથી હું નિરાશ ન થયો. મેં બધાં પાસાં જોઈને તથા લાંબું વિચારીને જ તળાવો બનાવ્યાં છે."
આપણે ધરતીને જેવું આપીશું એવું આપણને મળશે
સ્થાનિક ખેતી-નિષ્ણાત અશોકભાઈ મેર કહે છે, "યાસિનભાઈની જમીનમાં એપ્રિલ 2023માં ત્રણ પાકા અળસિયાં બેડ (બાયો ઇનપુટ સેન્ટર) બનાવવામાં આવ્યાં છે. એક બેડમાં ત્રણ ટન ખાતર તથા 40 કિલો જેટલાં અળસિયાં ઉત્પન્ન થવાનો તેમને અંદાજ છે. અત્યારે તેઓ તેમના ખેતરમાં તેમનાં ચાર ઢોરોનું છાણિયું ખાતર વાપરે છે. થોડા વખત પછી તેમને અળસિયાં ખાતર પણ વાપરવા મળશે."
યાસિનભાઈએ પર્યાવરણને અનુકૂળ ઊર્જા રૂપે બાયોગૅસ પ્લાન્ટ પણ વસાવ્યો છે.
ગ્રામ પંચાયત મારફતે સરકારી યોજનામાંથી મેળવેલા આ બાયોગૅસ પ્લાન્ટનો રાંધણ ગેસ મળશે તેમ જ તેની સ્લરી પણ તેમને ખેતીમાં ઉપયોગી થશે.
યાસિનભાઈની જૈવિક ખેતીની સફળતામાંથી બોધપાઠ લઈને તેમના ગામના ઇમરાનભાઈ દેકાવાડીયા તથા યુવાન ખેડૂત સુફિયાનભાઈ દેકાવાડીયાએ જૈવિક ખેતી તરફ ડગ માંડ્યાં છે.
યાસિનભાઈ જૈવિક ખેતીની સરાહના કરતા કહે છે, "આપણે ધરતીને જેવું આપીશું એવું આપણને મળશે. વાવો તેવું લણો."