You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતમાં લસણના ભાવ અચાનક ચાર ગણા કેમ થઈ ગયા?
- લેેખક, રૂચિતા પુરબિયા
- પદ, બીબીસી ગુજરાતી માટે
ઋતુ પરિવર્તનના કારણે ગુજરાત અને ભારતના મોટાભાગનાં રસોડાંમાં વપરાતા લસણના ઉત્પાદન પર અસર પડી છે અને છેલ્લા છ મહિનામાં લસણના ભાવમાં ચાર ગણો વધારો થઈ ગયો છે.
આ ભાવ વધારાનું પ્રાથમિક કારણ પડોશી રાજ્યોમાં અપૂરતો વરસાદ છે.
લસણ ઉપરાંત ડુંગળી, ટામેટાં, બટાકા જેવી જીવન જરૂરિયાતની દરેક વસ્તુઓના ભાવ વધી રહ્યા છે. આ ભાવ વધારા પાછળનાં અનેક કારણોમાંથી એક કારણ દેશમાં બદલાઈ રહેલી હવામાનની પેટર્ન પણ છે.
લસણના ભાવ આસમાને
અમદાવાદ એપીએમસીના સેક્રેટરી સંજય પટેલ કહે છે કે, "ગયા શિયાળામાં અમારા માર્કેટમાં ગયા વર્ષે લસણ 5-40 રૂપિયે પ્રતિ કિલો વેચાયું હતું. અને આ વર્ષે લસણનો ભાવ વધીને 100-260 રૂપિયે પ્રતિ કિલો થઈ ગયો છે.”
સંજય પટેલે જણાવ્યા અનુસાર દિવાળી પછી લસણના ભાવમાં જંગી વધારો થયો છે. છ મહિના પહેલાં ઉનાળામાં લસણ 100 રૂપિયે રિટેલમાં વેચાતું હતું, જેનો ભાવ વધીને દિવાળી સુધી 200 રૂપિયે પહોંચી ગયો હતો અને ત્યાર બાદ છેલ્લા એક મહિનામાં આ ભાવ 350-400 રૂપિયે પ્રતિ કિલોએ પહોંચ્યો છે.
હોલસેલ માર્કેટિંગ યાર્ડમાં જૂન મહિનામાં લસણ 40-120 રૂપિયા પ્રતિ કિલોએ વેચાઈ રહ્યું હતું. આ ભાવ વધીને નવેમ્બરમાં લસણ 90-200 રૂપિયે પ્રતિ કિલોએ વેચાયું હતું. અને હવે એક જ મહિનામાં આ ભાવ વધીને 130-250 રૂપિયે પ્રતિ કિલો થઈ ગયો છે.
લસણના ભાવ વધવાનું કારણ શું છે?
ભાવ વધારાનું પ્રાથમિક કારણ પડોશી રાજ્યોમાં અપૂરતો વરસાદ છે. આમ તો ડિસેમ્બરમાં લસણના ભાવ વધતા જ હોય છે કેમકે આ સમયે જથ્થો સૌથી ઓછો હોય છે. પરંતુ આ વર્ષે ભાવ ઘણો વધારે વધ્યો છે.
સંજય પટેલ કહે છે કે, ભાવ વધવાનું કારણ એ છે કે, "ગયા વર્ષના ઉત્પાદનનો જથ્થો હવે ખતમ થવાના આરે છે, એટલે જથ્થો ઓછો છે, અને આ વર્ષે હવામાનમાં એટલા બધા ફેરફારો થયા છે અને નવા ઉત્પાદનનો બગાડ વધી ગયો છે. એટલે કે ઉત્પાદનની ગુણવત્તાને પણ અસર થઈ છે. આ બધા કારણોસર જથ્થો ઓછો થયો અને માંગ એટલીને એટલી જ રહી. તેથી ભાવમાં વધારો થયો છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"બીજું, આ વર્ષે ઉત્પાદન ઓછું હતું અને નિકાસ તો સામાન્ય જ રહી હતી. તેથી માર્કેટમાં જથ્થો પણ ઓછો બચ્યો હતો. ભાવ વધારે રહેવાનું આ પણ એક કારણ હતું. રાજ્યના કૃષિ નિયામક ઓફિસે જાહેર કરેલા ડેટા અનુસાર, આ વર્ષે લસણનો ફક્ત 58% જ પાક થયો છે.
આ ડેટા મુજબ, છેલ્લાં 3 વર્ષમાં લસણનું સરેરાશ ઉત્પાદન 21,111 હેક્ટરમાં ફેલાયું હતું. ગયા વર્ષે આ ઉત્પાદન 18,698 હેક્ટર પૂરતું જ થયું હતું. જ્યારે ચાલુ વર્ષે આ ઉત્પાદન ઘટીને 12,264 હેક્ટરમાં જ હતું.
ઉત્પાદનના બગાડના લીધે ખેડૂતોને નુકસાન છે, પણ ભાવ વધી જવાથી ખેડૂતો ખુશ છે.
લસણની ખેતી કરતા વેપારી સુનિલભાઈ કહે છે, "શરૂઆતમાં તો લસણનો ભાવ ઓછો જ હતો પરંતુ હવે સારો ભાવ મળી રહ્યો છે. ગયા વર્ષે ખેડૂતને 20 મણના માત્ર 500 રૂપિયા મળ્યા હતા જેનો ભાવ આ વર્ષે 2,500થી 3,000 થયો છે.
રોજકોટના તરઘડી જિલ્લાના રમેશભાઈ પટેલ લસણની ખેતી કરે છે. તે કહે છે કે, "લસણનો ભાવ ત્યારે વધે છે જયારે એનો જથ્થો બજારમાં ઓછી માત્રામાં હોય. જ્યારે ખેડૂત લસણની લણણી કરે ત્યારે લસણ બજારમાં પર્યાપ્ત માત્રામાં હોય છે. નાના ખેડૂતો પાસે ગોડાઉનની સુવિધા હોતી નથી અને તેથી તે બધો જથ્થો વેપારીને વહેચી દે છે. તેથી જયારે બજારમાં જથ્થો ઓછો થાય ત્યારે તે વેપારીને નફો થાય છે, આ નફો ખેડૂતોને તો ભાગ્યે જ મળે છે."
તેમણે વધુમાં કહ્યું, "અમુક મોટા ખેડૂતો જેમની પાસે જથ્થો 7-8 મહિના સાચવવાની સુવિધા હોય તેઓ બજારમાં ભાવ વધે ત્યારે તેમની પાસે સંગ્રહ કરી રાખેલું લસણ વેચીને નફો કરે છે. અત્યારે પણ એવા મોટા ખેડૂતોને અને વેપારીઓને નફો થયો હશે."
પરંતુ અમદાવાદના લસણના વેપારી અશોકભાઈ કહે છે કે, "જો ભાવ ઓછા હોય તો ગ્રાહક મોટી માત્રામાં લે છે અને ભાવ વધારે હોય તો તે ચીવટથી ખરીદે છે. એટલે ખાસ નફો નથી થતો. ઓછા ભાવમાં અમારે થોડો વધુ નફો થવાની શક્યતા વધારે રહે છે."
ભાવ બમણા થઈ જવાથી ગૃહિણીઓ વધુ પરેશાન છે. અમદાવાદનાં શકુન્તલાબેન સોલંકી કહે છે, "ડુંગળીનો ભાવ છેલ્લા છ મહિનાથી વધી રહ્યો છે. મારે એક ચોક્કસ રકમમાં ઘર ચલાવવાનું હોય છે અને રસોડામાં દરરોજ વપરાતી વસ્તુઓના ભાવ વધી જવાથી, મારા બધા પૈસા આમાં જ જતા રહે છે. હું પહેલાની જેમ કિલો-કિલો લસણ નથી લેતી. હવે ઓછું ખરીદું છું. હું આજકાલ લસણ ઓછી માત્રામાં ખરીદું છું પણ પછી મારે વારંવાર ખરીદવું પડે છે. ડુંગળી, ટામેટાં બધાના ભાવ વધી ગયા છે એટલે અમારે તો શું ખાવાનું?"
લસણનો ભાવ ક્યારે ઘટશે?
રાજકોટ એપીએમસીના સેક્રેટરી બી. આર. તેજાની બીબીસી સાથે વાત કરતા કહે છે કે, "લસણની કિંમત તેની ઉચ્ચતમ સીમાએ પહોંચી ગઈ છે. તેથી હવે તેનો ભાવ વધવાની શક્યતા ઓછી છે."
"પરંતુ નવો સ્ટોક આવતા હજી બે મહિના લાગશે, ત્યાં સુધી ભાવ યથાવત્ રહેશે, પછી ઊતરશે."
તે વધુમાં જણાવે છે કે, "લસણ અથવા ડુંગળી એવી વસ્તુ છે કે, ભાવ ગમે તેટલો વધારે હોય પણ તે જીવન જરૂરિયાતની વસ્તુ હોવાથી તેને ખરીદવું તો પડે જ. તેથી તેની ખરીદી પર કોઈ અસર થઈ નથી."
ગુજરાતમાં લસણનું ઉત્પાદન સૌથી વધારે ક્યાં થાય છે?
ભારતમાં લસણનું સૌથી વધારે ઉત્પાદન મધ્ય પ્રદેશમાં થાય છે. જે દેશનું 63.4% લસણનું ઉત્પાદન કરે છે અને ગુજરાત ચૌથા નંબરનું સૌથી વધારે લસણ ઉત્પાદન કરતું રાજ્ય છે.
લસણનું મુખ્યત્વે સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર ગુજરાત અને થોડુંક મધ્ય ગુજરાતમાં પણ ઉત્પાદન થાય છે.
લસણના આ બધા મુખ્ય ઉત્પાદક વિસ્તારોમાં આ વર્ષે કમોસમી વરસાદ, કાળઝાળ ગરમી અને ઓછી ઠંડી રહી છે અને તેથી ઉત્પાદન ઘટ્યું છે.
ગુજરાતમાં લસણની વાવણી રવિ અને ખરીફ, એમ બંને કૃષિચક્રમાં થાય છે. ખરીફ ઋતુમાં જૂન-જુલાઈમાં તેની વાવણી થાય છે અને ઑક્ટોબર નવેમ્બરમાં લણણી અને રવિ ઋતુમાં, સપ્ટેમ્બર-નવેમ્બરમાં વાવણી થાય છે અને માર્ચમાં લણણી.