You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બિહાર : બે બાહુબલિ વચ્ચે ગૅંગવૉર ક્યારે શરૂ થઈ, વારેતહેવારે થતી હત્યાઓ અને લોહિયાળ જંગની કહાણી
- લેેખક, રજનીશકુમાર
- પદ, બીબીસી સંવાદદાતા
મોકામાથી જનસુરાજ પાર્ટીના ઉમેદવાર પીયૂષ પ્રિયદર્શીના સમર્થક દુલારચંદ યાદવની હત્યા અને જેડીયુના બાહુબલી નેતા અનંતસિંહની ધરપકડ થયા પછી આ વિસ્તારમાં ચૂંટણી પર તેની અસરોની ચર્ચાઓનું બજાર ગરમ છે.
જોકે, મોકામાના લોકો અવારનવાર આવી હત્યાઓ અને વિવાદો જોતા આવ્યા છે, તેમ છતાં મોકામામાં રાજકીય રીતે મોટું પરિવર્તન નથી થયું. 2005માં, મોકામામાં વિવાદ અને હિંસાની ઘણી ઘટનાઓ બન્યા છતાં, અનંતસિંહને કોઈ હરાવી ન શક્યું.
દુલારચંદ યાદવની હત્યા થઈ હતી. દુલારચંદ પણ બાઢ તાલુકાના ટાલ ક્ષેત્રના બાહુબલી નેતા હતા અને તેમના પર હત્યાના ઘણા ગંભીર કેસ ચાલી રહ્યા હતા.
દુલારચંદ યાદવની હત્યા પછી આ વિસ્તારમાં તણાવ હતો અને ઉજળિયાત વિરુદ્ધ પછાતની ચર્ચાઓ થવા લાગી હતી. ત્યાર બાદ પટના પોલીસે બાઢ શહેરના બેઢના ગામમાંથી અનંતસિંહની તેમના જ કારગિલ માર્કેટમાંથી ધરપકડ કરી હતી.
અનંતસિંહ કારગિલ માર્કેટની ઇમારતમાં રહે છે. જ્યારે અનંતસિંહની ધરપકડ થઈ ત્યારે તેમના સમર્થક સંદીપકુમાર ત્યાં હાજર હતા.
અનંતસિંહ કારગિલ માર્કેટની ઇમારતમાં રહે છે. જ્યારે અનંતસિંહની ધરપકડ થઈ ત્યારે તેમના સમર્થક સંદીપકુમાર ત્યાં હાજર હતા.
સંદીપે બીબીસીને કહ્યું, "રાત્રે સાડા બાર વાગ્યે પટના પોલીસ આવેલી અને ધારાસભ્યજીને પોતાની સાથે લઈ ગઈ. ચૂંટણીને ઉજળિયાત વિરુદ્ધ પછાત કરવાની કોશિશ કરવામાં આવી રહી છે, પરંતુ એવું નથી થવાનું. અનંતસિંહ મોકામામાં દરેક જાતિના હીરો છે. સૂરજભાણસિંહ ભલે ગમે તેટલી કોશિશ કરે, તેનાથી કશુંય થવાનું નથી."
વીણાદેવી આ વિસ્તારના બાહુબલી નેતા સૂરજભાણસિંહનાં પત્ની છે અને તેમને પણ રાષ્ટ્રીય જનતા દળનાં મોકામા સીટનાં ઉમેદવાર બનાવાયાં છે. મોકામાથી અનંતસિંહનાં પત્ની નીલમદેવી ધારાસભ્ય છે, પરંતુ આ વખતે અનંતસિંહ પોતે ચૂંટણીમેદાનમાં છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અનંતસિંહ વિરુદ્ધ સૂરજભાણસિંહ
અનંતસિંહના કારગિલ બાજારનું કૅમ્પસ ખૂબ મોટું છે, ત્યાં દુકાનો પણ છે અને લોકો રહે પણ છે. અનંતસિંહ પણ રાજકારણમાં આવ્યા પછીથી અહીં રહે છે.
અમે રવિવારે બપોરે અહીં પહોંચ્યા ત્યારે અનંતસિંહના સમર્થક બાલ્કનીમાં આવી ગયા. અનંતસિંહની ઑફિસ પણ અહીં છે અને લોકો છઠ્ઠી નવેમ્બરે થનારા મતદાન માટે જોરશોરથી તૈયારી કરતા જોવા મળ્યા.
તેમના સમર્થકોમાં સહેજે ઉચાટ જોવા ન મળ્યો. તેમને જોયા પછી એવું લાગતું હતું કે બધું સામાન્ય છે.
તેમની ઑફિસમાં કામ કરતા રાજીવરંજને કહ્યું, "સૂરજભાણસિંહ ગમે તેટલા પ્રયત્નો કરી લે, તેનાથી કશુંય થવાનું નથી."
મોકામા ભૂમિહારોનો પ્રભાવ ધરાવતો વિસ્તાર છે. સૂરજભાણસિંહ અને અનંતસિંહ બંને આ જ જાતિના છે.
જનસુરાજમાંથી પીયૂષ પ્રિયદર્શી છે, જે ધાનુક જાતિના છે. એ દૃષ્ટિએ આ લડાઈ માત્ર ભૂમિહારોના મતોને અંકે કરવાની નહીં, પરંતુ બિનયાદવ ઓબીસી અને દલિત મતો મેળવવાની પણ છે.
બાઢના સ્થાનિક પત્રકાર સત્યનારાયણ ચતુર્વેદી કહે છે, "અનંતસિંહની ધરપકડ પછી ભૂમિહારોના મોટા ભાગના મત તેમને જ મળશે. સૂરજભાણસિંહ આરજેડીમાંથી છે, એને જોતાં તેઓ આશા રાખે છે કે યાદવોના મત તેમને મળે."
"યાદવો માટે એક સવાલ એ પણ હોઈ શકે કે શું સૂરજભાણસિંહ અનંતસિંહને હરાવી શકે છે? એ સ્થિતિમાં પીયૂષ પ્રિયદર્શી એક વિકલ્પ બને છે. તેમની સાથે ધાનુક મતદારો છે, જેમની સંખ્યા ઘણી વધુ છે. વધુ મહત્ત્વનો સવાલ એ છે કે પીયૂષને તેનો કેટલો ફાયદો થશે?"
કાફલા એકબીજાની સામે આવ્યા ત્યારે શું થયું?
પોલીસ અનુસાર, ગયા અઠવાડિયે ગુરુવારે અનંતસિંહ ચૂંટણીપ્રચાર માટે તારતર ગામ ગયા હતા. દુલારચંદનું વતન પણ તારતર જ છે. ઘોસવરી પ્રખંડના પ્રમુખ આ જ ગામના છે અને તેમના ત્યાં જ અનંતસિંહ આવ્યા હતા. આ જ ગામમાંથી અનંતસિંહનો કાફલો નીકળ્યો હતો.
જન સુરાજના ઉમેદવાર પીયૂષ પ્રિયદર્શીએ કહ્યું, "મારો કાફલો બસાવનચક ગામથી આવી રહ્યો હતો. મારી સાથે દુલારચંદ યાદવ પણ હતા. આ મોકામા વિધાનસભા ક્ષેત્રનો ટાલ વિસ્તાર છે. તારતર અને બસાવનચક ગામની વચ્ચે બંનેના કાફલાની અથડામણ થઈ."
અનંતસિંહની ધરપકડ પછી પટનાના એસએસપી કાર્તિકેય શર્માએ પ્રેસ કૉન્ફરન્સમાં કહેલું, "દુલારચંદની હત્યા જ્યાં થઈ, ત્યાં અનંતસિંહ હાજર હતા. અનંતસિંહ આ કેસના મુખ્ય આરોપી છે. તેમની સાથે નદાવાં ગામના મણિકાંત ઠાકુર અને રંજિતરામની પણ ધરપકડ કરવામાં આવી છે."
"દુલારચંદના પોસ્ટમોર્ટમ રિપોર્ટ અનુસાર હૃદય અને ફેફસામાં ઊંડા ઘાના કારણે મૃત્યુ થયું છે. ઉપરાંત, પગમાં ગોળી પણ મારવામાં આવી હતી."
અમે સાંજે જ્યારે ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે રોડ પર તોફાન થયાનાં ચિહ્નો હતાં—તૂટેલા કાચ અને ક્યાંક ક્યાંક લોહીના ડાઘ. અમે પહોંચ્યા ત્યારે પહેલાંથી ત્યાં એક સ્થાનિક વ્યક્તિ હાજર હતા.
નામ જાહેર ન કરવાની શરતે તેમણે કહ્યું, "મતદાનના થોડાક દિવસ પહેલાં આ બધું થયું. દેખીતું છે કે આ માત્ર સંયોગ નથી. અનંતસિંહ અને દુલારચંદના કાફલા એકબીજાની સામે આવવા એ પણ માત્ર સંયોગ નથી. તારતર દુલારચંદનું ગામ છે. એ દૃષ્ટિએ, તેમને ખબર હશે કે અનંતસિંહ એ ગામમાં છે."
"બે બાહુબલીઓ વચ્ચે પીયૂષ ચૂંટણી લડે છે એ દર્શાવે છે કે તેઓ કોઈનાથી નથી ડરતા. પીયૂષ અગાઉ પણ ચૂંટણી લડી ચૂક્યા છે. ભૂમિહારો પછી ધાનુકોની સંખ્યા ઘણી છે. ધાનુક તેમની સાથે પણ છે. પરંતુ, તેઓ માત્ર ધાનુકોના પીઠબળે ચૂંટણી ન જીતી શકે."
જે ક્યારેક સાથે હતા, કઈ રીતે દૂર થયા
દુલારચંદ રાષ્ટ્રીય જનતા દળમાં છે, પરંતુ આ વખતે પીયૂષ પ્રિયદર્શીને સમર્થન આપ્યું હતું.
દુલારચંદના પૌત્ર નીરજ યાદવે આરોપ કર્યો છે કે આ ઘટનાને નવી જાતીય દિશા આપવા માટે અનંતસિંહની સાથે રંજિતરામ અને મણિકાંત ઠાકુરની ધરપકડ કરવામાં આવી છે.
નીરજે આરોપ કર્યો કે, "ગૂંચવી દેવા માટે એવું કરવામાં આવ્યું કે તેમાં દલિત પણ સામેલ હતા. અમે જે એફઆઇઆર નોંધાવી છે, તેમાં અનંતસિંહના જે પાંચ સહયોગીઓનાં નામ આપ્યાં હતાં, તેમાંથી કોઈની પણ ધરપકડ કરવામાં નથી આવી."
એવું નથી કે અનંતસિંહ અને દુલારચંદ યાદવ વચ્ચે પહેલાંથી જ દુશ્મનાવટ હતી. 2022ની પેટાચૂંટણીમાં અનંતસિંહનાં પત્ની નીલમદેવી મોકામાથી રાષ્ટ્રીય જનતા દળનાં ઉમેદવાર હતાં અને દુલારચંદ યાદવે તેમને સમર્થન આપ્યું હતું.
સ્થાનિક પત્રકારે જણાવ્યું કે, 2024ની લોકસભા ચૂંટણી દરમિયાન બંને વચ્ચેનું અંતર વધવા લાગ્યું હતું.
આરજેડીએ ગૅંગસ્ટર રહેલા અશોક મહતોનાં પત્ની કુમારી અનિતાને 2024ની લોકસભા ચૂંટણીમાં મુંગેરથી ઉમેદવાર બનાવ્યાં હતાં. કુમારી અનિતાની સામે જેડીયુના લલનસિંહ ઉમેદવાર હતા.
અનંતસિંહ લલનસિંહને સમર્થન આપતા હતા અને દુલારચંદ યાદવ કુમારી અનિતાને. સ્થાનિક પત્રકારોનું કહેવું છે કે આ જ ચૂંટણીમાં દુલારચંદ યાદવ અને અનંતસિંહ વચ્ચે કડવાશ વધી ગઈ.
દુલારચંદ યાદવના પૌત્ર નીરજે પોતાના દાદાની હત્યાનો સીધો આરોપ અનંતસિંહ પર કર્યો છે. જ્યારે અનંતસિંહે આ હત્યાનો આરોપ સૂરજભાણસિંહ પર કર્યો છે.
બીબીસીએ જ્યારે સૂરજભાણસિંહને અનંતસિંહના આરોપ વિશે પૂછ્યું ત્યારે તેઓ આ સવાલથી ઉશ્કેરાઈ ગયા અને કહ્યું કે 'આનો જવાબ જનતા આપશે'.
વીણાદેવીને પણ અમે પૂછ્યું; તો તેમણે કહ્યું કે જાઓ, અનંતસિંહને પૂછો, મને આ સવાલ ન પૂછો.
અનંતસિંહનું ચૂંટણીનું કામ સંભાળી રહેલા સંદીપકુમારે નીરજના આરોપને નકારી કાઢ્યા અને કહ્યું કે આ બાબતમાં તેમનો કોઈ હાથ નથી.
સૂરજભાણે રાજકીય દબદબો તોડ્યો હતો
અનંતસિંહની સાથે જે બે લોકોની ધરપકડ થઈ છે, તેઓ નદાવાં ગામના છે. નદાવાં અનંતસિંહનું વતન છે. નદાવાંમાં અમને રંજિતરામનાં પત્ની ગીતા પોતાના ઘરની બહાર રડતાં જોવા મળ્યાં.
ગીતાએ જણાવ્યું કે તેમને રવિવારે સવારે ખબર પડી કે તેમના પતિની ધરપકડ કરવામાં આવી છે.
ગીતાએ કહ્યું, "મારા પતિ અનંતસિંહ માટે જમવાનું બનાવતા હતા. તેમનો આ જ ગુનો છે. મને આશા છે કે ધારાસભ્યજી અમારી મદદ કરશે."
મણિકાંત ઠાકુરનાં પત્ની શોભા સાથે પણ અમારી મુલાકાત થઈ, પરંતુ અમે તેમને સવાલ પૂછ્યો તો તેઓ રડવા લાગ્યાં.
શોભાએ કહ્યું કે તેમના પતિ અનંતસિંહના વાળ અને દાઢી કાપવાનું કામ કરતા હતા અને એ જ તેમનો વાંક છે.
અમે જ્યારે નદાવાંમાં હતા, ત્યારે ટોળામાંના એક વ્યક્તિએ કહ્યું, "અનંતસિંહને જેલમાં પણ કોઈ સેવા કરવા માટે જોઈએ, તેથી બંનેને પોલીસ સાથે લઈ ગઈ છે."
મોકામા વિધાનસભા ક્ષેત્રમાં છેલ્લાં 35 વર્ષથી 58 વર્ષીય અનંતસિંહ અને તેમના પરિવારનો દબદબો છે.
સૂરજભાણસિંહે 2000ની બિહાર વિધાનસભા ચૂંટણીમાં અનંતસિંહના મોટાભાઈ દિલીપસિંહને મોકામાથી હરાવીને આ દબદબો તોડ્યો હતો.
એક સમયે સૂરજભાણસિંહ દિલીપસિંહની સાથે રહેતા હતા, પરંતુ 2000 પછી વસ્તુઓ ઝડપથી બદલાઈ ગઈ.
દિલીપસિંહ રાબડીદેવીની સરકારમાં મંત્રી પણ રહ્યા હતા. દિલીપસિંહ 1990 અને 1995માં મોકામા વિધાનસભા ક્ષેત્રથી ચૂંટણી જીત્યા હતા.
ત્યાર પછી 2005થી અનંતસિંહ મોકામાથી જીતી રહ્યા છે. આ દરમિયાન અનંતસિંહ જેડીયુ અને આરજેડીમાં પણ રહ્યા, અપક્ષ તરીકે પણ ચૂંટણી લડ્યા, પરંતુ કોઈ તેમને હરાવી શક્યા નહીં.
2020માં અનંતસિંહ આરજેડીની ટિકિટ પર મોકામાથી ધારાસભ્ય બન્યા હતા, પરંતુ આર્મ્સ ઍક્ટ કેસમાં તેમને અયોગ્ય જાહેર કરી દેવાયા હતા.
પોલીસ અનુસાર, તેમના ગામ નદાવાંમાંથી એકે-47 રાઇફલ, ગ્રેનેડ અને વિસ્ફોટક મળી આવ્યાં હતાં. આ કેસમાં અનંતસિંહ 2024માં છૂટી ગયા અને આ વર્ષની ચૂંટણીમાં જેડીયુએ તેમને ટિકિટ આપી.
આરજેડીએ સૂરજભાણસિંહનાં પત્ની વીણાદેવીને ઉમેદવાર બનાવ્યાં છે. સૂરજભાણસિંહ ચૂંટણી નથી લડી શકતા, કેમ કે તેમને 2008ના એક ખૂનકેસમાં દોષિત ઠરાવાયા હતા.
2004માં સૂરજભાણસિંહ બેગુસરાઈના બલિયાથી લોકસભા સાંસદ બન્યા હતા. ત્યાર પછી તેમનાં પત્ની વીણાદેવી 2014માં લોક જનશક્તિ પાર્ટીની ટિકિટ પર મુંગેર લોકસભા ક્ષેત્રથી ચૂંટણી જીત્યાં.
સૂરજભાણસિંહના નાનાભાઈ ચંદનસિંહ 2019માં નવાદાથી એલજેપીની ટિકિટ પર ધારાસભ્ય બન્યા. 2024માં સૂરજભાણસિંહ રાષ્ટ્રીય જનતા દળમાં આવી ગયા.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન