You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુસ્સામાં આપેલી ધમકીને કારણે પાંચ વર્ષ પહેલાં થયેલી દૃશ્યમ સ્ટાઇલની હત્યાનું 'રહસ્ય' ખૂલ્યું
- લેેખક, અલ્પેશ કરકરે
- પદ, બીબીસી મરાઠી માટે
નોંધ - આ અહેવાલના અમુક અંશ કેટલાક વાચકોને વિચલિત કરી શકે છે, પાઠકનો વિવેક અપેક્ષિત.
પોતાના ખોવાઈ ગયેલા દીકરાને શોધી કાઢવા માટે પરિવાર કોઈ ઈસમ ઉપર ભરોસો કરે અને ખબર પડે કે એ શખ્સે જ તેમના સગીર દીકરાની હત્યા કરી છે, તો એ પરિવાર ઉપર શું વીતે ?
કંઈક આવું જ ભિવંડીના એક પરિવાર સાથે થયું છે. આ ઘટનાની કંપાવનારી બાબત એ હતી કે આરોપીએ સગીરની હત્યા કર્યા બાદ તેનો મૃતદેહ દાટી દીધો હતો અને તેની ઉપર ફિલ્મ 'દૃશ્યમ'ની જેમ ફ્લૉરિંગ કરી દીધું હતું.
ગુલાબ ઉર્ફ રબ્બાની ગુલામ શેખની પાંચ વર્ષ અગાઉ થયેલી હત્યાના કેસમાં ધરપકડ કરવામાં આવી છે અને અદાલતમાં તેની સામે કેસ હાથ ધરવામાં આવ્યો છે.
ભિવંડી પોલીસ દ્વારા આરોપીની ધરપકડ બાદ ચોંકાવનારી વિગતો બહાર આવી છે. હવે, પોલીસે સમગ્ર ઘટનાક્રમ સાર્વજનિક કર્યો છે.
આરોપી મૌલવી ગુલામ શેખને સગીર બાળકો સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતો હોવાની જાણ અન્ય એક સગીરને થતાં તેણે મૌલવી ગુલામ શેખ પાસેથી પૈસા પડાવવાનું શરૂ કર્યું હતું, છેવટે આ વાત હત્યા સુધી પહોંચી હતી.
ભિવંડી પોલીસ અનુસાર તપાસમાં જાણવા મળ્યું છે કે કંટાળીને આરોપીએ સગીરની હત્યા કરી હતી.
વિશ્વાસમાં 'વિષ'નો વાસ
ભિવંડીના નવીબસ્તી નહેરુનગર વિસ્તારમાં રહેતો 16 વર્ષીય સલીમ (પીડિત સગીર હોવાથી તેનું નામ બદલેલું છે) તા. 20 નવેમ્બર, 2020થી અચાનક ગુમ થઈ ગયો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ અંગે પરિવારે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ભિવંડી પોલીસ તથા પરિવારે સલીમને શોધવા માટે તપાસ હાથ ધરી હતી, પરંતુ તેની કોઈ ભાળ મળી ન હતી.
દીકરો મળી આવે એ આશાએ પરિવારે પાડોશમાં રહેતા રબ્બાની ગુલામ શેખની મદદ લીધી હતી. જે મસ્જિદમાં કામ કરવા ઉપરાંત દુકાન પણ ચલાવતા.
મૌલવી દ્વારા પરિવારને આશ્વાસન આપવામાં આવતું, "તમારો દીકરો પરત ફરે તે માટે હું દુઆ કરીશ."
મૌલીવીની વાત સાંભળીને પરિવારે બકરીની કુર્બાની, દરગાહને ચાદર તથા અજમેર શરીફની જિયારત જેવાં કામો પણ કર્યાં.
આ બધું કરતી વખતે પીડિત પરિવારને જરા પણ અણસાર ન હતો કે તેઓ જે મૌલવી ગુલાબ ઉપર વિશ્વાસ મૂકી રહ્યા છે અને તેના કહ્યા મુજબ કરી રહ્યા છે, તે શખ્સ જ સલીમની હત્યાનો આરોપી નીકળશે.
પરિવારને ખબર ન હતી કે કથિત રીતે મૌલવી ગુલામે જ તેમના દીકરા સલીમની હત્યા કરીને પોતાની દુકાનની પાસે ખાડો ખોદીને તેમાં દાટી દીધો છે અને તેની ઉપર ફ્લૉરિંગ પણ કરી દીધું છે.
સલીમની હત્યા અને સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યનો આરોપ
કેસની વિગતો પ્રમાણે ગુલામ શેખની દુકાને એક સગીર છોકરો કામ કરતો હતો અને ગુલામ શેખ તેની સાથે કથિત રીતે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતો.
આ અંગે સલીમને ખબર પડી ગઈ હતી. આ વાત આસપાડોશમાં ફેલાય ન જાય તે માટે મૌલવી ગુલાબે મોઢું બંધ રાખવા માટે તેને પૈસા આપવાનું શરૂ કર્યું હતું. એટલું જ નહીં, ગુલામ શેખની દુકાનેથી મફતમાં માલ લઈ જવાનું પણ શરૂ કરી દીધું હતું.
પોલીસના કહેવા પ્રમાણે, સલીમની માગણીઓ દિવસે-દિવસે વધતી જતી હતી. બ્લૅકમેઇલિંગથી કંટાળી જઈને ગુલામ શેખે એક દિવસ સલીમને પોતાની દુકાને બોલાવ્યો હતો અને ગળું દબાવીને તેની હત્યા કરી નાખી હતી.
ત્યારબાદ તેની ઉપર હથિયારથી વાર પણ કર્યા હતા. એ પછી ગુલામ શેખે પોતાની દુકાન પાસે ખાડો ખોદીને તેમાં સલીમના મૃતદેહને માટી નાખીને દફનાવી દીધો હતો.
પોલીસના કહેવા પ્રમાણે, સલીમનો મૃતદેહ સાત-આઠ મહિના પછી બહાર આવવા લાગ્યો હતો, એટલે ગુલામ શેખે તેના કોહવાઈ ગયેલા મૃતદેહના કટકા કરી અમુક ભાગોને ફેંકી દીધા તથા બાકીનું શરીર ફરીથી દફનાવી દીધું.
ગુસ્સામાં ધમકી આપી અને રહસ્ય ખૂલ્યું
વર્ષ 2023માં ગુલામ શેખ ઉપર સગીર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવાનો આરોપ લાગ્યો હતો. ત્યારે મૃતકના પરિવારજનોને લાગ્યું હતું કે આ ઘટના અને સલીમના ગુમ થવા વચ્ચે કોઈ સંબંધ હોય શકે છે.
સલીમના પરિવારના કાને પણ આ પ્રકારની વાતો પડવા લાગી હતી. પરિવારને શંકા હતી કે ગુલામ શેખે જ તેમના દીકરા સલીમની હત્યા કરી છે. છેવટે, મૃતક સલીમના પરિવારજનોએ તેમની શંકા વિશે પોલીસને જાણ કરી હતી.
પોલીસ હત્યાના કેસમાં સંદિગ્ધની સામે તપાસ હાથ ધરે તે પહેલાં આરોપી ભિવંડીમાંથી ફરાર થઈ ગયો. એ પછી ગુલામ શેખે ઉત્તરાખંડના રુડકીમાં આશરો લીધો. આરોપીએ નામ બદલીને એક મસ્જિદમાં મૌલવી તરીકે કામ કરવાનું શરૂ કરી દીધું.
અહીં ગુલામ શેખની એક શખ્સ સાથે માથાકૂટ થઈ હતી, ત્યારે તેણે ધમકી આપી હતી, "તારા જેવાને તો મેં મારી નાખીને દફનાવી દીધા છે."
આ ધમકીથી ગભરાયેલા શખ્સે પોલીસ ફરિયાદ કરી હતી, જેથી પોલીસે તેની પૃષ્ઠભૂમિ ચકાસી હતી, જેના આધારે ભિવંડી પોલીસ દ્વારા વૉન્ટેડ હોવાનું બહાર આવ્યું હતું.
એ પછી ઉત્તારખંડમાંથી ગુલાબ ઉર્ફ રબ્બાની ગુલામ શેખની ઉત્તરાખંડમાંથી ધરપકડ કરવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન ગુલામ શેખે હત્યાની કબૂલાત આપી હતી, જેના આધારે ભિવંડીમાં ગુલામ શેખ જ્યાં રહેતો, ત્યાં તપાસ હાથ ધરવામાં આવી હતી.
દુકાન પાસે ખોદવામાં આવતા હાકડાં મળી આવ્યાં હતાં. જેને વધુ તપાસ માટે ફોરેન્સિક લૅબોરેટરીમાં મોકલી દેવાયાં હતાં.
સલીમના પરિવારજનોની માગ છે કે આરોપી મૌલવી ગુલામને મૃત્યુદંડ આપવામાં આવે.
સલીમનાં માતાએ મીડિયા સમક્ષ રોતાં-રોતાં કહ્યું, "મારો દીકરો નિર્દોષ હતો. અમને ખબર ન હતી કે અમારા દીકરાની નૃશંતાપૂર્વક હત્યા કરનારો અમારા ઘરની પાસે જ રહે છે. હવે, આરોપી પોલીસ કસ્ટડીમાં છે એટલે તેને કડકમાં કડક સજા મળવી જોઈએ."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન