કુણાલ કામરા મામલે પ્રથમ પ્રતિક્રિયામાં એકનાથ શિંદેએ બીબીસીને શું કહ્યું?

બીબીસી મરાઠીના કાર્યક્રમ 'રાષ્ટ્ર મહારાષ્ટ્ર'માં રાજ્યના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કુણાલ કામરા વિવાદ પર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, "અભિવ્યક્તિની સ્વતંત્રતા છે. અમે વ્યંગ સમજીએ છીએ. પરંતુ એક મર્યાદા હોવી જોઈએ. આ કોઈની વિરુદ્ધ બોલવાની 'સોપારી' લેવા જેવું છે."

તેમણે કહ્યું કે, "આ વ્યક્તિ (કુણાલ કામરા)એ ભારતના સર્વોચ્ચ ન્યાયતંત્ર, વડા પ્રધાન, અર્ણબ ગોસ્વામી અને કેટલાક ઉદ્યોગપતિઓની ટિપ્પણી કરી હતી. આ અભિવ્યક્તિની સ્વતંત્રતા નથી. આ કોઈના માટે કામ કરવા જેવું છે."

જોકે, એકનાથ શિંદેનું કહેવું છે કે તેઓ તોડફોડને યોગ્ય નથી માનતા. જ્યારે કુણાલ કામરાએ આ વિવાદ પર કહ્યું છે કે તેઓ માફી નહીં માંગે.

શિદેએ કહ્યું કે "મારે આના વિશે વધારે કંઈ નથી કહેવું. હું તોડફોડને યોગ્ય નથી માનતો. પરંતુ સામેની વ્યક્તિએ પણ એક સ્તર જાળવવું જોઈએ. નહીંતર પછી ક્રિયાની પ્રતિક્રિયા આવે છે. હું કોઈ વાત પર પ્રતિક્રિયા નથી આપતો અને ચૂપ રહીને લોકોને ન્યાય અપાવવા માટે કામ કરું છું."

કુણાલે તાજેતરમાં જ એક સ્ટેન્ડ-અપ કોમેડી શોમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેને કથિત રીતે 'ગદ્દાર' કહ્યા હતા.

આ શોનો વીડિયો યુટ્યૂબ પર પ્રસારિત થયા પછી શિવસેના (એકનાથ શિંદે જૂથ)એ રવિવારે સ્ટેન્ડ-અપ કૉમેડિયન કામરાની ધરપકડની માંગણી કરી હતી.

આ ઉપરાંત મુંબઈમાં જે જગ્યાએ આ શો થયો હતો ત્યાં શિવસેનાના કાર્યકરોએ તોડફોડ કરી હતી.

ઔરંગઝેબની કબર વિશે શિંદે શું બોલ્યા?

મુખ્ય મંત્રીની ગાદી અને ઔરંગઝેબના મકબરા વિશે વાત કરી

બીજી વખત મુખ્ય મંત્રી બનવાના સવાલ પર મહારાષ્ટ્રના નાયબ મુખ્ય મંત્રી એકનાથ શિંદેએ કહ્યું કે તેમની લડાઈ એ ખુરશી માટેની લડાઈ નથી.

તેમણે કહ્યું કે, "અમે બાળાસાહેબ ઠાકરેના વિચારો સાથે સમાધાન કરીને સત્તા છોડી દીધી. હું મંત્રી હતો. મારી સાથે આઠ મંત્રી આવ્યા. પછી હું મુખ્ય મંત્રી બની ગયો. મેં અઢી વર્ષ સુધી સખત મહેનત કરી."

ઔરંગઝેબની કબરના મુદ્દે એકનાથ શિંદેએ કહ્યું છે કે ઔરંગઝેબનું મહિમામંડન કરવું ન જોઈએ.

તેમણે કહ્યું કે, "આપણે માત્ર એટલું કહી શકીએ છીએ કે મહારાષ્ટ્ર પર કબ્જો કરવા આવેલા ઔરંગઝેબે અત્યાચાર અને અન્યાય કર્યો. છત્રપતિ સંભાજી મહારાજ પર અત્યાચાર કરનારનું મહિમામંડન થવું ન જોઈએ."

શિંદેનો દાવો છે કે સાચા દેશભક્ત મુસ્લિમો પણ તેનું મહિમામંડન નહીં કરે.

તેમણે કહ્યું, "બાળાસાહેબ સાચા અને દેશભક્ત મુસ્લિમોની વિરુદ્ધ ન હતા. પાકિસ્તાનની જીત પર ફટાકડા ફોડનારા મુસ્લિમો દેશના દુશ્મન છે."

"અમે વિકાસને મહત્ત્વ આપીએ છીએ. શું મુસલમાનોને અમારી યોજનાઓનો લાભ નથી મળતો? શું લાડલી બહેનોને તેનો ફાયદો નથી મળતો? કોઈ પણ વ્યક્તિ દેશની વિરુદ્ધ કામ કરે તે દેશના દુશ્મન છે. તેનો ધર્મ કયો છે તેનાથી કોઈ ફરક નથી પડતો."

કુણાલ કામરાએ શું કહ્યું ?

પોતાના કાર્યક્રમની સામગ્રીને કારણે કાર્યક્રમના સ્થળે શિવસેનાના કાર્યકર્તાઓ દ્વારા થયેલી તોડફોડ અને ત્યારબાદ થયેલા વિવાદ વિશે કુણાલ કામરાએ એક નિવેદન જાહેર કર્યું છે.

આ નિવેદનમાં તેમણે કહ્યું, "મનોરંજનનું સ્થળ એ માત્ર એક મંચ હોય છે. એક એવી જગ્યા હોય છે જ્યાં દરેક પ્રકારના શો થાય છે. હેબિટેટ (કે બીજું કોઈ સ્થળ) મારી કૉમેડી માટે જવાબદાર નથી. હું શું કહીશ કે કરીશ તેના ઉપર તેમનું કોઈ નિયંત્રણ કે અધિકાર નથી હોતો."

તેમણે કહ્યું, "કોઈ કૉમેડિયનના શબ્દો માટે કોઈ સ્થળ પર હુમલો કરવો એ તમને પિરસવામાં આવેલું બટર ચિકન પસંદ ન આવવાથી ટામેટાં ભરેલા ટ્રકને ઉથલાવી દેવા જેવું વાહિયાત કામ છે."

કુણાલ કામરાએ કહ્યું કે તેઓ કોર્ટ અને પોલીસની સાથે સહયોગ કરશે. પરંતુ તેમણે સવાલ કર્યો કે શું એવા લોકોને પણ કાયદો સમાન રીતે લાગુ થશે જેમણે એક મજાકથી નારાજ થઈને તોડફોડ કરવાને એક યોગ્ય પ્રતિક્રિયા માની લીધી છે?

કામરાએ માફી માંગવાનો ઈનકાર કરતા કહ્યું કે "મેં જે કંઈ કહ્યું તે અગાઉ અજિત પવાર (અગાઉના નાયબ મુખ્યમંત્રી)એ એકનાથ શિંદે (બીજા નાયબ મુખ્યમંત્રી) વિશે કહ્યું હતું."

આખો વિવાદ શું છે?

કુણાલ કામરાએ પોતાના શોમાં ફિલ્મ 'દિલ તો પાગલ હૈ'નું પેરોડી ગીત ગાયું હતું. આ ગીતમાં 2022 દરમિયાન શિવસેનામાં વિભાજનનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

કામરાએ આ ગીતમાં ગદ્દાર શબ્દનો ઉપયોગ કર્યો હતો, જેને એકનાથ શિંદે માટે એક ગાળી તરીકે જોવામાં આવે છે. જોકે, કુણાલ કામરાએ એકનાથ શિંદેનું નામ લીધું ન હતું.

રવિવારે વીડિયો બહાર આવ્યા પછી શિવસેના (શિંદે જૂથ)ના કાર્યકરો ભડક્યા અને તેમણે આકરી પ્રતિક્રિયા આપી. જે જગ્યાએ કામરાનો શો શૂટ થયો હતો ત્યાં શિવસૈનિકોએ તોડફોડ કરી.

શિવસેના (શિંદે જૂથ)ના ધારાસભ્ય મુરજી પટેલે કુણાલ કામરા વિરુદ્ધ આ મામલે એફઆઈઆર દાખલ કરાવી છે. આ ઉપરાંત તેમની ધરપકડ કરવાની પણ માંગણી કરવામાં આવી છે.

શિવસેનાના સાંસદ નરેશ મ્હસ્કેએ એક વીડિયો સંદેશ દ્વારા કુણાલ કામરાને ધમકી આપી છે.

તેમણે કહ્યું કે, તમને મહારાષ્ટ્ર જ નહીં પણ હિંદુસ્તાનમાં ક્યાંય ઘૂમવા નહીં દઈએ. શિવસૈનિકો પાછળ પડી જશે ત્યારે ભારત છોડીને ભાગવું પડશે."

ઉદ્ધવ ઠાકરેએ શું કહ્યું?

શિવસેના (યુબીટી)ના પ્રમુખ અને નેતા ઉદ્ધવ ઠાકરેએ પણ આ મામલે પ્રતિક્રિયા આપી છે.

ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, "મને નથી લાગતું કે કુણાલ કામરાએ કંઈ ખોટું કહ્યું છે. દેશદ્રોહીઓને ગદ્દાર કહેવા એ કોઈના પર હુમલો કરવાની વાત નથી. તમે આખું ગીત સાંભળો (કુણાલ કામરાએ તેના શોમાં કટાક્ષ કરીને ગીત ગાયું હતું) અને જો તમારી પાસે હોય તો તેને વગાડો."

તેમણે કહ્યું કે, "આ હુમલા સાથે શિવસેનાનો કોઈ સંબંધ નથી. આ હુમલો ગદ્દાર સેનાએ કર્યો છે, જેના લોહીમાં ગદ્દારી છે. તેઓ શિવસૈનિક ન હોઈ શકે."

સોમવારે બીબીસી મરાઠી કાર્યક્રમ 'રાષ્ટ્ર મહારાષ્ટ્ર'માં શિવસેના (યુબીટી)ના નેતા આદિત્ય ઠાકરેએ કૉમેડિયન કુણાલ કામરાના શોને લઈને ચાલી રહેલા વિવાદ પર નિવેદન આપ્યું હતું.

આદિત્ય ઠાકરેએ કહ્યું, "ગઈકાલે જે કંઈ થયું તે સ્વાભાવિક ન હતું. તેમને શા માટે વાંધો પડ્યો? તેમાં કોઈનું નામ લેવામાં આવ્યું નથી. કામરાની કવિતામાં 'ગદ્દાર' કહેવામાં આવ્યું હતું... આ પછી શિંદેના સમર્થકોએ પ્રતિક્રિયા આપી હતી."

તેમણે કહ્યું, "મને લાગે છે કે મુખ્યમંત્રી પરિસ્થિતિને નિયંત્રિત કરવામાં સક્ષમ નથી તે બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તેઓ તોફાનો ભડકાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ એ જ લોકો છે જેઓ ત્યાં ગયા હતા અને સ્ટુડિયોમાં તોડફોડ કરી હતી."

સંજય રાઉતે એક્સ પર લખ્યું છે., "કુણાલ કામરા એક જાણીતા લેખક અને સ્ટેન્ડ-અપ કૉમેડિયન છે. કુણાલે જ્યારે મહારાષ્ટ્રની રાજનીતિ પર વ્યંગાત્મક ગીત લખ્યું, ત્યારે શિંદે ગેંગ ગુસ્સે થઈ ગઈ. તેમના લોકોએ કામરાનો સ્ટુડિયો તોડી નાખ્યો. દેવેન્દ્ર જી, તમે નબળા ગૃહમંત્રી છો."

શું તમારે ફરીથી મુખ્ય મંત્રી બનવું છે?

શું તમે ફરીથી મુખ્ય મંત્રી બનવા માંગો છો તેવા સવાલ પર એકનાથ શિંદેએ કહ્યું, "મને હોદ્દાનો મોહ નથી. અમારી લડાઈ ખુરશી માટે નથી. અમારો સંઘર્ષ સામાન્ય લોકોની સમસ્યાઓ દૂર કરવાનો અને પ્રશ્નોને ઉકેલવાનો છે."

તેમણે કહ્યું કે, "હું જે ભૂમિકામાં છું તે મુજબ જ કામ કરું છું. રાજનીતિમાં જો અને તો માટે કોઈ સ્થાન નથી. જે વ્યક્તિ કામ કરે છે, તેના માટે કોઈ પદ મહત્ત્વ નથી ધરાવતું."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.