You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કુણાલ કામરા : વિવાદિત બનેલા આ સ્ટેન્ડ અપ કૉમેડિયન કોણ છે?
સ્ટેન્ડ અપ કૉમેડિયન કુણાલ કામરાએ અર્ણવ ગોસ્વામી કેસમાં સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા તેને લઈને એક પછી એક ટ્વીટ કર્યાં જેનો વિવાદ થયો છે.
ભારતની સુપ્રીમ કોર્ટની વિરુદ્ધમાં કરેલાં વિવાદિત ટ્વીટને લઈને તેમની પર અદાલતની અવમાનનાનો કેસ નોંધવામાં આવ્યો છે.
જોકે, એ પછી પણ 13 નવેમ્બરે તેમણે ટ્વીટ કર્યું હતું કે તે પોતાનું સ્ટેન્ડ બદલશે નહીં, તેઓ કોઈ દંડ ચૂકવશે નહીં અને તેઓ માફી પણ માગશે નહીં. તેમણે ઍટર્ની જનરલ કે. કે. વેણુગોપાલને પણ એક પત્ર લખ્યો છે.
કોણ છે કુણાલ કામરા?
મુંબઈના કુણાલ કામરા આજે જાણીતા સ્ટેન્ડ-અપ કૉમેડિયન છે, પરંતુ તેમના કૅરિયરની શરૂઆત એક ઍડવર્ટાઇઝમેન્ટ એજન્સીમાં પ્રોડક્ટ આસિસટન્ટ તરીકે થઈ હતી.
ઍડવર્ટાઇઝમેન્ટ ઇન્ડસ્ટ્રી સાથે 11 વર્ષ સુધી કામ કર્યા પછી, કુણાલે સ્ટેન્ડ અપ કૉમેડિયન તરીકે પોતાના કૅરિયરની શરૂઆત કરી. 2013માં તેમણે પહેલો શો કર્યો.
2017માં તેમણે રોહિત વર્માની સાથે મળીને ‘શટ અપ યા કુણાલ’ નામના પૉડકાસ્ટ શોની શરૂઆત કરી. આ કાર્યક્રમમાં કુણાલ રાજકીય આગેવાનો, સામાજિક કાર્યકરો અને અન્ય ક્ષેત્રોની પ્રખ્યાત હસ્તીઓ સાથે અનૌપચારિક ચર્ચા કરે છે.
‘શટ અપ યા કુણાલ’ની પહેલી સિઝનની શરૂઆત ભાજપના યુથ વિંગના તત્કાલીન ઉપ-પ્રમુખ મધુકિશ્વર દેસાઈના ઇન્ટરવ્યૂથી થઈ હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પહેલી સિઝનમાં રવીશ કુમાર, લેખક અને ગીતકાર જાવેદ અખતર, અસદુદ્દીન ઔવેસી, અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદીયા, મિલિંદ દેવરા, જિજ્ઞેશ મેવાણી, સચિન પાયલટ, પ્રિયંકા ચતુર્વેદી, કન્હૈયા કુમાર અને ઉમર ખાલિદે ભાગ લીધો હતો.
બીજી સિઝનમાં કુણાલ કામરાએ સંજય રાઉતને આમંત્રણ આપતા પહેલાં રાજ ઠાકરેને આમંત્રણ આપ્યું હતું.
થોડાક મહિનાઓ પહેલાં તેમણે રાજ ઠાકરેને હાથેથી લખેલાં પત્રને ટ્વીટ કર્યો હતો, “મેં શોધખોળ કરી છે અને મને જાણવા મળ્યું છે કે તમે કીર્તિ કૉલેજની બહારના વડાપાઉના શોખીન છો, અહીં હું તમને તમારી પસંદગીની વસ્તુની લાંચ આપું છું જેથી કરીને તમે થોડો સમય કાઢીને મારા પોડકાસ્ટ ‘શટ અપ યા કુણાલ’ પર આવો.”
કુણાલ કામરા અને રાજકીય સ્ટેન્ડ
કુણાલ કામરા પોતાના રાજકીય સ્ટેન્ડ માટે ચર્ચાનું કેન્દ્ર બનતા હોય છે. તેમની કેટલીક સોશિયલ મીડિયા પોસ્ટના કારણે વિવાદ ઊભો થયો છે.
વર્ષ 2018માં તેમણે ટ્વિટર એકાઉન્ટ ડિલીટ કર્યું હતું. કારણ કે તેમના મુસ્લિમ, શીખ અને મધર ટેરેસા અંગે કરેલાં કેટલાંક ટ્વીટ વાઇરલ થઈ ગયા હતા. આ સમયે તેમને પોતાનું મુંબઈનું ઘર પણ છોડી દેવું પડ્યું હતું.
વર્ષ 2019માં કુણાલ કામરાના કાર્યક્રમના બે શો રદ્દ કરવામાં આવ્યા હતા. કેટલાંક લોકોએ ધમકી આપી હતી કે જો કાર્યક્રમ યોજ્યો તો તે સ્થળે તોડફોડ કરવામાં આવશે.
કુણાલ કામરા અને અર્ણવ ગોસ્વામી વિવાદ
આ વર્ષના જાન્યુઆરીમાં આ ઘટના બની હતી. કુણાલ કામરા અને પત્રકાર અર્ણવ ગોસ્વામી એક જ વિમાનમાં સાથે મુસાફરી કરતા હતા.
આ મુસાફરીમાં કુણાલ કામરાએ અર્ણવ ગોસ્વામીને કેટલાંક પ્રશ્નો પૂછ્યાં. પરંતુ ગોસ્વામીએ તેમની સામે ન જોયું અને પોતાના લૅપટૉપમાં જોતા રહ્યા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાઇરલ થયો.
એ વીડિયોમાં, કુણાલે અર્ણવને બીકણ કહ્યા હતા.
“હું અર્ણવ ગોસ્વામીને તેમના પત્રકારત્વ વિશે પ્રશ્ન કરવા માંગુ છું. પરંતુ, તેમણે મારી ધારણા પ્રમાણે જવાબ ન આપ્યા. તેઓ મારા સવાલોના જવાબ આપવા પણ માગતા ન હતા. દર્શકો જાણવા માગે છે કે અર્ણવ ગોસ્વામી બીકણ છે કે રાષ્ટ્રવાદી છે.”
કુણાલે પોતે પોતાના ટ્વિટર હૅન્ડલ પરથી આ વીડિયો શેર કર્યો અને કહ્યું કે તેમણે આ તેના હીરો રોહિત વેમુલા માટે કર્યું.
આ વીડિયો પછી અનેક ચર્ચાઓ ચાલી. આ ઘટના પછી ઇન્ડિગો ઍરલાઇન્સે કુણાલ કામરા પર છ મહિના માટે પ્રતિબંધ મૂક્યો.
જાહેર સેક્ટર કંપની ઍર ઇન્ડિયા અને બીજી ખાનગી કંપની સ્પાઇસ જેટે પણ કુણાલ કામરા પર તેમની ફ્લાઇટમાં મુસાફરી કરવા પર પ્રતિબંધ મૂક્યો.
શશી થરૂરને આપ્યું કૉમેડીનું શિક્ષણ
વર્ષ 2019માં કુણાલ કામરાએ કૉંગ્રેસ નેતા શશી થરૂરને કૉમેડીના કાર્યક્રમ કરવા માટે શિક્ષણ આપ્યું હતું. તેમને ઍમેઝોન પ્રાઇમના શો વન માઇક સ્ટેન્ડમાં પર્ફોમ કરવા માટે કેટલીક ટિપ્સ આપી હતી.
ઍક્ટ્રેસ તાપસી પન્નુ અને રીચા ચડ્ઢાએ પણ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો