નકલી ડીવાયએસપી બનીને ફરતી 'નિશા વોહરા' કેવી રીતે પોલીસના સકંજામાં આવી?

    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

ગુજરાતમાં 'નકલી તરીકે પકડાતી વ્યક્તિઓ'માં એકનો ઉમેરો થયો છે. પીએમઓના નકલી અધિકારી, સીએમઓના નકલી અધિકારી, પોલીસમાં નકલી કાગળોથી તાલીમ લેવા ગયેલો પીએસઆઈ, નકલી જજ જેવી ઘટનાઓ બાદ હવે એક નકલી ડીવાયએસપીની ધરપકડ કરવામાં આવી છે.

સોજિત્રાનાં નિશા વોહરાની પોલીસે ડીવાએસપીની નકલી ઓળખ ધારણ કરવા બદલ ધરપકડ કરી છે.

નિશા વોહરાએ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં ડીવાયએસપીનો હોદ્દો ધરાવતાં હોવાનો પ્રચાર કર્યો અને તે કારણે તેમને અલગ-અલગ સંસ્થાઓ દ્વારા સન્માનિત પણ કરવામાં આવ્યાં હતાં.

એટલું જ નહીં સોજિત્રાના ભાજપના ધારાસભ્યના માધ્યમથી મુખ્ય મંત્રી સુધી પહોંચીને તેમણે મુખ્ય મંત્રી સાથેની મુલાકાતના ફોટોગ્રાફ્સ પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થયા હતા.

આ સમગ્ર ઘટનાક્રમમાં સોજિત્રામાં બદલી થઈને આવેલા પોલીસ ઇન્સ્પેક્ટરને પ્રશ્ન થયો કે ગ્રૅજ્યુએટ થયા પછી બે વર્ષની ટ્રેનિંગ હોય તો પણ 24 વર્ષની યુવતી ડીવાયએસપી કેવી રીતે બની જાય? એ પણ કોઈ નાના જિલ્લામાં નહીં પણ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં એની નિમણૂક થઈ જાય?

નિશા વોહરા કેવી રીતે નકલી ડીવાયએસપી બની?

આણંદ, વડોદરા, સુરતની સ્વૈચ્છિક સંસ્થાઓના સોશિયલ મીડિયા મારફતે એક 24 વર્ષની છોકરીના નાની ઉંમરે ડીવાયએસપી બનવા બાદલ સન્માન થવા લાગ્યું.

રોજ સોશિયલ મીડિયામાં સમાચાર આવતા કે આ સૌથી નાની ઉંમરની દીકરીએ આ પદવી હાંસલ કરી છે.

મોટી સંસ્થાઓએ સન્માન કર્યું એટલે નાની-નાની સંસ્થાઓ પણ સન્માન કરવા લાગી અને આ નિશા વોહરાની સ્થાનિક વિસ્તારોમાં નામના થવા લાગી.

સોજિત્રાના પોલીસ ઇન્સ્પેકટર પી. કે. મંડેરાએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, "કોઈ પણ વિદ્યાર્થી હોય એ ગ્રૅજ્યુએટ થાય અને જીપીએસસીની પરીક્ષામાં પાસ થયા પછી ગાંધીનગરની કરાઈ ખાતે ટ્રેનિંગ થતી હોય છે. જો કોઈ વ્યક્તિ અત્યારે 24 વર્ષની હોય અને તેણે પહેલા પ્રયાસમાં જ આ પરીક્ષા પાસ કરી હોય તો પણ એ ડીવાયએસપી બને એ ભાગ્યે જ બનતી ઘટના હોય."

તેમણે વધુમાં કહ્યું, "ટ્રેનિંગ બાદ નિમણૂકના ફોટા, વગેરે મુખ્ય હતા અને પોલીસના સામાન્ય નિયમ મુજબ જિલ્લામાં કામ કર્યા પછી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ જેવી મોટી જગ્યા એ પોસ્ટિંગ થાય. અમે એની તપાસ કરી તો પાંચ વર્ષમાં કોઈ નિશા વોહરા જીપીએસસીની પરીક્ષા પાસ કરી હોય એવું જાણવા મળ્યું નહીં એટલે અમે ખુદ તપાસ કરી કે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં આવી કોઈ વ્યક્તિ છે કે નહીં, પણ આવા હોદ્દા પર કોઈ હતું જ નહીં. આવા સંવેદનશીલ કેસમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચની જરૂર પડે, એટલે અમે લોકલ ક્રાઇમ બ્રાન્ચની મદદ લીધી."

સોશિયલ મીડિયા પરની તસવીરથી ભાંડો ફૂટ્યો

સોજિત્રાના પી. આઈ. મંડોરાને મદદ કરનાર આણંદ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એચ. આર. બ્રહ્મભટ્ટે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે "અમે એના સોશિયલ મીડિયામાં ફોટા જોયા. એમાં એક ફોટો સ્થાનિક ધારાસભ્ય એને મુખ્ય મંત્રી પાસે એક પેઇન્ટિંગ આપવા લઈ જતા હોવાનો હતો. મામલો સંવેદનશીલ હતો સ્થાનિક ધારાસભ્ય એમને મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે લઈ ગયા હતા. તપાસમાં ક્યાંય ચૂક રહી ગઈ નથી એ જોયું. ત્યાર બાદ ધારાસભ્યે પોતે આ છોકરી પોલીસમાં હોવાની વાતથી અજાણ હોવાનું કહ્યું."

તેમણે વધુમાં જણાવ્યું, "પોલીસ ઇન્સ્પેક્ટર મંડોરાએ તપાસ કરી હતી કે આ યુવતી જામિયા હાઇસ્કૂલમાં ભણી હતી અને સરદાર પટેલ યુનિવર્સિટીમાંથી કૉમર્સની સ્નાતક હતી. તેણે કોઈ કોચિંગ ક્લાસમાં ગયાં વગર જીપીએસસીની પરીક્ષા પાસ કરી હોવાનું કહ્યું હતું. અમારી તપાસમાં બહાર આવ્યું કે એ પોલીસમાં નોકરી કરતી નથી."

સોજિત્રાના પોલીસ ઇન્સ્પેક્ટર મંડોરા કહે છે, "આથી પહેલાં અમે ઊલટતપાસ માટે એને અને એના સગાંને પોલીસ સ્ટેશન બોલાવ્યાં ત્યારે એણે કબૂલ કર્યું કે, એ ડીવાયએસપી નથી. એણે કોઈ પરીક્ષા પાસ કરી નથી અને તે જીપીએસસીની પરીક્ષા માટે તૈયારી કરી રહી છે. એણે એના સમાજમાં ખોટું કહ્યું હતું કે એ ડીવાયએસપી છે અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં કામ કરે છે."

તેમણે વધુમાં કહ્યું, "એનું સન્માન થતું હતું એટલે એને આનંદ આવતો હતો. લોકો એને સન્માનથી જોવા લાગ્યા હતા એટલે એ આ જુઠ્ઠાણું ચલાવતી હતી. અમે એની સામે બીએનએસની કલમ 204 બીએનએસએસની કલમ 319 [2] હેઠળ જાહેર સેવકની ખોટી ઓળખ ધારણ કરવાનો ગુનો નોંધી કાનૂની કાર્યવાહી કરી છે.

કોણ છે નિશા વોહરા?

સોજિત્રામાં જામિયા સ્કૂલમાં ભણેલાં નિશા વોહરાનો પરિવાર આર્થિક રીતે સધ્ધર નથી. સોજિત્રાના ચાર કૂવા ભાગોળ વિસ્તારમાં રહેતાં નિશા વોહરાના પિતા સલીમ વહોરા બહુ ભણ્યા નથી.

નિશા સહિત બે દીકરી અને બે પુત્રના પિતા સલીમ વોહરાએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, "મારે ચાર બાળકો છે. હું જુના રેલવેસ્ટેશન અને એની આસપાસના વિસ્તારમાં ફ્રૂટની લારી ચલાવી ગુજરાન ચલાવું છું. હું મારી દીકરી મોટી અધિકારી બને એ માટે દુઆ-પ્રાર્થના કરતો હતો. દીકરીએ એ ડીવાયએસપી બની એવું કહ્યું ત્યારે મેં ઉધાર પૈસા લઈને દાવત પણ આપી હતી."

તેમણે વધુમાં કહ્યું, "લોકો એનું સન્માન કરતા એટલે મને થતું કે મારી દીકરી મોટી ઑફિસર છે. લોકો મને માનથી બોલાવતા અને કહેતા સલીમભાઈ હવે દીકરી પોલીસ ઑફિસર થઈ ગઈ છે. દુઃખના દિવસ ગયા. મને પણ અલ્લાહની મહેરબાની લાગતી હતી. પણ હવે ખબર પડી કે મારી દીકરીએ ખોટું કર્યું છે."

સોજિત્રાના ધારાસભ્યએ શું કહ્યું?

સોજિત્રાના ધારાસભ્ય વિપુલ પટેલે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે, "હું આ બહેનને ઓળખતો નથી. કોઈ કાર્યકર્તા એને લઈને આવેલા અને આ છોકરીએ મને આજીજી કરી હતી કે એણે મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલનું પેઇન્ટિંગ બનાવ્યું છે. એ એમને આપવું છે એટલે હું એને મુખ્ય મંત્રીને મળવા લઈ ગયો હતો. એ પોલીસમાં છે કે કેમ એની મને ખબર નથી. એ મુખ્ય મંત્રી સાથેના એના ફોટાનો આવો દુરુપયોગ કરશે એવી મને કલ્પના સુધ્ધાં નહોતી."

ચરોતર સુન્ની વોહરા સમાજ સુરતના પદાધિકારી ઐયાઝ ઇશા બીબીસી સાથેની વાતચીતમાં કહે છે, "એણે અમને એક સર્ટિફિકેટ બતાવ્યું હતું અને કહ્યું હતું કે એની ડીવાયએસપી તરીકે નિમણૂક થઈ છે. એક ફ્રૂટની લારી ચલાવનારની દીકરી વગર કોચિંગ ક્લાસ આટલી મોટી પોસ્ટ પર હોય એટલે અમે એનું સન્માન કર્યું હતું, પણ હવે પસ્તાવો થાય છે."

તો કરજણ પાસેની કલ્લાં શરીફ સંસ્થાના હોદ્દેદાર મોહસીન પટેલે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, "એનો મુખ્ય મંત્રી સાથેનો ફોટો જોયો અને એણે સર્ટિફિકેટ બતાવ્યું એટલે અમે એનું સન્માન કર્યું. અમારા આ બે સમાજ દ્વારા થયેલાં સન્માન પછી અનેક સામાજિક સંસ્થાઓએ એનું સન્માન કર્યું છે. પણ અમને લાગે છે કે અમારે એના વિષે પૂરી ખાતરી કર્યા બાદ જ તેનું સન્માન કરવું જોઈતું હતું."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.