'એ અંતિમ મિત્ર' જેમણે શ્રીદેવી સહિત હજારો પ્રવાસીઓના મૃતદેહ પૈસા લીધા વિના તેમના દેશ મોકલ્યા

    • લેેખક, અમિતાભ ભટ્ટાસાલી
    • પદ, બીબીસી ન્યૂઝ બાંગ્લા, કોલકાતા

એ 24 ફેબ્રુઆરી, 2018નો દિવસ હતો. દુબઈની હોટલમાં બોલીવૂડ સુપરસ્ટાર શ્રીદેવીના મોતથી તેમના લાખો પ્રશંસકો વ્યથિત થઈ ગયા હતા.

એના અમુક દિવસ બાદ જ્યારે તેમનું 'ઇમ્બાલ્મિંગ સર્ટિફિકેટ (મૃતદેહને ટકાવી રાખવાની પ્રક્રિયાનું પ્રમાણપત્ર)' ભારતમાં મીડિયાના હાથે લાગી ગયું, તેના પર એક નંબર લખેલો હતો.

આ નંબર અશરફ થામારાસ્સેરી નામની એક વ્યક્તિનો હતો. પરિવાર તરફથી તેમણે જ સંબંધિત અધિકારીઓ પાસેથી શ્રીદેવીનો મૃતદેહ લીધો હતો.

મૂળ કેરળના અને હાલ સંયુક્ત આરબ અમીરાતના અજમાનમાં રહી રહેલા એ જ વ્યક્તિએ શ્રીદેવીના મૃતદેહને ભારત મોકલ્યો હતો.

મેં એ સમયે એટલે કે વર્ષ 2018માં જ તેમની સાથે વાત કરી હતી. એ બાદ પણ ઘણી વખત અમારી વાતચીત થઈ છે.

તમારા મનમાં એ પ્રશ્ન જરૂર ઊઠી રહ્યો હશે કે આખરે અશરફ થામારાસ્સેરી અને શ્રીદેવી વચ્ચે શો સંબંધ હતો? પરંતુ માત્ર શ્રીદેવી જ નહીં, મધ્યપૂર્વના દેશોમાં રહેતા ઘણા પ્રવાસીઓ માટે તેઓ જ 'અંતિમ મિત્ર' છે.

આનો અર્થ એ છે કે મધ્યપૂર્વના દેશોમાં જો કોઈ પ્રવાસીનું મૃત્યુ થાય તો આવી સ્થિતિમાં અશરફ જ તેમના મૃતદેહોને કોઈ પણ જાતનો ખર્ચ વસૂલ્યા વગર પરિવારજનો સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરે છે.

તેઓ લગભગ અઢી દાયકાથી આ જ કામ કરી રહ્યા છે. તેમને આ કામ માટે ઘણી સરાહના મળી છે. પાછલાં વર્ષો દરમિયાન તેમને ઘણા પરિવારોનો પ્રેમ મળ્યો છે. તેઓ ઘણા પરિવારોના સભ્ય બની ગયા છે.

ભારત સરકારે પણ તેમને વિશેષ સન્માનથી નવાજ્યા છે.

તેઓ પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લાથી શેફનું કામ કરવા માટે અમીરાત જતા ઝુનૂ મંડલના પણ 'અંતિમ મિત્ર' હતા.

ગત વર્ષે 30 નવેમ્બરની સાંજે લગભગ સાડા ત્રણ-ચાર વાગ્યે નાદિયાનાં સોનિયા મંડલના ઘરે એક ફોન આવ્યો હતો. પાકિસ્તાની નાગરિક આબેદ ગુજ્જરે દુબઈથી જિલ્લાના શાંતિપુર વિસ્તારમાં રહેતા મંડલ પરિવારના ઘરે ફોન કર્યો.

ઝુનૂ મંડલના મોટાં પુત્રી સોનિયાએ બીબીસી બાંગ્લાને કહ્યું કે, "આબેદ અંકલ મારા પિતાના મિત્ર હતા. જ્યારે તેમણે ફોન પર પિતાના નિધનની માહિતી આપી તો મારા માથે તો જાણે આભ જ તૂટી પડ્યું."

'મંડલ કોલકાતા બિરયાની'

સોનિયા જણાવે છે કે ઝુનૂ મંડલ એટલી સરસ બિરયાની બનાવતા હતા કે હોટલમાલિકે તેમના નામ પર જ હોટલનું નામ 'મંડલ કોલકાતા બિરયાની' રાખી દીધું હતું.

તેઓ (ઝુનૂ) લગભગ 25 વર્ષથી મધ્યપૂર્વમાં રહેતા હતા. ઝુનૂ હૃદયની બીમારીના કારણે ગત વર્ષે નવેમ્બરમાં જ એક હૉસ્પિટલમાં દાખલ થયા હતા. પરંતુ તેમનાં પત્ની અને બંને દીકરીઓએ સ્વપ્નમાંય એવું નહોતું વિચાર્યું કે અચાનક તેમના મૃત્યુના સમાચાર સાંભળવા મળશે.

તેમનાં પુત્રી સોનિયા કહે છે કે, "મારા પિતાના હૃદયમાં બ્લૉકેજ હતું. તેમનું ઑપરેશન પણ કરાયું હતું. એ બાદ તેમનું સ્વાસ્થ્ય ધીરે ધીરે સુધરવા લાગ્યું. તેઓ અમારી સાથે ફોન પર પણ વાત કરતા. પરંતુ આબેદ અંકલનો ફોન આવ્યા બાદ અમે એ ન સમજી શક્યાં કે અચાનક આ શું થઈ ગયું?"

આ બાદ પરિવારને તેમનો મૃતદેહ ભારત કેવી રીતે લાવવો એ વાતની ચિંતા થવા માંડી.

ઝુનૂના પુત્ર રડમસ અવાજમાં બોલ્યા, "ઉપર બેઠા અલ્લાહે જ બધી વ્યવસ્થા કરી દીધી. આબેદ અંકલે અશરફસરનો નંબર આપ્યો હતો. એ બાદ અમને કંઈ જ વિચારવું ન પડ્યું."

"તેમણે તમામ વ્યવસ્થા કરી આપી. અશરફે બે અઠવાડિયાં બાદ તાબૂતમાં પિતાના મૃતદેહને કોલકાતા ઍરપૉર્ટ મોકલી આપ્યો. અમે 15 ડિસેમ્બરના રોજ તેમની દફનવિધિ કરી."

જે અશરફસરે તેમના પિતાના મૃતદેહને તેમની જન્મભૂમિ પર દફનાવવા માટે પરિવાર પાસે મોકલવાની વ્યવસ્થા કરી હતી, તેમને મળવા માટે સોનિયા મંડલ નાદિયાના શાંતિપુરથી સવારે ચાર વાગ્યાની ટ્રેન પકડીને કોલકાતા પહોંચ્યાં હતાં. આ જ એ બે અજાણ્યાંઓની પ્રથમ મુલાકાત હતી.

અશરફ થામારાસ્સેરી કોણ છે?

મૂળ કેરળના રહેવાસી અશરફ થામારાસ્સેરી પ્રથમ વખત વર્ષ 1993માં પોતાના ઘરેથી મધ્યપૂર્વ પહોંચ્યા હતા. પહેલાં તેઓ સાઉદી અરેબિયામાં રહેતા હતા. એ પહેલાં અશરફ કેરળમાં ટ્રક ચલાવતા હતા.

તેઓ સાઉદી અરેબિયામાં ઘણાં વર્ષ રહ્યા બાદ સ્વદેશ પરત ફર્યા હતા. પરંતુ વર્ષ 1999માં પોતાના સાળા સાથે તેઓ ફરી એક વાર વિદેશ પહોંચ્યા.

આ વખત તેમનું ઠેકાણું સંયુક્ત આરબ અમીરાત હતું. અજમાન શહેરમાં તેમના સાળા સાથે મળીને તેમણે એક ગૅરેજ શરૂ કરી હતી.

હવે મધ્યપૂર્વના દેશોમાં તેઓ એક લોકપ્રિય વ્યક્તિ બની ચૂક્યા છે. આનું કારણ એ છે કે તેઓ પ્રવાસીઓના 'અંતિમ મિત્ર' બની ગયા છે.

બોલીવૂડનાં સુપરસ્ટાર શ્રીદેવીથી માંડીને અમીરાત અને સાઉદી અરેબિયામાં રહેતા પ્રવાસીઓ સાથે જ પશ્ચિમ બંગાળના નાનકડા શહેર શાંતિપુરથી શેફનું કામ કરવા માટે દુબઈ જનારા ઝુનૂ મંડલ અને આવા હજારો પરિવાર માટે અશરફ અંતિમ આશા બની ગયા છે.

તેમનો દાવો છે કે તેમણે અત્યાર સુધી 15 હજાર કરતાં વધુ મૃતદેહોને 40 કરતાં વધુ દેશોમાં તેમના પરિવારો સુધી મોકલાવ્યા છે. અશરફે આ સિવાય લગભગ બે હજાર મૃતદેહોના કફન-દફનની વ્યવસ્થા મધ્યપૂર્વના દેશોમાં જ કરી છે.

તેમણે અત્યાર સુધી સૌથી વધુ મૃતદેહ પોતાના ગૃહરાજ્ય કેરળ મોકલ્યા છે. પરંતુ આ સિવાય પશ્ચિમ બંગાળ, ઓડિશા અને આસામમાં પણ ઘણા પરિવારો સુધી તેમના પરિવારજનોના મૃતદેહ મોકલવામાં તેઓ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી ચૂક્યા છે.

તેમણે બાંગ્લાદેશ, નેપાળ અને પાકિસ્તાનમાં પણ આવા ઘણા મૃતદેહ મોકલ્યા છે. આ સિવાય યુરોપ, અમેરિકા અને આફ્રિકાના વિભિન્ન દેશોના પ્રવાસીઓના મૃતદેહોને મોકલવા માટે પણ તેમણે વ્યવસ્થા કરી છે.

તેઓ જે પરિવારોના 'અંતિમ મિત્ર' બની ચૂક્યા છે, તેમાં ઘણા દેશોના અલગઅલગ ધર્મોના લોકો સામેલ છે.

વિદેશમાંથી મૃતદેહોને મોકલવાની શરૂઆત કેવી રીતે થઈ?

વર્ષ 2000માં સંયુક્ત આરબ અમીરાતના અજમાન શહેરમાં ગૅરેજ ચલાવનારા અશરફ પોતાના એક બીમાર મિત્રની ખબર કાઢવા શારજાહની હૉસ્પિટલમાં ગયા હતા.

ત્યાંથી પરત ફરતી વખતે તેમણે બે યુવકોને રડતા જોયા. તેમને જોઈને અશરફને લાગ્યું કે કદાચ આ બંને તેમના ગૃહરાજ્ય કેરળના જ છે.

અશરફ થામારાસ્સેરી જણાવે છે કે, "મેં તેમના રડવાનું કારણ જાણવા માગ્યું. તેમણે કહ્યું કે તેમના પિતાનું નિધન થઈ ચૂક્યું છે. પરંતુ તેમને એ વાતની ખબર નથી કે મૃતદેહને ભારત કઈ રીતે લઈ જવો."

તેમણે કહ્યું, "મને પણ પ્રક્રિયા વિશે કોઈ માહિતી નહોતી. પરંતુ તેમ છતાં મેં તેમને સાંત્વના આપતાં દરેક શક્ય મદદ કરવાની વાત કહી. મારી વાત સાંભળીને તેમના ચહેરા પર ચમક આવી ગઈ હતી."

એ બાદ અશરફે સ્થાનિક લોકો પાસેથી મૃતદેહને સંબંધિત દેશોમાં મોકલવાની પ્રક્રિયાની જાણકારી હાંસલ કરી.

તેઓ કહે છે કે, "મેં પહેલાં પોલીસને માહિતી આપી. ત્યાંથી મંજૂરી મળ્યા બાદ દૂતાવાસને આ વાતની જાણકારી આપી. મને કહેવાયું કે મૃત વ્યક્તિનો વિઝા રદ કરાવવો પડશે."

"આ પ્રક્રિયામાં પાંચ દિવસ લાગી ગયા. ત્યાં સુધી મૃતદેહને શબઘરમાં રાખવામાં આવ્યો હતો. છેલ્લે તમામ પ્રક્રિયા પૂરી થયા બાદ પાંચમા દિવસે મૃતદેહને તાબૂતમાં ભારત માટે રવાના કરી દેવાયો."

પોતાનું કામકામજ મૂકીને એક અપરિચિત મૃત વ્યક્તિના મૃતદેહને તેના દેશ મોકલવાની આ ઘટના લોકો મારફતે ચારેકોર ફેલાઈ ગઈ. આ જ કારણે અમુક દિવસ બાદ તેમને ફરીથી બોલાવવામાં આવ્યા.

તેમને કહેવાયું કે પશ્ચિમ બંગાળના એક યુવકનું મૃત્યુ થઈ ગયું છે. તેમના મૃતદેહને પણ ભારત મોકલવાની વ્યવસ્થા કરવી પડશે. તેમના મૃતદેહ સાથે ભારત જનાર કોઈ નહોતું.

આવી સ્થિતિમાં અશરફે જ વિમાનની ટિકિટ ખરીદીને મૃતદેહવાળું તાબૂત કોલકાતાના દમદમ ઍરપૉર્ટ પર પહોંચાડ્યું હતું.

અશરફે બીબીસી બાંગ્લાને કહ્યું કે, "મોટા ભાગના મામલામાં હું વિમાન મારફતે મૃતદેહોને મોકલું છું, પરંતુ ઘણી વાર મેં જાતે પણ ઘણા મૃતદેહોને તેમના પરિવાર સુધી પહોંચાડ્યા છે."

તેઓ કહે છે કે, "આ દરમિયાન ઘણી વાર મને અનોખા અનુભવ થાય છે. શ્રીદેવી જેવાં ખ્યાતનામ અભિનેત્રી સિવાય અજાણી વ્યક્તિઓ અને પોતાના નિકટના મિત્રોના મૃતદેહોને પણ તેમના પરિવારો સુધી પહોંચાડવા પડ્યા છે."

અશરફ વિદેશથી મૃતદેહોનો મોકલવાના પૈસા ક્યાંથી લાવે છે?

અશરફ ગૅરેજનું કામ પોતાના સાળાને સોંપ્યા બાદ પોતાની કાર લઈને ઠેરઠેર ફરીને પરિચિતો અને અજાણ્યા લોકોના મૃતદેહોને તેમના દેશ મોકલવાની વ્યવસ્થા કરવાના કામમાં જોતરાયેલા રહે છે.

તેઓ ઈદના દિવસે પણ પોતાના પરિવારને સમય નથી આપી શકતા, પરંતુ આ કામ માટે તેઓ કોઈ પ્રકારનું નાણાકીય વળતર નથી લેતા.

તો પછી તેઓ આ વ્યવસ્થા કરવાનો ખર્ચ ક્યાંથી મેળવે છે?

અશરફ જણાવે છે કે, "અમુક વખત દયાળુ લોકો દાન કરી દે છે, તો ઘણી વખત અમુક બિનસરકારી સંગઠન પણ આ કામ માટે મદદ કરી દે છે. મેં ગૅરેજ મારા સાળાને સોંપી દીધી છે. એ એના બદલામાં ઘર-પરિવારનો ખર્ચ ચલાવવા માટે દર મહિને એક નિશ્ચિત રકમ આપે છે."

"એનાથી જ અમારું કામ ચાલી જાય છે. પરંતુ મૃતદેહોને તેમના દેશ પરત મોકલવા માટે મેં ક્યારેય કોઈ પણ વ્યક્તિ પાસેથી દિરહમ (યુનાઇટેડ આરબ અમીરાતનું ચલણ) નથી લીધા."

તેઓ કહે છે કે આ કામના બદલામાં પૈસા નહીં લેવાને કારણે તેમને ઘણી વાર અલગ પ્રકારના અનુભવ થયા છે. ભારતમાં ઓડિશાની એક વ્યક્તિનું અમીરાતમાં મોત થયા બાદ તેમના મૃતદેહને તેમના પરિવાર પાસે મોકલવાનો હતો.

અશરફ જણાવે છે કે ત્યાં આ કામની જવાબદારી ઉઠાવે એવી આ વ્યક્તિનું કોઈ પરિચિત નહોતું. ત્યારે પણ અશરફે પોતાના પૈસાથી ટિકિટ ખરીદી અને તાબૂત સાથે મૃતદેહને તેમના ઘરે પહોંચાડી દીધા.

તેમનું કહેવું છે કે, "એ વ્યક્તિના પરિવાર પાસે બે-ત્રણ ફોન નંબર હતા. દુબઈથી ઉડાણ ભર્યા પહેલાં વાત થઈ હતી કે પરિવારના લોકો મૃતદેહ લેવા ભુવનેશ્વર આવશે. પરંતુ ત્યાં પહોંચ્યા બાદ જોયું કે કોઈ ફોન નથી ઉપાડી રહ્યું."

"એ વ્યક્તિનું ઘર ભુવનેશ્વરથી ઘણું દૂર હતું. એ બાદ હું એક ઍમ્બુલન્સમાં બેસીને સ્થાનિક પોલીસ સ્ટેશને પહોંચ્યો. હું પ્રથમ વખત ઓડિશા પહોંચ્યો હતો. ત્યાંની ભાષા નહોતો જાણતો. આખો મામલો જણાવ્યા બાદ પોલીસે આ વ્યક્તિના ઘરનું સરનામું શોધવાનો વિશ્વાસ અપાવ્યો."

તેઓ જણાવે છે કે, "હું સતત પોલીસ સ્ટેશનમાં જ બેઠો રહ્યો. રાત પડી, ભોજન બાદ પોલીસે લૉકઅપમાં જ સૂવાની વ્યવસ્થા કરી આપી. કોઈ પણ વાંક-ગુના વગર મેં લૉકઅપમાં રાત પસાર કરી."

"બે દિવસ સુધી પોલીસ સ્ટેશનમાં રાહ જોયા છતાં જ્યારે એ વ્યક્તિના ઘરની કોઈ ખબર ન મળી તો હું મારો નંબર પોલીસ સ્ટેશનમાં નોંધાવીને દુબઈ પાછો ફર્યો."

અશરફ જણાવે છે કે, "પોલીસ અધિકારીએ મને જણાવ્યું કે એ પરિવાર એટલો ગરીબ હતો કે તેની પાસે કફન-દફન પૂરતા પણ પૈસા નહોતા, પૈસા આપવાની બીકે જ તેઓ સામે નહોતા આવ્યા."

કેરળના પ્રખ્યાત પત્રકાર અને લેખક જી. પ્રજેશ સેને અશરફ થામારાસ્સેરી પર એક પુસ્તક લખ્યું છે.

'ધ લાસ્ટ ફ્રેન્ડ - ધ લાઇફ ઑફ અશરફ થામારાસ્સેરી' શીર્ષકવાળા આ પુસ્તકમાં પણ કંઈક આવા જ એક કિસ્સાનો ઉલ્લેખ છે.

એક વાર બ્રિટનના એક પ્રવાસીનું મૃત્યુ થયું, બાદમાં તેમના પત્ની તેમનો મૃતદેહ લેવા માટે દુબઈ પહોંચ્યાં. એ મહિલા ઍરફોર્સમાં પાઇલટ હતાં.

તમામ કામ પૂરું થયા બાદ ઍરપૉર્ટ પર રાહત જોતી વખતે તેમણે અશરફને પાંચ હજાર ડૉલર આપવા હાથ લંબાવ્યો.

જ્યારે અશરફે આ રકમ લેવાનો ઇનકાર કર્યો તો તેઓ બૂમો પાડવા લાગ્યાં.

પુસ્તકમાં અશરફના હવાલાથી લખાયું છે કે, "તેમણે વિચાર્યું કે આ ખૂબ ઓછી રકમ છે. બાદમાં તેમના પતિના સંસ્થાનના એક સુપરવાઇઝરે તેમને સમજાવ્યાં કે આ ઓછા-વધારે નાણાંનો સવાલ નથી. તેઓ આ કામના પૈસા નથી લેતા. બાદમાં એ મહિલા મારો હાથ પકડીને રડવા લાગ્યાં."

ભારત સરકાર પાસેથી સન્માન

લગભગ અઢી દાયકાથી કોઈ પણ જાતના નાણાકીય વળતર વગર હજારો પ્રવાસીઓના મૃતદેહોને તેમના દેશમાં મોકલવાના પ્રયત્નોને માન્યતા આપતાં ભારત સરકારે વર્ષ 2015માં અશરફને 'પ્રવાસી ભારતીય સન્માન'થી સન્માનિત કર્યા.

ભારત સરકાર અલગઅલગ ક્ષેત્રોમાં ઉલ્લેખનીય યોગદાન કરનારા લોકોને આ સન્માન આપે છે.

જી. પ્રજેશ સેનના પુસ્તકમાં આ સન્માન સાથે જોડાયેલી એક ઘટનાનો પણ ઉલ્લેખ કરાયો છે.

એક ઉત્તર ભારતીય પરિવારના 12 વર્ષીય કિશોરીનું પોતાના ઘરની ઇમારતથી પડવાને કારણે મૃત્યુ થયું હતું.

અશરફની પહેલ બાદ જ તેનો મૃતદેહ પરત મળ્યો હતો. તેઓ જણાવે છે કે, "એ કિશોરીના અંતિમ સંસ્કાર અમીરાતમાં જ થવાના હતા. પરંતુ મને તેમના ધાર્મિક રીતરિવાજ વિશે માહિતી નહોતી. કેટલાક લોકો સાથે વાતચીત કરીને મેં એ વિશે જાણકારી પ્રાપ્ત કરી."

અશરફેના હવાલાથી પુસ્તકમાં લખાયું છે કે, "હું આ ઘટનાથી એટલો બધો વિચલિત થઈ ગયો હતો કે શ્મશાન ઘાટ પર તેનાં માતાપિતાને મૂકીને પાછો ન ફરી શક્યો. હું આ આઘાતથી બહાર પણ નહોતો આવ્યો ત્યાં જ ભારતીય દૂતાવાસથી એક ફોન આવ્યો."

"ફોનની બીજી તરફ કોઈ અધિકારીએ મને કોઈ સન્માન વિશે વાત કરી હતી. મેં તો સ્પષ્ટ જણાવી દીધું કે મારી પાસે કોઈ સન્માન કે પુરસ્કાર ખરીદવા માટે કોઈ પૈસા નથી. ત્યારે એ તરફથી પુછાયું કે દૂતાવાસ સુધી આવવા માટે ટૅક્સીભાડા જેટલા પૈસા તો ખરા ને? એટલાથી જ કામ ચાલી જશે."

દૂતાવાસ પહોંચ્યા બાદ તેમને દિલ્હી માટેની ફ્લાઇટ ટિકિટ અને એક પત્ર સોંપવામાં આવ્યું.

ત્યાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે પણ તેમની મુલાકાત અને વાતચીત થઈ હતી. તે બાદ જ્યારે મોદી દુબઈ ગયા ત્યારે અશરફને દૂતાવાસ અને વડા પ્રધાન સાથે મુલાકાત માટે આમંત્રણ મુળ્યું હતું, પરંતુ ત્યારે તેઓ એક મૃતદેહ સાથે ભારત આવ્યા હતા.

બાદમાં અશરફે તત્કાલીન વિદેશમંત્રી સુષમા સ્વરાજ સાથે મુલાકાત કરીને મૃતદેહોને પરત લાવવા માટે થતા ખર્ચ અંગે ફરિયાદ કરી હતી.

અશરફે કહ્યું, "મેં સન્માનસમારોહ નિમિત્તે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો. એ બાદ સુષમા સ્વરાજને પણ ફરિયાદ કરી હતી. મૃતદેહોને મફત લાવવાની વ્યવસ્થા તો ન થઈ શકી, પરંતુ હવે બેથી ત્રણ હજાર દિરહમ સુધી મૃતદેહોને અહીં લાવવાનું શક્ય બન્યું છે."

તેઓ તાજેતરમાં જ ભુવનેશ્વરથી કોલકાતા આવ્યા હતા. આ વર્ષે પ્રવાસી ભારતીય દિવસ સમારોહ ભુવનેશ્વરમાં આયોજિત કરાયો હતો.

દુબઈથી એક દયાળુ વ્યક્તિએ હાલમાં જ મૃત ઝુનૂ મંડલના પરિવાર માટે અમુક આર્થિક મદદ મોકલી હતી. વાતચીત દરમિયાન વારંવાર અશરફનો ફોન રણકી રહ્યો હતો.

મધ્યપૂર્વમાં રહેતા પ્રવાસીઓના 'અંતિમ મિત્ર'એ કહ્યું, "હવે જુઓ, કેરળના એક રહેવાસીનું મૃત્યુ થઈ ગયું છે. હવે અહીંથી ફોન મારફતે જ મૃતદેહ પહોંચાડવાની વ્યવસ્થા કરવી પડશે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.