મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી કોણ બનશે તેનું સસ્પેન્સ યથાવત્, એકનાથ શિંદેએ શું કહ્યું?

ઇમેજ સ્રોત, ANI
મહારાષ્ટ્ર વિધાસસભાની ચૂંટણીમાં ભાજપના નેતૃત્વ ધરાવતી મહાયુતિ ગઠબંધનની જીત બાદ પણ મુખ્ય મંત્રી કોણ હશે તેનું ચિત્ર સ્પષ્ટ નથી થયું.
જોકે શિવસેના નેતા અને રાજ્યના કાર્યકારી મુખ્ય મંત્રી એકનાથ શિંદેએ એક પ્રેસ કૉન્ફરન્સ કરીને આ તસવીર સાફ કરવાની કોશિશ કરી છે. આ પ્રેસ કૉન્ફરન્સનો અર્થ કેટલાક જાણકારો એ કાઢી રહ્યા છે કે મહારાષ્ટ્રના આગામી મુખ્ય મંત્રી ભાજપમાંથી હશે.
એવી અટકળો ચાલી રહી હતી કે એકનાથ શિંદે મુખ્ય મંત્રી બનવા માટે અડગ હતા. પરંતુ હવે તેમની પ્રેસ કૉન્ફરન્સ બાદ એ સ્પષ્ટ થઈ ગયું છે કે તેમણે મુખ્ય મંત્રીપદની પસંદગી ભાજપ પર ઢોળી દીધી છે.
શિવસેના નેતા એકનાથ શિંદેએ પ્રેસ કૉન્ફરન્સમાં કહ્યું કે તેમને સીએમના પદની લાલસા નથી અને પીએમ મોદી, અમિત શાહ તથા ભાજપ જે નિર્ણય લે તે તેમને સ્વીકાર્ય હશે.
એકનાથ શિંદેએ શું કહ્યું?

ઇમેજ સ્રોત, ANI
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના નેતૃત્વ ધરાવતી મહાયુતિએ શાનદાર જીત હાંસલ કરી હતી. આ ચૂંટણીમાં ભાજપ સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી હતી અને તેણે 132 બેઠકો જીતી હતી.
મહાયુતિ ગઠબંધનમાં સામેલ શિવસેનાએ 57 અને એનસીપીએ 41 બેઠકો જીતી હતી. 288 બેઠકો ધરાવતી મહારાષ્ટ્ર વિધાનસભામાં બહુમતિ માટેનો આંકડો 145નો છે. એટલે ભાજપ પાસે પોતાની સરકાર બને તેટલા સભ્યો નથી.
જોકે, ચૂંટણી બાદ અટકળો લગાવાતી હતી કે મહારાષ્ટ્રમાં આગામી મુખ્ય મંત્રી ભાજપના જ હશે કારણકે તેમના સૌથી વધુ ધારાસભ્યો છે.
હવે જ્યારે આજે મહારાષ્ટ્રના કાર્યકારી મુખ્ય મંત્રી એકનાથ શિંદેએ રાજ્યના હવે પછીના સીએમ ચહેરાને લઈને પૂછવામાં આવેલા સવાલોના જવાબો આપ્યા હતા ત્યારે મુખ્ય મંત્રીપદની તસવીર થોડી સાફ થતી દેખાઈ.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે કહ્યું છે કે સરકાર બનાવવાને લઈને વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના વરિષ્ઠ નેતાઓ જે નિર્ણય લેશે તે તેમને મંજૂર હશે.
એકનાથ શિંદેએ એક પ્રેસ કૉન્ફરન્સમાં કહ્યું, “તમે પૂછી રહ્યા છો કે અમે જીતીને આવ્યા છતા સરકાર બનાવવાનો નિર્ણય ક્યાં અટક્યો છે.”
“કાલે મોદી જી સાથે વાતચીત થઈ છે. મેં કહ્યું નવી સરકાર બનાવવામાં મારી તરફથી કોઈ સમસ્યા નથી. મને સીએમ બનવાની લાલસા નથી. જે તમે નિર્ણય લો તે મને મંજૂર હશે. મારા માટે નહીં પરંતુ મહારાષ્ટ્રની જનતા માટે તમે વિચારો અને નિર્ણય લો.”
તેમણે એમ પણ કહ્યું, “તમામ ક્ષેત્રોમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ મારી સાથે પહાડની માફક ઊભા રહ્યા. આ સામાન્ય જનતાની સરકાર છે, હું પોતાને મુખ્ય મંત્રી નથી સમજતો, મેં અઢી વર્ષ માત્ર કાર્યકર્તા તરીકે જ કામ કર્યું છે."

ઇમેજ સ્રોત, ANI
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
મુખ્ય મંત્રીપદની દાવેદારી મામલે પૂછવામાં આવેલા એક સવાલનો જવાબ આપતા શિંદેએ કહ્યું કે તેઓ નારાજ થનારા લોકો પૈકીના નથી.
તેમણે કહ્યું, “કાલે અમિત શાહની સાથે મહાયુતિના ગઠબંધનના નેતાઓની બેઠક થવાની છે. જેમાં ચર્ચા થશે અને સરકાર બનાવવાને લઈને તમામ નિર્ણયો લેવાશે.”
મહારાષ્ટ્રના ભાજપના એકમે કાર્યકારી મુખ્ય મંત્રી એકનાથ શિંદેની પ્રેસ કૉન્ફરન્સ પર પોતાનો અભિપ્રાય આપ્યો છે.
મહારાષ્ટ્રના ભાજપના પ્રમુખ ચંદ્રશેખર બાવનકુલેએ એક પ્રેસ કૉન્ફરન્સમાં કહ્યું, “મહારાષ્ટ્રની મહાયુતિના અમારા વરિષ્ઠ નેતા જેઓ મહાયુતિને આગળ લઈને આવ્યા અને તેઓ હ્રદયના સારા નેતા છે. અમારા મુખ્ય મંત્રી એકનાથ શિંદેનો હું આભાર વ્યક્ત કરું છું.”
તેમણે વધુમાં કહ્યું, “જે લોકોના મનમાં શંકા હતી તે શંકાઓને આજે તેમણે સમાપ્ત કરી દીધી. મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી કોણ હશે તે તેમણે જણાવ્યું. તેમના જણાવ્યા પ્રમાણે તેનો નિર્ણય વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ તથા કેન્દ્રીય નેતૃત્વ કરશે.”
આ પહેલા શિંદેએ એક પ્રેસ કૉન્ફરન્સમાં જણાવ્યું હતું કે તેમને મહારાષ્ટ્રના સીએમ બનવાની લાલસા નથી અને મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી કોણ હશે તેમને વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ તથા ભાજપના વરિષ્ઠ નેતાઓ પસંદ કરશે અને તે તેમને માન્ય રહેશે.
ભાજપમાંથી કોણ હશે ચહેરો?

ઇમેજ સ્રોત, ANI
ચૂંટણીમાં 132 બેઠકો જીત્યા બાદ અનુમાન લગાવાય છે કે મુખ્ય મંત્રી ભાજપમાંથી જ હશે. એવું પણ માનવામાં આવે છે કે પહેલાની સરખામણીમાં શિવસેના અને એનસીપીએ પીછેહઠ કરવી પડશે.
23 નવેમ્બરના દિવસે ભાજપના એમએસલી પ્રવીણ દરેકરે નિવેદન આપ્યું હતું કે મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી તરીકે દેવેન્દ્ર ફડણવીસ બનવા જોઈએ.
તેના પર એકનાથ શિંદેએ કહ્યું હતું કે એવું નથી કે જે પાર્ટીની સૌથી વધુ બેઠકો હશે તેના જ મુખ્ય મંત્રી બને. અંતિમ આંકડા આવ્યા બાદ તમામ પાર્ટી મળીને વાતચીત કરશે.
ચૂંટણીપરિણામો આવ્યાં બાદ શિવસૈનિકો સોશિયલ મીડિયા પર સતત એકનાથ શિંદેને મુખ્ય મંત્રી બનાવવાની માગ કરતા હતા. જોકે, હવે આ માગમાં ઓટ આવી છે.
વરિષ્ઠ પત્રકાર સુધીર સુર્યવંશી બીબીસી સાથેની વાતચીતમાં જણાવે છે, “શિંદેની પ્રેસ કૉન્ફરન્સ બાદ પણ ભાજપનો રસ્તો આસાન નથી.”
તેમનું કહેવું છે, “એવું દેખાય છે કે ભાજપનો રસ્તો આસાન થઈ ગયો પરંતુ પડકાર બાકી છે. શિંદેને કારણે મરાઠા મતદારો કૉંગ્રેસ-એનસીપી છોડીને આવ્યા હતા તેમાં નારાજગી થઈ શકે છે. કારણકે ચહેરો તો શિંદે જ હતા. ભાજપના સબંધો ક્ષેત્રિયદળો સાથે સરળ નથી રહ્યા. તેનો પ્રભાવ સ્થાનિક ચૂંટણીમાં જોવા મળી શકે છે.”
મહારાષ્ટ્રમાં મહાયુતિની સરકાર
આ પહેલાં 2019માં મહારાષ્ટ્રની વિધાનસભાની ચૂંટણીમાં રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન(એનડીએ)ને બહુમતિ મળી હતી.
એ ચૂંટણી ભાજપ અને શિવસેનાએ સાથે મળીને લડી હતી.
એનડીએને 161 બેઠકો પર જીત મળી હતી જેમાં ભાજપને 105 અ શિવસેનાને 56 બેઠકો મળી હતી.
બંને પાર્ટ વચ્ચે મુખ્ય મંત્રીપદના વિવાદને કારણે આ ગઠબંધન તૂટી ગયું અને શિવસેનાએ કૉંગ્રેસ અને એનસીપી સાથે ગઠબંધન કરીને સરકાર બનાવી. ઉદ્ધવ ઠાકરે તેમાં મુખ્ય મંત્રી બન્યા.
જોકે, સરકાર વધારે નહીં ચાલી. અઢી વર્ષ પહેલાં 2022માં શિવસેનાના નેતા એકનાથ શિદેએ બળવો કરીને ભાજપ સાથે મળીને સરકાર બનાવી.
સરકાર બનાવ્યા બાદ ભાજપે મુખ્ય મંત્રીપદ માટે સમજૂતિ કરવી પડી. દેવેન્દ્ર ફડણવીસને ઉપમુખ્ય મંત્રીપદથી સંતોષ માનવો પડ્યો.
ત્યારબાદ અજીત પવારે પણ શરદ પવાર સાથે છેડો ફાડીને ભાજપ અને શિવસેના(શિંદે જૂથ)નો હાથ પકડ્યો. અજીત પવાર પણ ઉપમુખ્ય મંત્રી બન્યા હતા.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












