You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ટ્રમ્પ સાથે ઉગ્ર બોલાચાલી બાદ ઝેલેન્સ્કીએ હવે એક પછી એક 14 ટ્વીટ કેમ કર્યા?
વૉશિંગ્ટનમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તથા ઉપ રાષ્ટ્રપતિ જેડી વાન્સ સાથે શુક્રવારે થયેલી મુલાકાત બાદ ઝેલેન્સ્કીએ શનિવારે એક પછી એક એમ 14 જેટલાં ટ્વિટ કર્યાં અને કહ્યું કે તેઓ શાંતિ ઇચ્છે છે.
તેમણે યુક્રેનને સમર્થન આપવા બદલ અમેરિકાનો આભાર વ્યક્ત કર્યો. તેમણે કહ્યું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પનું સમર્થન તેમના માટે જરૂરી છે. ઝેલેન્સ્કીએ લખ્યું કે તેઓ ખાણ અને ખનીજની સમજૂતિ માટે પણ તૈયાર છે અને આ સમજૂતિ થઈ તો સુરક્ષા ગૅરંટીની દિશામાં પહેલું પગલું હશે.
પોતાના ટ્વિટમાં ઝેલેન્સ્કીએ યુક્રેન અને અમેરિકાના મજબૂત સંબંધોના મહત્ત્વ પર વાત કરી. તેમણે લખ્યું કે તેમને આશા છે કે યુક્રેનને અમેરિકાનો સાથ મળશે.
બીજી બાજુ, યુક્રેનવાસીઓએ ટ્રમ્પ અને વાન્સ પર તોછડાઈનો આરોપ મૂક્યો છે. ઑસ્ટ્રેલિયા, ન્યૂ ઝીલૅન્ડ સહિત અનેક યુરોપિયન દેશના નેતાઓએ યુક્રેન સાથે 'મક્કમપણે' ઊભા રહેવાની વાત કહી છે.
ઝેલેન્સ્કીએ શું લખ્યું?
ઝેલેન્કીએ લખ્યું, "અમેરિકાના તમામ પ્રકારનાં સમર્થન માટે અમે તેમના આભારી છીએ. હું તેમના ગેરપક્ષપાતી સમર્થન માટે રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને કૉંગ્રેસની સાથે અમેરિકાના લોકોનો આભાર પ્રગટ કરું છું. જેમણે અમારો સાથ આપ્યો. યુક્રેની લોકોએ હંમેશાં આ સહયોગના વખાણ કર્યા છે. ખાસ કરીને આ આક્રમણ પછી છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન."
"અમારું અસ્તિત્વ ટકાવી રાખવામાં અમેરિકાએ જે સહયોગ આપ્યો તે મહત્ત્વનો હતો. તેનો અમારે સ્વીકાર કરવો જ રહ્યો. તીખી વાતચીત બાદ અમે રણનીતિક સહયોગી છીએ. પરંતુ આપણે આપણાં લક્ષ્યાંકોને યોગ્ય રીતે સમજવા માટે એકબીજાના ઇમાનદાર સહકારની અને સ્પષ્ટ રહેવાની જરૂર છે."
ઝેલેન્સ્કીએ યુક્રેન માટે અમેરિકાની મદદની જરૂર હોવાની વાત પર લખ્યું, "અમારા માટે રાષ્ટ્રપતિ ટ્રમ્પનું સમર્થન હોવું જરૂરી છે. તેઓ યુદ્ધને સમાપ્ત કરવા માગે છે, પરંતુ અમારાથી વધુ શાંતિ કોઈ નથી ઇચ્છતું. અમે જ યુક્રેનવાસીઓ આ જંગને સહન કરી રહ્યા છીએ. આ અમારી આઝાદી અને અમારા અસ્તિત્વની લડાઈ છે."
ઝેલેન્સ્કીએ લખ્યું, "જેમ કે પૂર્વ રાષ્ટ્રપતિ રિગને એક વખત કહ્યું હતું કે શાંતિનો અર્થ માત્ર યુદ્ધ ન હોવું જ નથી. અને અમે ન્યાયપૂર્ણ અને સ્થાયી શાંતિની વાત કરી રહ્યા છે. એટલે કે તમામ માટે આઝાદી, ન્યાય અને માનવાધિકાર. રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે યુદ્ધવિરામ કોઈ કામનું નથી. તેમણે છેલ્લાં દસ વર્ષમાં 25 વખત યુદ્ધવિરામનો ભંગ કર્યો છે. અસલમાં શાંતિ માત્ર સમાધાન છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
શુક્રવારે જ્યારે ઝેલેન્સ્કી અને ટ્રમ્પ વચ્ચે તીખી વાતચીત થઈ ત્યાર બાદ લાગતું હતું કે ટ્રમ્પ યુક્રેન સાથે જે ખાણ-ખનીજ સમજૂતિ કરવા માગે છે તે નહીં થાય. પરંતુ ઝેલેન્સ્કીએ શનિવારે પોતાના સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું કે તેઓ સમજૂતિ માટે તૈયાર છે.
તેમણે માત્ર એટલું જ કહ્યું કે તેઓ સ્થાયી શાંતિ અને સુરક્ષાની ગૅરંટી ઇચ્છે છે. તેમણે એમ પણ લખ્યું કે સુરક્ષા ગૅરંટીની દિશામાં પહેલું પગલું ખાણ-ખનીજ સમજૂતિ હશે.
ઝેલેન્સ્કીએ લખ્યું, "અમને શાંતિ જોઈએ છે. તેથી જ હું અમેરિકા આવ્યો. રાષ્ટ્રપતિ ટ્રમ્પને મળ્યો. મિનરલ ડીલ સુરક્ષાની ગૅરંટીની દિશામાં પહેલું પગલું છે અને શાંતિની નજીક જવા જેવું છે. અમારી સ્થિતિ મુશ્કેલીભરી છે. પરંતુ અમે લડવાનું બંધ નથી કરી શકીએ એમ નથી. અમે આ ગૅરંટી વગર નહીં રહી શકીએ, કારણ કે પુતિન ફરી નહીં આવે."
તેમણે એમ પણ લખ્યું કે અમેરિકાના સહયોગ વગર આ શક્ય નથી.
રશિયાના રાષ્ટ્રપતિ પુતિન લાંબા સમયથી યુક્રેનના યુરોપિયન યુનિયન, નાટો, તથા અન્ય યુરોપિયન સંસ્થાઓ સાથેના સંબંધોનો વિરોધ કરતા આવ્યા છે.
તેમનું કહેવું છે કે યુક્રેન ક્યારેય પૂર્ણ દેશ નહોતો. તેઓ ઇચ્છે છે કે યુક્રેન નાટોમાં સામેલ ન થાય. તે માટે તેઓ યુક્રેન અને નાટોની ગૅરંટી ઇચ્છે છે.
ઝેલેન્સ્કીએ લખ્યું, "યુરોપ કોઈ પણ ઇમરજન્સી તથા અમારી સેનાને ફંડ આપવા તૈયાર છે. અમારી સુરક્ષાની ગૅરંટી કેવી રીતે થશે, ક્યારે મળશે, અને કઈ હદ સુધી મળશે? આ પરિભાષિત કરવા અમને અમેરિકાની ભૂમિકાની આવશ્યક્તા છે. એક વખત આ ગૅરંટી લાગુ થાય તો અમે રશિયા અને યુરોપ અને અમેરિકા સાથે કૂટનીતિ મામલે વાતચીત કરી શકીએ છીએ. એકલા યુદ્ધ લડવું બહુ અઘરું છે અને અમારી પાસે તેને સમાપ્ત કરવા માટે પૂરતાં હથિયારો નથી."
ઝેલેન્સ્કીએ લખ્યું કે અમે અમેરિકા સાથે મજબૂત સંબંધ ઇચ્છીએ છીએ અને અમને આશા છે કે તેમાં અમેરિકાનો સાથ મળશે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન