બાંગ્લાદેશે આઈપીએલના પ્રસારણ પર પ્રતિબંધ મૂક્યો - ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Getty Images
બાંગ્લાદેશ સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયે આગામી આદેશો સુધી દેશમાં ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના પ્રસારણને સ્થગિત કરવાનો આદેશ આપ્યો છે.
બીબીસી બાંગ્લા અનુસાર , કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) ટીમમાંથી ક્રિકેટર મુસ્તફિઝુર રહેમાનને બાકાત રાખવાના જવાબમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.
અગાઉ, યુવા અને રમતગમત બાબતોના સલાહકાર આસિફ નઝરુલે મુસ્તફિઝુર રહેમાનને ટીમમાં સામેલ ન કરવા સામે વિરોધ વ્યક્ત કર્યો હતો અને માહિતી અને પ્રસારણ સલાહકારને આગામી IPL મૅચોના તમામ પ્રસારણને રોકવા માટે જરૂરી પગલાં લેવા વિનંતી કરી હતી.
તેમણે બાંગ્લાદેશ ક્રિકેટ બૉર્ડ (BCB) ને આગામી ટી-20 ક્રિકેટ વર્લ્ડકપમાં બાંગ્લાદેશની મૅચો ભારતને બદલે શ્રીલંકામાં ખસેડવા માટે ICC ને પત્ર લખવાનો નિર્દેશ પણ આપ્યો છે.
બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) એ નિર્ણય લીધો છે કે બાંગ્લાદેશ 2026 T20 વર્લ્ડ કપ રમવા માટે ભારત નહીં આવે.
સિંહણને બેભાન કરવાનો ડોઝ ભૂલથી ટ્રેકરને લાગી જતા સારવાર દરમિયાન મોત

ઇમેજ સ્રોત, Hanif Khokhar
જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં ગીર પંથકના જૂનાગઢ જિલ્લાના વીસાવદરના નાની મોણપરી ગામ ખાતે એક સિંહણે બાળકને ફાડી ખાધું હતું.
આ ઘટનાની જાણ થતાં વનવિભાગે સિંહણ નરભક્ષી ન બને તે માટે તેને પાંજરે પૂરવા વીસાવદરના આરએફઓ, વૅટરનરી ડૉક્ટર તથા ટ્રેકરો ગોઠવાયા હતા.
જૂનાગઢના વન્ય પ્રાણી વર્તુળના મુખ્ય વનસંરક્ષક રામરતન નાલાને ટાંકતા બીબીસી ગુજરાતીના સહયોગી હનીફ ખોખર જણાવે છે કે વનવિભાગ દ્વારા ખેતરમાં પાંજરું ગોઠવવાની કામગીરી ચાલી રહી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એવા સમયે સિંહણ ત્યાં આવી ચઢી હતી. ત્યારે વૅટરનરી ડૉક્ટર દ્વારા સિંહણ તરફ ટ્રાન્ક્વિલાઇઝર ગનનો શૉટ છોડવામાં આવ્યો હતો, પરંતુ અકસ્માતે આ શૉટ ટ્રેકર અશરફ ચૌહાણના ડાબા ભાગે લાગ્યો હતો.
સામાન્ય રીતે પુખ્ત સિંહ કે સિંહણનું વજન સમાન્ય વ્યક્તિ કરતાં ત્રણ ગણું હોય છે. એટલે રાની પશુને બેભાન કરવા માટે આપવામાં આવતો ડોઝ મનુષ્યની ઉપર વધુ અને તાત્કાલિક અસર કરે છે.
આથી, કૉન્ટ્રાક્ટ પર રહેલા વનકર્મી અશરફ ચૌહાણને તાત્કાલિક જિલ્લા હૉસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. આ રીતે મૃત્યુની ગુજરાતની કદાચ પ્રથમ ઘટના હોવાનું કહેવાઈ રહ્યું છે.
મુખ્ય વનસંરક્ષકના કહેવા પ્રમાણે, સિંહણને આપવાનો ડોઝ વધુ હોવાને કારણે તે મનુષ્યને વધુ અસર કરે છે.
રામરતન નાલાએ શોકાતુર ચૌહાણ પરિવારના સભ્યોને મળીને તેમને સાંત્વના પાઠવી હતી.
બીજી બાજુ, મોડી રાત્રે સિંહણને પકડી લેવામાં આવી હતી.
ટ્રમ્પે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં વખાણ કર્યાં, સાથે જ ટેરિફ વધારવાની ચીમકી ઉચ્ચારી

ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું કહેવું છે કે ભારતે રશિયા પાસેથી ક્રૂડઑઇલ ખરીદવાનું ખૂબ જ ઓછું કરી નાખ્યું છે.
ઍરફોર્સ વન વિમાનમાં પત્રકારો સાથે વાતચીત કરતી વેળાએ ટ્રમ્પે કહ્યું હતું કે 'તેઓ મને ખુશ કરવા માંગે છે. તેમને ખબર હતી કે હું ખુશ નથી અને મને રાજી કરવો ખૂબ જ જરૂરી હતું.'
ટ્રમ્પે કહ્યું કે 'અમે પરસ્પર વેપાર કરીએ છીએ' તથા ભારતે અમારી વાત ન માની તો 'અમે તેની ઉપર ટૂંક સમયમાં ટેરિફ વધારી દઇશું.'
ઉલ્લેખનીય છે કે ભારત અને અમેરિકાની વચ્ચે ટેરિફ અંગે વાટાઘાટો ચાલી રહી છે. આ પહેલાં ટ્રમ્પે દાવો કર્યો હતોકે ભારત દ્વારા રશિયન ઑઇલની ખરીદી ઘટાડવામાં આવશે, એવી ખાતરી ભારતે તેમને આપી છે.
અમેરિકાએ અગાઉથી જ ભારત ઉપર 50 ટકા ટેરિફ લાદ્યા છે, જેમાં 25 ટકા ટેરિફ રશિયા પાસેથી ક્રૂડતેલ ખરીદવા માટે 'સજા' પેટે લાદવામાં આવ્યો છે.
વેનેઝુએલામાં અમેરિકાના હુમલા બાદ પાકિસ્તાને પહેલી પ્રતિક્રિયા આપી

ઇમેજ સ્રોત, Getty Images
વેનેઝુએલામાં તાજેતરના ઘટનાક્રમ અંગે પાકિસ્તાને પ્રતિક્રિયા આપી છે. પાકિસ્તાને 'સંકટ' ઘટાડવા માટે સંયમ જાળવવા તથા તણાવને ઘટાડવા માટે અપીલ કરી છે.
પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે કહ્યું કે તમામ પડતર મુદ્દાઓનો ઉકેલ સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટર અને આંતરરાષ્ટ્રીય કાયદાના સિદ્ધાંતો હેઠળ લાવવો જોઈએ.
વિદેશ મંત્રાલયના નિવેદન મુજબ, "વેનેઝુએલાના લોકોની ભલાઈને પાકિસ્તાન ખૂબ જ મહત્ત્વ આપે છે તથા દેશમાં જે સ્થિતિ ઊભી થઈ રહી છે, તેના અંગે ચિંતિત છે."
પાકિસ્તાનનું કહેવું છે કે તે પરિસ્થિતિ ઉપર નજર રાખી રહ્યું છે તથા વેનેઝુએલામાં રહેતા પાકિસ્તાની નાગરિકોની સુરક્ષાને સુનિશ્ચિત કરવા માટે સતત તેમની સાથે સંપર્કમાં છે.
ઉલ્લેખનીય છે કે સોમવારે વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોને ડ્રગ્સ તથા હથિયાર સંબંધિત આરોપો હેઠળ આજે ન્યૂ યૉર્કની કોર્ટમાં રજૂ કરવામાં આવશે. માદુરોએ અગાઉ ડ્રગ કાર્ટેલના વડા હોવાની વાતનો ઇનકાર કર્યો છે.
શું વેનેઝુએલા સાથે અમેરિકા યુદ્ધ કરશે? વિદેશમંત્રીએ આપ્યો જવાબ

ઇમેજ સ્રોત, Reuters
અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયોનું કહેવું છે કે અમેરિકાએ વેનેઝુએલા વિરુદ્ધ યુદ્ધ હાથ નથી ધર્યું.
એનબીસી ન્યૂઝ સાથેના કાર્યક્રમમાં તેમને પૂછવામાં આવ્યું હતું કે શું અમેરિકા અને વેનેઝુએલા વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે?
એમણે કહ્યું, "મારા કહેવાનો મતલબ છે કે અમે ડ્રગ્સની તસ્કરી કરનારા સંગઠનો વિરુદ્ધ યુદ્ધ હાથ ધર્યું છે. આ યુદ્ધ વેનેઝુએલા સાથે નથી."
માર્કો રૂબિયોએ ઉમેર્યું હતું, "અમેરિકા તરફ ડ્રગ્સ લાવનારી હોડીઓને પકડવાનું કામ ચાલુ રહેશે."
રૂબિયોને પૂછવામાં આવ્યું કે વેનેઝુએલાને કોણ ચલાવી રહ્યું છે? તેના જવાબમાં માર્કો રૂબિયોએ કહ્યું, "વેનેઝુએલામાં પરિવર્તન જોવાની અપેક્ષા છે," જેમાં "અમેરિકાના રાષ્ટ્રીય હિતમાં હોય" તેવા બદલાવ "સૌથી મહત્ત્વપૂર્ણ" છે.
વેનેઝુએલામાં અમેરિકાના ઑપરેશન અંગે શા માટે અમેરિકન સંસદની પૂર્વમંજૂરી લેવામાં નહોતી આવી?
તેના જવાબમાં રૂબિયોએ કહ્યું, "આ કોઈ હુમલો ન હતો, એટલે મંજૂરી લેવી જરૂરી ન હતી."
રૂબિયોએ કહ્યું હતું કે વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોને એફબીઆઈએ (ફેડરલ બ્યૂરો ઑફ ઇન્વેસ્ટિગેશન) પકડ્યા છે. આ એક "કાયદો લાગુ કરવા માટેનું ઑપરેશન" હતું.
રૂબિયોએ કહ્યું હતુંકે આ પ્રકારના ઑપરેશન અંગે કૉંગ્રેસને માહિતી ન આપી શકાય, કારણ કે "તેમાં માહિતી લીક થવાની આશંકા રહે છે."
25 પાકની 184 નવી વૅરાઇટી લૉન્ચ

ઇમેજ સ્રોત, Getty Images
રવિવારે કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે 25 પાકોની 184 નવી વૅરાઇટી લૉન્ચ કરી હતી.
આ વૅરાઇટી ઇન્ડિયન કાઉન્સિલ ઑફ ઍગ્રિકલ્ચર રિસર્ચ, ઍગ્રિકલ્ચર યુનિવર્સિટીઓ તથા પ્રાઇવેટ સેક્ટર દ્વારા વિકસાવવામાં આવી હતી.
આ પ્રસંગે ચૌહાણે કહ્યું હતું, "ખેડૂતોને યોગ્ય ભાવે ઉત્તમ બિયારણ મળે તે અમારી સરકારનો ધ્યેય છે."
શિવરાજસિંહ ચૌહાણે કહ્યું હતું કે આ વખતે રવિ પાકનું મબલક ઉત્પદાન થશે.
ચૌહાણે ઉમેર્યું હતું કે મોદી સરકારના ગત 11 વર્ષ દરમિયાન ત્રણ હજાર 200 જેટલા નવીન બિયારણ વિકસાવવામાં આવ્યા હતા.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












