You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મુંબઈમાં લિવ-ઈન પાર્ટનરની હત્યા, મૃતદેહના ટુકડેટુકડા કરીને કૂતરાને ખવડાવ્યાની શંકા
મુંબઈ પાસેના મીરા ભાયંદર વિસ્તારમાં હત્યાનો એક સનસનાટીભર્યો મામલો સામે આવ્યો છે.
આ મામલામાં એક વ્યક્તિ પર પોતાના લિવ-ઇન પાર્ટનરની હત્યા અને પછી મૃતદેહના ટુકડા કરી નાખવાનો આરોપ છે.
સમાચાર એજન્સી પીટીઆઇ પ્રમાણે, મહિલાનો મૃતદેહ મીરા ભાયંદર વિસ્તારમાં બુધવારે રાત્રે મળી આવ્યો હતો.
પોલીસે આ મામલાના આરોપીની ધરપકડ કરી લીધી છે.
પોલીસ અનુસાર બુધવારે સાંજે ગીતા-આકાશદીપ સોસાયટીના રહેવાસીઓએ એક ફ્લૅટમાંથી બદબો આવતી હોવાની ફરિયાદ કરી હતી.
જ્યારે પોલીસની ટીમ સ્થળ પર પહોંચી અને ફ્લૅટમાં તપાસ કરી તો તેમાંથી મહિલાનો મૃતદેહ ટુકડા કરેલી અવસ્થામાં મળી આવ્યો.
ડીસીપી જયંત બજબલેએ પત્રકારોને જણાવ્યું કે, “મનોજ સાને અને સરસ્વતી વૈદ્ય પાછલાં ત્રણ વર્ષોથી લિવ-ઇન રિલેશનશિપમાં રહેતાં હતાં. હાલ તપાસમાં સામે આવ્યું છે કે મનોજે સરસ્વતી વૈદ્યની હત્યા કરીને બાદમાં મૃતદેહને સગેવગે કરવા માટે તેના ટુકડેટુકડા કરી નાખ્યા. હાલ નયાનગર પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવાઈ છે.”
પોલીસ હાલ હત્યાના ઇરાદાની તપાસ કરી રહી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અત્યાર સુધીની પોલીસ તપાસ અનુસાર સરસ્વતીનું મૃત્યુ ચાર દિવસ પહેલાં થયું હતું અને તેમજ મનોજે કથિતપણે બે-ત્રણ દિવસ પહેલાં તેમના શરીરના અમુક ટુકડા સગેવગે કર્યા હતા.
કેટલાક સ્થાનિકોએ પોલીસને આપેલ માહિતી અનુસાર બે-ત્રણ દિવસ પહેલાં તેમણે મનોજને કથિતપણે શેરીનાં કૂતરાંને ખવડાવતા જોયા હતા. પોલીસ આ મુદ્દાને લઈને પણ તપાસ કરી રહી છે.
ડીસીપી જયંત બજબલેએ આ મુદ્દે કહ્યું હતું કે, “પોલીસ મામલાના સત્યની તપાસ કરી રહી છે.”
ઘટનાને લઈને રાષ્ટ્રીય મહિલા પંચ તરફથી પણ નિવેદન આવ્યું છે.
રાષ્ટ્રીય મહિલા પંચનાં પ્રમુખ રેખા શર્માએ કહ્યું, “તાજેતરમાં આવા મામલાઓનું પ્રમાણ વધ્યું છે. અમે મામલાનું સ્વસંજ્ઞાન લીધું છે અને મામલાની તપાસ માટે રાજ્યના ડીજીપીને પત્ર પણ લખીશું. પાછલા અમુક સમયમાં લિવ-ઇન પાર્ટનરો વિરુદ્ધ અપરાધનું પ્રમાણ વધી રહ્યું છે. લોકો ભૂતકાળમાં આ પ્રકારની ઘટનાઓને જોઈને ક્રાઇમ કરી રહ્યા છે, જે અત્યંત બિહામણું છે. તેથી સમાજને વિચારવાની જરૂરિયાત છે કે આખરે આ પ્રકારના ગુનાને કેવી રીતે રોકવામાં આવે.”
શ્રદ્ધા મર્ડર કેસ સાથે સરખામણી
આ ઘટનાની સરખામણી શ્રદ્ધા મર્ડર કેસ સાથે કરાઈ રહી છે.
ગત વર્ષે નવેમ્બર માસમાં દિલ્હીમાં આ મામલો સામે આવ્યો હતો.
દિલ્હી પોલીસ અનુસાર ગત વર્ષે મે માસમાં 27 વર્ષીય શ્રદ્ધા વાલકરની આફતાબ પૂનાવાલાએ હત્યા કરી અને તે બાદ મૃતદેહના ટુકડા જંગલમાં અલગ-અલગ વિસ્તારોમાં ફેંકી દીધા.
બંને લિવ-ઇન રિલેશનશિપમાં હતાં. ઘટના બાદ પોલીસે આફતાબની ધરપકડ કરી હતી અને હજુ મામલાની તપાસ ચાલી રહી છે.
શ્રદ્ધા મહારાષ્ટ્રના પાલઘરનાં રહેવાસી હતાં અને છોકરીનો પરિવાર આ સંબંધથી નાખુશ હતો.
આ કારણે બંનેએ દિલ્હી આવવાનો નિર્ણય લીધો અને બાદમાં બંને સાથે રહેવા પણ લાગ્યાં. એફઆઇઆર પ્રમાણે, અમુક દિવસ બાદ જ શ્રદ્ધાએ પોતાનાં માતાને જણાવ્યું હતું કે આફતાબ તેમની સાથે મારઝૂડ કરે છે.
પોલીસ પ્રમાણે, આફતાબે હત્યાના અગાઉના દિવસે પણ શ્રદ્ધાનું મૃત્યુ નિપજાવવાનો પ્રયત્નો કર્યો હતો. બંને વચ્ચે લગ્નના મુદ્દે દલીલ થઈ હતી. સાથે જ આફતાબ અને શ્રદ્ધાની હત્યાના દિવસે પણ લડાઈ થઈ હતી.