સાબરકાંઠાની બી.એડ. કૉલેજ મુદ્દે એવું તો શું થયું કે નવા વર્ષનાં ઍડમિશનો રદ કરી દેવાયાં

ઇમેજ સ્રોત, Hemchandracharya North Gujarat University
ગુરૂવાર સાંજે સાબરકાંઠા જિલ્લાના એક ગામમાં કથિત નકલી બી.એડ. કૉલેજ ચાલી રહી હોવાનું બહાર આવ્યું હતું.
કાગળ પર ચાલતી આ બી.એડ. કૉલેજ હેમચંદ્રચાર્ચ ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સાથે સંલગ્ન હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. હાલમાં યુનિવર્સિટીના અધિકારીઓ તપાસ કરી રહ્યા છે કે કૉલેજ કઈ રીતે ચાલતી હતી અને કેટલા વિદ્યાર્થીઓએ આ કૉલેજમાં ઍડમિશન લીધું છે.
અત્રે નોંધનીય છે કે થોડા દિવસો પહેલાં રાજકોટની પીપળીયા ગામે નકલી શાળા પકડાઈ હતી જ્યાં કોઈ પણ પરવાનગી વગર વિદ્યાર્થીઓને ભણાવવામાં આવતા હતા. દાવો કરવામાં આવી રહ્યો છે કે શાળામાં ધોરણ 1થી લઈને 10 સુધીના વર્ગો ચાલતા હતા. જોકે, શાળાના સંચાલકો અનુસાર તેઓ માત્ર પ્રી પ્રાયમરી શાળા ચલાવી રહ્યા છે.
જિલ્લા શિક્ષણાધિકારી હાલ આ શાળાની તપાસ કરી રહ્યા છે. જિલ્લા શિક્ષણાધિકારીએ જણાવ્યું કે શાળામાં ભણતા વિદ્યાર્થીઓને સરકારી શાળામાં દાખલ કરી દેવાયા છે.

સમગ્ર મામલો શું છે?

ઇમેજ સ્રોત, ANKIT CHAUHAN
બીબીસી ગુજરાતીના સહયોગી અંકિત ચૌહાણ કહે છે કે વિજયનગરના કોડીયાવાડા ગામમાં સંસ્કાર બી.એડ. કૉલેજ ચાલતી હતી. સંચાલકો દ્વારા આ કૉલેજ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સાથે સંલગ્ન હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.
અંકિત ચૌહાણના જણાવ્યા પ્રમાણે, "હાલમાં યુનિવર્સિટીમાં અરજી કરવામાં આવી હતી કે કૉલેજ જે મકાનમાં ચાલે છે તેની તપાસ કરવામાં આવે."
"યુનિવર્સિટીએ તપાસ કરી તો બહાર આવ્યું કે જે સ્થળે કૉલેજ બતાવાઈ રહી હતી તે સ્થળે કૉલેજ નહીં પણ શૉપિંગ કૉમ્પ્લેક્સ હતું. યુનિવર્સિટીની તપાસ દરમિયાન કૉલેજના સંચાલકો પાસેથી કોઈ સંતોષકારક જવાબ મળ્યો નહોતો."
જોકે. કૉલેજના સંચાલકોએ યુનિવર્સિટીને જણાવ્યું હતું કે આ કૉલેજ હાલ મહેસાણાના જોટાસણ પાસે આવેલા વિરસોડા ગામમાં શિફ્ટ કરવામાં આવી છે. પરંતુ તેઓ એ જણાવી શક્યા નહોતા કે આ કૉલેજને તેમણે કોડીયાવાડથી વિરસોડા ગામ ખાતે શિફ્ટ કેમ કરી?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અંકિત ચૌહાણ વધુમાં જણાવે છે, "કોડીયાવાડામાં એક ખાનગી કૉમ્પ્લેક્સમાં આ કૉલેજ ચાલતી હતી અને યુનિવર્સિટીની કાર્યવાહી બાદ હાલ તે બંધ છે. ગામલોકો આ વિશે બહુ જાણતા નથી. ચોક્કસ આંકડો નથી પરંતુ ઘણા વિદ્યાર્થીઓ આ કૉલેજમાં ભણ્યા છે અને કોર્ષ પૂર્ણ પણ કર્યો છે."
અંકિત ચૌહાણના જણાવ્યા પ્રમાણે હવે યુનિવર્સિટી એ તપાસ કરી રહી છે કે આ કૉલેજે કેટલા વિદ્યાર્થીઓને ઍડમિશન આપ્યું હતું અને કોને આપ્યું હતું.
યુનિવર્સિટીએ જે વિદ્યાર્થીઓને ઍડમિશન મળ્યું હતું તે રદ કરવાની કાર્યવાહી શરૂ કરી છે.
કેટલા સમયથી ચાલતી હતી કૉલેજ

ઇમેજ સ્રોત, ANKIT CHAUHAN
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
વિજયનગરથી 10 કિલોમીટર દૂર કોડીયાવાડા ગામ છે. ગામની વચ્ચોવચ દૂધ મંડળી આવેલી છે અને તેની બાજુમાં એક શૉપિંગ કૉમ્પ્લેક્સ આવેલું છે. બે માળનાં બનેલાં આ કૉમ્પ્લેક્સમાં કથિતરીતે નકલી બી. એડ. કૉલેજ ચાલતી હતી.
ગામના આગેવાન મહેન્દ્ર ડામોર બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહે છે, "કૉમ્પ્લેક્સની ત્રણ દુકાનોમાં છેલ્લા પાંચ- છ વર્ષથી આ કૉલેજ ચાલતી હતી. એક દુકાનમાં લાઇબ્રેરી હતી અને અન્ય દુકાનમાં કૉલેજની વહીવટી કચેરી હતી."
શું કોલેજમાં વિદ્યાર્થીઓ આવતા હતા? તેના જવાબમાં તેઓ કહે છે, "સામાન્ય રીતે વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં આવતા નહોતા. પરીક્ષાના સમયમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અહીં જોવા મળતા હતા અને કૉમ્પ્લેક્સના પ્રથમ માળમાં પરીક્ષા આપતા હતા.
સમગ્ર વર્ષ દરમિયાન કેવી રીતે ભણવવામાં આવતું હતું અને કોણ કોણ ભણાવવા આવતું હતું તે વિશે કોઈ માહિતી નથી. પરંતુ એક વાત ચોક્કસ છે કે અહીં ઘણા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે આવતા હતા.
ગામમાં ઘણા લોકો તેમનાં સંતાનોને આ કૉલેજમાં ઍડમિશન અપાવવા માગતા હતા પરંતુ કોઈ કારણસર કરાવી શક્યા નહીં. આજે હવે જ્યારે આ કૉલેજ નકલી હોવાનું બહાર આવ્યું છે ત્યારે તેઓ હાશ અનુભવે છે.
ગામમાં રહેતા સામાજિક અગ્રણી ઇશ્વરભાઈ પટેલ કહે છે, "સંસ્કાર બી.એડ. કૉલેજે નિયમોનું યોગ્ય રીતે પાલન કર્યું નથી અને એટલે અમારી ઇચ્છા છે કે સમગ્ર મામલામાં સરકાર દ્વારા જરૂરી કાર્યાવાહી કરવામાં આવે."
સવાલો થઈ રહ્યા છે કે કૉલેજની મૅનેજમેન્ટ કમિટીમાં કોણ છે અને કૉલેજ કઈ રીતે શૉપિંગ કૉમ્પ્લેક્સમાં ચાલવા છતાં આટલા દિવસ સુધી કોઈ કાર્યવાહી ન થઈ?
સ્થાનિક પત્રકાર તેજસ રાવલ કહે છે, "આ કૉલેજ સત્તાધારી પક્ષના એક મોટા નેતા દ્વારા ચાલવવામાં આવે છે. હાલમાં કૉલેજને મહેસાણા શિફ્ટ કરવામાં આવી છે તે વિશે યુનિવર્સિટીને યોગ્ય જવાબ આપવામાં આવ્યો નથી. હાલ તો યુનિવર્સિટીએ શૈક્ષણિક કાર્ય અટકાવી દીધું છે. યુનિવર્સિટી શું પગલાં લે છે એ જોવું રહ્યું."
બીબીસી સાથે વાત કરતા કૉલેજના એક અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું કે 'કૉલેજ પાસે દરેક બાબતના પુરાવા છે જે યુનિવર્સિટીને આપવામાં આવ્યા છે.'
બીબીસીએ આ વિશે ઉત્તર ગુજરાત યુનિવર્સિટીનો પક્ષ જાણવા માટે કુલપતિનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ સફળતા મળી નહોતી.
નકલી કારનામાં

ઇમેજ સ્રોત, LAXMI PATEL
સાલ 2023માં મોરબીમાં નકલી ટોલનાકું ચાલતું હોવાનો ખુલાસો થયો હતો જે બાદ સમગ્ર દેશમાં તેની ચર્ચા થઈ હતી.
વાંકાનેરનાં વઘાસિયા ટોલનાકા પાસે તેની બંને બાજુએ ગેરકાયદે ટોલનાકા બનાવવામાં આવ્યાં હતાં. દરરોજ આ ટોલનાકા પરથી અંદાજીત 2000 વાહનો પસાર થતાં હતાં અને વાહનચાલકો પાસેથી રૂપિયા 20થી લઈને 200 સુધીનો ટોલટૅક્સ વસુલવામાં આવતો હતો.
2023ના ઑક્ટોબરમાં ગુજરાતનું વહીવટીતંત્ર શરમજનક સ્થિતિમાં મૂકાઈ ગયું જ્યારે છોટા ઉદેપુર જિલ્લાના બોડેલીમાં ‘નકલી સરકારી કચેરી’ પકડાઈ હતી. આ ઘટનાથી સરકારી વ્યવસ્થા સામે ગંભીર સવાલ ઊભા થયા હતા. જોકે, એ મામલો શાંત પડે એ પહેલાં જ માત્ર 10 દિવસોમાં વધુ છ ‘નકલી સરકારી કચેરીઓ’ પકડાઈ હતી.
3જી માર્ચ 2023ના રોજ જ્યારે જમ્મુ કાશ્મીરની પોલીસે મૂળ ગુજરાતના કિરણ પટેલની ધરપકડ કરી ત્યારે તેનાં કારનામાં સાંભળીને સમગ્ર દેશ ચોંકી ગયો હતો.
વડા પ્રધાન કાર્યાલય એટલે કે પીએમઓમાં એડિશનલ ડાયરેક્ટર હોવાનો દાવો કરીને કિરણ પટેલે વૈભવી સરકારી સુવિધાઓ લીધી હતી. પોલીસ અનુસાર પટેલે પોતે નવી દિલ્હીમાં વડા પ્રધાન કાર્યાલયમાં કામ કરતા હોવાના દાવો કર્યો હતો પરંતુ તેઓ ત્યાં આવા કોઈ પદ પર કામ કરતા નહોતા.
નકલી તેલ, ઘી, માવો, ગોળ, જીરૂ અને માખણ બાદ ગુજરાતમાં નકલી સિરપ પણ સમાચારોમાં ચમક્યો હતો. ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના બિલોદરા અને બગડુ ગામમાં કથિત આલ્કોહૉલિક આર્યુવેદિક સિરપ પીધા બાદ અત્યાર સુધીમાં છ વ્યક્તિનાં મોત નીપજ્યાં હતાં.
કાલમેધાસવ નામનું લેબલ લગાડેલી બૉટલ (જે આયુર્વેદિક ઔષધી તરીકે દર્શાવાઈ હતી)માં નશાકારક પીણું પૅક કર્યું હતું. આ શંકાસ્પદ પ્રવાહીની ફૉરેન્સિક તપાસ કરાવતાં મિથેનૉલની પ્રાથમિક હાજરી જણાઈ હતી. સીરપ બનાવનાર બે લોકોની પોલીસે ધરપકડ કરી હતી.












