અયોધ્યામાં પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ વચ્ચે ત્યાનાં કેટલાક મુસ્લિમો શું વિચારે છે?

- લેેખક, નીતિન શ્રીવાસ્તવ
- પદ, બીબીસી સંવાદદાતા, અયોધ્યાથી
અયોધ્યામાં નિર્માણાધીન રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠા 22 જાન્યુઆરીએ થશે જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ સામેલ રહેશે.
મંદિર નિર્માણના કામની સંભાળ રાખતી રામમંદિર કમિટીએ આ ભવ્ય આયોજનમાં ભાગ લેવા માટે 7,000 સાધુ-સંતો સિવાય બીજા 4,000 લોકોને નિમંત્રણ આપ્યું છે.
અયોધ્યામાં 70 એકરમાં બની રહેલા રામમંદિર પરિસરની એકદમ પાછળ એક કટરા નામનો વિસ્તાર છે. ચાર લોકોનો એક પરિવાર અહીં એક નાનકડા ઘરમાં દિવસ-રાત કામ કરી રહ્યો છે કારણ કે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની તારીખ નજીક આવી રહી છે.
આ ઘરમાં કેટલીય પેઢીઓથી મિઠાઈના ડબ્બા બનતા રહ્યા છે. આ ડબ્બાઓને અહીંથી મિઠાઈની દુકાનોમાં મોકલવામાં આવે છે, જેમાં પ્રસાદ રાખવામાં આવશે.
ડબ્બા બનાવનારાં ફૂલજહાં માત્ર નવ વર્ષનાં હતાં જ્યારે સાત ડિસેમ્બર 1992ના દિવસે ગુસ્સામાં રહેલી ભીડે તેમના ઘર પર હુમલો કર્યો હતો અને તેમના પિતા ફતેહ મોહમ્મદને મારી નાખ્યા હતા.
સમાન સંસ્કૃતીઓમાં અંતર કેવી રીતે વધ્યું?

તે દિવસને યાદ કરતાં ફૂલજહાં ભાવુક થઈ જાય છે.
ફૂલજહાંએ કહ્યું, "અમારા પિતા તો એક સીધા માણસ હતા, જે મંદિરો માટે મિઠાઈના ડબ્બા બનાવતા હતા. તેમને બહારના લોકોએ મારી નાખ્યા અને ત્યાર પછી અમારે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો."
તેમણે ઉમેર્યું કે, "અત્યારે તો અયોધ્યામાં શાંતિ છે, કોઈ તકલીફ નથી. જ્યારે આટલી મોટી મંજિલ પાર કરી લીધી તો ભવિષ્યમાં પણ જે થશે તે જોયું જશે. થોડીક ચિંતા તો રહેશે કે ક્યાંય કોઈ ઘટના ન બને પરંતુ અયોધ્યામાં અત્યારે તો શાંતિ છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ફૂલજહાંના ઘરથી માત્ર 50 મીટર નજીક હફીઝ-ઉર-રહમાન રહે છે, જેમણે 31 વર્ષ પહેલાં થયેલાં રમખાણોમાં એક હિંદુ પરિવારના ઘરે શરણ લઈને પોતાનો જીવ બચાવ્યો હતો.
આ રમખાણોમાં હફીઝ-ઉર-રહમાનના મોટા ભાઈ અને કાકાએ પોતાનો જીવ ગુમાવ્યો. હફીઝ-ઉર-રહમાને કહ્યું, "આ ઘટના પછી તો અહીં શાંતિ રહી છે પરંતુ જ્યારે પણ અયોધ્યામાં કોઈ ભવ્ય આયોજન થાય અને લાખો લોકો આવે ત્યારે અમે ડરમાં રહીએ છીએ. આ વખતે પણ અમને બીક તો લાગે છે પણ આશા એવી છે કે કાર્યક્રમ શાંતિથી થશે."
16મી સદીમાં બનેલી બાબરી મસ્જિદને 1992માં તોડી નાખવામાં આવી.
આ ઘટના પછી અયોધ્યા અને દેશના અનેક ભાગોમાં થયેલાં રમખાણોમાં લગભગ 2,000 લોકોનાં મૃત્યુ થયાં હતાં.
અયોધ્યા મામલે લાંબી કાયદાકીય લડાઈ

હિંદુ પક્ષ અને મુસ્લિમ પક્ષ વચ્ચે પહેલાં અલાહાબાદ હાઇકોર્ટ અને પછી સુપ્રીમ કોર્ટમાં એક લાંબી કાયદાકીય લડાઈ ચાલી.
હિંદુ સંગઠનોનું માનવું છે કે બાબરી મસ્જિદ અસલમાં રામ જન્મભૂમિ હતી. ત્યાં એક મંદિરને તોડીને મસ્જિદ બનાવવામાં આવી હતી.
અંતે સુપ્રીમ કોર્ટના પાંચ જજની સંવિધાન પીઠે 2019માં એક ઐતિહાસિક ચુકાદો આપ્યો. સુપ્રીમ કોર્ટે તેમના ચુકાદામાં કહ્યું, "બાબરી મસ્જિદને ગેરકાયદેસર રીતે તોડી પાડવામાં આવી હતી." અને તે પણ કહ્યું કે અયોધ્યાની વિવાદિત જમીન પર મંદિર બનાવવામાં આવશે.
કોર્ટના આદેશ પર અયોધ્યાથી લગભગ 20 કિલોમીટર દૂર ધન્નીપરમાં એક નવી મસ્જિદ માટે જગ્યા પણ નક્કી કરવામાં આવી છે.
રામમંદિરના પરિસરની આસપાસ લગભગ એક ડઝન મસ્જિદો, મદરસા અને મજારો છે, જ્યાં સદીઓથી પૂજા-પાઠ અને અજાન એકસાથે થઈ રહ્યાં છે. જેમાં તહરી બજાર જોગિયોની મસ્જિદ, ખાનખાહે મુઝફ્ફરિયાસ દોરાહી કૂવાની મસ્જિદ, કજીયાના મસ્જિદ, બદર પંજીટોલાની મસ્જિદ, મદાર શાહની મસ્જિદ અને ઇમામવાડા મસ્જિદ મુખ્ય છે.
અયોધ્યાના મુસ્લિમોમાં ચિંતા?

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
અયોધ્યા જિલ્લાની વસ્તી લગભગ 30 લાખ છે, જેમાં પાંચ લાખ મુસ્લિમો છે. પાંચ હજાર જેટલાં મુસ્લિમો નવા રામમંદિરની આસપાસ રહે છે.
એક અનુમાન છે કે પ્રાણપ્રતિષ્ઠા પછી દર મહિને 25-30 લાખ શ્રદ્ધાળુઓ રામમંદિરે દર્શન માટે આવશે.
લઘુમતી સમુદાયના કેટલાક લોકોમાં પહેલાં થયેલા નુકસાનને કારણે ચિંતા પણ છે.
અયોધ્યાની નજીક આવેલા ફૈઝાબાદમાં મોહમ્મદ ખલીફ ખાનની સ્ટેશનરીની દુકાન છે અને તેમનો પરિવાર પેઢીઓથી ત્યાં જ રહે છે.
તેમણે કહ્યું, "હમણાં આઠ-દસ દિવસો પહેલાં ટાટશાહ મસ્જિદે કેટલાક લોકો અયોધ્યાથી આવ્યા હતા. લોકોએ કહ્યું કે અમે ઘર છોડીને જઈ રહ્યા છીએ કારણ કે ત્યાં ખૂબ જ ભીડ હશે. જો કે અહીંના ઉલેમાએ તેમને ઘર છોડીને ન જવા માટે સમજાવ્યા અને કહ્યું કે અમે અધિકારીઓ સાથે વાત કરી રહ્યા છીએ. પોલીસે પણ તેમને રોક્યા અને કહ્યું કે તમે અયોધ્યા છોડીને ન જાવ, અમે તમારી સુરક્ષા કરીશું."
આ દરમિયાન "અયોધ્યાના કેટલાક મુસ્લિમ પરિવારો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની પહેલાં કેટલાક દિવસો માટે શહેરથી બહાર જઈ રહ્યા છે."
સ્થાનિક પ્રશાસન અને પ્રદેશની સરકારે એ વાત પર ખાસ ભાર મૂક્યો છે કે આ આયોજન અને ત્યાર પછી યોગ્ય સુરક્ષાની વ્યવસ્થા હોય અને કોઈને પણ ચિંતા કરવાની જરૂર ન રહે.
ભાજપના સાંસદે મુસ્લિમોને આશ્વાસન આપ્યું

અયોધ્યાથી સત્તાધારી પાર્ટી ભાજપના સાંસદ લલ્લુસિંહે બીબીસીને કહ્યું, "બધાની સુરક્ષા કરવામાં આવશે અને લઘુમતી સમુદાયની કોઈ પણ વ્યક્તિએ ચિંતા કરવાની જરૂર નથી."
તેમને ઉમેર્યું, "જે પ્રકારે અયોધ્યાના બીજા નાગરીકો રહે છે તેવી જ રીતે તેઓ પણ રહે છે. અમે આપસી ભાઈચારાનો વ્યવહાર રાખીને રહીએ છીએ. અમારા વડા પ્રધાન તો વિકાસના જેટલાં કામ કરી રહ્યા છે તે બધા માટે કરી રહ્યા છે. એમાં કોઈ પણ એ ન કહી શકે કે આ ધર્મનું વધારે કે પછી બીજા ધર્મનું ઓછું થયું છે. અમારા સંગઠને ક્યારે અમને એવું નથી કહ્યું કે દૂરી રાખો કારણ કે બધા ભારતના નાગરિક છે."
રામમંદિરથી માત્ર 100 મીટર દૂર આવેલા એક મોટા મદરેસાની અમે અમુક અઠવાડિયાં પહેલાં મુલાકાત લીધી હતી. અહીં હાજી હાફિઝ સૈય્યદ ઇખલાક સાથે વાતચીત પણ કરી હતી. તેમણે ત્યારે કહ્યું હતું કે આ પરિસરની આસપાસ લઘુમતી સમુદાયના લોકોની જમીનો છે અને કેટલાક લોકો દુવિધામાં છે કે અહીં ક્યાં સુધી રહેવું જોઈએ.
અમે ગુરુવારે જ્યારે તેમને બીજી વખત મળવા પહોંચ્યા ત્યારે તેમને અમારી સાથે વાત કરવાની ના પાડી. તેમના એક કર્મચારીએ ગેટ પર અમને કહ્યું કે હાજી સાહેબ હવે મીડિયાના લોકો સાથે વાત નહીં કરે.
ગંગા-જમુના સંસ્કૃતિ

અયોધ્યામાં અમારી મુલાકાત સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડના અધ્યક્ષ મોહમ્મદ આજમ કાદરી સાથે થઈ. તેમના મતે અયોધ્યામાં લઘુમતી સમુદાયને લાગે છે તેમને કશું પૂછવામાં આવતું નથી.
તેમણે ઉમેર્યું, "અમારાં ધાર્મિક સ્થળોનો જીર્ણોધાર કરવામાં આવ્યો હોત તો અમે પણ ખુશ થયા હોત. અને ગંગા-જમુના સંસ્કૃતિમાં ચાર-ચાંદ લાગી ગયા હોત કે હા વડા પ્રધાન માત્ર એક સમુદાયના જ નહીં પરંતુ બધા સમુદાયના છે."
"અહીંના સમુદાયો કોઈ રાજનીતિમાં પડવા નથી માગતા અને ન તો રાજનીતિનો ભાગ બનવા માગે છે જેથી કે હિંદુ-મુસ્લિમોને લડાવાનું કોઈ કામ કરે કે તેના પર કોઈ રાજનીતિ થાય. અહીંના લોકો માત્ર એટલું જ ઇચ્છે છે કે વસ્તુઓ જેવી છે તેવી જ રીતે સુરક્ષિત રહે."
રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠા પછી સંપૂર્ણપણે તૈયાર થતાં લગભગ બે વર્ષ જેટલો સમય લાગશે.
નિર્માણકાર્ય 24 કલાક ચાલી રહ્યું છે અને ભક્તોનું આગમન પણ વધી રહ્યું છે.
ઇમામવાડા ચોક પાસે રહેતા હામિદ જાફર મીસમ અયોધ્યાના શિયા વક્ફ કમેટીના અધ્યક્ષ છે.
તેમને કહ્યું, "સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યા પછી આ વિશે કોઈ વિવાદ નથી. મસ્જિદ પણ ધન્નીપુરમાં બની રહી છે અને મંદિર પણ બની રહ્યું છે. આ બાબતે મુસ્લિમોને કોઈ પણ આપત્તિ નથી. જો કે મીડિયાના કેટલાક લોકો અહીંના મુસ્લિમોને પૂછી રહ્યા છે કે 22 જાન્યુઆરીએ તમે શું કરશો? યોગ્ય નથી. અરે ભાઈ તેઓ 22 જાન્યુઆરીએ એ જ કરશે જે તેઓ રોજીંદા જીવનમાં કરી રહ્યા છે."












