You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બજેટ અગાઉ ભારત સરકાર સામે કેવા પડકારો છે?
- લેેખક, વિવેક કૌલ
- પદ, અર્થશાસ્ત્રી
નાણામંત્રી નિર્મલા સીતારમણ 23મી જુલાઈએ ભારતનું કેન્દ્રીય બજેટ રજૂ કરવાના છે. જૂન મહિનાથી નરેન્દ્ર મોદી સરકારનો ત્રીજો કાર્યકાળ શરૂ થયો છે અને આ કાર્યકાળમાં તેનું આ પ્રથમ બજેટ હશે.
ગયા નાણાકીય વર્ષ એપ્રિલ 2023થી માર્ચ 2024 દરમિયાન ભારતીય અર્થતંત્રે 8.2 ટકાના મજબૂત દરે વૃદ્ધિ કરી હતી. પરંતુ ભારતીયો ચીજવસ્તુઓ અને સર્વિસ ખરીદવા માટે જે ખર્ચ કરે છે તે ખાનગી વપરાશખર્ચ બહુ ધીમે 4 ટકાના દરે વધ્યો છે.
આ ખર્ચ ભારતના અર્થતંત્રમાં 55-60 ટકા હિસ્સો ધરાવે છે. એપ્રિલ 2020થી માર્ચ 2021 સુધીના કોવિડના સમયને બાદ કરવામાં આવે તો એપ્રિલ 2002થી માર્ચ 2003 સુધીના સમયગાળામાં વપરાશખર્ચમાં આ સૌથી ધીમો વધારો છે. કોવિડના સમયમાં ખાનગી વપરાશખર્ચ સંકોચાયો હતો.
ખાનગી વપરાશની વૃદ્ધિ ધીમી પડવી એ સૌથી મોટો પડકાર છે જેનો ઉકેલ બજેટમાં શોધવો પડશે. આમ કરવાનો સૌથી ઝડપી રસ્તો છે લોકોના હાથમાં વધુ નાણાં રાખવાં આવે. આ કામ ઘણી રીતે થઈ શકે છે.
પેટ્રોલ અને ડીઝલના વેચાણ પર કેન્દ્ર સરકાર જે ટૅક્સ કમાય છે તે બહુ ઊંચો છે. 1 જુલાઈ, 2024ના રોજ દિલ્હીમાં એક લિટર પેટ્રોલનો છૂટક ભાવ 94.72 રૂપિયા પ્રતિલિટર હતો. તેમાં પાંચમા ભાગનો હિસ્સો કેન્દ્ર સરકાર દ્વારા વસૂલવામાં આવતા ટૅક્સનો હોય છે, જેમ કે આબકારી જકાત, સરચાર્જ અને સેસ. આવું જ ડીઝલ માટે પણ છે.
ડીઝલના ભાવમાં 18 ટકા હિસ્સો કેન્દ્ર સકારના ટૅક્સનો હોય છે. આ ટૅક્સ ઘટાડવામાં આવે તો લોકોના હાથમાં વધુ રૂપિયા આવશે. તે રિટેલ ફુગાવાને ઘટાડવામાં પણ મદદ કરશે જે જૂન 2024માં 5.1 ટકા હતો.
બીબીસી ગુજરાતીની વૉટ્સઍપ ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે અહીં ક્લિક કરો
આ ઉપરાંત કેન્દ્ર સરકારે આવકવેરાના દરો ઘટાડવા અથવા આવકવેરાના સ્લૅબમાં વધારો કરવા વિચારવું જોઈએ. લોકોએ સરેરાશ ઓછો આવકવેરો ભરવાનો આવે તે જોવું જોઈએ અને આ પ્રક્રિયામાં તેમને વધુ ખર્ચ કરવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ દલીલમાં એક સમસ્યા એ છે કે ભારતમાં વસતીના પ્રમાણમાં બહુ ઓછા આવકવેરો ચૂકવે છે.
એપ્રિલ 2021થી માર્ચ 2022 (નાણાકીય વર્ષ 2021-22)નો ડેટા સૂચવે છે કે તે વર્ષ દરમિયાન માત્ર 6.854 કરોડ ભારતીયોએ આવકવેરા રિટર્ન ફાઇલ કર્યું હતું. તેમાંથી પણ 4.214 કરોડ લોકોએ તો માત્ર રિટર્ન ભર્યું છે, તેમણે કોઈ આવકવેરો નથી ભર્યો.
આ ઉપરાંત 2.021 કરોડ કરદાતાએ 150,000 રૂપિયા સુધીનો આવકવેરો ભર્યો હતો. તેથી બાકીના ફક્ત 61.8 લાખ કરદાતાએ જ મોટા ભાગનો આવકવેરો ભર્યો હતો. આ બહુ નાની સંખ્યા છે. તેથી આવકવેરામાં કોઈ પણ કાપ કરવાથી ખાનગી વપરાશને વધારે પડતો વધારવામાં મદદ નહીં મળે. આવકવેરામાં કાપની વિરુદ્ધ આવી દલીલ કરવામાં આવે છે.
સ્થગિત થઈ ગયેલું કૉર્પોરેટ રોકાણ
આ વાત આમ તો સાચી છે, પરંતુ કોઈ પણ સામાજિક દલીલની જેમ તેમાં પણ અલગઅલગ પાસાં છે. પહેલી વાત, સામાન્ય રીતે ભારતીય પરિવારમાં ઘરની માત્ર એક વ્યક્તિ જ આવકવેરો ભરે છે.
સરેરાશ ભારતીય પરિવારમાં પાંચ વ્યક્તિ હોય છે. આથી જો આવકવેરામાં કાપ મૂકવામાં આવશે તો આવકવેરો ભરનારાની ખરીદશક્તિ વધશે એટલું જ નહીં, તેમના પરિવારો પણ વધુ ખર્ચ કરી શકશે. અને આ સંખ્યા દોઢ લાખ રૂપિયાથી વધારે આવકવેરો ભરતા 61.8 લાખ લોકો કરતા ઘણી મોટી છે.
બીજું, જે વર્ગ આવકવેરો ભરે છે તે વધુ ખર્ચ કરવા માટે સૌથી સારી સ્થિતિમાં છે. એક વ્યક્તિનો ખર્ચ એ બીજી વ્યક્તિની આવક હોય છે તેથી તેમને વધુ ખર્ચ કરવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ, કારણ કે કોઈ પણ સરકાર ટૂંકા ગાળામાં લોકોને વધુ ખર્ચ કરવા પ્રોત્સાહિત કરવા માટે આટલું જ કરી શકે છે.
ખાનગી વપરાશમાં મંદી સિવાય ભારતીય અર્થતંત્ર સામેની બીજી મોટી સમસ્યા સ્થગિત થઈ ગયેલું ખાનગી કૉર્પોરેટ રોકાણ છે. ધ હિન્દુ અખબારના તાજેતરના અહેવાલ દર્શાવે છે કે કંપનીઓ દ્વારા જાહેર કરાયેલા નવા રોકાણ પ્લાન એપ્રિલથી જૂન 2024 દરમિયાન બે દાયકાના નીચા સ્તરે આવી ગયા છે.
વપરાશ વૃદ્ધિની સંભાવના અને કૉર્પોરેટ રોકાણમાં વધારા વચ્ચે એક સ્પષ્ટ કડી છે. કંપનીઓને જ્યારે લાગે કે તેમના રોકાણ કરવાથી ગ્રાહકમાં વધારે ડિમાન્ડ પેદા થશે, ત્યારે જ તે વધુ મૂડી રોકવા માટે તૈયાર થશે.
હાલમાં તો તેમને એવું નથી લાગતું. તેથી ખાનગી વપરાશ વૃદ્ધિમાં નવચેતન આવે તે ખાસ મહત્ત્વપૂર્ણ છે.
નોકરીઓની અછત
કંપનીઓના વડાઓ જાહેરમાં તો ભારતીય અર્થતંત્રની મજબૂત સંભાવનાઓ વિશે જ વાત કરતા હોય છે. પરંતુ તેઓ જેની વાતો કરે છે ત્યાં વાસ્તવમાં મૂડી રોકતા નથી. તેના કારણે આપણે ત્યાં રોજગારીની અછતનો પ્રશ્ન પેદા થાય છે.
ભારતીય વર્કફોર્સમાં સામેલ થતા યુવાનો માટે નોકરીઓની અછત છે. સેન્ટર ફૉર મૉનિટરિંગ ઇન્ડિયન ઇકૉનૉમી મુજબ, 2023-24માં લેબર ફોર્સ પાર્ટિસિપેશન રેટ (LFPR) 40.4 ટકા હતો, જે 2022-23માં 39.4 ટકા કરતા વધુ સારો હતો, પરંતુ 2016-17માં 46.2 ટકા કરતાં ઓછો હતો.
લેબર ફોર્સ અને 15 વર્ષથી વધારે વયના લોકોના ગુણોત્તરને LFPR કહેવામાં આવે છે. જે લોકોની ઉંમર 15 વર્ષ અથવા તેનાથી વધુ હોય, જેઓ રોજગાર ધરાવતા હોય અથવા બેરોજગાર હોય અને કામ કરવા ઇચ્છતા હોય અને કામ શોધી રહ્યા હોય તેને લેબર ફોર્સ એટલે કે શ્રમબળ કહેવામાં આવે છે.
આ ગુણોત્તર ઘટ્યો તેનો અર્થ એવો થયો કે જે લોકો પાસે નોકરી નથી એવા ઘણા લોકોએ હવે નોકરી શોધવાનું જ બંધ કરી દીધું છે.
આ ઉપરાંત અહીં એ યાદ રાખવું જરૂરી છે કે 2023-24ની વસતી 2016-17 કરતાં વધારે છે, જે સૂચવે છે કે લેબર ફોર્સમાંથી બહાર નીકળતા લોકોની સંપૂર્ણ સંખ્યામાં વધારો થયો છે.
તેનાથી વિપરીત રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાએ તાજેતરમાં ડેટા બહાર પાડ્યો હતો જેમાં તેણે સૂચવ્યું હતું કે 2019-20ના અંતથી 2023-24ના અંત સુધીમાં લગભગ 10.9 કરોડ નોકરીઓનું સર્જન થયું છે. આ ડેટા મુજબ 2020-21 અને 2021-22ના કોવિડ રોગચાળાનાં વર્ષો દરમિયાન પણ લગભગ 4.3 કરોડ નોકરીઓનું સર્જન થયું હતું.
જોકે, આ આંકડા ભરોસાપાત્ર નથી. અઝીમ પ્રેમજી યુનિવર્સિટીના સેન્ટર ફૉર સસ્ટેનેબલ એમ્પ્લૉઇમૅન્ટના વડા અમિત બાસોલેએ બિઝનેસ સ્ટાન્ડર્ડને કહ્યું: “હું તેને નોકરી નહીં કહું... તેઓ માત્ર ખેતીમાં કામ કરતા અથવા બિન-ખેતીમાં કામ કરતા સ્વરોજગાર ધરાવતા લોકો છે, કારણ કે ઉદ્યોગોમાં કામદારોની માગનો જ અભાવ છે."
સરકાર ટૅક્સ ઘટાડે તો?
તેના કારણે ખાનગી વપરાશ વૃદ્ધિમાં મંદીનો મુદ્દો ફરીથી પેદા થાય છે. ટૂંકા ગાળામાં જ્યાં સુધી ખાનગી વપરાશમાં ખરેખર વૃદ્ધિ નહીં થાય ત્યાં સુધી ખાનગી રોકાણ વધશે નહીં. એટલે કે શ્રમબળમાં પ્રવેશતા યુવાનો માટે પૂરતી નોકરીઓનું સર્જન થશે નહીં.
તેથી જ આગામી બજેટમાં ખાનગી વપરાશ વૃદ્ધિમાં ફરી વેગ આવે તેના પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. એ વાત સાચી કે સરકાર પાસે કંઈ અમર્યાદિત મૂડી નથી. જો તે ટૅક્સ ઘટાડે તો તેણે બીજી જગ્યાએથી નાણાં કમાવા પડશે જેથી કરીને ખર્ચ માટે જરૂરી રકમને ફાઇનાન્સ કરી શકાય.. અથવા તો ખર્ચમાં કાપ મૂકવો પડશે.
કોઈ પણ સરકાર જો ટૅક્સ ઘટાડે પરંતુ તેનો ખર્ચ ન ઘટાડે તો તેની રાજકોષીય ખાધ વધી જાય છે. સરકારની આવક અને તેના ખર્ચ વચ્ચેના તફાવતને રાજકોષીય ખાધ કહેવાય છે.
2023-24માં ભારતની રાજકોષીય ખાધ 16.54 લાખ કરોડ રૂપિયા અથવા કુલ સ્થાનિક ઉત્પાદનના 5.6 ટકા હતી. આ આંકડો ઊંચો છે અને તેને નીચે લાવવાનું સતત ચાલુ રાખવાની જરૂર છે. પરંતુ જો સરકાર વપરાશ વૃદ્ધિને વધારવા માટે કરવેરા ઘટાડે તો તે પડકારજનક બની જાય છે.
આમ છતાં, સરકારને ફાયદો એ વાતનો છે કે આરબીઆઈએ 2022-23માં આશરે 0.87 લાખ કરોડ રૂપિયાના ડિવિડન્ડની સરખામણીમાં 2023-24માં 2.1 લાખ કરોડ રૂપિયાનું ડિવિડન્ડ આપ્યું છે.
આ ઉપરાંત સરકારી માલિકીની જાહેર ક્ષેત્રની કંપનીઓ દ્વારા આપવામાં આવતા ડિવિડન્ડ પણ બહુ સારા જણાય છે. આ રીતે આવતાં નાણાંથી સરકારને થોડી રાહત રહેશે અને તેને કરવેરા ઘટાડવામાં મદદ કરી શકે છે.
વિવેક કૌલ બેડ મની પુસ્તકના લેખક છે.