'17 સપ્ટેમ્બર આવે અને મને ગભરામણ શરૂ થઈ જાય છે', ભરૂચનાં ગામોમાં પૂરના એક વર્ષ બાદ કેવી પરિસ્થિતિ છે?- ગ્રાઉન્ડ રિપોર્ટ

ઇમેજ સ્રોત, RUPESH SONVANE
- લેેખક, શીતલ પટેલ
- પદ, બીબીસી ગુજરાતી માટે, ભરૂચથી
"એ દિવસે તો મારો પરિવાર વિખેરાઈ ગયો. એ કપરો કાળ ક્યારેય ભૂલાય એમ જ નથી. એ જનાવરો નહીં પરંતુ મારાં સંતાનો હતાં જે પૂરના ધસમસતા પ્રવાહમાં તણાઈ ગયાં હતાં.''
17 સપ્ટેમ્બર, 2023માં ભરૂચ જિલ્લામાં આવેલાં પૂરમાં ઢોર ગુમાવી દેનાર જીણુભાઈના શબ્દો છે. આજે પણ એ દિવસની વાત કરતા તેમના ગળે ડૂમો ભરાઈ જાય છે.
ભરૂચ જિલ્લાના શુક્લતીર્થ નજીક કડોદ ગામમાં રહેતો જીણુભાઈ વસાવાનો પરિવાર પશુપાલનના વ્યવસાય પર નિર્ભર છે.
ગત વર્ષે જે પૂર આવ્યું હતું તેમાં તેમનાં 14 મોટા પશુઓ સહિત 39 ઢોર તણાઈ ગયા હતાં. આજે પણ તેઓ આર્થિક અને માનસિક રીતે એ આઘાતમાંથી બહાર આવી શક્યા નથી.
ભરૂચના શુક્લતીર્થ, તવરા, મંગલેશ્વર અને કડોદ સહિતનાં કુલ 35થી વધુ ગામોમાં રહેતા લોકોની કહાણી જીણુભાઈથી અલગ નથી.
પૂરને કારણે 72 કલાક સુધી જળમગ્ન રહેવાના લીધે દરેક ગામમાં વ્યાપક નુકસાન થયું હતું.
એક વર્ષ બાદ પણ ગામલોકોને એ દુ:ખના દિવસો હજુ પણ યાદ છે.
તેમનો આરોપ છે કે સરકાર તરફથી મળેલી અપૂરતી સહાયના કારણે તેઓ હજુ પણ બે પાંદડે થઈ શક્યા નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પૂર બાદ વહીવટીતંત્ર દ્વારા કહેવામાં આવ્યું હતું કે લોકોના પુનઃવર્સન માટે અનેક પ્રયાસો કરવામાં આવશે.
આ મામલે કેટલી કામગીરી થઈ છે અને લોકોને ખરેખર કોઈ મદદ મળી છે કે નહીં? જાણો આ અહેવાલમાં.
પૂર કેવી રીતે આવ્યું હતું?

ઇમેજ સ્રોત, SAJID PATEL
17 સપ્ટેમ્બર, 2023નો દિવસ ભરૂચ જિલ્લાના લાખો લોકો માટે આ દિવસ દુ:સ્વપ્ન બન્યો હતો. એ દિવસે ભરૂચ જિલ્લાના હજારો લોકો અને પશુઓ નર્મદા નદીમાં અચાનક આવી ગયેલાં ઇતિહાસના બીજા ક્રમનાં સૌથી ઘાતક પૂરનો ભોગ બન્યાં હતાં.
આ અગાઉ નર્મદા નદીમાં 6 સપ્ટેમ્બર, 1970ના રોજ 41 મીટરની સુધીની ઐતિહાસિક સપાટીનું જળસ્તર નોંધાયું હતું, જે અત્યાર સુધીમાં નોંધાયેલી સૌથી ઊંચી સપાટી છે.
છેલ્લાં 50 વર્ષમાં ઘટેલી સૌથી ભયાનક પૂરની આ હોનારત હતી.
ભરૂચ તાલુકાના 35 ગામ ઉપરાંત અંકલેશ્વર તાલુકાના દીવા, હરિપુરા, બોરભાઠા, બોરભાઠા બેટ, કોઈલી, ધતુરિયા બેટ, તુરિયા અને ધતુરિયા ગામમાં પૂરના કારણે વ્યાપક નુકસાન થયું હતું.
ઘરવખરી ઉપરાંત ખેતીની લાખો હૅક્ટર જમીન અને વેપારીઓની દુકાનોમાં રહેલા લાખો રૂપિયાના માલની ખરાબી થઈ હતી.
આજે અહીં જીવન પાટે ચડી ગયું છે પરંતુ લોકોના મનમાં હજુ પણ પૂરનો ભય સ્પષ્ટ જોઈ શકાય છે.
પૂર આવ્યું હતું એ ગામમાં હાલ કેવી પરિસ્થિતિ છે?

ઇમેજ સ્રોત, RUPESH SONAVANE
પૂરના કારણે અંકલેશ્વર તાલુકાનું જૂના દીવા ગામ ત્રણ દિવસ સુધી આઠ ફૂટથી લઈને 12 ફૂટ સુધી પાણીમાં ગરકાવ રહ્યું હતું. પૂરના એક વર્ષ બાદ જૂના દીવામાં શું સ્થિતિ છે જાણવા માટે બીબીસીની ટીમે ગામની મુલાકાત લીધી હતી.
અંકલેશ્વર શહેરથી જૂના દીવા ગામ ચાર કિલોમીટર દૂર છે અને ત્યાં પહોંચવામાં 20-25 મિનિટ જેટલો સમય લાગે છે. પૂરમાં રસ્તાને જે નુકસાન થયું છે તે હજુ સુધી રિપેર થયો નથી.
જ્યારે અમે ગામમાં રહેતાં 68 વર્ષનાં સાધનાબેન પટેલના ઘરે પહોંચ્યા ત્યારે તેઓ એકલા હાથે ઘરવખરીનો સામાન માળિયે ચઢાવી રહ્યાં હતા.
કારણ પૂછતાં તેઓ કહે છે, ''17 તારીખ આવે છે એટલે મને ગભરામણ શરૂ થઈ જાય છે. મને ડર છે કે જો ફરીથી સરદાર સરોવર ડૅમમાંથી અચાનક પાણી છોડવામાં આવે તો અમારી દશા શું થશે? એટલે આ વર્ષે અગમચેતીના ભાગરૂપે મેં જરૂરિયાત સિવાય બધો ઘરનો સામાન પહેલા માળે ચઢાવી દીધો હતો.''

ઇમેજ સ્રોત, RUPESH SONAVANE
જ્યારે સાધનાબેન 17મી સપ્ટેમ્બરને યાદ કરે છે ત્યારે તેમનાં ચહેરા પર દુઃખ અને ગુસ્સો સ્પષ્ટ જોઈ શકાય છે.
તેઓ કહે છે, "હું રસોઈ કરી રહી હતી અને અચાનક પાણી ઘરમાં પ્રવેશી ગયું. મેં કંઈ પણ પોતાની સાથે લીધા વગર સુરક્ષિત જગ્યા તરફ દોટ મૂકી. જીવ બચાવી પહેલા માળે પહોંચી ગઈ અને ત્રણ દિવસ સુધી ખાધાપીધા વગર અંધારામાં સમય પસાર કર્યો.''
"ગત વર્ષે જે પૂર આવ્યું હતું તેના કારણે મનમાં ભય પેદા થઈ ગયો છે. મારી સરકારને વિનંતી છે કે તેઓ હવે આ રીતે અચાનક પાણી નહીં છોડે.''
તેઓ કહે છે કે પૂર વિશે સાંભળતા જ ગામલોકો ચિંતામાં મૂકાઈ જાય છે.

ઇમેજ સ્રોત, RUPESH SONAVANE
જૂના દીવા ગામમાં પાક્કા મકાનો તો છે પરંતુ મોટાભાગનાં ઘરોમાં ઘરવખરીનો સામાન જોવા મળતો નથી. કબાટો ખાલી છે, ફ્રીઝ અને ટીવી બંધ હાલતમાં જોવાં મળે છે અને ફકત જરૂરિયાતનો સામાન જ નજરે પડે છે.
ગામમાં રહેતાં નર્મદાબેન પટેલ પણ પ્રશાસન સામે પોતાનો આક્રોશ ઠાલવે છે.
તેઓ કહે છે, "જ્યારે પૂર આવ્યું ત્યારે પરિસ્થિતિ ખૂબ જ ખરાબ હતી.''
''સરકારે જોઈએ એવી અમારી મદદ કરી નથી. પૂરના કારણે અમારો કપાસ અને શેરડીનો પાક નિષ્ફળ થઈ ગયો પરંતુ હજુ સુધી અમને કોઈ યોગ્ય વળતર આપવામાં આવ્યું નથી''
ગામમાં રહેતાં હીનાબહેન પટેલનું પણ ઘર એકદમ ખાલીખમ જોવા મળે છે. કબાટમાં કપડાં નથી અને ટીવી, ફર્નિચર સહિતનો સામાન વાડામાં છે.

ઇમેજ સ્રોત, RUPESH SONAVANE
તેઓ કહે છે કે,''છેલ્લા એક વર્ષથી જે સામાન માળિયા પર ચઢાવ્યો છે તે મેં નીચે ઉતાર્યો જ નથી. શું ખબર ક્યારે પૂર આવી જાય?''
આ સ્થિતિ માત્ર જૂના દીવાની નહીં પરંતુ જિલ્લામાં પૂરથી પ્રભાવિત દરેક ગામની છે. ભરૂચ તાલુકાના કડોદ ગામમાં રહેતાં કપિલાબેન વસાવાએ દેવું કરીને પોતાના ઘરમાં જરૂરી ફેરફાર કર્યા છે જેથી પૂરનાં પાણીથી બચી શકાય.
તેઓ જણાવે છે, ''પૂરના કારણે અમારું ઘર તૂટી ગયું હતું. એટલા માટે દેવું કરીને હવે ઘરને ઊંચું કર્યું છે.''
ગામલોકોએ પૂર બાદ પોતાની ઘરવખરી બચાવવા માટે નવો નુસ્ખો અજમાવ્યો છે.
ગામમાં રહેતાં દીપિકા વસાવા કહે છે, ''પૂરના ડરના કારણે હવે અમે જરૂરિયાતના સામાન સિવાય દરેક વસ્તુ પોટલામાં ભરીને રાખીએ છીએ, જેથી પાણી આવે તો તરત પોટલાઓ માળિયે ચઢાવી શકાય.''
ખેડૂતો હજુ નુકસાનમાંથી બહાર આવી શક્યાં નથી

ઇમેજ સ્રોત, RUPESH SONAVANE
પૂરના કારણે જિલ્લાના ખેડૂતો અને પશુપાલકોને મોટું નુકસાન થયું છે. હજુ સુધી તેઓ તેમાંથી બહાર આવી શક્યાં નથી.
જીણુભાઈ કહે છે કે પૂરના કારણે તેમને અંદાજીત ત્રણ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. જ્યારે તેની સામે રાજ્ય સરકારે તેમને માત્ર 36 હજારની સહાય કરી છે.
''સરકારે માત્ર એક ગાય મરી હોવાની નોંધ કરીને 29 હજાર રૂપિયાનું વળતર આપ્યું છે. મારા ઘરને જે નુકસાન થયું છે તેના વળતર પેટે મને સાત હજાર રૂપિયા આપવામાં આવ્યા છે. આટલા વળતરમાં હું કઈ રીતે ફરીથી બેઠો થઈ શકું?''
છેલ્લા એક વર્ષથી અહીંના ખેડૂતો ખેતી કરવાનું સાહસ કરતા પણ ડરી રહ્યા છે. ખેતીમાં થયેલું નુકસાન તો તેઓ હજી સરભર કરી શકયા નથી.
જૂના દીવા ગામના ખેડૂત પ્રજેશ પટેલ કહે છે, ''ગયા વર્ષે આવેલાં પૂર બાદ જે મને જે નુકસાન થયું છે તેમાથી હું હજુ સુધી બહાર આવી શક્યો નથી. રાજ્ય સરકારે હૅકટર દીઠ 25 હજાર રૂપિયા વળતર તરીકે આપ્યા છે પરંતુ તેની સરખામણીએ ખેડૂતો જે નુકસાન થયું છે તે ખૂબ વધારે છે.''
આ અંગે સરકારનું શું કહેવું છે?
ભરૂચના પૂરપીડિતોને સહાય માટે સરકારે અને સ્થાનિક તંત્રએ શું પગલાં ભર્યા એ જાણવા માટે બીબીસી ગુજરાતીએ ભરૂચ જિલ્લા કલેક્ટરનો સંપર્ક સાધ્યો હતો.
તેમણે આ અંગે જવાબ આપવાને બદલે કહ્યું હતું કે, "આ વાતને એક વર્ષ થઈ ગયું છે અને હાલમાં હું તેના વિશે કશું જ કહેવા માગતો નથી."
બીબીસી ગુજરાતીએ અંકલેશ્વર વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય ઇશ્વર પટેલ સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કર્યો હતો.
ઇશ્વર પટેલે કહ્યું હતું કે, "મને એ વિશે ખ્યાલ નથી, હું તમને વધુ તપાસ કરીને જણાવું."
જોકે, અમે તેમને બીજો કોઈ સવાલ પૂછીએ એ પહેલાં જ તેમણે ફોન કાપી નાખ્યો હતો.
એ સમયે સરકારે પૂરપીડિતો માટે પૅકેજ પણ જાહેર કર્યું હતું. જેમાં 33 ટકાથી વધુ ઊભા પાકને નુકસાન થયું હોય તે ખેડૂતોને વિવિધ પ્રકારની પ્રતિ હૅક્ટર સહાય કરવામાં આવશે તેવી જાહેરાત પણ કરવામાં આવી હતી.
ભરૂચના પૂરને માનવસર્જિત આપત્તિ હોવાનો લાગ્યો હતો આરોપ

ઇમેજ સ્રોત, SAJID PATEL
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
પૂર આવ્યું ત્યારે તેને માનવસર્જિત આપત્તિ હોવાના આરોપો થયા હતા. વિપક્ષોએ પણ આ પૂરને માનવસર્જિત કહીને સરકાર પર સવાલો ઉઠાવ્યા હતા.
વિશેષજ્ઞોનું પણ કહેવું હતું કે એ સમયે ભરુચમાં આવેલું પૂર રોકી શકાયું હોત.
જોકે, એ સમયે બીબીસી સાથેની વાતચીતમાં કલેક્ટર તુષાર સુમેરાએ જણાવ્યું હતું, "ગામોને ચેતવણી અપાઈ હતી. આ ગામને પણ ચેતવણી અપાઈ હતી. અને મદદ પણ તંત્ર દ્વારા પહોંચાડવામાં આવી છે. વધુ રાહત કામગીરી પણ ચાલુ છે."
24 સપ્ટેમ્બર, 2023ના રોજ ગુજરાત સરકારના પ્રવક્તા અને મંત્રી ઋષિકેશ પટેલે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું, "વિરોધીઓ દ્વારા આ આપત્તિને માનવસર્જિત આપત્તિ કહી લોકોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે. આ આપત્તિ કુદરતી છે. કૅચમૅન્ટ વિસ્તાર, ઉપરવાસનો વરસાદ અને અન્ય રાજ્યમાંથી છોડવામાં આવેલું પાણી, આ ત્રણેય કારણો ઉપરાંત છેલ્લા દોઢ દિવસથી સતત પડી રહેલા વરસાદને કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું હતું."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












