You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતમાં ચોમાસાની વિદાય પહેલાં વરસાદની આગાહી, કયા જિલ્લામાં પડી શકે છે વરસાદ?
થોડા દિવસના વિરામ બાદ શનિવારે અમદાવાદ સહિત ગુજરાતના કેટલાક જિલ્લામાં ફરી એક વાર મેઘમહેર થઈ હતી.
બે અઠવાડિયાં પહેલાં રાજ્યમાં સાર્વત્રિક ભારે વરસાદ જોવા મળ્યો હતો. જોકે, એ બાદ વરસાદે મોટા ભાગે વિરામ લીધો હતો.
જેને પગલે ગુજરાતમાં ચોમાસું અંતિમ તબક્કામાં પહોંચ્યું હોવાની વાત શરૂ થઈ હતી.
જોકે, ભારતના હવામાન વિભાગે શનિવારે પડેલા વરસાદ બાદ ફરી એક વાર રાજ્યમાં વરસાદની આગાહી કરી છે.
નોંધનીય છે કે આગામી 22 સપ્ટેમ્બરથી નવરાત્રિ શરૂ થવા જઈ રહી છે, ત્યારે ઘણાના મનમાં એવો સવાલ થઈ રહ્યો છે કે શું આ વખત વરસાદ નવરાત્રિના રંગમાં ભંગ પાડશે કે કેમ?
આગાહીની વાત કરીએ એ પહેલાં રાજ્યમાં શનિવારે સાંજના છ વાગ્યા સુધી પડેલા વરસાદની વિગતો અંગે જાણીએ.
હવામાન વિભાગના બુલેટિન મુજબ દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત અને વડોદરા જિલ્લામાં કેટલાંક સ્થળોએ ભારે વરસાદ પડ્યો હતો.
આ સિવાય દક્ષિણ ગુજરાતમાં ઘણાં સ્થળે, સૌરાષ્ટ્રમાં અમુક સ્થળે, ઉત્તર ગુજરાતમાં છૂટાંછવાયાં સ્થલોએ વરસાદ પડ્યો હતો. જ્યારે કચ્છનાં ક્ષેત્રોમાં વરસાદ નહોતો જોવા મળ્યો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ચોમાસાની વિદાયની અનુકૂળ પરિસ્થિતિ
દક્ષિણપશ્ચિમ મોન્સૂનની વિદાય રેખા ભટિંડા, ફતેહાબાદ, પિલાની, અજમેર, ડીસા અને ભુજમાંથી પસાર થવાનું ચાલુ છે.
આ સિવાય ગુજરાત, રાજસ્થાન, હરિયાણા, પંજાબ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરના કેટલાક વિસ્તારોમાંથી આગામી બે-ત્રણ દિવસના ગાળામાં દક્ષિણપશ્ચિમ ચોમાસાની વિદાય ચાલુ રહે એ માટેની અનુકૂળ પરિસ્થિતિઓ બની રહી છે.
દક્ષિણપૂર્વ ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ વિદર્ભ અને મધ્ય પ્રદેશથી થઈ દરિયાની સપાટીની દોઢ કિમી ઉપરથી ઉત્તરદક્ષિણ ટ્રફથી અપર ઍૅર સાયક્લૉનિક સર્ક્યુલેશન પસાર થઈ રહ્યું છે.
ગુજરાતમાં કયા જિલ્લામાં વરસાદની આગાહી છે?
હવામાન વિભાગની આગાહી મુજબ રવિવારે સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લામાં કેટલાંક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડવાની પ્રબળ શક્યતા છે.
જ્યારે વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી અને વલસાડ ખાતે કેટલાંક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે. આ સિવાય સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ અને બોટાદ જિલ્લાનાં છૂટાંછવાયાં સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે.
સોમવારે અને મંગળવારે પણ ઉપરોક્ત તમામ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે.
રાજ્યમાં અત્યાર સુધી કેટલો વરસાદ પડ્યો?
સ્ટેટ ઇમર્જન્સી ઑપરેશન સેન્ટરે જાહેર કરેલા આંકડા મુજબ રાજ્યમાં 20 સપ્ટેમ્બરની સ્થિતિ પ્રમાણે સરેરાશ કરતાં 109.4 ટકા વરસાદ પડી ચૂક્યો છે.
કચ્છમાં આ ચોમાસા દરમિયાન સરેરાશ કરતાં 135.95 ટકા વરસાદ પડી ચૂક્યો છે.
જ્યારે ઉત્તર ગુજરાતમાં આ સિઝનમાં સરેરાશના 118.84 ટકા અને મધ્યપૂર્વ ગુજરાતમાં સરેરાશના 111 ટકા વરસાદ પડી ચૂક્યો છે.
દક્ષિણ ગુજરાતમાં આ ચોમાસામાં સરેરાશના 114.01 વરસાદ પડી ચૂક્યો છે.
બીજી તરફ સૌરાષ્ટ્રમાં આ સિઝનમાં સરેરાશ કરતાં ઓછો વરસાદ નોંધાયો છે. અત્યાર સુધી સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં સરેરાશના 94.80 ટકા વરસાદ જ પડ્યો છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન