અમેરિકાની સુપ્રીમ કોર્ટે કૉલેજોમાં વંશીય અનામત આધારિત ઍડમિશન પર કેમ પ્રતિબંધ મૂક્યો?

    • લેેખક, બર્ન્ડ ડેબસમેન જુનિયર
    • પદ, બીબીસી ન્યૂઝ, વૉશિંગટન

અમેરિકી સુપ્રીમ કોર્ટના એક નિર્ણયે અમેરિકામાં અફર્મેટિવ એક્શન (હકારાત્મક પક્ષપાત)ના કાયદા સામે મોટો પડકાર ઊભો કર્યો છે.

યુએસ સુપ્રીમ કોર્ટના એક નિર્ણયમાં કહેવામાં આવ્યું છે કે યુનિવર્સિટીમાં પ્રવેશ સમયે હવે વ્યક્તિના વર્ણ (રંગ)ને ધ્યાનમાં લેવામાં આવશે નહીં.

અમેરિકામાં શિક્ષણક્ષેત્રે વર્ણ મુદ્દે હંમેશાં વિવાદ થતો રહ્યો છે. અશ્વેત અને સામાજિક રીતે પછાત વર્ગને કૉલેજમાં ઍડમિશનમાં અનામત આપવાનો નિયમ છે.

પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ નિર્ણયનું સમર્થન કર્યું છે. તેમણે આ નિર્ણયને શાનદાર ગણાવ્યો છે. તેમણે કહ્યું, "આજનો દિવસ યાદગાર છે".

તેમણે સોશિયલ મીડિયા પર કહ્યું, "તેજસ્વી લોકો અને જેમણે સફળતા માટે જરૂરી તમામ પગલાં લીધાં છે તેમને આખરે પુરસ્કૃત કરવામાં આવ્યાં છે."

1960ના દાયકામાં અમેરિકન નીતિઓમાં અફર્મેટિવ એક્શનનો સમાવેશ કરવામાં આવ્યો હતો. સમાજમાં વિવિધતાને પ્રોત્સાહન આપવામાં તેની ભૂમિકાને વખાણવામાં આવે છે.

જોકે, રાષ્ટ્રપતિ જો બાઇડને સુપ્રીમ કોર્ટના આ નિર્ણય સાથે સંપૂર્ણ 'અસંમતિ' વ્યક્ત કરી છે.

તેમણે કહ્યું કે આ નિર્ણયને છેલ્લો જ માની શકાય નહીં. અમેરિકામાં હજુ પણ ભેદભાવ ચાલુ છે.

સુપ્રીમ કોર્ટના આ નિર્ણય પર તેમણે કહ્યું, “આ કોઈ સાધારણ કોર્ટ નથી. આ વિષય પર નવ ન્યાયાધીશોની બેન્ચ બનાવાઈ હતી. જેમાં છ કન્ઝર્વેટિવ અને ત્રણ લિબરલ લોકો છે.”

'સુપ્રીમ કોર્ટે વિવિધતાનું મહત્ત્વનું હથિયાર છીનવી લીધું'

શિક્ષણમંત્રી મિગૅલ કાર્ડૉનાએ બીબીસી ન્યૂઝને કહ્યું કે, "સુપ્રીમ કોર્ટે વિવિધતાને પ્રોત્સાહન આપવા માટે યુનિવર્સિટી સંચાલકો દ્વારા ઉપયોગમાં લેવાતા એક મહત્ત્વપૂર્ણ સાધનને છીનવી લીધું છે."

પરંતુ તેમણે ઉમેર્યું, "જોકે, આ નિર્ણયથી યુનિવર્સિટીઓને વિવિધતાથી ભરપૂર બનાવવાનો અમારો ઇરાદો તેઓ છીનવી શક્યા નથી."

તેમણે કહ્યું કે વ્હાઇટ હાઉસ યુનિવર્સિટીઓને સૂચના મોકલશે કે તેઓ કાયદેસર રીતે વિવિધતાને કેવી રીતે જાળવી શકે.

સુપ્રીમ કોર્ટે બે કેસમાં આ નિર્ણય આપ્યો છે. ઍડમિશનનો એક કેસ હાર્વર્ડ યુનિવર્સિટી સાથે સંબંધિત હતો અને બીજો નૉર્થ કૅરોલિના યુનિવર્સિટી સાથે સંબંધિત હતો.

હાર્વર્ડ યુનિવર્સિટીના કેસમાં કૉર્ટે 6-2થી જ્યારે નૉર્થ કેરોલિનાના કેસમાં 6-3થી નિર્ણય લીધો હતો.

યુનિવર્સિટીમાં વિવિધતા દૂર કરવાની તરફેણમાં ચુકાદો આપનારા ન્યાયાધીશોએ 'સ્ટુડન્ટ્સ ફૉર ફૅર ઍડમિશન' નામની સંસ્થા દ્વારા આપવામાં આવેલી દલીલોને સમર્થન આપ્યું હતું. આ સંસ્થાનો પાયો લીગલ ઍક્ટિવિસ્ટ ઍડવર્ડ બ્લમ દ્વારા નાખવામાં આવ્યો હતો.

'સ્ટુડન્ટ્સ ફૉર ફૅર ઍડમિશન'ના વિદ્યાર્થીઓએ ગયા વર્ષે ઑક્ટોબરમાં કોર્ટને જણાવ્યું હતું કે હાર્વર્ડની વંશીય ચેતનાથી ભરપૂર પ્રવેશનીતિ 1964ના નાગરિક અધિકાર કાયદાઓના ટાઇટલ VIનું ઉલ્લંઘન કરે છે. આ કાયદો જાતિ, ચામડીના રંગ અથવા વ્યક્તિનાં મૂળ દેશના આધારે ભેદભાવને પ્રતિબંધિત કરે છે.

વિભાજિત ચુકાદો

ચીફ જસ્ટિસ જ્હોન રૉબર્ટ્સે નિર્ણયમાં લખ્યું છે કે, “ઘણા લાંબા સમયથી ઘણી યુનિવર્સિટીઓએ ખોટું તારણ કાઢી લીધું છે કે વ્યક્તિની કસોટી એ તેમની સામે આવતા પડકારો નથી, તે જે કૌશલ્ય શીખે છે અથવા જે પાઠ શીખે છે તે નથી, પરંતુ તેની ત્વચાનો રંગ છે.”

તેમણે કહ્યું કે હાર્વર્ડ અને યુનિવર્સિટી ઑફ નૉર્થ કેરોલિનાની પ્રવેશનીતિઓ આ જ તર્કને ધ્યાનમાં રાખીને 'વિચારપૂર્વક' નક્કી કરવામાં આવી હતી.

જોકે અસંમત ન્યાયાધીશોએ કહ્યું, "પરંતુ જો યુનિવર્સિટીઓ અરજદારોને તેમના જીવન પર વર્ણ (રંગ) કેવી રીતે અસર કરી રહ્યો છે તેના પર વિચાર રજૂ કરવાની સહમતિ આપે તો તેને પ્રતિબંધિત ન કરવો જોઈએ."

પરંતુ જસ્ટિસ રૉબર્ટ્સે લખ્યું કે, "હાર્વર્ડની પ્રવેશનીતિ એ વિચિત્ર સ્ટીરિયોટાઇપ આધારિત છે કે જે એક અશ્વેત વિદ્યાર્થી કરી શકે છે તે એક શ્વેત વિદ્યાર્થી નથી કરી શકતો."

તેમણે લખ્યું છે કે, આ પ્રકારની ઍડમિશન પ્રક્રિયા વાહિયાત અને ગેરબંધારણીય છે.

"યુનિવર્સિટીઓના પોતાના નિયમો હોઈ શકે છે, પરંતુ તે તેમને વર્ણના આધારે ભેદભાવ કરવાનું લાયસન્સ આપતું નથી."

લિબરલ ન્યાયાધીશો જેઓ નિર્ણય સાથે અસંમત હતા તેમાં કેતનજી બ્રાઉન જેક્સનનો સમાવેશ થાય છે. તેઓ પ્રથમ અશ્વેત મહિલા જજ છે. તેમણે કહ્યું, “ચોક્કસપણે આ નિર્ણય આપણા બધા માટે દુ:ખદ ઘટના છે.’’

અન્ય લિબરલ ન્યાયાધીશ સોનિયા સોતોમાયોરે જણાવ્યું હતું કે આ નિર્ણય ‘કલર બ્લાઇન્ડનેસ’ના ખોખલા નિયમને બંધારણીય મજબૂતી આપે છે, એ પણ એક વિભાજિત સમાજમાં.

જોકે, જસ્ટિસ રૉબર્ટ્સે કહ્યું કે અસંમતિ દર્શાવનારા જજો કાયદાના તે ભાગની અવગણના કરી રહ્યા છે જે તેમને પસંદ નથી.

નિર્ણયનું સમર્થન અને વિરોધ

આ નિર્ણયની ઉજવણી કરતી વખતે ‘સ્ટુડન્ટ્સ ફૉર ફેર એડમિશન’ના સ્થાપક બ્લુમે તેને એક જબરદસ્ત નિર્ણય ગણાવ્યો છે.

તેમણે કહ્યું, “આ નિર્ણય કલર બ્લાઇન્ડનેસના કાયદાકીય પાસાને સ્થાપિત કરે છે.”

‘એશિયન અમેરિકન કોએલિશન ફૉર ઍજ્યુકેશન’ના પ્રમુખ યુકોંગ ચાઓએ બીબીસી સાથેની વાતચીતમાં આ નિર્ણયને આવકાર્યો હતો.

તેમની સંસ્થાએ કહ્યું કે અફિર્મેટિવ એક્શન એ એશિયન અમેરિકન સમુદાયને એલિટ શાળાઓમાં પ્રવેશ મેળવવામાં અવરોધ ઊભો કરે છે.

તેમણે કહ્યું, "આ નિર્ણય યોગ્યતા/મેરિટના સમર્થનમાં છે, જે અમેરિકન ડ્રીમનો પાયો છે."

આ નિર્ણયનો વિરોધ પણ થઈ રહ્યો છે.

હાર્વર્ડ બ્લૅક સ્ટુડન્ટ્સ ઍસોસિયેશનના પ્રમુખ ઍન્જી ગેબ્યુએ બીબીસીને જણાવ્યું કે તેઓ આ નિર્ણયથી "ખૂબ જ નિરાશ" છે.

તેણે કહ્યું કે હાર્વર્ડમાં મેં કરેલી અરજીમાં વર્ણ જ એકમાત્ર પરિબળ હતું.

હાર્વર્ડના પ્રમુખ લૉરેન્સ બકાઉએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે આઇવી લીગ કૉલેજ "ચોક્કસપણે કોર્ટના નિર્ણયનો અમલ કરશે". જોકે, તે વિવિધ પૃષ્ઠભૂમિ, દૃષ્ટિકોણ અને અનુભવોના લોકોનું સ્વાગત કરવાનું ચાલુ રાખશે.

યુનિવર્સિટી ઑફ નૉર્થ કૅરોલિના ચાન્સલર કૅવિન ગુસ્કીવિઝે કહ્યું કે તેમને આવા નિર્ણયની અપેક્ષા નહોતી. તેમણે કહ્યું, "કૉલેજ ચુકાદો વાંચશે અને પછી કાયદાનું પાલન કરવા માટે યોગ્ય પગલાં લેશે."

અમેરિકામાં અફર્મેટિવ એક્શન

સર્વોચ્ચ અદાલતે અમેરિકન યુનિવર્સિટીઓમાં બે વખત અફર્મેટિવ એક્શનને સમર્થન આપ્યું છે.

છેલ્લી વખત યુનિવર્સિટી ઍડમિશનમાં અફર્મેટિવ એક્શનનો ઉપયોગ 2016માં કરવામાં આવ્યો હતો.

જોકે અમેરિકાનાં નવ રાજ્યોએ અગાઉથી જ રંગના આધારે કૉલેજોમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. તેમાં ઍરિઝોના, કૅલિફૉર્નિયા, ફ્લૉરિડા, જ્યૉર્જિયા, ઑક્લાહૉમા, ન્યૂ હૅમ્પશાયર, મિશિગન, નેબ્રાસ્કા અને વૉશિંગ્ટનનો સમાવેશ થાય છે.

કૅલિફોર્નિયાએ 2020માં મતપત્ર દ્વારા અફર્મેટિવ એક્શન રજૂ કરવાના પ્રયાસને નકારી કાઢ્યો હતો. વાસ્તવમાં તેના પર 24 વર્ષ પહેલાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. પરંતુ 2020માં તેને ફરીથી લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

સુપ્રીમ કોર્ટમાં કન્ઝર્વેટિવ જૂથનું વર્ચસ્વ છે. ગયા વર્ષે તેણે 'રો વિ. વેડ' કેસ પર ચુકાદો આપતાં મહિલાઓના ગર્ભપાત અધિકારો સંબંધિત કાયદાને ઉથલાવી દીધો હતો. જેના કારણે અમેરિકામાં ઉદારમતવાદી લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.