અમેરિકા ડિફૉલ્ટ થવાના આરે કેમ પહોંચ્યું?

    • લેેખક, નતાલી શેર્મન
    • પદ, બિઝનેસ રિપોર્ટર, ન્યૂયૉર્ક

જો અમેરિકા વધુ દેવું મેળવવાની પરવાનગી નહીં મેળવી શકે તો આગામી અમુક અઠવાડિયાંમાં અમેરિકાની સરકારને નાણાંની ભારે ખેંચનો અનુભવ કરવો પડશે. પરંતુ આખરે પરિસ્થિતિ આટલી વણસી કઈ રીતે?

મંગળવારે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન ખૂબ મહત્ત્વપૂર્ણ બજેટ સમજૂતી વાર્તા ફરી શરૂ કરવા માટે રિપબ્લિકન હાઉસ સ્પીકર કેવિન મૅકાર્થીને મળ્યા.

જો દેવું કરવાની ક્ષમતા વધારવાની વાતચીત મુદ્દે અમેરિકન કૉંગ્રેસમાં સંમતિ નહીં સધાય તો વૈશ્વિક સ્તરે નાણાકીય અંધાધૂંધીના અંદાજ વ્યક્ત કરાયા છે.

જો નેતાઓ એકબીજા સાથે આ મામલે સંમત નહીં થઈ શકે તો અમેરિકા દેવાળું ફૂંકી શકે છે.

તો શું છે દેવું કરવાની ક્ષમતા?

આને દેવું કરવાની મર્યાદા તરીકે પણ ઓળખાવવામાં આવે છે, જે સરકારને તેનાં બિલોની ભરપાઈ માટે મર્યાદિત દેવું કરવાને લગતો કાયદો છે.

આવાં બિલોમાં સંઘીય સરકારના કર્મચારીઓ, સૈનિકો, સામાજિક સુરક્ષા અને મેડિકલ સુવિધા તેમજ રાષ્ટ્રીય દેવા પરના વ્યાજ અને ટૅક્સના રિફંડનો સમાવેશ થાય છે.

યુએસ કૉંગ્રેસ સામાન્ય રીતે દેવું કરવાની ક્ષમતામાં વધારો કરવા માટે કાં તો મર્યાદામાં વધારો કરવાની બાબતે કાં તો આ મર્યાદાને મોકૂફ રાખવા મામલે મતદાન કરતી હોય છે.

હાલ આ મર્યાદા 31.4 ટ્રિલિયન ડૉલરની આસપાસ છે. દેવું આ મર્યાદાને જાન્યુઆરી માસમાં જ વટાવી ચૂક્યું હતું, પરતુ ટ્રેઝરી વિભાગે સરકારને પરિસ્થિતિ અંગે વિચારવાનો વધુ સમય મળે તે માટે ‘ખાસ પગલાં’ થકી વધુ નાણાં પૂરાં પાડ્યાં.

આમ તો કૉંગ્રેસ માટે આ મર્યાદામાં વધારો કરવાની વાતે સંમતિ વ્યક્ત કરવી એ એક ઔપચારિકતા માત્ર છે, પરંતુ હાલ શરતોને લઈને તેમાં સંમતિ જોવા નથી મળી રહી.

ટ્રેઝરી સેક્રેટરી જેનેટ યેલેને પરિસ્થિતિને લઈને ચેતવતાં કહ્યું હતું કે જો અમેરિકા વધુ દેવાની વ્યવસ્થા ન કરી શકે તો દેશમાં આગામી એક જૂનના રોજ ઊભી થતી આર્થિક જવાબદારીનું નિર્વહન કરવા માટે પૈસાની તંગી સર્જાશે.

જો દેવાની મર્યાદામાં વધારો ન કરાયો તો શું થશે?

આવું પહેલાં ક્યારેય નથી બન્યું જેથી જો ખરેખર આ પરિસ્થિતિ સર્જાય તો શું થશે એ વાતને લઈને સ્પષ્ટતા નથી, પરંતુ એટલું તો જરૂર છે કે આનું મોટું આર્થિક નુકસાન થશે.

જો આ સ્થિતિ સર્જાય તો સરકાર સંઘીય કર્મચારીઓ, સૈનિકોના પગાર નહીં ચૂકવી શકે તેમજ અમેરિકામાં લાખો પેન્શનરો જેના પર નભે છે એ સામાજિક સુરક્ષા સંદર્ભની ચુકવણીઓ પણ નહીં કરી શકાય.

અમેરિકન સરકારના ફંડ પર આધાર રાખતી કંપનીઓ અને ચૅરિટીઓ મુશ્કેલીમાં મુકાશે.

જો સરકાર તેનાં દેવાં પરના વ્યાજની ચુકવણી નહીં કરી શકે તો દેશ ડિફૉલ્ટ કરવાની સ્થિતિમાં મુકાશે.

આ પહેલાં અમેરિકા ટૂંકા ગાળા માટે વર્ષ 1979 દરમિયાન ડિફૉલ્ટની પરિસ્થિતિમાં મુકાયું હતું, પરંતુ એ સમયે આના માટે ટ્રેઝરીએ ચેક પ્રોસેસિંગ સંદર્ભે સર્જાયેલા આકસ્મિક મુદ્દાને જવાબદાર ઠેરવ્યો હતો. પરંતુ હાલ ઇરાદાપૂર્વક આ સ્થિતિમાં મુકાવાને કારણે સમગ્ર નાણાકીય સિસ્ટમ માટે આઘાતજનક રહેશે. નોંધનીય છે કે દેશમાં દરરોજ 500 બિલિયન ડૉલરનાં દેવાંની લેવડદેવડ થાય છે.

મૂડીના વિશ્લેષકોએ અંદાજ છે કે જો આ સ્થિતિ વધુ સમય સુધી જળવાઈ રહે તો શૅરની કિંમત પાંચમા ભાગ સુધી ઘટી જશે અને અર્થતંત્ર ચાર ટકા કરતાં વધુ સંકોચન પામશે. જેના કારણે 70 લાખ લોકો નોકરીઓ ગુમાવી શકે છે.

લાંબા ગાળે જો રોકાણકારોને અમેરિકાનું દેવું વધુ જોખમી લાગવા માંડશે તો અમેરિકાનો દેવું મેળવવા માટેનો ખર્ચ વધશે. અને સરકારનું દેવું વ્યાપક સ્તરે વ્યાજ દરો નિર્ધારિત કરવા માટે મહત્ત્વપૂર્ણ હોઈ, આની અસર સમગ્ર અર્થતંત્ર પર પડશે. જેના કારણે બધા માટે હોમ અને કાર લોન વધુ ખર્ચાળ બનશે.

આ સ્થિતિમાં સરકારે દેવાના ડિફૉલ્ટને ટાળવે વ્યાજની ચુકવણીને પ્રાધાન્ય આપવું જોઈએ કે કેમ, એ મુદ્દે પણ ચર્ચા થઈ રહી છે.

પરંતુ અમેરિકાએ જેમની પાસેથી ઉછીનાં નાણાં મેળવ્યાં છે એવા નાણાકીય એકમો, પેન્શન ફંડો અને ફોરેન રોકાણકારોને ચુકવણી કરવી અને નિવૃત્ત વ્યક્તિઓ અને અન્યોને પૈસાની ચુકવણી ન કરવી એ બાબત અંગે રાજકીય મોરચે સર્વાનુમતિ હાંસલ કરવાનું મુશ્કેલ હશે.

  • પાછલા ઘણા સમયથી અમેરિકાના રાષ્ટ્રીય દેવાની મર્યાદામાં વધારાને લઈને અમેરિકાના બંને રાજકીય દળો વચ્ચે ચાલી રહેલી ચર્ચા સમાચારોમાં હેડલાઇન બનાવી રહી છે
  • અમેરિકાની કૉંગ્રેસ પાસેથી અપેક્ષા રખાઈ રહી છે કે તે સરકારને દેવાની મર્યાદા વધારવાની મંજૂરી આપશે
  • અમેરિકાની કૉંગ્રેસ જો આ મર્યાદામાં વધારો કરવામાં નિષ્ફળ નીવડે તો સરકાર પગાર સહિત દેવા પરના વ્યાજની ચુકવણીઓમાં ડિફૉલ્ટ કરશે, જેનાં દૂરગામી આર્થિક પરિણામો સમગ્ર વિશ્વે વેઠવા પડી શકે છે

14મા બંધારણીય સુધારાને આની સાથે શો સંબંધ?

આ સમજૂતી ન થઈ શકવાની શક્યતાને જોતાં કેટલાક લોકોએ રાષ્ટ્રપતિને 14મા બંધારણીય સુધારાની જોગવાઈઓનો ઉપયોગ કરીને કૉંગ્રેસને ન ગણકારવાની વિનંતી કરી છે. આ જોગવાઈમાં જણાવાયું છે કે, “યુનાઇટેડ સ્ટેટ્સના જાહેર દેવાની વૈધતા... ને લઈને કોઈ પ્રશ્ન ઉઠાવાશે નહીં.”

આ સૅક્શન અમેરિકાના ગૃહયુદ્ધ સમયે પાસ કરાયું હતું. આના થકી દાસ રાખતાં દક્ષિણનાં રાજ્યો ઉત્તર દ્વારા કરાયેલા દેવાની ચુકવણી કરે તે અને સરકાર પર દાસ ધરાવતાં રાજ્યોને નુકસાની વળતર ચૂકવવાનું ભાર ન ઊભું થાય એ સુનિશ્ચિત કરાયું હતું.

રાષ્ટ્રપતિ જો બાઇડને જણાવ્યું હતું કે તેઓ આ વિકલ્પ અંગે વિચારી રહ્યા છે. પરંતુ દેવાની મર્યાદાને પડકારવા માટે આ જોગવાઈનો ઉપયોગ લગભગ આ મામલે ન્યાયિક વિવાદ સર્જશે, જે હાલની સ્થિતિમાં આ જોગવાઈનો ઉપયોગ કરવાના નિર્ણયની ઉપયોગિતાને મર્યાદિત બનાવી દેશે.

સાથે ટ્રેઝરી સેક્રેટરી જેનેટ યેલેને પણ આ પગલાની શક્યતા નકારી છે, તેમણે કહ્યું છે કે આ જોગવાઈનો ઉપયોગ કરવાથી બંધારણીય કટોકટી સર્જાશે.

હાલ ચર્ચામાં કયા મુદ્દા સામેલ?

ગત મહિને રિપલ્બિકનોએ દેવાની મર્યાદાને દોઢ ટ્રિલિયન ડૉલર કે 31 માર્ચ સુધી વધારવા માટે એક ડીલ મૂકી હતી.

પરંતુ બદલામાં તેમણે ચાવીરૂપ એજન્સીઓ માટેનો ખર્ચ આગામી નાણાકીય વર્ષ દરમિયાન 2022ના સ્તરે લાવવાની અને આગામી એક દાયકા સુધી વધારાની મર્યાદા એક ટકા સુધી રાખવાની માગ કરી હતી, આ પગલાંને કારણે 4.8 ટ્રિલિયન ડૉલરની બચત થવાનો અનુમાન હતો.

આ પ્રસ્તાવથી બાઇડન વહીવટી તંત્રની ચાવીરૂપ પ્રાથમિકતાઓ, વિદ્યાર્થી લોન માફી અને ઇલેક્ટ્રિક વિહિકલ માટે ટૅક્સ છૂટ મામલે પીછેહઠ કરવી પડે એવું છે.

વ્હાઇટ હાઉસે કહ્યું કે આ ડિલ “અમીરો માટે ટૅક્સની છૂટછાટનો ભાર મિડલ ક્લાસ અને કામકાજ કરતા વર્ગ” પર મૂકશે, તેમજ આ બાબત કાયદો બને તેની “કોઈ શક્યતા” નથી.

કૉંગ્રેસ વચલો માર્ગ કેવી રીતે કાઢી શકે?

ઘણા વિશ્લેષકો કૉંગ્રેસને વિચારવાનો વધુ સમય આપવા માટે ટૂંકા ગાળાના વધારા મામલે આશાસ્પદ છે.

વર્ષ 2011માં જ્યારે અમેરિકા ડિફૉલ્ટ થવાની અણીએ પહોંચ્યું હતું ત્યારે પણ અંતિમ ઘડી સુધી આ મામલે નિર્ણય નહોતો લઈ શકાયો. એ સમયે ડેડલાઇનના અમુક કલાકો પહેલાં જ દસ વર્ષ માટે ખર્ચમાં 900 બિલિયન ડૉલરનો ઘટાડો કરવાની સમજૂતી સાથે ડીલ કરાઈ હતી.

પરંતુ વધુ પડતું મોડું થાય તો તેનાં પણ માઠાં પરિણામો આવી શકે છે.

વર્ષ 2011માં અંતિમ ઘડી સુધી ચાલેલી ચર્ચાએ અમેરિકાની ક્રેડિટ રેટિંગ પર નકારાત્મક અસર કરી હતી. તેના કારણે સ્ટૉક માર્કેટ તૂટ્યું હતું અને માત્ર એ જ વર્ષે સામાન્ય જનતાને તેના માઠા પરિણામ સ્વરૂપે દેવું મેળવવાના ખર્ચમાં થયેલ વધારા સ્વરૂપે લગભગ 1.3 બિલિયન ડૉલરનો ફટકો પડ્યો હોવાનું અનુમાન છે.

દેવાની મર્યાદા બાબતે ફાટ કેમ સર્જાય છે?

આ મુદ્દાને લઈને થતી ચર્ચાને કારણે અમેરિકાનાં બંને પ્રમુખ રાજકીય દળો વચ્ચે મૂળભૂત વૈચારિક મતભેદ તરફ ધ્યાન આકર્ષાય છે.

રિપલ્બિકન સરકારના ખર્ચ અંગે શંકાભરી નજરે જુએ છે. તેમના માટે વધતું રાષ્ટ્રીય દેવું એ કાબૂ ગુમાવી ચૂકેલી સરકારનું પ્રતીક છે.

પરંતુ આ મામલે ચર્ચાને છેલ્લી ઘડી સુધી ખેંચવાની વ્યૂહરચના પાર્ટીએ તાજેતરમાં જ અપનાવી છે, ઘણા રિપબ્લિકનોને આ વાત જરૂરી પણ લાગે છે, કારણ કે તેમને લાગે છે કે દેશ હાલ જે રસ્તે આગળ વધી રહ્યો છે એ તેને આર્થિક અને સામાજિક પતન તરફ દોરી જશે.

જોકે, સામેની બાજુએ ડેમૉક્રેટ્સ સંઘીય સરકારની શક્તિઓને સારાં કાર્યો કરવા માટેનું બળ અને અમેરિકાના લોકોનાં જીવનમાં સુધારો લાવવા અને ઐતિહાસિક ભૂલોને ઠીક કરવા માટેનું માધ્યમ ગણે છે.

તેમને દેવાની મર્યાદામાં વધારો કરવો એ ઘર ચલાવવા માટે અપનાવાતી જરૂરી વ્યૂહરચના માફક લાગે છે, જેથી સરકાર પોતાની જવાબદારીઓનું વહન કરી શકે.

તેમના મત પ્રમાણે રાષ્ટ્રીય દેવું એ અગાઉથી જેને ચર્ચા બાદ મંજૂર કરાઈ છે તેવી ધારાકીય યોજનાઓને લાગુ કરવા માટેનું માધ્યમ છે.

પરંતુ આ ચર્ચાનું મહત્ત્વ ત્યારે ઘટી ગયું જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પે એક રિપલબ્લિકન તરીકે પોતાના શાસનકાળમાં પણ કોઈ ઝાઝી ચર્ચાવિચારણા વગર ત્રણ વખત આ મર્યાદામાં વધારો કર્યો હતો. જોકે, જો બાઇડન ફરીથી રાષ્ટ્રપતિ બન્યા તે બાદ આ મુદ્દાને લઈને ચર્ચા ફરીથી મહત્ત્વપૂર્ણ બની હતી.