You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અમેરિકાની જેલમાં કીડા અને માંકડ ‘માણસને જીવતો ખાઈ ગયા’ – પરિવારનો દાવો
- લેેખક, બ્રૅન્ડન ડ્રેનન
- પદ, બીબીસી સંવાદદાતા, વૉશિંગ્ટન
અમેરિકાના એટલાંટામાં આવેલી જેલની કોટડીમાં એક કેદીનું મૃત્યુ થયું છે. આ ઘટના બાદ કેદીના પરિવારના વકીલે આરોપ મૂક્યો છે કે, લાશૉન થૉમ્પસનને ‘જેલમાં કીડા અને માંકડોએ જીવતા જ ખાઈ લીધા.' જેને કારણે તેમનું મૃત્યુ થયું છે.
મૃત્યુ પામેલા કેદી લાશૉન થૉમ્પસનને દુરાચારના આરોપમાં જેલની સજા કાપી રહ્યા હતા. થૉમ્પસનને જજોએ માનસિક રીતે બીમાર જાહેર કર્યા હતા અને ત્યારબાદ તેમને ફુલટૉન કાઉન્ટી જેલની માનસિક રીતે બીમાર કેદીઓ માટેની કોટડીમાં રાખવામાં આવ્યા હતા.
થૉમ્પસનના પરિવારના વકીલ માઈકલ ડી હાર્પરે થૉમ્પસનના મૃતદેહની તસવીરો જાહેર કરી છે, જેમાં મૃતદેહ પર લાખો કીડા અને માંકડ જોઈ શકાય છે.
માઈકલ હાર્પરે પત્રકારોને જણાવ્યું કે આ મામલે ફોજદારી તપાસની માંગણી કરવામાં આવી છે અને આ કેસ હાલ અદાલતમાં છે.
તેમણે એક નિવેદન જાહેર કરીને કહ્યું, “થૉમ્પસન જેલની એક અત્યંત ગંદી કોટડીમાં મૃત્યુ પામેલા મળ્યા. તેમને કીડા અને માંકડોએ જીવતા ખાઈ લીધા હતા. જે કોટડીમાં તેમને રાખવામાં આવ્યા હતા, તે કોઈ બીમાર જાનવરને રાખવા લાયક પણ નહોતી. તેઓ આ પ્રકારના મૃત્યુને હકદાર નહોતા.”
અમેરિકાની ન્યૂઝ વેબસાઇટ યુએસએ ટુડે અનુસાર ફુલટૉન કાઉન્ટી જેલના ડૉક્ટરના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, થૉમ્પસનની ધરપકડ થયાના ત્રણ મહિના બાદ 19 સપ્ટેમ્બરે તેઓ જેલની કોટડીમાં અચેતન અવસ્થામાં મળ્યા હતા.
અહેવાલ અનુસાર સ્થાનિક પોલીસ અને મેડિકલ કર્મચારીઓએ તેમને બચાવવાની કોશિશ કરી હતી, પરંતુ પછી તેમને મૃત જાહેર કરી દેવામાં આવ્યા હતા.
આ ઉપરાંત અમેરિકામાં બીબીસીના મીડિયા પાર્ટનર સીબીએસ ન્યૂઝે કહ્યું છે કે, માઈકલ હાર્પરનો આરોપ છે કે જેલ અધિકારીઓ અને ડૉક્ટરોને આ વાતની જાણ હતી કે થૉમ્પસનની સ્થિતિ સતત બગડી રહી હતી, પરંતુ તેમણે તેમની મદદ કરવાની કે તેમને બચાવી લેવાની કોશિશ ન કરી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ડૉક્ટરે પોતાના રિપોર્ટમાં કહ્યું કે, મનોરોગી કેદીઓની જેલમાં તેમની કોટડીમાં “માંકડની ગંભીર સમસ્યા હતી,” જોકે, રિપોર્ટમાં ક્યાંય પણ એમ નથી કહેવામાં આવ્યું કે તેમના શરીરમાં તેને કારણે કોઈ પ્રકારના ઘા કે ઈજાનાં નિશાન હતાં.
રિપોર્ટમાં મૃત્યુના કારણ વિશે લખવામાં આવ્યું છે કે હજી સુધી તેનું નિર્ધારણ નથી કરી શકાયું.
માંકડ કરડવાથી મૃત્યુ થઈ શકે?
માઈકલ હાર્પરે જે તસવીરો જાહેર કરી છે તેમાં થૉમ્પસનના ચહેરા અને છાતીના ભાગમાં સેંકડોની સંખ્યામાં માંકડ જોઈ શકાય છે.
કેટલીક તસવીરો જેલની એ કોટડીની હાલત પણ દર્શાવે છે, જેમાં થૉમ્પસનને રાખવામાં આવ્યા હતા.
માંકડ અને કીટકો વિશેના અભ્યાસ કરતા કીટકવિજ્ઞાની (ઍન્ટોમોલૉજિસ્ટ) માઇકલ પૉટરના જણાવ્યા અનુસાર જેલની તસવીરોમાં જે સ્થિતિ દેખાય છે તે ‘ડરામણી’ છે.
તેઓ કહે છે, “હું 20થી વધુ વર્ષોથી માંકડો સાથે જોડાયેલી ઘટનાઓ પર સંશોધન કરી રહ્યો છું. જે તસવીરો મેં જોઈ છે, જો તે સાચી હોય તો મેં આજથી પહેલાં ક્યારેય પણ આ પ્રકારની ઘટના નથી જોઈ.”
તેઓ કહે છે કે, માંકડનું કરડવું હંમેશાં જીવલેણ નથી હોતું, પરંતુ કેટલાક મામલાઓમાં જો વ્યક્તિ લાંબા સમય સુધી માંકડો સામે ઝઝૂમે તો તેના શરીરમાં રક્તની ગંભીર ઉણપ થઈ શકે છે. જો તેનો ઉપચાર કરવામાં ન આવે તો તે જીવલેણ બની શકે છે.
માઈકલ પૉટર કહે છે, “માંકડ લોહી પીવે છે અને સીધી વાત છે કે મોટી સંખ્યામાં માંકડ હોય તો તે તમારા શરીરમાંથી વધારે લોહી ચૂસશે” જેનાથી વ્યક્તિને ઍલર્જિક રિઍક્શન થઈ શકે છે.
તેઓ સમજાવે છે કે શરીરની પોતાની રોગપ્રતિકારક ક્ષમતા હોય છે. ચૅપથી બચવાની કોશિશમાં શરીરનું રોગપ્રતિકારક તંત્ર એક પ્રકારનું કેમિકલ છોડે છે.
પૉટરના કહેવા અનુસાર જો એ કેમિકલનો શરીરમાં વધુ પ્રમાણમાં સ્રાવ થાય તો તેનાથી બ્લડ પ્રેશર અચાનક ઘટી જઈ શકે છે અને વ્યક્તિને શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે. આ સ્થિતિને એનાફાયલૅટિક શૉક કહેવામાં આવે છે જે જીવલેણ બની શકે છે.
કેદીના મોત બાદ માંકડ કીટકોની સમસ્યા ઉકેલવા પાંચ લાખ ડૉલર અપાયા
ફુલટૉન કાઉન્ટીના શેરિફ કાર્યાલયે આ મામલે એક નિવેદન જાહેર કરીને કહ્યું છે કે આ ઘટનાની તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
નિવેદનમાં લખ્યું છે, “એ વાત કોઈનાથી પણ અજાણી નથી કે હાલની સુવિધાઓ ભાંગી પડવાની સ્થિતિમાં છે અને વધુ ઝડપથી વધુને વધુ બગડી રહી છે. આવી સ્થિતિમાં તમામ કેદીઓ અને કર્મચારીઓને સ્વચ્છ, વ્યવસ્થિત અને સ્વસ્થ વાતાવરણ આપવું ખૂબ મુશ્કેલ છે.”
ફુલટૉન કાઉન્ટી જેલનું સંચાલન શેરિફની ઓફિસ જ કરે છે. આ ઓફિસનું કહેવું છે કે થૉમ્પસનના મૃત્યુનાં કારણોની બૃહદ તપાસ શરૂ કરી દેવામાં આવી છે.
આ ઉપરાંત નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “ફુલટૉન કાઉન્ટી જેલમાં માંકડ, જૂ, અને કીટકોની સમસ્યાને પહોંચી વળવા માટે તત્કાળ પાંચ લાખ ડૉલરની વ્યવસ્થા કરવામાં આવી છે.”
નિવેદનમાં આગળ કહેવામાં આવ્યું છે કે, “જેલની સ્થિતિની દેખરેખ માટે સુરક્ષા સાથે જોડાયેલા પ્રોટોકૉલને પણ અપડેટ કરવામાં આવ્યો છે.”
“તપાસમાં કેદીઓને આપવામાં આવતી મેડિકલ સુવિધાઓ વિશે પણ વિસ્તૃત તપાસ કરવામાં આવી રહી છે, તેનાથી એ પણ જાણવા મળશે કે આ મામલામાં ગુનાઇત આરોપો નિર્ધારિત કરવામાં આવશે.”
શેરિફની ઓફિસે એમ પણ જણાવ્યું હતું કે એક નવી અને મોટી જેલ બનાવવી જોઈએ જ્યાં “કેદીઓ માટે બહેતર સુવિધાઓ, માનસિક સ્વાસ્થ્ય સેવાઓ, સુરક્ષા અને સાફ-સફાઈ હોય.”
ફુલટૉન કાઉન્ટી જેલ માટે પહેલાં પણ કહેવાતું રહ્યું છે કે ત્યાં કેદીઓની સંખ્યા ખૂબ વધારે છે, તેમના માટે પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે અને સાથે જ ત્યાંની સુવિધાઓ માટે બજેટ ઓછું છે.
ગત વર્ષે સધર્ન સૅન્ટર ફૉર હ્યૂમન રાઇટ્સે ‘અનકન્ટેન્ડ આઉટબ્રેક્સ ઑફ લાઇસ, સ્કેબીજ લીવ પીપલ એટ ફુલટૉન જેલ ડેન્જરસલી માલનરિશ્ડ’ (ફુલટૉન જેલમાં જૂઓ અને ચર્મરોગોના અનિયંત્રિત પ્રકોપને કારણે ખરાબ રીતે કુપોષિત કેદી) શિર્ષકથી એક રિપોર્ટ જાહેર કર્યો હતો.
એ રિપોર્ટમાં સંસ્થાએ કહ્યું હતું કે, જેલ સામે ઘણા પ્રકારની મુશ્કેલીઓ છે. સંસ્થાએ પોતાના રિપોર્ટમાં, “ભવિષ્યમાં કીટકોનો પ્રકોપ રોકવા” અને જેલમાં સાફ સફાઈ વધારવાની પણ સલાહ આપી હતી.