You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાત : ખેડાની આ બૅન્કમાં બાળકો જ ખાતેદાર અને બાળકો જ મૅનેજર બનીને શું કામ કરે છે?
- લેેખક, સાગર પટેલ
- પદ, બીબીસી ગુજરાતી
ગુજરાતના ખેડા જિલ્લાના કાજીપુરા ગામની પ્રાથમિક શાળાની મુલાકાતે ક્યારેક જવાનું થાય તો ત્યાં તમને હાથમાં બૅન્કની પાસબુક લઈને કતારમાં ઊભેલા વિદ્યાર્થીઓ એક નાનકડા કાઉન્ટર પર પૈસા જમા કરાવતા દેખાઈ શકે છે.
થોડું ધ્યાનથી જોશો તો કાઉન્ટરની આસપાસ અને અન્ય સ્થળે કાગળ પર ‘બૅન્ક ઑફ કાજીપુરા’ લખેલું પણ નજરે પડશે.
થોડી વાર સુધી તો આ શાળા છે કે બૅન્ક એ વાત તમને વિચારતી પણ કરી દે એવું બની શકે.
કાજીપુરાની પ્રાથમિક શાળાનાં શિક્ષકો અને બાળકોએ આદરેલી પહેલને કારણે શાળામાં બાળકો માટે એક ખાસ બૅન્ક શરૂ કરાઈ છે, જેનો હેતુ બાળકોને બચત કરતા શીખવવાની સાથોસાથ અભ્યાસ અને ઇતર પ્રવૃત્તિઓ માટે ભંડોળ એકઠો કરવાનો છે.
બચતની પ્રવૃત્તિ, ખર્ચ અંગે શિસ્ત શીખવવાની સાથોસાથ આ પ્રવૃત્તિથી બાળકો વ્યવહારિક જીવનમાં બૅન્કિંગ પ્રવૃત્તિ માટે જરૂરી જ્ઞાન પણ શીખી રહ્યાં છે.
બૅન્કની ખાસ વાત તો એ છે કે અહીં ખાતેદારોની સાથોસાથ, બૅન્કના મૅનેજર સહિતના કર્મચારીઓની જવાબદારી પણ બાળકો જ ઉઠાવે છે.
બાળકો માટે બાળકો દ્વારા સંચાલિત બૅન્ક
બાળકો બચત કરતાં થાય એ આશય સાથે શરૂ કરાયેલી આ બૅન્કના વિચાર પાછળનો તર્ક જણાવતાં કાજીપુરા પ્રાથમિક શાળાનાં શિક્ષિકા હિનાબહેન દીવાન કહે છે, “પહેલાં અમે જોતાં કે બાળકો ઘરેથી પોતાના અંગત ઉપયોગ માટે ઘરેથી પૈસા લઈ આવે છે. પરંતુ એ પૈસાથી બાળકો જંકફૂડ અને ખાદ્ય પદાર્થોના પડીકા ખરીદતાં અને બહારનો નાસ્તો કરતાં."
તેમણે વધુમાં કહ્યું, "આ બધું જોઈને અમને બૅન્કનો વિચાર આવ્યો, જેથી બાળકોને આ પૈસા બચાવવા માટે માધ્યમ આપી પ્રોત્સાહિત કરી શકાય.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અહીં વિદ્યાર્થીઓ પોતાની બચતમાંથી પૈસા જમા કરાવે છે. તેનો ઉપયોગ પુસ્તકોની ખરીદી, અભ્યાસ અને અન્ય પ્રવૃત્તિઓ પાછળ કરાય છે.
હિનાબહેન દીવાન બાળકો દ્વારા કરવામાં આવતી બચતના ઉપયોગ અંગે વાત કરતાં કહે છે કે, “નાની-નાની બચત બાળકોને આગળ જતાં કામ લાગે છે. સ્કૂલની ઘણી પ્રવૃત્તિઓ માટે વિદ્યાર્થીઓનાં માતાપિતા પાસેથી પૈસા માગવા પડતા હોય છે. પરંતુ આ વ્યવસ્થાને કારણે હવે એ પ્રવૃત્તિઓ માટેનું ભંડોળ આ બચતમાંથી જ ઊભું કરી લેવાય છે.”
શાળાના ધોરણ છમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થી ધ્રવેશ પટેલ જ આ બૅન્કના મૅનેજર તરીકેની જવાબદારી સંભાળે છે.
તે બૅન્ક અને પોતાની જવાબદારી વિશે વાત કરતાં કહે છે કે, “મૅનેજર તરીકે હું વિદ્યાર્થી જે પૈસા જમા કરાવવા આવે તે મેળવીને પાસબુકમાં તેની ઍન્ટ્રી કરું છું. બાદમાં એ પૈસા હું ગણીને શિક્ષકને આપી દઉં છું. નાનપણમાં જ હું મૅનેજર બન્યો છું એ વાત મારા મનમાં ગર્વની લાગણી પેદા કરે છે.”
શાળાની વિદ્યાર્થિની અને બૅન્કની ખાતેદાર મિત્તલ બૅન્કની પ્રવૃત્તિ અંગે વાત કરતાં કહે છે કે, “મને જે પૈસા ઘરેથી મળે છે એ હું બૅન્કમાં જમા કરાવું છું. એ પૈસા શાળાના પ્રવાસ માટે, મારી મનપસંદ વસ્તુઓ અને વર્ગખંડની વસ્તુઓ ખરીદવા માટે કામ લાગી શકે છે. અત્યાર સુધી મારા 510 રૂપિયા ભેગા થયા છે.”
20 હજાર કરતાં વધુ ભંડોળ એકઠું કરાયું
શાળાનાં અન્ય એક શિક્ષિકા હિનાબહેન ચુડાસમા બૅન્કની કાર્યપ્રણાલી અંગે કહે છે કે, “બૅન્કમાં જે પ્રકારે વ્યવસ્થા કરાઈ હોય છે, બરાબર એવી જ રીતે વિદ્યાર્થી પોતાના ક્લાસરૂમમાંથી પાસબુક લઈને પૈસા જમા કરાવવા માટેની લાઇનમાં ઊભો રહીને બૅન્ક મૅનેજરને પૈસા જમા કરાવે છે. જેની ઍન્ટ્રી પડાવ્યા બાદ એ ફરી વાર ક્લાસરૂમમાં આવી જશે.”
શિક્ષિકા હિનાબહેન દીવાન આ પ્રવૃત્તિના અન્ય લાભો અંગે ધ્યાન દોરતાં કહે છે કે, “જ્યારે બાળકો આ સુવિધાનો લાભ લઈને પૈસા જમા કરાવતા થયાં ત્યારે અમે આ પ્રવૃત્તિ થકી વિદ્યાર્થીઓને બૅન્કિંગનું પ્રૅક્ટિકલ જ્ઞાન આપવાનું નક્કી કર્યું. જે માટે અમે ચેકબુક, પાસબુક, ડિપૉઝિટ સ્લિપ અને પૈસા ઉપાડવાની સ્લિપ વગેરે પ્રિન્ટ કરાવીને રાખી, જેથી વિદ્યાર્થીઓ આ બધી વસ્તુઓનો ઉપયોગ કરીને બૅન્કિંગનું વ્યવહારિક જ્ઞાન મેળવી શકે.”
અત્યાર સુધી બૅન્કમાં 20 હજાર રૂપિયા જેટલું ભંડોળેય એકઠું કરી લેવાયું છે.
બૅન્ક અંગે વધુ માહિતી આપતાં હિનાબહેન કહે છે કે, “હાલ અમારી આ બૅન્કમાં બાળકોનાં 242 ખાતાં છે. જેમાં હાલ સારું એવું ભંડોળ એકઠું કરી લેવાયું છે.”
નાણાંની બચત, ઇતર પ્રવૃત્તિઓ માટેનું ભંડોળ અને વ્યવહારિક જ્ઞાન જેવી ઘણા બધા હેતુ માત્ર આ એક પ્રવૃત્તિથી સાધવાની પહેલને ‘સરાહનીય’ ગણાવવાનું મન થાય એ સ્વાભાવિક છે.