You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રશિયાએ યુક્રેનની મુખ્ય સરકારી ઇમારત પર પહેલી વાર હુમલો કર્યો- ન્યૂઝ અપડેટ
યુક્રેનનાં વડાં પ્રધાન યુલિયા સ્વિરિડેંકોએ જણાવ્યું કે રશિયાએ પહેલી વાર યુક્રેનની મુખ્ય સરકારી ઇમારત પર હુમલો કર્યો છે.
સ્વિરિડેંકોએ ફેસબુક પર લખ્યું, "પહેલી વાર દુશ્મનના હુમલામાં સરકારી ઇમારતની છત અને ઉપરના માળને નુકસાન પહોંચ્યું છે. રાહતકર્મી આગ ઓલવવામાં જોતરાયેલા છે."
કીએવના મેયર વિતાલીએ ક્લિચ્કોએ કહ્યું કે સરકારી ઇમારતમાં આગ 'કથિત ડ્રોન હુમલા'ને કારણે લાગી.
ક્લિચ્કોએ ટેલિગ્રામ પર જણાવ્યું કે આ ઇમારત સેન્ટ્રલ પેચર્સ્કી જિલ્લામાં આવેલી છે અને ફાયરકર્મી હજુ પણ આગ ઓલવી રહ્યા છે.
કીએવના અન્ય ભાગોમાં પણ હુમલા થયા છે. તેમાં એક ગોડાઉન, 16 માળની આવાસીય ઇમારત અને એક ચાર માળની ઇમારતને નિશાન બનાવાઈ છે.
યુક્રેનના અધિકારીઓએ જણાવ્યું કે પાટનગર કીએવ પર આખી રાત થયેલા રશિયન ડ્રોન હુમલામાં ઓછામાં ઓછા બે લોકોનાં મૃત્યુ થયાં છે અને 13 લોકો ઈજાગ્રસ્ત થયા છે.
રશિયાએ યુક્રેનના મધ્ય વિસ્તારમાં સ્થિત રાષ્ટ્રપતિ વોલોદિમીરપ ઝેલેન્સ્કીના હોમટાઉન ક્રીવી રીહ પર પણ હુમલો કર્યો છે.
રવિવારે કીએવમાં ઘણા ધડાકા થયા. એ પૈકી ઓછામાં ઓછો એક ધડાકો શહેરની વચ્ચોવચ થયો, જે બીબીસીએ પણ જોયું. ઘણી ક્રૂઝ મિસાઇલોએ પણ કીએવને નિશાન બનાવી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં, રાજકોટમાં કહ્યું - 'વોટ ચોરીનો મુદ્દો સાચો,' બીજા શું આરોપ કર્યા?
આમ આદમી પાર્ટીના મુખ્ય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ શનિવારે પોતાની ગુજરાત મુલાકાતના ભાગરૂપે રાજકોટ પહોંચ્યા હતા.
ઍરપૉર્ટ પર મીડિયાને સંબોધતાં અરવિંદ કેજરીવાલે ખેડૂતો મુદ્દે મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા.
તેમણે જણાવ્યું હતું કે, "મોદી સરકાર દ્વારા અમેરિકાથી આવતા કપાસ પરની ડ્યૂટી હઠાવી દેવાઈ આવી છે, જેના કારણે અહીંના ખેડૂતોને તેમના કપાસના પાકના યોગ્ય ભાવ મળતા નથી. આ નીતિને કારણે દેશના ખેડૂતો આત્મહત્યા કરવા મજબૂર બન્યા છે."
તેમણે વધુમાં કહ્યું કે, "દેશમાં સૌથી વધુ કપાસનું ઉત્પાદન સુરેન્દ્રનગર જિલ્લામાં થાય છે, જેને ધ્યાનમાં રાખીને રવિવારે ચોટીલા ખાતે ખેડૂતસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે."
તેમણે એવો પણ આક્ષેપ કર્યો કે, "હીરાઉદ્યોગ પર અમેરિકાના ટેરિફ વધારાના કારણે મંદીનો માહોલ આવ્યો છે."
કેજરીવાલે તાજેતરમાં ચર્ચામાં રહેલા 'વોટ ચોરી'ના મુદ્દાને પણ સમર્થન આપ્યું હતું. તેમણે કહ્યું કે, "વોટ ચોરીનો જે મુદ્દો ઉઠાવાઈ રહ્યો છે, તે સાચો મુદ્દો છે અને હવે તમામ પાર્ટીઓ આ મુદ્દો ઉઠાવી રહી છે. જે રીતે ભારતીય જનતા પાર્ટી હવે લાગી રહ્યું છે કે તે જીતી શકશે નહીં. અત્યાર સુધી એ વોટ ચોરી કરીને જીતતી હતી."
ખેડા : સાબરમતીમાં પૂરની ભીતિએ તંત્રે નદીકાંઠાનાં ગામોને ઍલર્ટ કર્યાં
ગુજરાતમાં મોટા ભાગના વિસ્તારો પાછલા 24 કલાકથી અનારાધાર વરસાદના સાક્ષી બની રહ્યા છે.
મોટા ભાગના જિલ્લામાં શનિવાર સવારથી જ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે.
ખેડા જિલ્લામાં વરસાદને કારણે મુશ્કેલ પરિસ્થિતિ ઊભી થઈ છે.
ખેડા જિલ્લાના કલેક્ટર અમિત પ્રકાશ યાદવે માહિતી આપતાં કહ્યું હતું કે, "સાબરમતીમાં એક લાખ ક્યુસેકથી વધુ પાણી છોડાઈ રહ્યું છે. જેને પગલે તંત્રે નદીકાંઠાનાં ગામોમાં લોકોને ઍલર્ટ કર્યા છે."
તેમણે વધુ માહિતી આપતાં કહ્યું : "તંત્ર દ્વારા 22 જેટલી બસો ગોઠવી લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડવાની કામગીરી હાથ ધરાઈ છે. માતર તાલુકાના અસમાલી, પાલ્લા, તૌયબપુરા સહિતનાં ગામડાંમાં લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે."
કલેકટર, ડીડીઓ, પ્રાંત અધિકારી, ડિઝાસ્ટર નોડલ, ટીડીઓ, મામલતદાર સહિતના અધિકારીઓેએ બરોડા, પાલ્લા, અસમાલી સહિતનાં ગામડાંની મુલાકાત લીધી અને લોકોને સુરક્ષિત જગ્યાએ ખસી જવા માટેની સૂચના અપાઈ છે.
કલેક્ટરે કહ્યું કે, "ઉપરવાસમાં વધુ વરસાદ પડે અને પાણી વધારે આવે તો મુશ્કેલી ના પડે એ હેતુસર લોકોને સાવચેત રહેવા કહેવાઈ રહ્યું છે."
લંડનમાં "પેલેસ્ટાઇન ઍક્શન" સમૂહ પર પ્રતિબંધ વિરુદ્ધ પ્રદર્શન, 425 કરતાં વધુની ધરપકડ
બ્રિટનમાં 'પેલેસ્ટાઇન ઍક્શન' નામના સમૂહ પર પ્રતિબંધ લાદવા વિરુદ્ધ થયેલા પ્રદર્શનમાં 425 કરતાં વધુ લોકોની ધરપકડ કરાઈ છે.
સેન્ટ્રલ લંડનના પાર્લામેન્ટ સ્ક્વેર પર સેંકડો લોકો આ પ્રતિબંધનો વિરોધ કરવા ભેગા થયા હતા. ઘણા પ્રદર્શનકારીઓના હાથમાં તકતી હતી, જેના પર લખાયેલું હતું, "હું જનસંહારનો વિરોધ કરું છું, હું પેલેસ્ટાઇન ઍક્શનનું સમર્થન કરું છું."
મેટ્રોપૉલિટન પોલીસે કહ્યું કે જે લોકોની ધરપકડ કરાઈ છે, તેમાં મોટા ભાગના લોકો પ્રતિબંધિત સંગઠનના સમર્થકો હતા. તેમજ 25થી વધુ લોકોની પોલીસ અધિકારીઓ પર હુમલા અને જાહેર વ્યવસ્થાને બગાડવાથી સંકળાયેલા ગુના હેઠળ ધરપકડ કરાઈ છે.
સરકારે જુલાઈમાં ટેરરિઝમ ઍક્ટ અંતર્ગત પેલેસ્ટાઇન ઍક્શન પર પ્રતિબંધ લાદ્યો હતો.
આ કાયદા અંતર્ગત સંગઠનનું સભ્યપદ લેવું કે તેનું સમર્થન કરવું એ ગુનો છે, જેના માટે 14 વર્ષ સુધી જેલની સજા થઈ શકે છે.
' પેલેસ્ટાઇન ઍક્શન' કૅમ્પેન ચલાવતું સમૂહ છે. તેના એક પ્રવક્તાએ પ્રતિબંધ અંગે અગાઉ કહ્યું હતું કે, "પ્રતિબંધ વિરુદ્ધ વિરોધ ઝડપથી વધતો જઈ રહ્યો છે."
તેમણે એવું પણ કહ્યું હતું કે પ્રદર્શને બતાવી દીધું કે પેલેસ્ટાઇન ઍક્શન પર પ્રતિબંધ 'લાગુ કરવો એ અસંભવ છે અને એ સંસાધનોનો વેડફાટ છે.'
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન