રજનીકુમાર પંડ્યા : માનવ પ્રકૃતિ અને શાશ્વત સત્યની કહાણીઓ કહેનારા ગુજરાતી લેખકની વિદાય

ઇમેજ સ્રોત, Urvish Kothari
- લેેખક, ઉર્વીશ કોઠારી
- પદ, વરિષ્ઠ પત્રકાર
ગુજરાતી ટૂંકી વાર્તાઓના ઉત્તમ સર્જકોમાં સ્થાન ધરાવતા રજનીકુમાર પંડ્યાનું 15 માર્ચ 2025ના રોજ અવસાન થયું. 6 જુલાઈ 1938ના રોજ જેતપુર (સૌરાષ્ટ્ર)માં જન્મેલા રજનીકુમાર કૉલેજકાળથી લેખન પ્રત્યે ઝુકાવ ધરાવતા હતા.
એક સમય એવો હતો, જ્યારે યુવાન રમેશ પારેખ વાર્તાઓ લખતા હતા અને તેમના ગાઢ મિત્ર રજનીકુમાર કવિતાઓ. પણ ટૂંક સમયમાં બંનેને પોતપોતાના સ્વગૃહ (હોમ પીચ)ની ભાળ મળી ગઈ અને એ ક્ષેત્રમાં આગળ વધ્યા.
લગભગ વીસેક વર્ષની વયે શરૂ થયેલી રજનીકુમારની લેખનપ્રવૃત્તિ આજીવન-જીવનના છેલ્લા અઠવાડિયા સુધી ચાલી. અમદાવાદની એચ.એલ. કૉલેજ ઑફ કૉમર્સમાં બી.કોમ. કરતી વખતે કૉલેજના સામયિક 'પગદંડી'માં તેમની રચનાઓ છપાતી હતી.
ત્યાર પછી જુદાંજુદાં શહેરોમાં કૉ-ઑપરેટિવ બૅન્કો અને પછી વિજયા બૅન્કની નોકરી દરમિયાન તેમનું વાર્તાલેખન ચાલુ રહ્યું, લેખનમાં ઝીણવટ, શબ્દેશબ્દ માટે ચોક્સાઈ, ગુણવત્તાનો આગ્રહ અને તેના પાલન માટે (તેમનો પ્રિય શબ્દ વાપરું તો) સ્વ-સારથીપણું—આ બધી લાક્ષણિકતાઓ તેમના લખાણમાં છેવટ સુધી જળવાઈ.
વયવૃદ્ધિ અને શરીરના ઘસારા છતાં રજનીકુમાર પંડ્યાની માનસિક ચુસ્તી અડીખમ રહી.

વાર્તાના મર્મજ્ઞ ભાવક-સર્જક

ઇમેજ સ્રોત, Urvish Kothari
નવલકથા, વ્યક્તિચિત્રો-સંસ્થાચિત્રો, હાસ્ય, આસ્વાદાત્મક વિવેચન જેવા વિવિધ સાહિત્યપ્રકારમાં સફળતાપૂર્વક કામ કર્યા પછી પણ રજનીકુમાર તેમની પ્રાથમિક અને મુખ્ય ઓળખ વાર્તાકાર તરીકે આપવાનું પસંદ કરતા હતા.
તેઓ દૃઢતાપૂર્વક માનતા હતા કે તેમણે સર્જેલાં બધાં સ્વરૂપોમાં વાર્તાકાર રજનીકુમાર પ્રવેશી જાય છે. તેમનું પહેલું પુસ્તક 'ખલેલ' ટૂંકી વાર્તાઓનો સંગ્રહ હતો. ત્યાર પછી 'ચંદ્રદાહ' (1989), 'ઝાંઝર' (1996), 'અહા! કેટલી સુંદર' (2006) જેવા તેમના વાર્તાસંગ્રહો પ્રગટ થયા.
તેમાં વાર્તાકળાના શાસ્ત્રીય નમૂના જેવી અને વિશ્વસાહિત્યની યાદગાર વાર્તાઓની હારોહાર ઊભી રહી શકે એવી ઘણી વાર્તાઓ છે. અલબત્ત, એ વાર્તાઓની કદર જાણવાનું- તેની યથાયોગ્ય મહત્તા પારખવાનું કામ મહદંશે સુજ્ઞ વાચકોના ભાગે જ આવ્યું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વાર્તાની સૂક્ષ્મતા અને કલાત્મકતા વિશેની તેમની સમજ પાકી અને પાંડિત્યગ્રસ્ત પરિભાષાથી મુક્ત હતી.
એક વાર એક મિત્રના ઉત્તમ વાર્તાત્મક લખાણ વિશે તેમની પાસેથી અભિપ્રાય માગતાં તેમણે કહ્યું હતું, 'વાર્તા શૂળની અણી પર હોય છે. અણી માટે શૂળ ઉગાડવાની હોય—આખું ઝાડ નહીં.'
તેમનાં મનબિલોરી-રંગબિલોરી-હાસબિલોરી શ્રેણીનાં પુસ્તકોમાં સમાવાયેલાં લખાણો માનસપ્રવાહોના આટાપાટા અને તેની વિલક્ષણતાના ગજબનાક નમૂના છે. બીજા ઘણા લોકો તેને ઉલટભેર વાર્તા ગણતા હોવા છતાં, રજનીકુમારે લખ્યું હતું કે તે વિશુદ્ધ વાર્તા જેટલા ઝીણા નથી ને પ્રસંગકથા જેટલા જાડા નથી.
લેખનના આરંભે તેમને વિવિધ વાર્તાસ્પર્ધાઓમાં પારિતોષિક અને ચંદ્રક મળ્યા હતા, ગુણિયલ સંપાદકોએ તેમની વાર્તાકળાને પ્રમાણી હતી. તેના કારણે બી.એ., બી.કૉમ. થયેલા, બૅન્કની શુષ્ક નોકરી કરતા અને સંસારના એક પછી એક કારમા-નાટ્યાત્મક સંઘર્ષોમાં ઝઝૂમતા રજનીકુમારને લેખનક્ષેત્રે ટકી રહેવાનું બળ મળ્યું.
બ્રાન્ડ 'ઝબકાર': વાર્તાનું પિતરાઈ સ્વરૂપ

ઇમેજ સ્રોત, RAJANIKUMAR PANDYA/FB
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
મહંમદ માંકડના આગ્રહથી વાર્તાકાર રજનીકુમારે 1980માં 'સંદેશ'માં કૉલમ લખવાનું સ્વીકાર્યું, ત્યારે ન વિષયની સ્પષ્ટતા હતી, ન લેખનશૈલીની. એટલું ખરું કે ત્યાં સુધીમાં અનેક લોકોને મળીને તેમની વાતો સાંભળવાનો અને તેની પરથી નાનુંમોટું લખવાનો અનુભવ હતો—અને સજ્જ વાર્તાકાર તરીકેની પ્રતિભા. તેના જોરે 'ઝબકાર'ની અઠવાડિક કટાર શરૂ થઈ.
એક કૉલમના કદમાં કોઈ વ્યક્તિ કે સંસ્થાનું ચિત્ર આપવાનું વીજળીના ઝબકારે મોતી પરોવવા જેવું હતું, પણ એ કામમાં તેમને ભારે સફળતા મળી. તેમણે વિગતો સાથે વાર્તાત્મકતા અને સંવેદનનું એવું મિશ્રણ નીપજાવ્યું કે ગુજરાતી સાહિત્યના ઉત્તમ શબ્દચિત્રકારોની હરોળમાં તેમને મુકવા પડે.
ચં.ચી.મહેતાએ તેમનાં શબ્દચિત્રોની એક ખાસિયત ચીંધી બતાવતાં લખ્યું હતું કે અગાઉના મહાન શબ્દચિત્રકારોએ ઘણુંખરું તેમની સાથે ગાઢ પરિચય ધરાવતાં પાત્રો વિશે લખ્યું, જ્યારે તમે (રજનીકુમારે) ઘણા લોકોની માત્ર એક-બે મુલાકાતોના આધારે તેમનું આબાદ ચિત્ર ઉપસાવ્યું.
'ઝબકાર'થી ચરિત્રસાહિત્યમાં એક વિશિષ્ટ પેટાપ્રકારનો ઉમેરો થયો, તેમ અખબારી કટારલેખનની તવારીખમાં વાચકોની સામેલગીરીનું એક વિશિષ્ટ તત્ત્વ ભળ્યું. રજનીકુમારે જરૂરતમંદ સંસ્થાઓ અને વ્યક્તિઓ વિશે તેમની કૉલમમાં કરેલાં આલેખનો અને અપીલના પ્રતિસાદમાં વાચકો તરફથી મદદનો ધોધ ઉમટ્યો.
'ધોધ' શબ્દ જરા પણ અતિશયોક્તિ વિના, પૂરી સભાનતાથી વાપર્યો છે. કારણ કે, માત્ર ને માત્ર તેમની કૉલમથી પાત્રોને-સંસ્થાઓને લાખો—અને ઘણી વાર તો કરોડો રૂપિયાની મદદ મળી. એવા તેમના એક યાદગાર આલેખન, અનુબહેન ઠક્કરે ગોરજમાં સ્થાપેલા મુનિ સેવાશ્રમ વિશેના લેખને કલકત્તાના 'સ્ટેટ્સમૅન' દૈનિકનો પ્રતિષ્ઠિત ગ્રામ્યલક્ષી આલેખનનો ઍવૉર્ડ મળ્યો.
ઍવૉર્ડની પ્રતિષ્ઠા એવી કે તે પ્રસંગે સપરિવાર કલકત્તા ગયેલા રજનીકુમાર સ્ટેટ્સમૅન સન્માન માટે આવ્યા છે, એ જાણીને સત્યજીત રાયે નાદુરસ્ત તબિયત હોવા છતાં તેમને ઘરે મળવાનો સમય આપ્યો અને પ્રેમથી મળ્યા.
જીવનનો સમાંતર પ્રવાહઃ ગીતસંગીત

ઇમેજ સ્રોત, Urvish Kothari
બાળપણમાં જેતપુરમાં તેમના ઘરની મેડીએ પિતાએ લાવેલી 'થાળી' (78 આરપીએમની રેકોર્ડ) સાંભળીને ગીતો પ્રત્યેના તેમના તીવ્ર રાગની શરૂઆત થઈ. વિખ્યાત ભજનગાયક અભરામ ભગત તેમની શેરીમાં રહેતા.
કૉલેજકાળ સુધીમાં તેમને જગમોહન સુરસાગર, હેમંતકુમાર, તલત મહેમૂદનાં ફિલ્મી-બિનફિલ્મી ગીતોનો એવો રંગ લાગ્યો કે એ તેમના અસ્તિત્વનો અભિન્ન અંશ થઈ ગયા.
અમારા 35 વર્ષના નિકટ-પરિચયમાં તેમને સાહિત્ય વગરના કલ્પી શકું છું, પણ ગીતો વગરના કલ્પી શકતો નથી. તેમને સેંકડો ગીતોના શબ્દો મોઢે હતા અને ગીતોના આખેઆખા અંતરા, તેમાં રહેલું કાવ્યતત્વ સમજાવીને તે ગાઈ શકતા હતા.
રજનીકુમારનો પોતાનો કંઠ તાલીમી નહીં, પણ કુદરતી રીતે મધુર હતો. હેમંતકુમારનાં બિનફિલ્મી ગીતો ગાય ત્યારે હેમંતકુમારની યાદ તાજી કરાવી આપે. યુવાનીમાં ગાયક બનવાની બહુ ઇચ્છા હતી. જે મેટ્રો-મર્ફી સ્પર્ધામાં પહેલો નંબર લાવીને મહેન્દ્ર કપૂર ગાયક બન્યા, એ જ સ્પર્ધામાં રજનીકુમારે ભાગ લીધો હતો અને અમદાવાદના સ્તરે પહોંચ્યા હતા, પણ ગાયકે હાર્મોનિયમ સાથે ગાવાનું હોય એવી ખબર નહીં. એટલે તે તબક્કે જ બહાર થઈ ગયા.
સંગીતક્ષેત્રે કારકિર્દી ન બની, તે નિષ્ફળતાનો ખંગ વળી જાય તેટલા સંપર્કો અને સંબંધો તેમને મહાન કલાકારો સાથે થયા. અનેક કલાકારોની અંતરંગ મુલાકાતોના આધારે, અઢળક વિગતોની સાથોસાથ તેમના વ્યક્તિત્વ અને આંતરિક પ્રવાહોનું તેમણે કરેલું આલેખન લેખનના કોઈ એક ખાનામાં મૂકી ન શકાય એવું છે.
'આપકી પરછાંઈયાં' (1995)માં ફિલ્મી હસ્તીઓ વિશેના, મોટે ભાગે અંગત મુલાકાતો આધારિત, લેખ છે, જ્યારે 'ફિલ્માકાશ' (2022)માં બોલતી ફિલ્મોના લગભગ પહેલા બે દાયકાની તવારીખ છે.
નવલકથાઃ માધ્યમાંતરનો મહત્તમ સ્ટ્રાઇક રેટ

ઇમેજ સ્રોત, Urvish Kothari
વાર્તાકાર તરીકેની નક્કરતા અને 'ઝબકાર'ની વ્યાપક લોકપ્રિયતામાંથી નવલકથાકાર રજનીકુમાર પંડ્યાનો જન્મ થયો એમ કહી શકાય. તેમની પહેલી નવલકથા 'કોઈ પૂછે તો કહેજો' 1988માં પ્રગટ થઈ.
ત્યાર પછી તેમણે ઉત્તર ગુજરાતના આદિવાસી વિસ્તારમાં કામ કરનાર નરસિંહભાઈ ભાવસારને મળીને-તેમના જીવનની હકીકતો પરથી આધારિત નવલકથા 'પરભવના પિતરાઈ' (1991) લખી.
એકાદબે પ્રસંગોને બાદ કરતાં તેમાં આલેખાયેલી બધી વિગતો તથ્યાત્મક રીતે ખરી હોવા છતાં, તેનો ઘાટ નવલકથાનો હતો. તે રજનીકુમારની ખાસિયત બની રહી.
'ચિત્રલેખા'માં હપ્તાવાર પ્રગટ થયેલી તેમની નવલકથા 'કુંતી' (1991) પણ સત્યઘટના પર આધારિત હતી—એવી સત્યઘટના, જેમાં રજનીકુમાર પોતે એક મહત્ત્વનું પાત્ર હતા.
અનાથાશ્રમમાં તજી દેવાયેલો પુત્ર સ્વીડીશ દંપતી દ્વારા દત્તક લેવાયો ને યુવાન બન્યો, ત્યાર પછી તેની ગુજરાતી માતા પુત્રને જોવા ઝંખતી હતી. તે ઇચ્છા પૂરી કરવાની ભલા રાજ્યપાલ ને વડા પ્રધાન સુદ્ધાંએ સાફ શબ્દોમાં અશક્તિ દર્શાવી, ત્યારે રજનીકુમારે 'ચિત્રલેખા'ના તંત્રી હરકિસન મહેતાના સંપર્કો અને તેમના હોસ્ટેલકાળના મિત્ર (ધીરુભાઈના નાના ભાઈ) નટુભાઈ અંબાણીની આર્થિક મદદથી મા-દીકરાની અશક્ય મુલાકાત શક્ય બનાવી.
આ ઘટનાક્રમનો આધાર લઈને તેમણે લખેલી સંપૂર્ણપણે કાલ્પનિક નવલકથા લેખક તરીકેની તેમની ઓળખ બની. રજનીકુમારને 'ઝબકાર'થી ઓળખનારા કરતાં 'કુંતી'થી ઓળખનારની સંખ્યા વધી ગઈ હશે. 'કુંતી' પરથી નિમેષ દેસાઈએ ગુજરાતી દૂરદર્શન પર કમિશન્ડ સિરીઝ બનાવી અને અધિકારી બંધુઓએ સબ ટીવી પર તેની સિરીઝ બનાવી.
અગાઉ લખેલી રોમાંચક સત્યઘટનાઓ પરથી રજનીકુમારે લખેલી નવલકથાઓ 'અવતાર' (1992) અને 'ફરેબ' (2000) પણ દૃશ્ય માધ્યમમાં ઉતરવા માટે ગઈ. તેમાંથી 'અવતાર' પરથી અરવિંદ જોષીએ નાટક બનાવ્યું: 'આયના તૂટે તો બને આભલાં' અને 'ફરેબ'ના હક ગુજરાતીમાં ત્યારે ભાગ્યે જ મળે એવી ઊંચી કિંમતે વેચાયા.
'પુષ્પદાહ' (1995)માં ફરી એક વાર 'પરભવના પિતરાઈ' જેવો પડકાર હતોઃ સ્વરૂપ નવલકથાનું, પણ લખવાનું સાચી હકીકતોની સીમા ઓળંગ્યા વિના. આ નવલકથા તેમણે અમેરિકા જઈને પાત્રોની વચ્ચે રહીને લખી અને પતિ-પત્નીના છૂટાછેડાને કારણે બાળકોના મન પર થતી અસરની વાત નવલકથાના રસ સાથે ઉપસાવી. તેના દૃશ્ય માધ્યમ માટેના હક પણ ઊંચી કિંમતે વેચાયા. તેમની છેલ્લી નવલકથા 'એકલપંખી' (2007) ખાસ નોંધપાત્ર ન રહી.
વ્યાવસાયિક જીવન અને છેલ્લું સર્જન

ઇમેજ સ્રોત, Urvish Kothari
રજનીકુમાર પંડ્યાની હાસ્યવૃત્તિ વિશિષ્ટ પ્રકારની હતી. તેમનાં લખાણોમાં સૌરાષ્ટ્રની બોલી, પાત્રોની વિલક્ષણતાઓ અને માણસની જાતને છેતરવાની વૃત્તિ—આત્મવંચનાને તે ડંખ વગરના અને વાર્તાત્મક સુંવાળપ ધરાવતા હાસ્યથી રજૂ કરતા હતા.
તેમના સંગ્રહો 'શબ્દઠઠ્ઠા' (2003) અને 'તીરછી નજર' (2022) આ પ્રકારનાં લખાણોના સંગ્રહ છે. ઉપરાંત, તેમની બિલોરી શ્રેણીની કથાઓમાં અને એ સિવાય પણ ઘણે ઠેકાણે હળવાશનો પ્રવાહ મળે છે.
લગ્નેતર સંબંધો પરની તેમની શ્રેણી અને તેનાં ત્રણે પુસ્તકોનો પછી થયેલો સહિયારો સંગ્રહ 'મહામંડપ' (2015) આ વિષય પર ગુજરાતીમાં જોવા મળતાં જૂજ લખાણોમાં માનભર્યું સ્થાન પામે એવો છે. તેમની કેટલીક કૃતિઓના હિંદી, અંગ્રેજી, મરાઠી, સિંધી ભાષામાં અનુવાદ થયા. તેમની વાર્તાઓના ઉડિયા ભાષામાં થયેલા અનુવાદનું પુસ્તક હજુ ગયા વર્ષે જ આવ્યું.
1980ના દાયકામાં, બેરોકટોક, પૂર્ણસમય લેખન કરી શકાય એ માટે તેમણે બૅન્કની કસદાર નોકરી વીઆરએસના કોઈ લાભ વિના છોડી. થોડો સમય તેમણે અમદાવાદમાં 'ચિત્રલેખા'ની બ્યૂરો ઓફિસ પોતાના ફ્લેટમાં શરૂ કરી અને ચલાવી.

ઇમેજ સ્રોત, Urvish Kothari
વ્યાવસાયિક લેખનનાં અઢળક કામ કર્યાં, લેખકના સમયનું આર્થિક મૂલ્ય હોય છે, તે આયોજકોને સમજાવ્યું અને વક્તવ્ય માટે બોલાવાતા લેખકોને સન્માનજનક પુરસ્કાર મળે, તે માટે આયોજકોને ટપારતા રહ્યા. જનસંપર્કનું ઔપચારિક ઢબે કામ કર્યું. એ કામો આર્થિક ઉપાર્જન માટેનાં હતાં તથા એને તેમણે સાહિત્યિક કામગીરીથી દૂર રાખ્યાં.
સુપાત્ર-કુપાત્ર જોયા વિના, કેવળ બીજાને મદદરૂપ થવાની પ્રકૃતિથી દોરવાઈને તેમણે અસંખ્ય લોકોને અઢળક મદદ કરી અને અપાવી. માનસપ્રવાહોના ઊંડા અને આરપાર અભ્યાસી હોવા છતાં, અનેક વાર લોકો પર ભરોસો મૂકીને છેતરાયા અને છતાં ફરી ભરોસો મૂકવાનું છોડ્યું નહીં.
ડંખ મારે તેને પણ દૂધ પાવાની તેમની પ્રકૃતિ નિકટનાં સ્નેહીજનોને અકળાવતી, પણ તે આદતસે મજબૂર રહ્યા. તેમના સાહિત્યનું ઘણંખરું મૂલ્યાંકન મહદંશે તેમના વિશેના અંગત અભિપ્રાયો-પૂર્વગ્રહો-અધકચરી માહિતીથી કે પછી લોકપ્રિયતા પ્રત્યેની વિવેકહીન સૂગથી દૂષિત રહ્યું.
એ અન્યાયબોધ તેમને ઘણા સમય સુધી પીડતો હતો. પરંતુ તેમના મળેલો, ગુજરાતીમાં અભૂતપૂર્વ કહી શકાય એવા, ચાહકોના નક્કર પ્રેમ એ પીડાને વિસારે પાડવામાં મદદરૂપ થયો.
તેમનું છેલ્લું સર્જન એટલે તેમના હૉસ્ટેલના ત્રણ મિત્રોની કથા અને તેની સાથે વણાયેલા તેમના જીવનનાં 21 વર્ષની આત્મકથા. અર્ધવાર્ષિક 'સાર્થક જલસો' તેના 10 ભાગ પ્રકાશિત થયા હતા. ત્યાર પછી પણ બીજા પાંચ-છ ભાગ આવે એટલી સામગ્રી તેમણે છેલ્લા ચારેક મહિનામાં લખી નાખી.
ફેબ્રુઆરી 2025ના અંતમાં એ પુસ્તકનું કામ પૂરું કર્યું અને મંગળવારે 11 માર્ચે તેની આગળનું નિવેદન પણ લખીને મોકલી આપ્યું. 12 માર્ચે અમારી છેલ્લી મુલાકાત થઈ, ત્યારે તેમણે 'હવે હું છૂટો' એમ કહીને એક મોટું કામ પૂરું કર્યાનો ઊંડો સંતોષ વ્યક્ત કર્યો. 13 માર્ચે રાત્રે તેમને હૉસ્પિટલમાં દાખલ કર્યા અને 15મી માર્ચની રાત્રે તેમણે વિદાય લીધી.
તેમનાં પત્ની-વાર્તાકાર તરુલતા દવેનાં અવસાન પછી દીકરી તર્જની અને દોહિત્રી અનુશ્રી તેમની સારસંભાળ રાખતાં હતાં.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












