કર્ણાટક: મતદારયાદીમાંથી નામ હઠાવવા મામલે એસઆઇટીની તપાસમાં શું બહાર આવ્યું?

ઇમેજ સ્રોત, ANI
- લેેખક, ઇમરાન કુરૈશી
- પદ, બીબીસી હિંદી માટે
કર્ણાટકની આલંદ વિધાનસભા બેઠક પર મતદારયાદીમાંથી છ હજાર 18 મતદારોનાં નામ હઠાવવાના મામલાની તપાસ રાજ્ય સરકારે એસઆઇટી (સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ) મારફતે કરાવી હતી.
એસઆઇટીને તપાસમાં માલૂમ પડ્યું છે કે લિસ્ટમાંથી નામ હઠાવવા માટે વોટદીઠ રૂ. 80 ચૂકવવામાં આવ્યા હતા. જોકે, કોણે પૈસા ચૂકવ્યા હતા, તેના વિશે એસઆઇટીએ કોઈ માહિતી આપી નથી.
એસઆઇટીની તપાસના તારણ અનુસાર, આ રકમ કલબુર્ગી જિલ્લાના મુખ્યાલય ખાતે એક ડેટા સેન્ટરમાં કામ કરનારા ચાર-પાંચ લોકોને ચૂકવવામાં આવી હતી અને તેમની ઉંમર 20-30 વર્ષની વચ્ચે હતી.
એસઆઇટીના એક વરિષ્ઠ અધિકારીએ બીબીસીને નામ ન છાપવાની શરતે જણાવ્યું, "હાલમાં અમે કેટલાંક તકનીકી પાસાં અંગે તપાસ કરી રહ્યા છીએ. જેમ કે, તેઓ ભારતીય ચૂંટણીપંચના ડેટામાં કઈ રીતે પ્રવેશ્યા."
"અમે ચૂંટણીપંચને ફરીથી પત્ર લખ્યો છે, જેથી તેઓ 'ડેસ્ટિનેશન આઇપી ઍડ્રેસ' અમને આપે. એનાથી અમારો કેસ મજબૂત બનશે."
એસઆઇટી, ભાજપ અને તપાસ

ઇમેજ સ્રોત, Getty Images
આલંદ વિધાનસભાની બેઠક પર ભાજપના ઉમેદવાર સુભાષ ગુટ્ટેદાર હારી ગયા હતા. એસઆઇટીએ ગુટ્ટેદારના સહયોગીઓ, ડેટા સેન્ટરના માલિક તથા કર્મચારીઓનાં ઘરો ઉપર રેડ કરી હતી, ત્યારે એસઆઇટીની (સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ) તપાસમાં આ વિગતો બહાર આવી હતી.
જોકે, એસઆઇટીએ હજુ સુધી નાણાકીય લેવડદેવડ અને ભાજપના ઉમેદવાર વચ્ચેના પ્રત્યક્ષ સંબંધ અંગે કોઈ પણ જાતની પુષ્ટિ નથી કરી.
ગુટ્ટેદારે કહ્યું હતું કે કૉંગ્રેસના નેતા બીઆર પાટીલ આ મામલાને વધારીને ચગાવી રહ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વર્ષ 2023માં મતદારયાદીમાંથી નામ હઠાવાયાની વાત પહેલી વખત સામે આવી હતી. એ પછી આલંદના રિટર્નિંગ ઑફિસરે (આરઓ) આ અંગે ઔપચારિક ફરિયાદ નોંધાવી હતી.
આરઓ તથા તેમની ટીમની તપાસમાં બહાર આવ્યું હતું કે નામ હઠાવવાની માત્ર 24 અરજીઓ અસલી હતી, એ સિવાયની તમામ નકલી હતી.
જે લોકોનાં નામ મતદારયાદીમાંથી હઠાવવામાં આવ્યાં હતાં, તેમાંથી મોટા ભાગના લોકો પરંપરાગત રીતે કૉંગ્રેસના ઉમેદવાર બીઆર પાટીલના સમર્થક હતા.
મતદારયાદીમાંથી નામ હઠાવવાની ગરબડ બહાર આવ્યા બાદ ચૂંટણી યોજાઈ હતી. જેમાં પાટીલે ભાજપના ઉમેવદાર ગુટ્ટેદારને 10 હજાર 348 મતે પરાજય આપ્યો હતો.
જોકે, લોકસભામાં વિપક્ષના નેતા અને કૉંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ આને મુદ્દો ઉઠાવ્યો, એ પછી આલંદ બેઠક પર મતદારયાદીમાંથી નામ હઠાવવાના મુદ્દા અંગે વધુ ચર્ચા શરૂ થઈ હતી.
રાહુલ ગાંધીએ આલંદ ઉપરાંત બૅંગ્લુરુ સેન્ટ્રલ લોકસભા ક્ષેત્ર હેઠળ આવતી મહાદેવપુરા વિધાનસભા બેઠકનો ઉલ્લેખ કર્યો હતો.
કર્ણાટક સરકાર દ્વારા એસઆઇટીનું ગઠન
કર્ણાટક સરકારે તા. 20 સપ્ટેમ્બરના રોજ આ મામલે તપાસ કરવા માટે એસઆઇટીનું ગઠન કર્યું હતું. કર્ણાટકની સીઆઇડીએ જેના પરથી કથિત રીતે મતદારોનાં નામ ખોટી રીતે હઠાવવાની અરજીઓ કરવામાં આવી હતી, તેના 'ડેસ્ટિનેશન આઇપી ઍડ્રેસ' વિશે માહિતી માગી હતી.
પરંતુ સીઇસીએ કોઈ જવાબ આપ્યો ન હતો, એ પછી રાજ્ય સરકાર દ્વારા એસઆઇટીનું ગઠન કરવામાં આવ્યું હતું.
સીઆઇડીનું કહેવું છે કે તેણે આ અંગે કેન્દ્રીય ચૂંટણીપંચને 18 પત્ર લખ્યા હતા.
હાલમાં એસઆઇટીનું નેતૃત્વ એડીજીપી બી.કે. સિંહ પાસે છે.
સીઆઇડીનું કહેવું છે કે કોણે મતદારોનાં નામ ખોટી રીતે હઠાવવાનો પ્રયાસ કર્યો અને તેઓ ક્યાંથી કામ કરી રહ્યા હતા, તેના વિશે માહિતી મેળવવા માટે ચૂંટણીપંચ પાસેથી 'ડેસ્ટિનૅશન આઇપી ઍડ્રેસ'ની માંગણી કરવામાં આવી હતી.
એસઆઇટીના એક અધિકારીના કહેવા પ્રમાણે, સ્થાનિક પોલીસે મોહમ્મદ અશફાક નામની વ્યક્તિની વર્ષ 2023માં પૂછપરછ કરી હતી. પરંતુ તેમણે પોતાને નિર્દોષ ગણાવતાં, પાછળથી છોડી મૂકવામાં આવ્યા હતા.

ઇમેજ સ્રોત, Getty Images/BBC
જોકે, એસઆઇટીએ અશફાક અને તેમના ચાર સહયોગીના સગડ મેળવ્યા છે, જેઓ કથિત રીતે ડેટા સેન્ટર ખાતે કામ કરતા હતા અને મતદારયાદીમાંથી નામ હઠાવવાની પ્રક્રિયામાં સામેલ હતા.
એ પછી એસઆઇટીએ ભાજપના નેતા સુભાષ ગુટ્ટેદાર તેમના દીકરા હર્ષાનંદ અને સંતોષ ઉપરાંત તેમના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મલ્લિકાર્જુન મહંતાગોલનાં અલગ-અલગ ઠેકાણાં ઉપર રેડ કરી હતી.
આ કાર્યવાહી દરમિયાન અનેક લૅપટૉપ તથા મોબાઇલ ફોન જપ્ત કરવામાં આવ્યાં હતાં. આ દરમિયાન ગુટ્ટેદારના ઘરની બહારથી સળગેલા મતદાર રેકૉર્ડ પણ મળી આવ્યા હતા.
ભાજપના નેતાઓનું શું કહેવું છે?

ઇમેજ સ્રોત, Subhash R Guttedar/Instagram
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
તા. 18 ઑક્ટોબરના રોજ સુભાષ ગુટ્ટેદારે સ્થાનિક મીડિયા સાથે વાતચીતમાં કહ્યું હતું કે તેમના ઘરની બહારથી મતદાર આવેદનપત્ર મળવાં એ કોઈ અસામાન્ય બાબત નથી.
ગુટ્ટેદારનું કહેવું છે કે તહેવારોના સમયમાં ઘરની સાફસફાઈ કરવી સામાન્ય બાબત છે. આ દરમ્યાન સફાઈકર્મીઓએ કાગળ ફેંકી દીધા હોય એ શક્ય છે. ગુટ્ટેદારે ઉમેર્યું હતું કે તેમણે ચૂંટણી લડી હતી એટલે તેમના ઘરમાંથી વોટર લિસ્ટ મળી આવે એ સ્વાભાવિક બાબત છે.
ગુટ્ટેદારનું કહેવું છે કે તેમના હરીફ અને કૉંગ્રેસના ઉમેદવાર બીઆર પાટીલે સિદ્ધારમૈયા સરકારમાં મંત્રી બનવું છે, એટલે તેઓ આ કેસને વધારીને ચઢાવીને રજૂ કરી રહ્યા છે.
આ મામલે એસઆઇટીની તપાસ ઝડપભેર આગળ વધી રહી હોવાનો દાવો કરવામાં આવે છે, પરંતુ એસઆઇટીને હજુ સુધી માલૂમ નથી પડ્યું કે જે લોકોએ મતદારયાદીમાંથી નામ હઠાવ્યાં, તેમને ઓટીપી કેવી રીતે મળ્યા હતા?
નિયમ મુજબ, કોઈ પણ વ્યક્તિ મતદારયાદીમાં નામ નોંધાવવા માટે અરજી કરી શકે છે, પરંતુ તેમાંથી નામ હઠાવવાની પ્રક્રિયા અલગ હોય છે.
બૂથ સ્તરના અધિકારી (બીએલઓ) રૂબરૂ જઈ તપાસ કરે, એ પછી જ રિટર્નિંગ ઑફિસર નામને હઠાવી શકે છે.
એટલે સુધી કે બીએલઓ તપાસનો અહેવાલ સુપરત કરી દે અને નામ હઠાવવામાં આવે, એ પહેલાં મતદારના મોબાઇલ નંબર ઉપર એક ઓટીપી (વન ટાઇમ પાસવર્ડ) મોકલવામાં આવે છે. જેના વેરિફિકેશન થયા બાદ કે તેના દ્વારા ઓળખ સાબિત થયા બાદ જ નામ હઠાવવાની પ્રક્રિયા શરૂ થાય છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












