'14 વર્ષની ઉંમરે મારા વાળ સફેદ થઈ ગયા', ખોરાકમાં શું ફેરફાર કરવાથી સમસ્યાનો અંત આવે?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, વાળ, ધોળા વાળ, સફેદ વાળ, હેલ્થ, સ્વાસ્થ્ય, હેલ્થ

ઇમેજ સ્રોત, Ashley Sukru

ઇમેજ કૅપ્શન, એશ્લી સુક્રુ કહે છે કે 14 વર્ષની વયે વાળ સફેદ થવા લાગતાં તેઓ સતર્ક થઈ ગયાં હતાં, પરંતુ હવે તેને સામાન્ય બાબત બનાવવા માટે પોતાની કથની ઑનલાઇન શૅર કરે છે
    • લેેખક, એસ્થર કહુમ્બી
    • પદ, ગ્લોબલ હેલ્થ

એશ્લી સુક્રુ માત્ર 14 વર્ષનાં હતાં ત્યારે તેમના વાળ સફેદ હોવાનું હાઈસ્કૂલમાં તેમના એક દોસ્તે જોયું હતું. એ ઘટના પછી પોતાના દેખાવ પ્રત્યેનું એશ્લીનું વલણ ઘણાં વર્ષો સુધી બદલાઈ ગયું હતું.

એશ્લી કહે છે, "મેં દોસ્તને તરત કહ્યું હતું કે ના. મારા વાળ સફેદ હોય જ નહીં. હું ફક્ત 14 વર્ષની હતી."

"મને યાદ છે કે લંચ માટે ઘરે ગઈ ત્યારે માથાના વાળ તપાસ્યા અને વધુને વધુ સફેદ વાળ જોયા ત્યારે મને ખૂબ શરમ આવતી હતી."

કૅનેડામાં રહેતાં અને હવે 28 વર્ષીય એશ્લીએ વાળને રંગ કરવાની છૂટ આપવાની વિનંતી તેમનાં માતાપિતાને કરી હતી.

"તમે બધા સાથે સામંજસ્ય સાધવાના પ્રયાસ કરી રહ્યા હો ત્યારે સફેદ વાળ કોઈ સારી બાબત નથી. હું તેને છુપાવવાનો પ્રયાસ કરતી હતી," એશ્લી સમજાવે છે.

લોકોના વાળ વહેલા સફેદ થઈ રહ્યા છે?

નિષ્ણાતો જણાવે છે કે તમારા વાળ ક્યારે સફેદ થાય તેમાં આનુવંશિકતા સૌથી મજબૂત પરિબળ છે. પરીક્ષણો સૂચવે છે કે એશ્લી સાથે આવું જ થયું હતું. એશ્લીનાં માતાના વાળ પણ તેઓ 14 વર્ષનાં હતાં ત્યારે શ્વેત થઈ ગયા હતા. તેમનાં દાદીના વાળ સફેદ થવા લાગ્યા ત્યારે તેમની વય 17 વર્ષની હતી.

ડૉક્ટરોના જણાવ્યા મુજબ, અકાળે વાળ સફેદ થવાને કારણે ચિંતિત વધુને વધુ યુવા દર્દીઓ તેમની પાસે આવી રહ્યા છે. એ પૈકીના મોટા ભાગના આયુષ્યની વીસી અને ત્રીસીના દાયકામાં છે.

સ્વસ્થ જીવનશૈલી ધરાવતા કોકેશિયન (યુરોપિયન મૂળના) લોકોમાં વાળ સફેદ થવાની શરૂઆત 35 વર્ષની વયથી થાય છે. એશિયનોમાં અને આફ્રિકનોમાં તે 10 વર્ષ પછી થતી હોવાનું જાણીતું છે.

આ ઉંમર પહેલાં વાળ સફેદ થતા હોય તો તેને અકાળે થતી ઘટના ગણવામાં આવે છે. તેનો અર્થ એ થાય કે 20 વર્ષની વય પહેલાં એશિયનોમાં 25 વર્ષની વય પહેલાં તથા આફ્રિકનોમાં 30 વર્ષની વય પહેલાં વાળ સફેદ થાય તો તેને અકાળે બનતી ઘટના ગણવામાં આવે છે.

જનીનો વાળના ફોલિકલ્સને તેમનું રંગદ્રવ્ય પૂરું પાડવાની રીત કેટલીક જાતિઓમાં અલગ-અલગ હોય છે અને કેટલાકમાં તે પ્રક્રિયા બાદમાં અટકી જાય છે. આ બાબતને ધ્યાનમાં લઈને ઉપરોક્ત માપદંડ બનાવવામાં આવ્યો છે.

યુનાઇટેડ કિંગ્ડમમાં જનરલ પ્રેક્ટિશર ડૉ. સેર્મેડ મેઝર કહે છે, "આ રીતે અમને ખબર પડે છે કે અન્ય કારણો પર ક્યારે ધ્યાન આપવાનું છે અને ક્યારે તેને વય વધવાની સામાન્ય પ્રક્રિયાનો એક ભાગ ગણવાનું છે."

વાળ સફેદ શા માટે થાય છે?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, વાળ, ધોળા વાળ, સફેદ વાળ, હેલ્થ, સ્વાસ્થ્ય, હેલ્થ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વાળનો રંગ મેલાનોસાઇટ્સ નામના કોષો નક્કી કરે છે. એ કોષો તેમના કામમાં આળસુ બની શકે છે અને રંગદ્રવ્યનું ઉત્પાદન બંધ કરી શકે છે

ત્વચામાં રહેલા વાળના ફોલિકલ્સમાંથી નવા વાળ ઊગે છે. તેમાં મેલાનોસાઇટ્સ નામનું રંગદ્રવ્ય ઉત્પન્ન કરતા કોષો હોય છે.

મેલાનોસાઇટ્સ બે પ્રકારના રંગ મેલોનિન રંગદ્રવ્ય ઉત્પન્ન કરે છેઃ એક, યુમેલેનિન, જે વાળની કાળાશ નક્કી કરે છે. બે, ફિઓમેલેનિન, જે વાળ કેટલા લાલ કે પીળા હોવા જોઈએ તે નક્કી કરે છે. આ રંગદ્રવ્ય ત્વચા અને આંખોનો રંગ પણ નક્કી કરે છે.

ન્યૂ યૉર્ક યુનિવર્સિટીની એક ટીમ દ્વારા કોષ વૃદ્ધત્વ પ્રક્રિયા વિશે કરવામાં આવેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે વાળ વૃદ્ધ થાય છે, ખરે છે અને પછી વધતા રહે છે. મેલાનોસાઇટ સ્ટેમસેલ્સની વધતી જતી સંખ્યા તેના કાર્યમાં સુસ્ત બની જાય છે.

સ્ટેમસેલ ફોલિકલની આસપાસ ફરવાનું બંધ કરે છે અને સ્થિર થઈ જાય છે. એ કારણે સંપૂર્ણ રીતે વિકસિત મેલાનોસાઇટ્સ પરિપક્વ થઈ શકતું નથી.

રંગદ્રવ્ય ઉત્પન્ન ન થવાને કારણે વાળ ભૂખરા, સફેદ કે સિલ્વર કલરના થઈ જાય છે.

પોષણસંબંધી સમસ્યાઓ વાળ જલદી સફેદ થવાનું કારણ બને ખરી?

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

અમેરિકા અને બ્રાઝિલના વિજ્ઞાનીઓએ શોધી કાઢ્યું છે કે ત્વચા તથા વાળના રંગને નિયંત્રિત કરતા સ્ટેમસેલ તીવ્ર તણાવ પછી નુકસાન પામે છે.

નિષ્ણાતો એમ પણ જણાવે છે કે અકાળે વાળ સફેદ થતા એ પોષણ અસંતુલન અને ખામીઓનો સંકેત હોઈ શકે છે. તેનું નિરાકરણ કરવું જોઈએ.

વિટામિન ડી અને બી12, કોપ, આયર્ન, ઝીંકની ઊણપ અને ફોલેટના ઓછા સ્તરને વાળના સફેદ થવા સાથે સાંકળવામાં આવે છે. તેમાં વિટામિન બી12ના નીચા સ્તરને સૌથી સામાન્ય પરિબળો પૈકીનું એક માનવામાં આવે છે.

કોબાલામિન તરીકે પણ ઓળખાતું વિટામિન બી12 સ્વસ્થ લાલ રક્તકણોના ઉત્પાદનમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. એ રક્તકણો શરીરમાં ઑક્સિજન વહન કરે છે. તેમાં વાળના ફોલિકલ્સનો પણ સમાવેશ થાય છે. રંગદ્રવ્ય જળવાઈ રહે એટલા માટે સારી રીતે ઑક્સિજન પામતા ફોલિકલ્સ જરૂરી હોય છે.

ડૉ. મેઝર કહે છે, "બી12 મુખ્યત્વે એનિમલ પ્રોડક્ટ્સમાંથી મળે છે. તેથી કોઈ વ્યક્તિ સંપૂર્ણ શાકાહારી હોય અને સપ્લિમેન્ટ્સ ન લેતી હોય તો મારા માટે તે સૌથી મહત્ત્વની બાબત હોય છે."

કોપર પણ મહત્ત્વપૂર્ણ છે, કારણ કે તે ટાયરોસિનેઝને સક્રિય કરીને કાર્ય કરે છે. તે એક એન્ઝાઇમ છે, જે મેલાનિન ઉત્પન્ન કરવામાં મદદ કરે છે. શેલફિશ, તલ, પાંદડાંવાળાં લીલાં શાકભાજી, બીફ અને લેમ્બ લીવર જેવો ખોરાક તેનો સારો સ્રોત છે.

જોકે, નિષ્ણાતો ચેતવણી આપે છે કે ઝીંક અને વિટામિન સી જેવાં ચોક્કસ ખનિજોનું વધુ પડતું પ્રમાણ કોપરના શોષણમાં દખલ કરી શકે છે. તેથી ઊણપમાં વધારો થઈ શકે છે.

પોષણશાસ્ત્રી અને લેખિકા મારિયા માર્લોના વાળ 20 વર્ષની વયે સફેદ થવા લાગ્યા હતા. તેમના કહેવા મુજબ, પોતાની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે લોકો તાજેતરનાં વર્ષોમાં, ખાસ કરીને કોવિડ રોગચાળા દરમિયાન ઝીંક સપ્લિમેન્ટ્સ લેતા થયા છે.

મારિયા કહે છે, "સપ્લિમેન્ટ્સ યોગ્ય રીતે ફૉર્મ્યુલેટ ન થયાં હોય તો તે તમારા શરીરમાં કોપરનું પ્રમાણ ઘટાડી શકે છે. તમે ઝીંક સપ્લિમેન્ટ લેવા ઇચ્છતા હો તો કાયમ ઝીંક તથા કોપર સપ્લિમેન્ટ્સ લેવા જોઈએ. જેથી તેનું સંયોજન થાય."

તેઓ ઉમેરે છે કે વધુ પડતું આયર્ન અને વધુ પડતું વિટામિન સી લેવાથી તમારા શરીરમાં કોપરનું પ્રમાણ ઘટી શકે છે.

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, વાળ, ધોળા વાળ, સફેદ વાળ, હેલ્થ, સ્વાસ્થ્ય, હેલ્થ

ઇમેજ સ્રોત, Maria Marlowe

ઇમેજ કૅપ્શન, પૂરતા પરીક્ષણ વિના પોષણયુક્ત સપ્લિમેન્ટ્સ રૂટિનના અમલ સામે પોષણશાસ્ત્રી મારિયા માર્લો ચેતવણી આપે છે

ડૉક્ટરોના કહેવા મુજબ, ખનિજોની ઊણપને કારણે વાળ વહેલા સફેદ થતા હોય તો તેની સાથે અન્ય લક્ષણો પણ દેખાતાં હોય છે.

ડૉ. મેઝર કહે છે, "કોપરના વધુ પડતા પ્રમાણના સંદર્ભમાં વ્યક્તિનું વજન વધારે પડતું હોઈ શકે છે. તેમના વાળ પાતળા હોઈ શકે છે. વ્યક્તિ અતિશય થાક અને આળસ અનુભવતી હોય તેવું બની શકે અને તેમને વારંવાર શરદી થતી હોય એવું બની શકે."

મારિયા માર્લોનું પરીક્ષણ કરવામાં આવ્યું પછી તેમનામાં કોપર, આયર્ન અને આયોડિનની ઊણપ હોવાનું જાણવા મળ્યું હતું.

તેમનું હેવી મેટલ પરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું અને મારિયાના જણાવ્યા મુજબ, હેવી મેટલ્સ ખનિજોના શોષાવાની પ્રક્રિયામાં વિક્ષેપ સર્જીને અકાળે વાળ શ્વેત થવાનું કારણ બની શકે છે. પોતાના શરીરમાં લીડ અને કેડમિયમનું પ્રમાણ પણ વધુ હોવાનું મારિયાને જાણવા મળ્યું હતું.

ઔદ્યોગિકીકરણને કારણે આપણે બધા હેવી મેટલના સંપર્કમાં આવીએ તેવી શક્યતા હોય છે. આપણે જે હવામાં શ્વાસ લઈએ છીએ તેમાં અને આપણા આહારમાં પણ હેવી મેટલ્સ હોઈ શકે છે.

"દાખલા તરીકે, કેટલીક માછલીઓમાં અન્યની સરખામણીએ મર્ક્યુરી વધારે પ્રમાણમાં હોય છે," એમ કહેતાં મારિયા માર્લો ઉમેરે છે, "આપણે આપણા શરીરની ક્ષમતા કરતાં વધારે ખાઈએ ત્યારે સમસ્યા સર્જાય છે."

ડાયટ વડે વાળને અકાળે સફેદ થતા અટકાવી શકાય?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, વાળ, ધોળા વાળ, સફેદ વાળ, હેલ્થ, સ્વાસ્થ્ય, હેલ્થ

ઇમેજ સ્રોત, Maria Marlowe

ઇમેજ કૅપ્શન, મારિયા માર્લો કહે છે કે મિનરલ્સની ઉણપ માટે સપ્લિમેન્ટ્સ લીધા પછી તેમનો નવો હેર ગ્રોથ ઘટ્ટ થયો હતો

કોલંબિયા યુનિવર્સિટીના એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે તણાવ ઓછો થાય પછી નવા વાળ કુદરતી રંગમાં પાછી ઊગી શકે છે.

ડૉક્ટરો સૂચવે છે કે પોષણની ઊણપને કારણે વાળ સફેદ થતા હોય ત્યારે પણ એ પ્રક્રિયાને ઉલટાવી શકાય છે.

ડૉ. મેઝર કહે છે, "મોટા ભાગના લોકોમાં એવું, તે આનુવંશિકતાને કારણે હોય તો થશે નહીં."

પોષકતત્ત્વોથી ભરપૂર ખોરાક દ્વારા મિનરલ્સને પૂર્વવત કરવા તે શ્રેષ્ઠ ઉપાય હોવાની સલાહ આપવામાં આવે છે, પરંતુ જ્યાં ચોક્કસ આહાર વિકલ્પ ન હોય એવા કિસ્સામાં સપ્લિમેન્ટ્સ પણ મદદ કરી શકે છે.

ડૉક્ટરોના કહેવા મુજબ, સપ્લિમેન્ટ્સ લેતા પહેલાં કે આહારમાં ફેરફાર કરતા પહેલાં શું થઈ રહ્યું છે તેનું પરીક્ષણ કરાવવું જોઈએ.

ડૉ. મેઝર સમજાવે છે, "આપણને લાગે કે બી12 ઓછું છે અને તેને સપ્લિમેન્ટ કરીએ તો રંગદ્રવ્ય ચોક્કસપણે પાછું આવી શકે છે. કોપર, વિટામિન ડી અથવા તો થાઇરોઇડ હોર્મોનની સમસ્યાઓનું પણ એવું જ છે."

તેઓ ઉમેરે છે, "વાળ પહેલા જેવા ન થાય તે શક્ય છે, પરંતુ ઑક્સિડેટિવ સ્ટ્રેસ જેવી બાબતોનું વ્યવસ્થાપન સારી રીતે કરીએ તો તે સફેદ થવાના પ્રમાણમાં ઘટાડો જરૂર થઈ શકે છે અથવા તેને વધુ સફેદ થતા અટકાવી શકે છે."

અલબત્ત, નિષ્ણાતો ચેતવણી આપે છે કે વાળના શ્વેત થવાની પ્રક્રિયાને ઉલટાવી દેવાનો પૂરવાર થયેલો કોઈ સાર્વત્રિક ઉપાય નથી.

મારિયા માર્લોના કહેવા મુજબ, તેમણે આહારમાં ફેરફાર કર્યો અને હેવી મેટલ્સ ધરાવતા ખોરાકનું પ્રમાણ ઘટાડ્યું પછી તેમના શ્વેત વાળમાં ફેરફાર જોવા મળ્યો હતો.

દરેક ફેરફાર થવામાં ત્રણથી ચાર મહિના લાગ્યા હતા, પરંતુ મારિયા તેમના બધા શ્વેત વાળને કુદરતી રીતે ફરીથી કાળા કરી શક્યા નથી.

ફ્રી રેડિકલ્સને બેઅસર કરવામાં ફળો અને શાકભાજીમાંના ઍન્ટિઑક્સિડન્ટ્સ ઉપયોગી હોવાનું જણાવવામાં આવે છે. આ મોલેક્યુલ્સ ઑક્સિડેટિવ તણાવમાં ઉમેરો કરી શકે છે, જેનાથી ડીએનએને નુકસાન થઈ શકે છે અને વાળ ખરવા તથા અકાળે સફેદ થવા જેવી સમસ્યાઓ સર્જાઈ શકે છે.

ડૉ. મેઝર કહે છે, "સિગારેટનો ધુમાડો, માનસિક તણાવ, વધુ પડતી માત્રામાં દારૂનું સેવન અથવા ખૂબ પ્રદૂષણવાળા વિસ્તારમાં રહેવાથી પણ ઑક્સિડેટિવ સ્ટ્રેસ સર્જાઈ શકે છે."

ગયા વર્ષે બાળકને જન્મ આપ્યા પછી મારિયા માર્લોએ તેમના રૂટિનને વિરામ આપ્યો હતો. એ પછી થોડા વધુ સફેદ વાળ ફરીથી જોવા મળ્યા છે.

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, વાળ, ધોળા વાળ, સફેદ વાળ, હેલ્થ, સ્વાસ્થ્ય, હેલ્થ

ઇમેજ સ્રોત, Ashley Sukur

ઇમેજ કૅપ્શન, એશ્લી સુક્રુએ 2020માં 23 વર્ષની વયે પોતાના વાળને રંગવાનું બંધ કરવાનો નિર્ણય કર્યો હતો

એશ્લીની વાત કરીએ તો આહારને કારણે તેમનો જેનેટિક કોડ બદલાયો નથી, પરંતુ તેમનો દૃષ્ટિકોણ જરૂર બદલાયો છે. હવે સિલ્વરી વાળ તેમની ઓળખનો એક ભાગ છે. સુંદરતા અને વૃદ્ધત્વ વિશેના સ્થાપિત વિચારોને પડકારતા યુવા લોકોની એક ઑનલાઇન કૉમ્યુનિટી પણ તેમણે બનાવી છે.

એશ્લી કહે છે, "મેં ટીકટૉક અને ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવાનું શરૂ કર્યું ત્યારે મને મારા જેટલી જ વયની ઘણી સ્ત્રીઓ તેમના ધોળા વાળનું ગૌરવ કરતી જોવા મળી હતી."

"મને આશા છે કે હું વધુ સ્ત્રીઓને તેમના ગ્રે વાળનો સ્વીકાર કરવા માટે પ્રેરિત કરી શકીશ. ગ્રે વાળ કદરૂપા છે, ગ્રે વાળ વૃદ્ધત્વ છે, એવું કહેવાને બદલે આપણે એવું કહી શકીએ કે ગ્રે વાળ શક્તિશાળી છે, ગ્રે વાળ એક સ્ટેટમેન્ટ છે. તે તમારું અલગ વ્યક્તિત્વ છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન