હાર્ટ સર્જરી કરનાર 'લંડનનો ડૉક્ટર' નકલી નીકળ્યો, સાત લોકોનાં મોતનો આરોપી કોણ છે?

ભોપાલ દામો મધ્ય પ્રદેશ નકલી હાર્ટ સર્જન સાત લોકોનાં મૃત્યુ, મિશન હૉસ્પિટલ, મધ્ય પ્રદેશના મુખ્ય મંત્રી જૉન કૅમ, વિદેશમાં ભણેલા, પ્રયાગરાજમાં ધરપકડ, રાષ્ટ્રીય માનવાધિકાર પંચ દ્વારા તપાસ, મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથ ટ્વિટ, બીબીસી ગુજરાતી, બીબીસી ન્યૂઝ ગુજરાતી
    • લેેખક, વિષ્ણુકાંત તિવારી
    • પદ, બીબીસી સંવાદદાતા, ભોપાલથી

દમોહની એક ફૂલગુલાબી સવાર. રહીસા કુરૈશીને અચાનક જ છાતીમાં જોરદાર દુખાવો થયો. પુત્ર નબી તેમને મિશન હૉસ્પિટલ લઈ ગયા; અને ત્યાં એક ડૉક્ટરે 'તરત જ સર્જરી' કરવાની સલાહ આપી.

14 જાન્યુઆરીએ રહીસાની ઍન્જિયોપ્લાસ્ટી થઈ હતી. તેના બીજા દિવસે ફરી તેમને હાર્ટ એટૅક આવ્યો. પછી તેમને વૅન્ટિલેટર પર રાખવામાં આવ્યાં અને થોડાક કલાકોમાં તેમનું મૃત્યુ થઈ ગયું. હૉસ્પિટલવાળાઓએ પરિવારને કહ્યું, "હાર્ટ એટૅક હતો, કશું કરી શકાય તેમ નહોતું."

મહિનાઓ પછી નબીએ જ્યારે ટીવી પર જોયું કે દમોહની મિશન હૉસ્પિટલમાં એક નકલી ડૉક્ટર ડૉ. એન જૉન કૅમ 15 સર્જરી કરી ચૂક્યા છે, ત્યારે તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ.

નરેન્દ્ર યાદવ નામના આ વ્યક્તિને પોલીસે હવે પ્રયાગરાજમાંથી અટક કરીને તેમને દમોહ લઈ આવવામાં આવ્યા.

સમગ્ર ઘટનાક્રમ શો છે?

ભોપાલ દામો મધ્ય પ્રદેશ નકલી હાર્ટ સર્જન સાત લોકોનાં મૃત્યુ, મિશન હૉસ્પિટલ, મધ્ય પ્રદેશના મુખ્ય મંત્રી જૉન કૅમ, વિદેશમાં ભણેલા, પ્રયાગરાજમાં ધરપકડ, રાષ્ટ્રીય માનવાધિકાર પંચ દ્વારા તપાસ, મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથ ટ્વિટ, બીબીસી ગુજરાતી, બીબીસી ન્યૂઝ ગુજરાતી
ઇમેજ કૅપ્શન, રાષ્ટ્રીય માનવાધિકાર પંચના સભ્ય પ્રિયંગ કાનૂનગો લાલ જબ્બામાં

હકીકતમાં, મધ્ય પ્રદેશના દમોહ જિલ્લામાં એક નકલી ડૉક્ટર દ્વારા લંડનના એક ખ્યાતનામ હાર્ટના ડૉક્ટર પ્રોફેસર જૉન કૅમના નામે સારવાર કર્યાનો અને તે દરમિયાન ઓછામાં ઓછા પાંચ લોકોનાં મૃત્યુ થયાં હોવાનો કેસ ઉજાગર થયો છે.

જિલ્લા વહીવટી તંત્ર પાંચ મૃત્યુની પુષ્ટિ કરી ચૂક્યું છે. જોકે, પીડિત પરિવારોના દાવા અનુસાર અત્યાર સુધીમાં સાત મૃત્યુ થયાં છે.

દમોહ પોલીસે છઠ્ઠી એપ્રિલની રાત્રે જિલ્લાના ચીફ મેડિકલ ઑફિસર (મુખ્ય તબીબી અધિકારી) મુકેશ જૈનની ફરિયાદના આધારે આરોપી નકલી ડૉક્ટર એન જૉન કૅમ અને બે અજ્ઞાત વ્યક્તિઓ વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરીને તપાસ શરૂ કરી છે.

દમોહના કલેક્ટર સુધીર કોચરે આ કેસની તપાસ ચાલુ હોવાનું કહીને કશો પ્રતિસાદ આપવાનો ઇન્કાર કરી દીધો. જ્યારે રાજ્યના મુખ્યમંત્રી મોહન યાદવે આ બાબતમાં આરોગ્ય વિભાગને કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે.

દમોહના સિટી સુપરિન્ટેન્ડન્ટ અભિષેક તિવારીએ બીબીસીને જણાવ્યું કે, પ્રાથમિક ધોરણે છેતરપિંડી અને માન્ય તબીબી મંજૂરી વગર સારવાર કરવાના આરોપમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે.

અભિષેક તિવારીએ બીબીસીને જણાવ્યું કે, "આરોપી ડૉક્ટર નરેન્દ્ર વિક્રમાદિત્ય યાદવ ઉર્ફે એન જૉન કૅમને સોમવારની રાત્રે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાંથી પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યા."

તિવારી કહે છે, "અમે એમ માનીને આગળ વધી રહ્યા છીએ કે કાલે સવાર સુધીમાં જ અમારી ટીમ અહીં પહોંચશે. આગળની કાર્યવાહી કાલે સવારે કરવામાં આવશે."

પોલીસનું કહેવું છે કે, તપાસ દરમિયાન મેડિકલ બેદરકારી અને અજાણતાં હત્યાની કલમો પણ ઉમેરી શકાય છે.

લંડનના ડૉક્ટરના નકલખોરનો ભાંડો કઈ રીતે ફૂટ્યો?

વીડિયો કૅપ્શન, Contraceptive: પુરુષો તેમના માટેના નવા ગર્ભનિરોધકનો ઉપયોગ કરવા તૈયાર છે? - દુનિયા જહાન
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

દમોહના ભારતલા ગામના 64 વર્ષીય મંગલસિંહને ગૅસની સમસ્યાના કારણે ચોથી ફેબ્રુઆરીએ મિશન હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

આ કેસમાં પણ લગભગ રહીસા જેવી જ પ્રક્રિયાનું પુનરાવર્તન કરાયું.

મંગલસિંહના પુત્ર જિતેન્દ્રસિંહ કહે છે, "ત્રીજી ફેબ્રુઆરીએ પપ્પાએ છાતીમાં દુખાવાની ફરિયાદ કરી, પછી અમે તેમને મિશન હૉસ્પિટલ લઈ ગયા હતા. આયુષ્યમાન કાર્ડના આધારે તેમની ઍન્જિયોગ્રાફી થઈ, જેમાં હાર્ટમાં ગંભીર બ્લૉકેજ હોવાનું જણાવાયું."

"ડૉક્ટરે તરત જ ઍન્જિયોપ્લાસ્ટી કરી નાખી, પરંતુ, ઑપરેશન દરમિયાન જ તબિયત બગડી ગઈ. અમને બહાર મોકલી દેવાયા અને ઘણી વાર સુધી સ્ટાફે પંપિંગ કર્યું, પછી વૅન્ટિલેટર પર રાખવામાં આવ્યા. થોડી વાર પછી તેમનું મૃત્યુ થઈ ગયું."

"ડૉક્ટર એન જૉન કૅમે ફોન પર જ મૃતદેહ લઈ જવાનું કહી દીધું. ત્યારે અમને કશું સમજાયું નહીં અને અમે તેને હાર્ટ એટૅક માનીને શાંત રહ્યા. હવે જ્યારે મીડિયામાં આ મામલો આવ્યો, ત્યારે ખબર પડી કે સર્જરી કરનાર ડૉક્ટર નકલી હતા."

આ મામલો ત્યારે ઉજાગર થયો જ્યારે ચોથી એપ્રિલે રાષ્ટ્રીય માનવ અધિકાર પંચના સભ્ય પ્રિયંક કાનૂનગોએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકી. તેમણે આરોપ કર્યો કે, દમોહની મિશન હૉસ્પિટલમાં એક નકલી ડૉક્ટરે પોતે બ્રિટનના કાર્ડિયૉલૉજિસ્ટ હોવાનું જણાવીને 15 દરદીઓની હાર્ટ સર્જરી કરી, જેમાંથી સાતનાં મૃત્યુ થઈ ગયાં.

ભોપાલ દામો મધ્ય પ્રદેશ નકલી હાર્ટ સર્જન સાત લોકોનાં મૃત્યુ, મિશન હૉસ્પિટલ, મધ્ય પ્રદેશના મુખ્ય મંત્રી, કાર્ડિયૉલૉજિસ્ટ એન. જૉન કૅમ, વિદેશમાં ભણેલા, પ્રયાગરાજમાં ધરપકડ, રાષ્ટ્રીય માનવાધિકાર પંચ દ્વારા તપાસ, મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથ ટ્વિટ, બીબીસી ગુજરાતી, બીબીસી ન્યૂઝ ગુજરાતી
ઇમેજ કૅપ્શન, નરેન્દ્ર વિક્રમાદિત્ય યાદવ ઉર્ફ એન. જોન કૅમ

આ કેસની સૌથી પહેલી ફરિયાદ કરનાર દમોહ બાળકલ્યાણ સમિતિના અધ્યક્ષ દીપક તિવારીએ બીબીસીને જણાવ્યું કે, તેમણે ફેબ્રુઆરી 2025માં જ સીએમએચઓ ડૉ. મુકેશ જૈનને આ બાબતની ફરિયાદ આપી હતી.

દીપક તિવારીએ બીબીસીને જણાવ્યું, "જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગને ફેબ્રુઆરીમાં જ આ છેતરપિંડીની ફરિયાદ કરવામાં આવી હતી. 12 ફેબ્રુઆરીએ કેટલાક પરિવારો ફરિયાદ લઈને મારી પાસે આવ્યા હતા."

"અમે સતત ત્રણ દિવસ માહિતી એકઠી કરી અને પછી 15 ફેબ્રુઆરીએ અમે ચીફ મેડિકલ ઑફિસરના કાર્યાલયમાં ફરિયાદ કરી હતી, પરંતુ અમારી ફરિયાદ પર કશી કાર્યવાહી કરવામાં ન આવી."

આ આરોપો અંગેનો જવાબ મેળવવા માટે બીબીસીએ જિલ્લા તબીબી અધિકારી મુકેશ જૈનનો સંપર્ક કર્યો, પરંતુ, આ સમાચાર લખાય છે ત્યાં સુધી તેમના તરફથી કશો જવાબ નથી મળ્યો.

ઉલ્લેખનીય છે કે, ડૉક્ટર એન જૉન કૅમ નામની આ વ્યક્તિ છેલ્લાં થોડાં વર્ષથી ઘણા વિવાદના કેન્દ્રમાં રહી છે.

વિવાદિત નકલી ડૉક્ટરે જે નામનો ઉપયોગ કર્યો, તે વાસ્તવમાં, પ્રોફેસર એ જૉન કૅમ છે અને લંડનની સૅન્ટ જ્યૉર્જ હૉસ્પિટલમાં ક્લિનિકલ કાર્ડિયૉલૉજિસ્ટ પ્રોફેસર છે. તેઓ કાર્ડીઍક અરિથમિયા, ઍટ્રિઅલ ફિબ્રિલૅશન, કાર્ડિયોમાયોપથી અને પૅસમેકર થૅરપીના નિષ્ણાત છે.

બૂમ લાઇવ નામની એક ફૅક્ટ-ચેક વેબસાઇટ દ્વારા વર્ષ 2023માં છપાયેલા એક આર્ટિકલમાં દાવો કરાયો હતો કે વેબસાઇટ બ્રાઉનવાલ્ડ હેલ્થકેર (Braunwald Healthcare) નરેન્દ્ર વિક્રમાદિત્ય યાદવ ઉર્ફે એમ જૉન કૅમને લંડનના ડૉક્ટર બતાવતી હતી અને આ વેબસાઇટને એ જ ઉદ્દેશ માટે બનાવવામાં આવી હતી.

બૂમ લાઇવના આ જ સમાચારમાં ઘણાં તથ્યોની સાથે એમ પણ જણાવાયું કે, નરેન્દ્ર યાદવ જ પ્રોફેસર એન જૉન કૅમ છે.

મિશન હૉસ્પિટલનું વહીવટી તંત્ર શું કહે છે?

ભોપાલ દામો મધ્ય પ્રદેશ નકલી હાર્ટ સર્જન સાત લોકોનાં મૃત્યુ, મિશન હૉસ્પિટલ, મધ્ય પ્રદેશના મુખ્ય મંત્રી, કાર્ડિયૉલૉજિસ્ટ એન. જૉન કૅમ, વિદેશમાં ભણેલા, પ્રયાગરાજમાં ધરપકડ, રાષ્ટ્રીય માનવાધિકાર પંચ દ્વારા તપાસ, મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથ ટ્વિટ, બીબીસી ગુજરાતી, બીબીસી ન્યૂઝ ગુજરાતી
ઇમેજ કૅપ્શન, મુખ્ચ મંત્રી મોહન યાદવ

આ બાબત ઉજાગર થયા પછી મિશન હૉસ્પિટલ વહીવટી તંત્રનાં સભ્ય પુષ્પા ખરેએ કહ્યું, "તપાસ અધિકારીઓ દ્વારા માગવામાં આવેલા બધા દસ્તાવેજ અમે આપી દીધા છે. અમારા રેકૉર્ડમાં ડૉક્ટરનું નામ નરેન્દ્ર જૉન કૅમ નોંધાયેલું છે, જેઓ ઉત્તરાખંડના મૂળ નિવાસી છે."

"તેમની નિમણૂક શાસન દ્વારા અધિકૃત એજન્સી ઇન્ટિગ્રેટેડ વર્કફોર્સ ઇન્ક્વાયરી સૉલ્યૂશન પ્રાઇવેટ લિમિટેડ (આઈડબ્લ્યુયુએસ)ના માધ્યમથી કરવામાં આવી હતી. તેમણે પહેલી જાન્યુઆરીએ હૉસ્પિટલમાં કાર્યભાર સંભાળ્યો અને ફેબ્રુઆરીમાં કશી જાણ કર્યા વગર જતા રહ્યા."

પુષ્પા ખરેએ દાવો કર્યો કે, "મિશન હૉસ્પિટલ અને સરકારી એજન્સી વચ્ચે કરાર થયો હતો કે ડૉક્ટરના પગારનો અમુક ભાગ એજન્સીને મળશે અને તેના બદલામાં તેઓ ડૉક્ટરની વિશ્વાસપાત્રતા, તેમનાં પ્રમાણપત્રોની વિશ્વાસપાત્રતા માટે જવાબદાર ગણાશે. અમે તો પોતે જ ઠગાઈ ગયા છીએ. અમે તપાસમાં પૂરો સહકાર આપી રહ્યા છીએ."

જોકે, આઈડબ્લ્યુયુએસમાં કામ કરતા ડીકે વિશ્વકર્માએ બીબીસીને કહ્યું, "અમારી કંપનીમાં ડૉક્ટર કૅમનો સીવી આવ્યો હતો, જેને અમે મિશન હૉસ્પિટલમાં મોકલ્યો હતો. અમારું કામ ડૉક્ટર અને હૉસ્પિટલને એકબીજા સાથે જોડવાનું છે."

"જોકે, આ કિસ્સામાં હૉસ્પિટલે ડૉક્ટર કૅમને અમારા માધ્યમથી નોકરી પર નહોતા રાખ્યા, બલકે અમને ના પાડીને હૉસ્પિટલે‌ પાછળથી સીધો ડૉક્ટરનો સંપર્ક કરીને તેમને નિયુક્ત કરી દીધા હતા. જો આઈડબ્લ્યુયુએસના માધ્યમથી નોકરીમાં રાખવામાં આવ્યા હોત, તો અમે ડૉક્ટર અને તેમની ડિગ્રીઓની પૂરતી તપાસ કરી હોત."

મુખ્યમંત્રીએ તપાસનો આદેશ આપ્યો

વીડિયો કૅપ્શન, Vadodara Accident: ‘બાળકોના બે ઑપરેશન થયાં અને હવે ત્રીજું થશે’, ઈજાગ્રસ્તોના પરિવારની વેદના

જણાવી દઈએ કે પ્રોફેસર એન જૉન કૅમ ઉર્ફે નરેન્દ્ર વિક્રમાદિત્ય યાદવ પહેલાં પણ સમાચારોમાં ચમકતા રહ્યા છે.

વર્ષ 2023માં એક વેરિફાઇડ ટ્વિટર એકાઉન્ટ દ્વારા કરવામાં આવેલા વિવાદિત ટ્વિટથી પણ સોશિયલ મીડિયા પર ચર્ચા જોવા મળી હતી. પોતાને જર્મનીમાં રહેતા કાર્ડિયૉલૉજિસ્ટ ગણાવનારા 'પ્રોફેસર એન જૉન કૅમ'એ ફ્રાન્સમાં રમખાણો અટકાવવા માટે ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથને મોકલવાની વાત કરી હતી.

આ ટ્વિટને કેટલીક મીડિયા સંસ્થાઓએ યુરોપિયન ડૉક્ટરની સલાહ માનીને રિપોર્ટ લખ્યો, સાથે જ ખુદ મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથના ઑફિશિયલ હૅન્ડલ દ્વારા પણ આના પર પ્રતિભાવ આપવામાં આવ્યો, પરંતુ, થોડા સમયમાં જ આ એકાઉન્ટ શંકાના ઘેરામાં આવી ગયું.

ફૅક્ટ-ચેકર્સ અને ઇન્ટરનેટ ઉપયોગકર્તાઓની તપાસમાં ઉજાગર થયું કે આ એકાઉન્ટની આડમાં હકીકતમાં નરેન્દ્ર વિક્રમાદિત્ય યાદવ નામના એક ભારતીય વ્યક્તિ છે, જેમની વર્ષ 2019માં હૈદરાબાદ પોલીસે પોતાના કર્મચારીઓ સાથે છેતરપિંડીના આરોપમાં ધરપકડ કરી હતી.

નરેન્દ્રએ સોશિયલ મીડિયા પર પોતાને ક્યારેક કાર્ડિયૉલૉજિસ્ટ, ક્યારેક પ્રોફેસર અને ક્યારેક યુરોપમાં પ્રતિષ્ઠિત ડૉક્ટર જણાવીને પોતાનો પ્રચાર કર્યો. તેમણે 'જૉન કૅમ' નામના એક અસલી બ્રિટિશ કાર્ડિયૉલૉજિસ્ટની ઓળખનો ફાયદો ઉઠાવ્યો અને બ્લૂ ટિક ખરીદીને એકાઉન્ટને કાયદેસર બતાવવાની કોશિશ કરી.

ત્યાર પછી, એપ્રિલ 2025માં આ વ્યક્તિ ફરીથી દરદીઓનાં મૃત્યુ પછી સમાચારોમાં છે.

દમોહની ઘટના ઉજાગર થયા પછી મધ્ય પ્રદેશના મુખ્ય મંત્રી મોહન યાદવે કહ્યું, "આરોગ્ય વિભાગને આવા ડૉક્ટરોને શોધીને કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી છે."

મુખ્ય મંત્રી મોહન યાદવે આ મામલે કહ્યું કે, "મેં સૂચના આપી છે કે બીજે ક્યાંય પણ આવા મામલા હોય તો હેલ્થ ડિપાર્ટમેન્ટ સખત કાર્યવાહી કરે. આ કેસમાં કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ પ્રકારની છૂપી વાતો સામે આવે છે ત્યારે સરકાર કાર્યવાહી કરે છે, તરત જ ઍક્શન લેવાય છે. આ જ કારણે અમારી સરકારની પ્રતિષ્ઠા બની છે."

બીજી તરફ, કૉંગ્રેસનાં પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતે ઍક્સ પરની પોસ્ટમાં કહ્યું, "આ હત્યારાને ભાજપના લોકોએ ખૂબ પ્રોત્સાહિત કર્યો, આઈટી સેલવાળાઓએ ખૂબ હીરો બનાવ્યો, તેના ટ્વિટ વગેરેને તો ખુદ ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગીજીએ શૅર કર્યા, પરંતુ, હવે કશું બોલતા નથી?"

"આ વ્યક્તિનું સત્ય જાણતા હોવા છતાં તેને ડૉક્ટર બનીને સારવાર કરવાની પરવાનગી કોણે આપી? કોણ છે આ બધાં મૃત્યુના જવાબદાર – પ્રોફેસર એન જૉન કૅમ ઉર્ફે વિક્રમાદિત્ય કે ભાજપ?"

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.