'મહિલાઓનું અપહરણ, મજૂરોના હાથ કાપવા અને હત્યાઓ', કૉન્ડોમથી લઈને ટાયરમાં વપરાતા રબરનો રક્તરંજિત ઇતિહાસ

ઇમેજ સ્રોત, Getty Images
રબરના ઇતિહાસને હંમેશાં તેની શોધ કરનાર અમેરિકન સંશોધકની નજરે જોવામાં આવે છે જેમણે કરજ અને નિષ્ફળતા છતાં રબરને વધુ સખત બનાવવાની પ્રક્રિયા શોધી કાઢી હતી.
એ શોધે કાર, ટ્રક, વિમાન અને બીજી મશીનરીઓ માટે ટાયર બનાવવાનો માર્ગ દેખાડ્યો હતો. એ સંશોધકનું નામ હતું ચાર્લ્સ ગુડઈયર.
બહુરાષ્ટ્રીય કંપની 'ધ ગુડઈયર ટાયર ઍન્ડ રબર કંપની'એ ચાર્લ્સની સરનેમને દુનિયાના ઇતિહાસમાં અમર કરી દીધી.
અલબત, ગુડઈયર પહેલાં કોઈને રબર વિશે માહિતી ન હતી એવું નથી. દક્ષિણ અમેરિકાના મૂળ રહેવાસીઓ રબરથી પહેલાંથી જ વાકેફ હતા.
આ મૂળ રહેવાસીઓએ 1490ની આસપાસ એક પ્રકારનું મીણ તૈયાર કરી લીધું હતું, જે વૃક્ષમાંથી મળતું હતું. એ વૃક્ષ પર ચીરા પાડવાથી તેમાંથી 'દૂઘ' નીકળતું હતું અને તેમાંથી મીણ તૈયાર કરવામાં આવતું હતું.
આ 'દૂધ' એક પ્રકારનો ગાઢ ગુંદર હતું અને એ વૃક્ષનું નામ હતું 'હેવિયા બ્રાસીલિએન્સિસ'. તેને 'રબર' નામ મળ્યું તેની એક અલગ કહાણી છે.
ફ્રેન્ચ લોકો એમેઝોનના જંગલમાં પહોંચ્યા અને જોયું તો સ્થાનિક નિવાસીઓ તેને 'કાઉચોઉક' કહેતા હતા, જેનો અર્થ હતો 'રડતું વૃક્ષ'.
પરંતુ 19મી સદી સુધીમાં રબર એ વસ્તુ બની ગઈ હતી કે જેના વિશે આખી દુનિયા જાણવા ઇચ્છતી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બીબીસીના પત્રકાર ટિમ હરફોર્ડે '50 થિંગ્સ ધેટ મેઇડ મૉર્ડન ઇકોનૉમી' નામની એક શ્રેણી બનાવી હતી.
અર્થવ્યવસ્થામાં ક્રાંતિકારી પરિવર્તન લાવી હોય એવા શોધ-સંશોધન વિશે તે શ્રેણીમાં જણાવવામાં આવ્યું હતું.
ચાર્લ્સ ગુડઈયરની શોધ

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
1820ના દાયકામાં રબરમાં દુનિયાનો રસ ઝડપથી વધવા લાગ્યો હતો. બ્રાઝીલથી માંડીને યુરોપ સુધી તેનો જથ્થો મોટા પ્રમાણમાં મોકલવામાં આવતો હતો.
પગરખાં, હૅટ, કોટ, લાઇફ જૅકેટ રબરમાંથી જ બનતાં હતાં. લાઇફ જૅકેટમાં હવા ભરી શકાય તે ઇન્ફ્લેટર ટ્યૂબ ચાર્લ્સ ગુડઈયરની પહેલી નિષ્ફળ શોધ હતી.
પરંતુ એ ઇન્ફ્લેટર ટ્યૂબ શિયાળામાં બહુ કડક અને ગરમીમાં નરમ થઈ જતી હતી.
ટિમ હરફોર્ડ કહે છે, "કોઈ અત્યંત ગરમ દિવસે ગુડઈયરે જોયું કે તેની શોધ પીગળી રહી છે અને તેમાંથી ગંધ પણ આવી રહી છે."
ગુડઈયરે એ નિષ્ફળતાને તક ગણી હતી. રબરને સ્થાયી બનાવી રાખવાની રીત શોધવામાં ગુડઈયરે પાંચ વર્ષ મહેનત કરી.
સમસ્યા એ હતી કે તેઓ કેમિકલ એન્જીનિયરિંગના જાણકાર ન હતા. તેમના પર દેવું વધતું જતું હતું અને એ કારણે તેમણે અનેક વખત જેલમાં જવું પડ્યું હતું.
આખરે 1839માં ગુડઈયરે રબરને વધારે કડક બનાવવાની પ્રક્રિયા અનાયાસે શોધી લીધી.
રબર, સલ્ફર અને આગના ઉપયોગથી તેમણે જે રીત શોધી કાઢી તેનાથી આધુનિક દુનિયામાં આમૂલ પરિવર્તન થયું.
જોકે, વધુ એક શોધ થવાની બાકી હતી. એ શોધ 1880ના દાયકાના અંતમાં સ્કૉટિશ વિજ્ઞાની જૉન બોયડ ડનલપે કરી હતી. એ નવી ચીજનું નામ ટાયર હતું.
રબર અનિવાર્ય બન્યું

ઇમેજ સ્રોત, Getty Images
સાયકલ અને કારના ટાયર બનાવવા ઉપરાંત ફૅક્ટરીઓમાં ઑટોમેટિક કામ માટે ટ્રાન્સપોર્ટ બેલ્ટ્સ બનાવવા માટે પણ રબરનો ઉપયોગ થવા લાગ્યો.
તેમાંથી વીજળી પસાર થઈ શકતી ન હતી. તેથી તેનો ઉપયોગ કેબલ વાયરના કવર માટે થવા લાગ્યો. તેમાંથી કોન્ડોમ બનાવવાનું શરૂ થયું.
એવી અનેક ચીજો માટે રબર જરૂરી જ નહીં, પરંતુ અનિવાર્ય બની ગયું. રબરની માંગ એટલી ઝડપથી વધી કે યુરોપના દેશો સમગ્ર વિશ્વમાં રબર શોધવા લાગ્યા.
એ પ્રયાસોમાં એશિયામાં જંગી પ્રમાણમાં વૃક્ષો કાપી નાખવામાં આવ્યાં, જેથી ત્યાં રબર પ્લાન્ટ (હેવિયા બ્રાસીલિએન્સિસ) વાવી શકાય.
આ વૃક્ષોને મોટા થવામાં લાંબો સમય લાગતો હતો. બીજા એવા છોડની પણ ખબર પડી કે જેમાંથી ઓછા પ્રમાણમાં રબર મળતું હતું.

ઇમેજ સ્રોત, Getty Images
પશ્ચિમી દેશો માટે રબર વિના તેમનો કામધંધો મુશ્કેલ હતો. તેમને ખબર પડી કે આફ્રિકામાં રબરનો સૌથી મોટો સ્રોત છે.
આફ્રિકાના એ હિસ્સાને દુનિયા આજે 'ડેમોક્રેટિક રિપબ્લિક ઑફ કૉંગો' નામે ઓળખે છે.
ટિમ હરફોર્ડ કહે છે, "પશ્ચિમી દેશો સામે સવાલ હતો કે ઝડપથી અને મહત્તમ પ્રમાણમાં રબર કેવી રીતે મેળવી શકાય."
"નૈતિકતાના મુદ્દાને બાજુ પર મૂકીએ તો તેનો સીધો જવાબ એ હતો કે કોઈ શહેરમાં સશસ્ત્ર લોકોને મોકલો, મહિલાઓ અને બાળકોનું અપહરણ કરો. તેમ છતાં કોઈ પુરુષ પૂરતા પ્રમાણમાં રબર ન લાવી શકે તો કોઈના હાથ કાપી નાખો અથવા તેના કોઈ સંબંધીની હત્યા કરો."
આ હિંસક યોજનાના સૂત્રધાર, ઇતિહાસના સૌથી બદનામ રાજાઓ પૈકીના બેલ્જિયમના કિંગ લિયોપોલ્ડ દ્વિતીય હતા.
આતંકનું રાજ

ઇમેજ સ્રોત, Getty Images
કૉંગો એ જમાનામાં 'કૉંગો ફ્રી સ્ટેટ' (ઈએલસી) નામે ઓળખાતું હતું. કૉંગો ફ્રી સ્ટેટની વ્યવસ્થા, વસાહતી કાર્યક્ષેત્રના દાયરામાં રાખી શકાય એવી ન હતી.
એ તો કિંગ લિયોપોલ્ડ દ્વિતીયની અંગત જાગીર જેવું હતું.
ઇતિહાસકાર સિયાન લેંગે બીબીસી હિસ્ટ્રી મૅગેઝીન માટે લખ્યું હતું, "ઈએલસીને દુનિયા સમક્ષ સ્વતંત્રતા અને સમૃદ્ધિના મોડેલ તરીકે પ્રસ્તુત કરવામાં આવ્યું હતું, પરંતુ દુનિયાએ ધીમે ધીમે જાણી લીધું હતું કે વાસ્તવમાં કૉંગોના લોકોને ગુલામ બનાવવામાં આવ્યા છે અને તેમના પર આતંક વડે શાસન કરવામાં આવી રહ્યું છે. કૉંગો પાસે તાંબુ, હાથી દાંત અને રબરનો અખૂટ ભંડાર હતો."
"કિંગ લિયોપોલ્ડે એક તરફ આ બધાની લૂંટ શરૂ કરી દીધી હતી અને બીજી તરફ કૉંગોના લોકો સજા, યાતના અને શોષણથી બચવા માટે મજબૂર થઈને કામ કરવા લાગ્યા હતા. નિર્ધારિત પ્રમાણ કરતાં ઓછું રબર એકઠું કરતા અથવા કામ છોડીને ભાગી જતા મજૂરોના હાથ-પગ કાપી નાખવાની સજા સામાન્ય થઈ ગઈ હતી. ક્યારેક-ક્યારેક તો આખેઆખા પરિવાર, આખા કબીલા કે આખા ગામને ખતમ કરી નાખવામાં આવતું હતું."
કિંશાસામાં બીબીસીના સંવાદદાતા તરીકે કામ કરી ચૂકેલા માર્ક ડર્મેટે 2004માં તેમના એક અહેવાલમાં લખ્યું હતું, "કિંગ લિયોપોલ્ડે પોતાના ઈએલસીને એક જંગી લેબર કૅમ્પમાં પરિવર્તિત કરી નાખ્યું હતું. ત્યાંથી રબર એકત્ર કરીને તેમણે અખૂટ કમાણી કરી હતી અને તેની સાથે તેમણે લગભગ એક કરોડ માસૂમ લોકોનો જીવ પણ લીધો હતો."
એક કરોડના આંકડા બાબતે વિવાદ હોઈ શકે, પરંતુ કિંગ લિયોપોલ્ડના શાસનકાળમાં આચરવામાં આવેલી બર્બરતા બાબતે બેમત હોઈ શકે નહીં.
જંગલનો સફાયો

ઇમેજ સ્રોત, Getty Images
દુનિયામાં આજે જેટલા રબરનું ઉત્પાદન થાય છે તેનો 50 ટકાથી વધારે હિસ્સો રડતાં વૃક્ષોમાંથી આવતો નથી, પરંતુ સિન્થેટિક પદાર્થોમાંથી તૈયાર કરવામાં આવે છે.
બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન સિન્થેટિક રબર વિકસાવવામાં આવ્યું હતું. એ સસ્તું તો હતું જ, એ ઉપરાંત કેટલીક બાબતોમાં કુદરતી રબરથી બહેતર પણ હતું.
દાખલા તરીકે, સાયકલના ટાયરમાં વપરાતા સિન્થેટિક રબરને બહેતર માનવામાં આવે છે.
જોકે, એક એવો ઉદ્યોગ પણ છે, જેમાં હેવિયા બ્રાસીલિએન્સિસના છોડવામાંથી નીકળતું રબર અનિવાર્ય છે.
એ છોડવાઓમાં તૈયાર થતા રબરનો લગભગ ત્રણ ચતુર્થાંશ હિસ્સો ભારે વાહનોના ટાયર બનાવવા માટે વાપરવામાં આવે છે.
આપણે વધારે કારો, ટ્રક્સ અને વિમાનોનું ઉત્પાદન કરી રહ્યા છીએ. તેનો અર્થ એ થાય કે આપણને વધારે રબરની જરૂર પડશે અને તેની સપ્લાય વિવાદ વિના શક્ય નથી.
યુનિવર્સિટી ઑફ ઈસ્ટ એંગલિયાના પર્યાવરણ વિજ્ઞાન વિભાગે 2015માં એક અભ્યાસ કર્યો હતો.
એ અભ્યાસના મુખ્ય સંશોધક વૉરન થૉમસનું કહેવું છે કે રબર ટાયરોની વૈશ્વિક માંગને કારણે દક્ષિણપૂર્વ એશિયામાં જંગલોનો સફાયો કરવાનું પ્રમાણ વધ્યું છે.
તેમણે બીબીસીને કહ્યું હતું, "માંગને સંતોષવા માટે 2024 સુધીમાં 43 લાખ હેક્ટરથી માંડીને 80 લાખ હેક્ટર જમીનમાં નવા છોડવાઓનું વાવેતર કરવું પડશે. તેમાં એશિયાનાં જંગલોના મોટા હિસ્સાના સફાયાનું જોખમ વધશે. તેની અસર વન્ય જીવો પર પણ થશે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












