ભારતના પ્રથમ વિમાન 'ગંગા'નું અપહરણ કરનાર બે યુવાનો કોણ હતા, શું હતી યોજના?

    • લેેખક, રેહાન ફઝલ
    • પદ, બીબીસી સંવાદદાતા

તારીખ હતી 30 જાન્યુઆરી. 1971નું વર્ષ હતું.

શ્રીનગરથી જમ્મુ જતા ઇન્ડિયન ઍરલાઇન્સના ફોકર ફ્રૅન્ડશિપ વિમાન 'ગંગા' પર બે યુવાનો સવાર હતા જેઓ ગભરાયેલા દેખાતા હતા.

તેઓ નવયુવાન હતા અને થોડા દિવસો પહેલાં જ મૂંછનો દોરો ફૂટ્યો હતો.

1971માં માત્ર ધનાઢ્ય લોકો જ વિમાનપ્રવાસ કરતા હતા અને સુરક્ષાની ચકાસણી પણ ઉપરછેલ્લી થતી હતી.

આ બંને જ્યારે વિમાનમાં બેઠા ત્યારે ઘણા નર્વસ દેખાતા હતા. તેનું એક કારણ એ હતું કે તેઓ પહેલી વખત વિમાનપ્રવાસ કરી રહ્યા હતા. બીજું, તેઓ આ વિમાનનું અપહરણ કરવાના હતા.

બરાબર 11 વાગીને 30 મિનિટે વિમાને ટેકઑફ કરીને જમ્મુ તરફ ઉડાન શરૂ કરી.

અનુષા નંદકુમાર અને સંદીપ સાકેત પોતાના પુસ્તક 'ધ વૉર ધેટ મેડ આર ઍન્ડ એ ડબલ્યુ'માં લખે છે:

"વિન્ડો નજીક બેસેલા હાશિમ કુરેશીએ અશરફ કુરેશી તરફ જોયું. બંનેએ માથું ધૂણાવ્યું અને ધીમેથી કલમા પઢ્યા. તેમણે પોતાનો સીટબેલ્ટ ખોલ્યો, નીચે ઝુક્યા અને બૅગમાંથી એક પિસ્તોલ અને હેન્ડ ગ્રૅનેડ કાઢ્યા."

"હાશિમ કૉકપિટ તરફ દોડ્યો. તેણે પોતાની પિસ્તોલ પાઇલટના માથાના પાછળના ભાગે લગાવીને વિમાન પર નિયંત્રણ મેળવ્યું. અશરફ કૉકપિટની તરફ પીઠ લગાવીને હાથમાં હેન્ડ ગ્રૅનેડ લઈને ઊભો રહી ગયો."

"મુસાફરોએ રડવાનું અને ચીસો પાડવાનું શરૂ કરી દીધું, અશરફે બૂમ પાડીને બધાને ચૂપ થવા કહ્યું. સમગ્ર વિમાનમાં સન્નાટો ફેલાઈ ગયો."

તે જમાનામાં રૉના લોદી રોડ ખાતેના હેડક્વાર્ટરમાં પાકિસ્તાનમાં થઈ રહેલી ગતિવિધિઓ પર બારીક નજર રાખી રહી હતી.

પાકિસ્તાનમાં સૈન્ય બળવો, યાહ્યા ખાનનું સત્તાગ્રહણ, ચૂંટણીમાં શેખ મુજીબુર મુજીબુર રહેમાનની જીત અને સત્તા મેળવવા માટે થયેલી વાતચીત પર રૉના પ્રમુખ રામનાથ કાવ અને તેમની ટીમ સતત વિશ્લેષણ કરતા હતા.

કાવને એ વાતની ચિંતા હતી કે પશ્ચિમ અને પૂર્વ પાકિસ્તાન વચ્ચે ઉડાનની સંખ્યા સતત વધતી જતી હતી.

હાશિમ કુરેશીની ધરપકડ

પૂર્વ પાકિસ્તાન પશ્ચિમ પાકિસ્તાનથી લગભગ 2000 કિલોમીટરના અંતરે હતું. પૂર્વ પાકિસ્તાન જતા દરેક પાકિસ્તાની વિમાને ભારતીય હવાઈ ક્ષેત્રમાંથી ઉડવું પડતું હતું.

રૉમાં એવી ચર્ચા ચાલી રહી હતી કે કોઈક રીતે પાકિસ્તાની વિમાનોને ભારતીય હવાઈ ક્ષેત્રમાંથી ઉડતાં રોકવા જોઈએ જેથી યાહ્યા ખાનની મુસીબત વધી જાય.

તેના માટે દુનિયાને એક મજબૂત કારણ જણાવવું જરૂરી હતું. આ દરમિયાન કાવના ડેસ્ક પર બીએસએફનો (બૉર્ડર સિક્યૉરિટી ફૉર્સ) એક રિપોર્ટ પહોંચ્યો.

અહેવાલમાં કહેવામાં આવ્યું હતું કે તેમણે ભારતીય સરહદ પર હાશિમ કુરેશી નામની વ્યક્તિની ધરપકડ કરી હતી, જે દેશમાં હથિયારો અને વિસ્ફોટકો લાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો.

અનુષા નંદકુમાર અને સંદીપ સાકેત લખે છે, "પૂછપરછ કરવા પર હાશિમે જણાવ્યું કે તે 1969માં તેના કાકા સાથે થોડા દિવસો ગાળવા પેશાવર ગયો હતો. ત્યાં તેની ઓળખાણ નૅશનલ લિબ્રૅશન ફ્રન્ટના સ્થાપક મકબૂલ ભટ્ટ સાથે થઈ હતી."

"હાશિમનું બ્રેઈનવૉશ કરવામાં આવ્યું હતું અને તેને કાશ્મીરની આઝાદી માટે કામ કરવા માટે સમજાવવામાં આવ્યો હતો. ત્યાં તેને એનએલએફ કૅમ્પમાં હથિયારોના ઉપયોગની તાલીમ આપવામાં આવી હતી."

"સાથે સાથે તેને એક ભારતીય વિમાનને હાઈજેક કરવાનું કહેવામાં આવ્યું હતું જેથી કરીને આખી દુનિયામાં એનએલએફના એજન્ડાનો પ્રચાર કરી શકાય."

"હાશિમે બીએસએફના અધિકારીઓને જણાવ્યું કે તેને રાવલપિંડીના ચકલાતા હવાઈમથકે લઈ જવાયો હતો જેથી તેને ખબર પડે કે ફોકર ફ્રૅન્ડશિપ વિમાન અંદરથી કેવું હોય છે."

"ત્યાં પાકિસ્તાની ઍરફોર્સના ભૂતપૂર્વ પાઇલટ જાવેદ મિન્ટોએ તેમને વિમાન વિશે બારીક માહિતી આપી. ત્યાર પછી તેને વિમાન અપહરણના હેતુથી હથિયારો આપીને ભારતીય સરહદ પાર કરાવી દેવામાં આવી."

રાજીવ ગાંધીનું વિમાન અપહરણ કરવાની યોજના

આ ઉગ્રવાદીઓને 1969માં કરાચી ઍરપૉર્ટ પર બનેલી એક ઘટના પરથી ભારતીય વિમાનને હાઇજેક કરવાનો વિચાર આવ્યો.

તે સમયે ઈરીટ્રિયન લિબ્રૅશન ફોર્સના ત્રણ સશસ્ત્ર બળવાખોરોએ ઇથોપિયન ઍરલાઇન્સના વિમાન પર હુમલો કર્યો હતો.

આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ એરિટ્રીયન ગેરીલાઓની ધરપકડ કરવામાં આવી હતી અને તેમને એક વર્ષની જેલની સજા કરવામાં આવી હતી.

અનુષા નંદકુમાર અને સંદીપ સાકેત લખે છે, "બીએસએફના અધિકારીઓએ હાશિમને પૂછ્યું કે શું માત્ર એક વિમાન હાઇજેક કરવાથી કાશ્મીરને આઝાદી મળી જશે?"

હાશિમે જે જવાબ આપ્યો તે સાંભળીને બીએસએફના અધિકારીઓ ચોંકી ગયા. હાશિમે કહ્યું, તેમને ઇન્દિરા ગાંધીના પુત્ર રાજીવ ગાંધી દ્વારા ઉડાડવામાં આવતા વિમાનને હાઈજેક કરવા માટે કહેવામાં આવ્યું છે.

કાવની વળતી યોજના

રાજીવ ગાંધી તે સમયે ઇન્ડિયન ઍરલાઇન્સમાં પાઇલટ હતા અને જમ્મુ-શ્રીનગર સેક્ટરમાં વિમાન ઉડાવતા હતા.

કાવે આ માહિતીનો લાભ લેવા માટે કાઉન્ટર પ્લાન બનાવ્યો, જેને વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીએ પણ મંજૂરી આપી હતી.

રૉ અને બૉર્ડર સિક્યૉરિટી ફોર્સે હાશિમને તેમના માટે કામ કરવા માટે સમજાવ્યા. હાશિમને કહેવામાં આવ્યું હતું કે તેઓ જેલ જવામાંથી બચી જશે.

રૉના ભૂતપૂર્વ અધિકારી આર. કે. યાદવ પોતાના પુસ્તક 'મિશન આર ઍન્ડ એ ડબલ્યુ'માં લખે છે, "એક યોજના બનાવવામાં આવી કે હાશિમ કુરેશીને ઇન્ડિયન ઍરલાઇન્સનું વિમાન હાઇજેક કરવા દેવામાં આવશે."

"ત્યાંથી તેને લાહોર લઈ જવામાં આવશે. ત્યાં તેઓ મુસાફરોના બદલામાં ભારતીય જેલમાં પૂરાયેલા અલ ફતાહના 36 સભ્યોની મુક્તિની માંગ કરશે. તેને એમ પણ કહેવામાં આવ્યું હતું કે તેમની મુલાકાત જ્યાં સુધી પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના અધ્યક્ષ ઝુલ્ફીકાર અલી ભુટ્ટો સાથે કરાવવામાં ન આવે ત્યાં સુધી તેઓ વિમાનનું નિયંત્રણ પાકિસ્તાની વહીવટીતંત્રને ન આપે."

આર કે યાદવના પુસ્તક મુજબ, "કાવે જ યોજના બનાવી હતી કે ભુટ્ટોને મળ્યા પછી તેઓ ભારતીય વિમાનમાં બ્લાસ્ટ કરીને તેને નષ્ટ કરી દેશે, જેથી કરીને આખી દુનિયામાં સંદેશ જાય કે આ પગલું ભારતીય જેલોમાં રહેલા કાશ્મીરી ઉગ્રવાદીઓને મુક્ત કરવા માટે લેવામાં આવ્યું છે."

"આ મિશનને સંપૂર્ણ રીતે ગુપ્ત રાખવા માટે કુરેશીને બેંગ્લોરમાં રૉના એક સેફ હાઉસમાં મોકલવામાં આવ્યા હતા. આ સમગ્ર મામલાની માહિતી જમ્મુ અને કાશ્મીર સરકારને કે અન્ય સુરક્ષા એજન્સીઓને આપવામાં આવી ન હતી."

વિમાનને લાહોરમાં ઉતરવાની મંજૂરી મળી

આયોજન મુજબ હાશિમને સીમા સુરક્ષા દળમાં નોકરી આપવામાં આવી હતી. તેને નિમણૂકપત્ર આપવામાં આવ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે તેઓ હવે બેંગ્લોર બટાલિયન 102ના સભ્ય છે.

તેમણે પોતાના એક સંબંધી અશરફ કુરેશીને પોતાના બીજા સાથી તરીકે પસંદ કર્યા. તે જ દિવસોમાં અખબારમાં એક અસલી જેવી દેખાતી પિસ્તોલની જાહેરાત આવી હતી, જેનાથી ચોરોને ડરાવી શકાય તેમ હતું.

હાશિમે ટપાલથી તે પિસ્તોલ મંગાવી હતી. અશરફે લાકડાનો હેન્ડ ગ્રૅનેડ બનાવ્યો, જેને તેણે મેટાલિક પેઇન્ટથી રંગી નાખ્યો.

30 જાન્યુઆરી, 1971ના રોજ આ સમગ્ર યોજના લાગુ કરવામાં આવી હતી.

જે વિમાન હાઇજેક થવાનું હતું તે એક જૂનું પ્લેન હતું. ઍરફોર્સે તેને સેવામાંથી કાઢી નાખ્યા પછી ઇન્ડિયન ઍરલાઇન્સે તે મેળવ્યું હતું.

ઑલ ઇન્ડિયા રેડિયો પર વિમાન હાઇજેકના સમાચાર આવતા જ સમગ્ર ભારતમાં ખળભળાટ મચી ગયો હતો.

હાશિમના આદેશ મુજબ, વિમાન જ્યારે રાવલપિંડી તરફ રવાના થયું ત્યારે કેપ્ટન એમકે કાચરુએ અપહરણકર્તાઓને કહ્યું કે વિમાનમાં રાવલપિંડી પહોંચી શકાય એટલું ઇંધણ નથી.

તેમણે કોઈ પણ સ્થિતિમાં લાહોરમાં ઉતરાણ કરવું પડશે. ત્યારે જ લાહોર ઍર ટ્રાફિક કંટ્રૉલ પર કૅપ્ટન કચરૂનો અવાજ ગૂંજી ઉઠ્યો અને તેમણે તાત્કાલિક લૅન્ડિંગની મંજૂરી માંગી.

ઉચ્ચ સ્તરે લેવાયેલા નિર્ણય પછી વિમાનને લાહોરમાં ઉતરાણ કરવાની મંજૂરી આપવામાં આવી.

યાહ્યા સરકારને એ વાતની બીક હતી કે પાકિસ્તાનની વાયુ સીમામાં ઇંધણ ખતમ થવાથી ભારતીય વિમાન દુર્ઘટનાગ્રસ્ત થઈ જશે તો તેમની બહુ બદનામી થશે.

અપહરણકર્તાઓ સાથે ભુટ્ટોની મુલાકાત

લગભગ દોઢ વાગ્યે વિમાન લાહોરમાં લૅન્ડ થયું. વિમાનને ઍરપૉર્ટના એક ખૂણામાં પાર્ક કરવામાં આવ્યું. વિમાન ઊભું રહેતા જ સુરક્ષાદળોએ તેને ઘેરી લીધું.

ત્યાં સુધીમાં કેટલાક મીડિયાના લોકો પણ ઍરપૉર્ટ પહોંચી ગયા હતા.

સંરક્ષણ બાબતોના નિષ્ણાત પ્રવીણ સ્વામીએ પોતાના પુસ્તક 'ઇન્ડિયા, પાકિસ્તાન ઍન્ડ ધ સિક્રેટ જિહાદઃ ધ કૉવર્ટ વૉર ઇન કાશ્મીર'માં લખ્યું છે:

"વિમાન ઊભું રહેતાની સાથે જ તેની ચારે બાજુ મીડિયાના લોકો એકઠા થઈ ગયા. વિમાનનો દરવાજો ખૂલતા જ હાશિમ કુરેશી પગથિયાં પર આવી ગયો."

તેણે ત્યાં જ જાહેરાત કરી દીધી, - અમે એનએલએફના અમારા 36 ભાઈઓની મુક્તિની માંગણી કરીએ છીએ. જો તેમને છોડવામાં નહીં આવે તો અમે તમામ પ્રવાસીઓને મારી નાખીશું.

હવે જે થશે તેના માટે ભારત સરકાર જવાબદાર રહેશે. આટલું કહીને હાશિમ વિમાનમાં જતો રહ્યો.

અપહરણના સમાચાર મળ્યા ત્યારે ઝુલ્ફીકાર અલી ભુટ્ટો ઢાકામાં શેખ મુજીબુર રહેમાન સાથે લંચ પર મળવાના હતા. તેઓ તરત લાહોર આવવા રવાના થઈ ગયા.

લાહોર ઍરપૉર્ટ પર ઉતરતા જ ભુટ્ટો અપહરણકારોને મળવા ગયા. તેમણે તેમની માંગણીઓ સાંભળી અને ત્યાંથી જતા પહેલાં તેમને ગળે લગાવ્યા. તેમણે વિમાનના તમામ પ્રવાસીઓને છોડી દેવા અપહરણકર્તાઓને મનાવી લીધા.

પ્રવાસીઓની મુક્તિ

પહેલેથી જ ધારણા હતી તે પ્રમાણે ભારતે એનએલએફના કટ્ટરવાદીઓને છોડવાની ના પાડી દીધી. બીજી તરફ હાશિમ કુરૈશી લાહોર ઍરપૉર્ટ પર બેરોકટોક આંટા મારતો હતો.

તે છૂટથી ફોનનો ઉપયોગ કરતો હતો અને મીડિયા સાથે પણ ખુલ્લેઆમ વાતો કરતો હતો.

આર. કે. યાદવ લખે છે, "બીજો હાઇજેકર અશરફ કુરેશી વિમાનમાં પ્રવાસીઓ પર નજર રાખતો હતો. ભુટ્ટોના કહેવાથી તમામ પ્રવાસીઓને છોડી દેવાયા. તેમને લાહોરની ફાઇવ સ્ટાર હોટેલમાં રાખવામાં આવ્યા હતા."

"બે દિવસ પછી તેમને રોડમાર્ગે હુસૈનીવાલા બૉર્ડરથી ભારત પરત મોકલવામાં આવ્યા. બીજી ફેબ્રુઆરીની રાતે 8 વાગ્યે તમામ લોકોની હાજરીમાં વિમાનને વિસ્ફોટકોથી ઉડાવી દેવાયું. વિમાનને આઈએસઆઈના લોકો દ્વારા નષ્ટ કરવામાં આવ્યું હોવાની પુષ્ટિ થઈ હતી."

"જેલમાંથી મુક્તિ પછી હાશિમ કુરેશીએ આ વાતને સ્વીકારી.પાકિસ્તાન સરકારે શરૂઆતમાં અપહરણકર્તાઓને રાજનીતિક શરણ આપી હતી."

"ભુટ્ટોએ એક પણ વખત આ અપહરણની ટીકા ન કરી. તેના કારણે ભારતના દાવાને ટેકો મળ્યો કે આ હાઇજેકિંગ પાછળ પાકિસ્તાનનો હાથ હતો અને ભુટ્ટોને પહેલેથી તેની માહિતી હતી."

પાકિસ્તાની વિમાનોની ભારતીય હવાઈ સીમામાં ઉડાન પર રોક

બીજી તરફ શેખ મુજીબ ઢાકામાં કહી રહ્યા હતા કે આ અપહરણ પાકિસ્તાન દ્વારા કરવામાં આવ્યું છે, જેથી પૂર્વ પાકિસ્તાનમાં ચાલી રહેલી કટોકટી પરથી બધાનું ધ્યાન હટાવી શકાય અને સત્તાના હસ્તાંતરણમાં વિલંબ થઈ શકે.

હવે બધાની નજર એ વાત પર હતી કે ભારતનું વલણ કેવું હશે?

અનુષા નંદકુમાર અને સંદીપ સાકેત લખે છે, "પીએમઓમાંથી (પ્રાઇમ મિનિસ્ટર ઓફિસ) ઇન્દિરા ગાંધીએ કાવને પૂછ્યું કે તમારો શું અભિપ્રાય છે?"

"કાવનો જવાબ હતો કે જ્યાં સુધી આ વાતની સંપૂર્ણ તપાસ ન થાય ત્યાં સુધી પશ્ચિમ પાકિસ્તાનથી પૂર્વ પાકિસ્તાન જતી કોઈ ફ્લાઇટને ભારત પરથી ઉડવાની છૂટ આપવામાં ન આવે."

હાઈજેક પછી પાકિસ્તાની અખબારોમાં સમાચાર છપાયા કે હાશિમ રૉ માટે કામ કરતો હતો.

રૉએ ક્યારેય આ વાતની સત્તાવાર પુષ્ટિ કરી નથી, પરંતુ આ નિર્ણયથી ભારતને ઘણો ફાયદો થયો એ વાતમાં કોઈ શંકા નથી.

જે વિમાનો પશ્ચિમ પાકિસ્તાનથી ઉડાન ભરીને ત્રણ કે ચાર કલાકમાં ઢાકા પહોંચી શક્યા હોત, તેમને શ્રીલંકા થઈને ત્યાં ઇંધણ ભરીને ઢાકા જવાની ફરજ પડી હતી.

આના કારણે મુસાફરીનો સમય વધી ગયો અને સાથે સાથે ખર્ચ વધી ગયો. પાકિસ્તાની સેના માટે હવાઈમાર્ગે પૂર્વ પાકિસ્તાન પહોંચવું ખૂબ જ ધીમું થઈ ગયું અને 11 મહિના પછી શરૂ થયેલા યુદ્ધ પર તેની અસર પડી.

રૉના ભૂતપૂર્વ ઍડિશનલ સેક્રેટરી બી. રામને પોતાના પુસ્તક 'ધ કાઉ બૉયઝ ઑફ આર ઍન્ડ એ ડબલ્યુ'માં લખ્યું છે, "પાકિસ્તાની વિમાન પર પ્રતિબંધ મૂકવાના ઇન્દિરા ગાંધીના નિર્ણયે આખરે 1971ના યુદ્ધમાં ભારતની જીત સુનિશ્ચિત કરી."

"પાકિસ્તાની વિમાનોએ જ્યારે શ્રીલંકા થઈને પૂર્વ પાકિસ્તાન પહોંચવાનો પ્રયાસ કર્યો, ત્યારે ઇન્દિરા ગાંધીએ શ્રીલંકાની સરકાર પર પાકિસ્તાનને ઇંધણ ભરવાની મંજૂરી ન આપવા દબાણ કર્યું."

"તેનાથી પૂર્વ પાકિસ્તાન સુધી સૈનિકો અને પુરવઠો મોકલવાની પાકિસ્તાનની ક્ષમતા મર્યાદિત થઈ ગઈ. તે ખૂબ જ મોટો આંચકો હતો."

હાશિમ અને અશરફની ધરપકડ

ગેરી બાસે પોતાના પુસ્તક 'ધ બ્લડ ટેલિગ્રામ'માં લખ્યું છે કે, "યાહ્યા ખાને ભારત પર પોતાના જ વિમાનને હાઇજેક કરવાનો આરોપ લગાવ્યો હતો, જેથી તેને પાકિસ્તાની વિમાનોને તેના વિસ્તાર પર ઉડતા રોકવાનું બહાનું મળી શકે."

એપ્રિલ સુધી હાશિમ અને અશરફને પાકિસ્તાનમાં હીરો તરીકે માન આપવામાં આવ્યું હતું, પરંતુ ત્યારબાદ હાશિમ અને અશરફની મરી ખાતે ધરપકડ કરવામાં આવી હતી.

હાશિમ કુરેશી અને અશરફ કુરેશી પર ત્યાર પછી ભારતની ગુપ્તચર સંસ્થા માટે કામ કરવા બદલ વિશેષ અદાલતમાં કેસ ચલાવવામાં આવ્યો હતો.

અશરાફને તો મુક્ત કરવામાં આવ્યો, પરંતુ હાશિમ કુરેશીને 19 વર્ષની જેલની સજા થઈ. અશરફે નવ વર્ષ એટોક, સાહિવાલ, ફૈસલાબાદ, લાહોર અને મુલતાન સહિત પાકિસ્તાનની જુદીજુદી જેલોમાં ગાળ્યા.

1980માં તેમને જેલમાંથી છોડવામાં આવ્યા.

રૉના વડા દુલત સાથે હાશિમની મુલાકાત

પાકિસ્તાનથી તેઓ હૉલેન્ડ જતા રહ્યા. રૉના ભૂતપૂર્વ વડા એ એસ દુલત પોતાના પુસ્તક 'કાશ્મીર ધ વાજપેયી યર્સ'માં લખે છે, "1983માં હાશિમે વધુ એક વખત મકબૂલ ભટ્ટની મુક્તિ માટે ભારતીય વિમાનના અપહરણની યોજના બનાવી હતી."

"આઈએસઆઈએ (ઇન્ટર સર્વિસીઝ ઇન્ટેલિજન્સ, પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા) તેને એક પાસપૉર્ટ આપ્યો, જેના દ્વારા તેઓ લંડન ગયા અને જેકેએલએફના (જમ્મુ કાશ્મીર લિબ્રૅશન ફ્રન્ટ) તત્કાલીન પ્રમુખ અમાનુલ્લા ખાનને મળ્યા."

"પરંતુ આ યોજના અમલમાં આવી ન શકી. હું રૉનો પ્રમુખ હતો, ત્યારે હાશિમ કુરેશીએ મને મળવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. તેઓ મને હૉલેન્ડમાં મળવા માંગતા ન હતા, કારણ કે તેઓ ત્યાંની જાસૂસી એજન્સી માટે કામ કરતા હતા."

"તેથી અમે ત્રીજા દેશમાં મળ્યા. તે વખતે તેમણે ભારત પરત આવવાની ઇચ્છા વ્યક્ત કરી. રસપ્રદ વાત એ છે કે હાશિમથી મારો પરિચય થયો ત્યારે હૉલૅન્ડમાં રબીન્દ્ર સિંહ રૉ માટે કામ કરતા હતા."

"આ એ જ ઓફિસર હતા જેઓ સીઆઈએ (અમેરિકાની ગુપ્તચર એજન્સી, સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સી) માટે કામ કરતા હતા તેવું 2004માં જાણવા મળ્યું હતું. તેઓ ભારતથી અમેરિકાની તરફે જતા રહ્યા હતા."

ભારત પરત આવતા જ ધરપકડ

દુલતે હાશિમને પૂછ્યું કે તેઓ ભારત કેમ પરત આવવા માંગે છે? અહીં તેમની ભૂમિકા કેવી હશે?

હાશિમનો જવાબ હતો કે કાશ્મીરમાં રાજનૈતિક પ્રક્રિયા શરૂ થયા પછી તેઓ ત્યાં પોતાના માટે કોઈને કોઈ ભૂમિકા શોધી લેશે.

અંતે 29 ડિસેમ્બર 2000ના દિવસે હાશિમ દિલ્હી આવ્યા. ઍરપૉર્ટ પર ઉતરતાની સાથે જ તેમની વિરુદ્ધ લૂકઆઉટ વૉરન્ટ હોવાથી તેમની ધરપકડ કરવામાં આવી.

હાશિમે દિલ્હીની તિહાર જેલમાં 15 દિવસ ગાળ્યા. ત્યાર પછી તેમને શ્રીનગર લઈ જવાયા જ્યાં તેમને લગભગ એક વર્ષ માટે જૉઇન્ટ ઇન્ટ્રૉગેશન સેન્ટરમાં રાખવામાં આવ્યા.

નવેમ્બર 2001માં તેમને જામીન પર છોડવામાં આવ્યા. હાશિમને બે પુત્ર અને બે પુત્રી છે. તેમાંથી એક પુત્રીનાં લગ્ન દુબઈમાં થયાં છે.

દુલત લખે છે, "મને તેમની પુત્રીના લગ્નમાં આમંત્રણ મળ્યું હતું. હું તેમના પુત્ર જુનૈદના લગ્નમાં પણ ગયો હતો. મેં હાશિમને પૂછ્યું કે હું રૉનો ભૂતપૂર્વ પ્રમુખ છું. શું મારે લગ્નમાં આવવું જોઈએ? તેનાથી તમારા માટે કાશ્મીરમાં સમસ્યા તો પેદા નહીં થાય ને? હાશિમે હસતાહસતા કહ્યું કે તેમને કહેવા દો કે હું તમારો એજન્ટ છું."

હાશિમ કુરેશી હજુ પણ શ્રીનગરમાં રહે છે. તેઓ કાશ્મીરમાં ઘણા અખબારોમાં લેખ લખે છે. તેમણે અત્યાર સુધીમાં કાશ્મીર પર પાંચ પુસ્તકો પણ લખ્યા છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.