મહાકુંભમાં ભાગદોડની ઘટનાઓને રોકવા યોગી સરકારે નિયમો બદલ્યા, જેમને જવાબદારી સોંપી એ અધિકારીઓ કોણ છે?

બુધવારે મોડી રાત્રે દોઢ વાગ્યે મૌની અમાસની રાત્રે સંગમસ્થળે ભારે ભીડ ભેગી થતાં ભાગદોડ મચતાં લગભગ 30 લોકોનાં મૃત્યુ થઈ ગયાં, જ્યારે અન્ય 60 લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે.

'વિશ્વનો સૌથી મોટા મેળાવડા' એવા કુંભમાં થયેલી ભાગદોડની ઘટનામાં થયેલી જાનહાનિના સમાચાર માત્ર રાષ્ટ્રીય જ નહીં, પરંતુ આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ ચર્ચાનો મુદ્દો બન્યો હતો.

તંત્રે 29 જાન્યુઆરીની સાંજ સુધી આ ઘટનામાં મોતના આંકડા સંદર્ભે કોઈ ખુલાસો કર્યો નહોતો.

જોકે, અંતે તંત્રે આ મુદ્દે મૌન તોડતાં મીડિયાને ઘટનાનું કારણ જણાવ્યું હતું. જેમાં કહેવાયું હતું કે ઘણા શ્રદ્ધાળુ ઘાટ પર સૂઈ રહેલા લોકો પર ચઢી જતાં આ દુર્ઘટના સર્જાઈ હતી.

આ સાથે મહાકુંભમાં 'શાનદાર વ્યવસ્થા'ના તંત્રના દાવા સામે ઘણા સવાલ ઊભા થઈ ગયા હતા.

મહાકુંભમાં સ્નાન માટે વીવીઆઇપી સુવિધા અને ભીડના મૅનેજમૅન્ટની કથિત મર્યાદા સામે ઘણા શ્રદ્ધાળુઓ પ્રશ્નો ઊભા કરતા અને ફરિયાદ કરતા જોવા મળ્યા હતા.

ઘટના બાદ સ્થાનિક તંત્ર અને ઉત્તર પ્રદેશ રાજ્ય સરકાર જાણે વધુ સક્રિય બની હોય એમ મહાકુંભના આ આયોજન દરમિયાન હવે ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન બને એ સુનિશ્ચિત કરવામાં લાગી ગયાં છે.

સ્થાનિક તંત્ર અને રાજ્ય સરકારે ઉપરોક્ત આશયથી પાંચ મહત્ત્વપૂર્ણ બદલાવો કર્યા છે.

મહાકુંભની વ્યવસ્થાઓમાં કરાયા આ પાંચ બદલાવ

ડીડી ન્યૂઝના એક અહેવાલ અનુસાર રાજ્ય સરકારે મહાકુંભમાં ભીડના સારા મૅનેજમેન્ટ, ભવિષ્યમાં આવો કોઈ બનાવ બનતો અટકાવવા તેમજ મહાકુંભક્ષેત્રની સુરક્ષા અને વ્યવસ્થાને વધુ સુચારુ બનાવવાના આશયથી મહાકુંભમાં પાંચ મહત્ત્વપૂર્ણ બદલાવ કરવાની જાહેરાત કરી છે.

1. સંપૂર્ણ નો-વિહિકલ ઝોન: મહાકુંભના મેળામેદાનોમાં હવે તમામ પ્રકારનાં વાહનો માટે પ્રવેશબંધી જાહેર કરી દેવામાં આવી છે.

2. વીવીઆઈપી પાસ રદ: વાહનોની ઍન્ટ્રી માટે હવે કોઈ સ્પેશિયલ (વીઆઈપી) પાસ અપાશે નહીં. આ નિયમ બધા માટે સામાન્ય રહેશે.

3. વન-વે ટ્રાફિક સિસ્ટમ : શ્રદ્ધાળુઓની અવરજવર માટેની વ્યવસ્થાને વધુ કાર્યક્ષમ બનાવવા માટે વન-વે ટ્રાફિક સિસ્ટમ અમલ કરાઈ છે.

4. વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ : આ નિયમ અંતર્ગત હવે આસપાસના જિલ્લામાંથી કોઈ વાહન પ્રયાગરાજ આવી શકશે નહીં. આવાં વાહનોને જિલ્લાની બૉર્ડરે જ રોકી લેવાશે.

5. ફૉર-વ્હીલર ઍન્ટ્રી પર પ્રતિબંધ : 4 ફેબ્રુઆરી સુધી પ્રયાગરાજમાં ફૉર-વ્હીલર વાહનો પ્રવેશ કરી શકશે નહીં.

અનુભવી અધિકારીઓને જવાબદારી

અહેવાલમાં આપેલી વધારાની માહિતી અનુસાર રાજ્ય સરકારે ભીડના અસરકારક મૅનેજમેન્ટ માટે બે આઈએએસ (ઇન્ડિયન ઍડમિનિસ્ટ્રેટિવ સર્વિસીઝ) રૅન્કના અધિકારીઓ, આશિષ ગોયલ અને ભાનુ ગોસ્વામીને પ્રયાગરાજ મોકલી આપ્યા છે.

આ બંને અધિકારીઓ ભારે ભીડવાળી ઇવેન્ટોના મૅનેજમેન્ટમાં સારો અનુભવ ધરાવે છે. બંને અધિકારીઓ વર્ષ 2019માં અર્ધકુંભના આયોજનમાં સફળતાપૂર્વક ચાવીરૂપ ભૂમિકા ભજવી ચૂક્યા છે.

આ સાથે જે તેમની ટીમમાં જબરદસ્ત ભીડવાળી ઇવેન્ટોના સંચાલનનો અનુભવ ધરાવતા પાંચ સ્પેશિયલ સેક્રેટરી રૅન્કના અધિકારીઓ હશે.

ઘટના બાદ રાજ્યના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે પણ ભીડના નિયંત્રણ, ટ્રાફિક મૅનેજમેન્ટ અને આંતરવિભાગીય સંકલન સંબંધિત શ્રેણીબદ્ધ માર્ગદર્શક સૂચનો જાહેર કર્યાં હતાં.

રાજ્યના પોલીસ મહાનિદેશક અને મુખ્ય સચિવ દ્વારા મહાકુંભની હાલની વ્યવસ્થાઓને પણ રિવ્યૂ કરવામાં આવશે.

આ સિવાય જિલ્લાના કલેક્ટરને પ્રયાગરાજમાંથી શ્રદ્ધાળુઓ સલામતપણે પોતાનાં ગંતવ્યસ્થાનો તરફ પ્રયાણ કરે એ સુનિશ્ચિત કરવાના આદેશ અપાયા છે.

કેવી રીતે બની હતી ભાગદોડની ઘટના?

દિલ્હીથી આવેલા ઉમેશ અગ્રવાલ નામના એક શ્રદ્ધાળુએ બીબીસી સાથે વાત કરી છે અને તેમણે જણાવ્યું કે ઘટના કેવી રીતે થઈ. તેમણે જણાવ્યું કે તેઓ ઘાટ તરફ જઈ રહ્યા હતા અને ભારે સંખ્યામાં લોકો ખૂબ ઝડપથી જઈ રહ્યા હતા.

તેમણે જણાવ્યું, "જ્યારે લોકો સ્નાન માટે જઈ રહ્યા હતા, ત્યારે બૅરિકેડિંગ પાસે લોકો સૂતા હતા. આના કારણે ચાલતા લોકોના પગમાં ફસાઈને કેટલાક લોકો પડી ગયા.આથી, તેમની પાછળ આવતા લોકોની ભીડ એક ઉપર એક પડવા લાગી."

કર્ણાટકના બેલગામથી આવેલાં વિદ્યા સાહુ નામનાં શ્રદ્ધાળુઓએ સમાચાર એજન્સી આઇએએનએસને જણાવ્યું કે તેઓ સ્નાન માટે જઈ રહ્યાં હતાં ત્યારે જ ન જાણે કઈ બાજુએથી ભીડ આવી અને પાછળની બાજુ ધકેલવા લાગી.

તેમણે જણાવ્યું કે તેઓ 60 લોકોના સમૂહ સાથે કર્ણાટકથી આવ્યાં હતાં અને તેમના પાંચ સાથીઓનો હજુ સુધી કોઈ પત્તો નથી. તેમણે જણાવ્યું કે તેમને તંત્રે ઍમ્બુલન્સની મદદથી હૉસ્પિટલ પહોંચાડ્યાં.

સમાચાર એજન્સી આઇએએનએસને જ અન્ય એક સાક્ષી જયપ્રકાશ સ્વામીને જણાવ્યું કે ભાગદોડમાં તેઓ પોતાનાં માતાપિતા અને બાળકો સાથે દબાઈ ગયા હતા.

તેમણે કહ્યું કે અચાનક ભીડ વધી ગઈ અને લોકો તેમની ઉપરથી ચાલીને જવા લાગ્યા.

નોંધનીય છે કે ઉત્તર પ્રદેશ સરકારે ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનો માટે આર્થિક સહાય જાહેર કરી હતી. આ જાહેરાત અનુસાર સરકાર મૃતકોના પરિવારજનો માટે 25-25 લાખ રૂ.ની સહાય જાહેર કરવામાં આવે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.