You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
વૉશિંગ્ટન: મિલિટરી હેલિકૉપ્ટર અને વિમાનનીદુર્ઘટનામાં 64માંથી એક પણ મુસાફર બચ્યો નથી
અમેરિકામાં વૉશિંગ્ટન ડીસી નજીક અમેરિકન ઍરલાઇનનું એક વિમાન આર્મીના બ્લૅક હૉક હેલિકૉપ્ટર સાથે અથડાયું, તેમાં 60 મુસાફરો અને ચાર ક્રૂ મૅમ્બર સહિત તમામનાં મૃત્યુ થયા છે.
મળતી માહિતી મુજબ, અત્યાર સુધીમાં 30 લોકોના મૃતદેહ મળી આવ્યા છે.
બૉમ્બાર્ડિયર કંપનીનું CRJ 700 ઍરક્રાફ્ટ વૉશિંગ્ટનથી કેન્સાસ જઈ રહ્યું હતું. અમેરિકન મીડિયાના અહેવાલો અનુસાર ટક્કર પછી વિમાન હવામાં બે ભાગમાં તૂટીને પોટોમૅક નદીમાં પડી ગયું. નદીમાં શોધખોળ અને બચાવ કાર્ય ચાલુ છે.
સ્થાનિક સમય અનુસાર રાત્રે 9 વાગ્યે રિગન વૉશિંગ્ટન નૅશનલ ઍરપૉર્ટ નજીક થયેલા આ અકસ્માતની તપાસ શરૂ કરવામાં આવી છે. આ વિમાને રિગન નૅશનલ ઍરપૉર્ટ પરથી ઉડાન ભરી હતી.
અકસ્માત પછી મોટી સંખ્યામાં ઇમર્જન્સી ફોર્સના 300થી વધુ સભ્યો ઍરપૉર્ટ પર પહોંચી ગયા છે. 10થી વધુ ઍમ્બ્યુલન્સ અને ટ્રક પણ ઘટનાસ્થળે હાજર છે.
રિગન ઍરપૉર્ટે તત્કાળ તમામ ઉડ્ડાણસેવાઓ બંધ કરી દીધી હતી, જેને અમુક કલાકો બાદ બહાલ કરવામાં આવી હતી.
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે લખ્યું કે તેમને પરિસ્થિતિથી માહિતગાર કરવામાં આવ્યા છે. ઇશ્વર સદ્દગતના આત્માને
'કોઈ બચ્યું નથી'
એસ સવાલના જવાબમાં ડીસી ફાયર ઍન્ડ ઈમએસ સેવાના વડા જોન ડૉન્નેલીએ કહ્યું કે 'ઠંડા પવન અને બર્ફીલા પાણીની વચ્ચે 300 જેટલા કર્મચારીઓએ 'રૅસ્ક્યૂની કામગીરી' હાથ ધરી હતી. જે હવે 'રિક્વરીની કામગીરી' બની ગઈ છે. અમને નથી લાગતું કે કોઈ બચ્યું હશે.'
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કેન્સાસના વિચિટા ખાતેથી નાગરિક વિમાન ઉપડ્યું હતું. તેનાં મેયર લીલી વૂનાં કહેવા પ્રમાણે, દુર્ઘટનામાં કોઈ બચ્યું નથી. આમ બોલતાં તેઓ રડી પડ્યાં હતાં.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રૂથ સોશિયલ ઉપર આ ઘટનાને લઈને સવાલ ઉઠાવ્યા છે અને પૂછ્યું છે કે હેલિકૉપ્ટરે તેનો માર્ગ કેમ ન બદલ્યો? તેમણે લખ્યું:
"વિમાન ઍરપૉર્ટ તરફ આગળ વધી રહ્યું હતું. હેલિકૉપ્ટર ખાસ્સા સમય સુધી વિમાન તરફ સીધું જ આગળ વધતું રહ્યું. રાત્રીના અંધકાર ન હતો. વિમાનની લાઇટ્સ ચમકી રહી હતી, તો પણ હેલિકૉપ્ટરે માર્ગ કેમ ન બદલ્યો અથવા ઉપર કે નીચે કેમ ન થયું?"
"જો કંટ્રૉલ ટાવરે નીચેથી વિમાનને જોઈ લીધું હતું, તો તેમણે હેલિકૉપ્ટર ક્રૂને આના અંગે જાણ કેમ ન કરી તથા શું કરવાનું છે તે કેમ ન જણાવ્યું? આ અટકાવવું જોઈતું હતું. તે યોગ્ય નથી."
બીજી બાજુ, વૉશિંગ્ટન ડીસીના મેયર મૂરિયલ બાઉઝરે એક સવાલના જવાબમાં જણાવ્યું હતું કે શોધખોળ અભિયાનને ચાલુ રાખવા અંગે કોઈ સમયમર્યાદા નિર્ધારિત કરવામાં નથી આવી.
આ અંગે ફેડર ઍવિએશન ઍડમિનિસ્ટ્રેશન (એફએએ) અને નૅશનલ ટ્રાન્સપૉર્ટેશન સેફ્ટી બોર્ડ (એનટીએસબી) તેનું નેતૃત્વ કરશે. પ્રથમદર્શીય કોઈપણ વિમાનની પેટર્ન અસામાન્ય ન હતી.
રાહત અને બચાવકાર્ય ચાલુ
એક અમેરિકન સૈન્ય અધિકારીએ બીબીસીની સહયોગી ન્યૂઝ ચૅનલ સીબીએસને જણાવ્યું છે કે આ દુર્ઘટનામાં સામેલ હેલિકૉપ્ટર યુએસ આર્મીનું બ્લૅક હૉક હેલિકૉપ્ટર હતું. હેલિકૉપ્ટરમાં અમેરિકી સેનાના ત્રણ સૈનિકો સવાર હતા.
ન્યૂઝ એજન્સી રૉયટર્સ સાથે વાત કરતા એક અધિકારીએ કહ્યું છે કે આ હેલિકૉપ્ટરમાં કોઈ વરિષ્ઠ અધિકારી ન હતા, પરંતુ તેમાં સવાર સૈનિકોનું શું થયું તે પણ સ્પષ્ટ નથી.
સીબીએસ સાથે વાત કરતા અન્ય એક સૈન્ય અધિકારીએ જણાવ્યું કે આ હેલિકૉપ્ટરે વર્જીનિયાના ફૉર્ટ બેલિવરથી ઉડાન ભરી હતી. તે રોનાલ્ડ રિગન નૅશનલ ઍરપૉર્ટની દક્ષિણપશ્ચિમમાં આવેલું છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, "મને રિગન નૅશનલ ઍરપૉર્ટ પર થયેલી દુર્ઘટના વિશે તમામ માહિતી મળી છે. હું પરિસ્થિતિ પર નજર રાખી રહ્યો છું. ઈશ્વર આ અકસ્માતમાં જીવ ગુમાવનારાઓની આત્માને શાંતિ આપે."
વિમાન નદીમાં પડ્યું
વૉશિંગ્ટન ડીસીના ફાયર ઍન્ડ ઈએમએસ વિભાગે જણાવ્યું કે વિમાન પોટોમૅક નદીમાં પડ્યું છે. પ્રવાસીઓને બચાવવા માટે ફાયર બોટ્સ કામે લગાવાઈ છે.
વાઇસ પ્રેસિડન્ટ જેડી વેન્સે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું છે કે, "અમે દુર્ઘટનાનો શિકાર બનેલા તમામ લોકો માટે પ્રાર્થના કરીએ છીએ. અમે પરિસ્થિતિ પર નજર રાખીએ છીએ અને સારું થશે તેવી આશા રાખીએ છીએ."
ઘટનાને નજરે જોનારાઓએ શું કહ્યું?
ઘટનાને નજરે જોનારા એક સ્થાનિક નાગરિક જિમી મેજિયોએ જણાવ્યું કે તેઓ આકાશમાં વિમાન જોઈ રહ્યા છે.
વિમાન સામાન્ય ફ્લાઈટ પેટર્ન કરતા અલગ લાગતું હતું. ત્યાર પછી અચાનક આકાશમાં એક સફેદ ચમકારો જોવા મળ્યો.
તેમને લાગ્યું કે આ કોઈ શૂટિંગ સ્ટાર હોઈ શકે છે. તેમણે તેના વિશે વધુ ન વિચાર્યું. ત્યાર પછી તેમને ઘટનાસ્થળ પર ઈમરજન્સી સર્વિસિસની ગાડીઓને જતા જોઈ.
પેન્ટાગૉનની નજર
અમેરિકાના સંરક્ષણ મંત્રી પીટ હેગસેથે સોશિયલ મીડિયા એકાઉન્ટ ઍક્સ પર લખ્યું છે, "અમે આ મામલા પર નજર રાખીએ છીએ. દરેક સ્થિતિને પહોંચી વળવા તૈયાર છીએ. અમે બધા માટે પ્રાર્થના કરીએ છીએ."
વૉશિંગ્ટન ડીસીથી રિપોર્ટ કરતાં રાસેલ લૂકરે લખ્યું છે, "મેં હમણાં જ ઍરપૉર્ટ નજીકની ઇમારતમાં પોતાના એક પડોશી સાથે વાત કરી. તેમણે કહ્યું કે વિમાન ઉતરાણ કરવાનું હતું તેનાથી અમુક મિનિટો અગાઉ દુર્ઘટના ઘટી છે. ટર્મિનલ પર મોટી સંખ્યામાં લોકો હાજર છે. તેઓ દુર્ઘટનાનો શિકાર બનેલા લોકોને ઉઠાવીને ત્યાંથી લઈ જાય છે. ત્યાં બધા લોકો દુર્ઘટનાથી સ્તબ્ધ થઈ ગયેલા દેખાય છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન