ગુજરાત : 'અધિકારીએ સસ્તા ગુટકા મગાવ્યા ને મારી બત્તી થઈ,' ગુટકા મગાવતાં નકલી ઇનકમટૅક્સ ઑફિસરોનો 'ભાંડો' કઈ રીતે ફૂટ્યો?

    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

"અમારે ત્યાં અચાનક છ લોકો આવ્યા. તેમણે આવીને સીધો જ ઇનકમટૅક્સની તપાસ માટેનો કાગળ હાથમાં ધરી દઈને અમારા ધીરધાર અને કાપડના ધંધાના ચોપડા ચેક કરવા લાગ્યા."

"હું ને મારો દીકરો પહેલાં તો ગભરાઈ ગયા, અમે આ લોકોને થોડા પૈસા આપીને કેસની પતાવટ કરવા મનાવવા લાગ્યા. અમે બે લાખ રૂ. આપ્યા ય ખરા. પરંતુ એમણે વધુ પૈસા માંગ્યા. એ દરમિયાન જ એક ઇનકમટૅક્સના ઑફિસરોમાંથી એક જણે મારા દીકરાને ગલીનો સસ્તા ગુટકા લાવવા મોકલ્યો. આટલું સાંભળી મને બત્તી થઈ કે નક્કી આ માણસ ઇનકમટૅક્સ ઑફિસર તો નથી જ. મેં મારા દીકરાને ઇશારાથી કહ્યું અને એણે પોલીસને જાણ કરી. અમે વધુ પૈસા લેવા ઝાલોદ તરફ ગયા અને ત્યાં સુધીમાં પોલીસ આવી ગઈ અને આ નકલી ઇનકમટૅક્સ ઑફિસર પકડાઈ ગયા."

દાહોદના સુખપર ગામમાં રહેતા અલ્પેશ પ્રજાપતિએ પોતાના ઘરે ગત 10 ડિસેમ્બરના રોજ 'નકલી ઇનકમટૅક્સ ઑફિસરો'એ પાડેલા દરોડા અંગે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં ઉપરોક્ત વાત કરી હતી.

દાહોદ પોલીસે આ મામલામાં સાત આરોપીઓ પૈકી પાંચની ધરપકડ કરીને તપાસ શરૂ કરી છે.

સમગ્ર મામલાની વધુ જાણકારી મેળવવા માટે બીબીસી ગુજરાતીએ પ્રયાસ કર્યો હતો.

કેવી રીતે પકડાયા આરોપી?

અલ્પેશ પ્રજાપતિના બાપદાદાનો ધંધો માટીનાં વાસણો બનાવીને વેચવાનો હતો.

એમાંથી એમને સુખપરના મકાન નંબર 42માં જ નીચે કપડાં સીવવાની પ્રજાપતિ ટેલરિંગની દુકાન બનાવી હતી.

અલ્પેશ પ્રજાપતિએ બીબીસી સાથેની વાતચીતમાં આખા બનાવ અંગે વાત કરતાં કહ્યુ કે, "મારા પિતા ઉકાભાઈએ બે પૈસા કમાઈને ટેલરિંગની દુકાન બનાવી અને આજે પણ મારાં માતા સૂરજબહેન આ દુકાનમાં જ઼ માટીનાં વાસણો વેચે છે."

"એ જ દુકાનમાં અમે નાણાં ધીરવાનું અને કપડાં સીવવાનું કામ પણ કરીએ છીએ. અમારું અને અમારી દુકાનનું સુખપુરમાં સારું નામ છે."

બનાવના દિવસે બનેલી ઘટનાઓ અંગે વાત કરતાં અલ્પેશભાઈ કહે છે કે, "ગત 10 ડિસેમ્બર એટલે કે શુક્રવારના રોજ અચાનક બપોરે એક સફેદ કલરની બજારમાં આવીને અમારી દુકાન પાસે ઊભી રહી. કારમાંથી કેટલાક માણસો બહાર આવ્યા અને તેમણે આવીને અમારા હાથમાં ઇનકમટૅક્સની તપાસનો કાગળ પકડાવી દીધો. તે બાદ તેઓ ચોપડા તપાસવા લાગ્યા."

અલ્પેશભાઈ કહે છે કે તેઓ તેમની પાસે રહેલા દાગીનાનું તોલમાપ કરી રહ્યા હતા, ત્યારે જ તેમણે ગભરાઈને કેસની માંડવાળ કરવા પૈસા આપવાની પેશકશ કરી.

દરોડો પાડવા આવેલા લોકોએ પણ પેશકશ સ્વીકારી લીધી અને અલ્પેશભાઈએ ઘરમાં પડેલા બે લાખ રૂ. આ કથિત નકલી અધિકારીઓને આપી દીધા. પરંતુ તેમણે 25 લાખ રૂ.ની માગ કરી.

અલ્પેશ પ્રજાપતિએ આગળ કહ્યું, "અમે લોકોએ વધારાના પૈસાની ગોઠવણ કરવા માટે ઝાલોદ ખાતે મારાં માસીના દીકરાને તેમજ અન્ય સગાંવહાલાંને વાત કરી."

"એ દરમિયાન આ કહેવાતા અધિકારીઓ પૈકી એક વ્યક્તિ વારંવાર દુકાન બહાર જઈને થૂંકતો હતો. થોડી વારમાં તેણે મારા દીકરાને બજારમાંથી સૌથી સસ્તી ગુટકાની પડીકીઓ લાવવા કહ્યું. આ વાત સાંભળતા જ મને શંકા ગઈ."

અલ્પેશભાઈ કહે છે કે શંકાને કારણે તેમણે પોતાના એક સંબંધીને મૅસેજ કરીને આ અધિકારીઓ સાચા છે કે બનાવટી એની તપાસ કરવા કહ્યું.

અલ્પેશભાઈના કહેવા અનુસાર જ્યારે આ કથિત બનાવટી ઇનકમટૅક્સ અધિકારીઓમાંથી બે લોકો મોટરસાઇકલ પર બેસાડીને તેમને ઝાલોદ લઈ જઈ રહ્યા હતા. ત્યારે જ તેમના સંબંધીએ તેમને ફોન કરીને આ અધિકારીઓ 'નકલી' હોવાની માહિતી આપી.

તેમના સંબંધીએ અલ્પેશભાઈને આ કથિત 'નકલી અધિકારીઓ'ને એક જગ્યાએ ઊભા રાખવાની સલાહ આપી પોતે પોલીસને જાણ કરી હોવાનું કહ્યું.

અલ્પેશભાઈ કહે છે કે, "મેં મારા સંબંધીએ કહ્યું એ પ્રમાણે જ કર્યું, અમે જ્યાં ઊભા હતા ત્યાં થોડી વારમાં પોલીસ આવી પહોંચી અને આ બંને નકલી અધિકારીઓ પકડાઈ ગયા."

કોણ છે આ કથિત નકલી અધિકારી?

કથિત નકલી ઇનકમટૅક્સ અધિકારી બનીને વેપારીને લૂંટવાના કેસમાં સાત આરોપીઓમાંથી પાંચ લોકો પકડાયા છે.

પોલીસે દાહોદ કોર્ટમાં રજૂ કરીને પકડાયેલા આરોપીઓના સાત દિવસના રિમાન્ડ મેળવ્યા છે.

પોલીસે આપેલી માહિતી અનુસાર આ સમગ્ર મામલામાં અમદાવાદમાં વિવેકાનંદનગરમાં હોમગાર્ડ તરીકે કામ કરતા ઉમેશ પટેલ, ભાવેશ આચાર્ય , મનીષ, વડોદરામાં જીએસટી વિભાગમાં કામ કરતાં વિપુલ પટેલની ધરપકડ કરાઈ છે.

દાહોદના ડીવાયએસપી ડીઆર પટેલે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે, "અમારી પ્રાથમિક પૂછપરછમાં ખબર પડી છે કે દાહોદના જમીન દલાલ અબ્દુલ ગુંડિયાએ અને દાહોદ રેલવેમાં યાર્ડમાં કામ કરતા રાકેશ મુંડિયાએ ભાવેશ આચાર્યને અલ્પેશ પ્રજાપતિ અંગે માહિતી આપી હતી.

અમદાવાદના હાથીજણ વિસ્તારમાં સામાજિક કાર્યકર અતુલ પટેલે ભાવેશ આચાર્ય અંગે માહિતી આપતાં બીબીસીને જણાવ્યું હતું કે તેઓ વિવેકાનંદનગર પોલીસ સ્ટેશનમાં પોલીસ માટે આઉટસૉર્સિંગ થકી ડ્રાઇવર તરીકે કામ કરતા હતા.

દાહોદ પોલીસે પણ આ વાતની પુષ્ટિ કરી હતી.

ડીવાયએસપી પટેલે આ કેસ અંગે વધુ માહિતી આપતાં કહ્યું હતું કે, "આ લોકો સાથે સુરતનો નયન પટેલ પણ આમ સામેલ હતો. 25 દિવસ પહેલાં આ લોકોએ કયા સમયે, કેવી રીતે રેડ કરવી એ અંગે આયોજન કર્યું હતું. આ લોકો સાથે સુરતના નયન પટેલ સતત ફોનથી સંપર્કમાં હતો, એની અમે તપાસ કરી રહ્યા છીએ."

દાહોદના સામાજિક કાર્યકર મોહસિન મેમણે અબ્દુલ ગુંડિયા અને રાકેશ મુંડિયા અંગે માહિતી આપતાં કહ્યું હતું કે, "અબ્દુલ ગુંડિયા જમીન દલાલીનું કામ કરતો અને દાહોદમાં વાંધામાં ગયેલી જમીનો અને અન્ય કેસોમાં આરોપીઓને મદદ કરવાનું કહીને તેમના વિશે જાણકારી મેળવી લેતો. એ પોલીસ ખાતામાં પોતાની વગ હોવાનું કહીને ઉઘરાણી કરતો. જ્યારે રાકેશ સામે ભૂતકાળમાં ગેરકાયદેસર રીતે દારૂ રાખવાના ગુના નોંધાયેલા છે."

નોંધનીય છે કે બીબીસી ગુજરાતીએ આ મામલાના આરોપીઓનો પક્ષ જાણવા માટેનો પ્રયાસ કર્યો હતો. જોકે, આરોપીના પરિચિતોનો વાતચીત માટે સંપર્ક થઈ શક્યો નહોતો.

દાહોદના એસપી ડૉ. રાજદીપસિંહ ઝાલાએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે, "પકડાયેલ તમામ આરોપીના મોબાઇલ ફોનના કૉલ ડિટેઇલ રેકૉર્ડની તપાસ ચાલી રહી છે.

"આરોપીઓએ અન્ય જિલ્લામાં આવું કોઈ કૌભાંડ કર્યું છે કે નહીં એની પણ તપાસ કરી રહ્યા છીએ. એટલું જ નહીં એ લોકોની બૅંકની ડિટેઇલ પણ એકત્રિત કરી રહ્યા છીએ જેના આધારે એમને કરેલા અન્ય ગુનાની કેટલીક વિગતો બહાર આવી શકે. રિમાન્ડ બાદ વધુ ખુલાસા પણ થશે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.