‘હું સોશિયલ મીડિયા પર મારી તસવીરો પોસ્ટ નથી કરતી’ - અફઘાનિસ્તાન છોડીને ભાગી જનારી યુવતીઓની કહાણી

    • લેેખક, પીટર ઝીલબ્રૅન્ડ
    • પદ, બીબીસી ન્યૂઝ

અફઘાનિસ્તાનમાં તાલિબાને મહિલાઓ તથા છોકરીઓને સ્કૂલે જવા પર પ્રતિબંધ મૂક્યો છે. અફઘાનિસ્તાનમાં ઘણી જાહેર જગ્યાઓ પર પણ આવા પ્રતિબંધ છે.

22 વર્ષનાં ‘માહ’ ઑગસ્ટ 2021માં, તાલિબાને રાજધાની કાબુલમાં ઘૂસણખોરી કરી ત્યારે પોતાનો દેશ છોડીને ભાગી ગયાં હતાં.

હવે માહ બ્રિટનમાં ભણી રહ્યાં છે. માહે આ સપ્તાહથી ઇંગ્લિશમાં જનરલ સર્ટિફિકેટ ઑફ સેકન્ડરી એજ્યુકેશન (જીસીએસઈ) માટે અભ્યાસ શરૂ કર્યો છે. તેમણે બીબીસી ન્યૂઝબીટને કહ્યું હતું, “હું મારા માટે ખુશ છું. હું સલામત છું. મારી પાસે આઝાદી છે. હું આઝાદ છું, પરંતુ અત્યારે અફઘાનિસ્તાનમાં મારી જે બહેનપણીઓ છે તેઓ કશું કરી શકતી નથી.”

પ્રતિબંધો વચ્ચે રહેવાં મજબૂર અફઘાન મહિલાઓ

અફઘાનિસ્તાન પર તાલિબાનના નિયંત્રણને લગભગ ત્રણ વર્ષ થયાં છે અને આ સમયગાળા દરમિયાન મહિલાઓના જીવન પરનાં નિયંત્રણોમાં વધારો થયો છે.

મહિલાઓ અને 12થી વધુ વર્ષની વયની છોકરીઓના સ્કૂલે જવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. છોકરીઓને મોટાભાગની યુનિવર્સિટી ઍન્ટ્રન્સ એક્ઝામ્સ આપતી રોકવામાં આવે છે.

તેમના નોકરી કરવા પર પ્રતિબંધ છે. બ્યૂટી સલૂન્સ બંધ કરી દેવામાં આવ્યાં છે. તેઓ પાર્ક, જીમ અને સ્પોર્ટ્સક્લબમાં જઈ શકતી નથી.

માહે કહ્યું હતું, “હું ખુશ હોઉં, દોસ્તો સાથે બહાર જાઉં કે સ્કૂલે જાઉં ત્યારે હું મારા ફોટોગ્રાફ્સ (વૉટ્સઍપ કે ઇન્સ્ટાગ્રામ પર) પોસ્ટ કરતી નથી, કારણ કે અફઘાનિસ્તાનમાંના મારા દોસ્તો “અચ્છા, એ બ્રિટનમાં છે એટલે હવે આઝાદ છે,” એવું વિચારે એમ હું ઇચ્છતી નથી.”

માહ કાર્ડિફમાં રહે છે અને તેમને આશા છે કે ઇંગ્લિશમાં જીસીએસઈ પ્રાપ્ત કરવાથી વૅલ્સમાં મિડવાઇફ(દાયણ) બનવાનું તેમના માટે આસાન બની જશે.

માહે કહ્યું હતું, “મારા માટે આ મુશ્કેલ છે, કારણ કે હું અહીં કૉલેજ જઈ શકું છું અને નોકરી કરી શકું છું, પરંતુ આ સમયગાળામાં મારી જે સખીઓ વતનમાં છે તેઓ મારી વયની છે, પરંતુ પોતાના ઘરની બહાર સુદ્ધાં નીકળી શકતી નથી.”

તાલિબાનનું કહેવું છે કે તેમનો પ્રતિબંધ ધાર્મિક મુદ્દાઓ મુજબનો છે.

તમામ સમસ્યાઓના નિરાકરણ બાદ મહિલાઓને ફરીથી ઍડમિશન આપવાનું વચન તાલિબાને વારંવાર આપ્યું છે. પાઠ્યક્રમ “ઇસ્લામિક” હોવાનું પણ તેઓ કહેતા રહ્યા છે.

જોકે, ત્યારથી માંડીને અત્યાર સુધી પ્રતિબંધના મામલે કોઈ પ્રગતિ થઈ નથી. એ ઉપરાંત અફઘાનિસ્તાન એવો એકમાત્ર દેશ છે, જ્યાં આ પ્રકારના પ્રતિબંધો લાદવામાં આવ્યાં છે.

માહનો પ્રવાસ આસાન ન હતો

પોતાના દેશમાંથી રવાના થઈને બ્રિટન આવવું અને પછી કાર્ડિફમાં શિક્ષણ પ્રાપ્ત કરવાની માહની સફર એટલી આસાન ન હતી.

તાલિબાનના કબજા વખતે માહ પહેલાં હેલમંદ પ્રાંત ગઈ હતી. ત્યાંથી કંદહાર પહોંચી હતી અને પછી કાબુલ આવી હતી.

કાબુલ પહોંચ્યાના ત્રણ દિવસ બાદ માહે જોયું કે કાબુલની શેરીઓમાં તાલિબાનનો કબજો છે.

માહે કહ્યું હતું, “હું અફઘાનિસ્તાનમાં હોત તો કદાચ તેમણે મને મારી નાખી હોત. કદાચ મારાં લગ્ન કરાવી નાખ્યાં હોત. મેં મારી મમ્મીને ફોન કરીને કહેલું કે, ‘મા, હું જઈ રહી છું.’ તેમણે સવાલ કર્યો હતોઃ ‘તું ક્યાં જઈ રહી છો?’ મેં કહ્યું હતુઃ મને ખબર નથી.”

માહ અન્ય શરણાર્થીઓ સાથે આખરે બ્રિટન પહોંચી હતી. ત્યાં તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. માહે કહ્યું હતું, “અમે બધા ખાલી હાથે આવ્યા હતા. મેં મારી મમ્મીને સારી રીતે અલવિદા પણ કહ્યું ન હતું. હું તેમને ભેટી પણ શકી ન હતી. એ બધું હું ક્યારેય ભૂલી નહીં શકું.”

માહે ઉમેર્યું હતું, “હવે એ જગ્યા સલામત નથી, પરંતુ અફઘાનિસ્તાનમાં એ જગ્યા છે, જ્યાં મારો ઉછેર થયો હતો. હું સ્કૂલે ગઈ હતી. હું એ દેશને ભૂલી શકતી નથી. હું એ બધું બહુ યાદ કરું છું.”

કાર્ડિફમાં આવા મામલાઓમાં મદદ કરતા સૌથી મોટા યુવા સંગઠનો પૈકીના એક ‘ઉર્દ’ પાસેથી માહને મદદ મળી હતી.

ઉર્દનાં ચીફ ઍક્ઝિક્યૂટિવ શાન લુઇસનું કહેવું છે કે ભાગીને વૅલ્સ પહોંચેલા કેટલાક લોકોએ ત્યાં અભ્યાસ કર્યો છે અને હવે તેઓ દ્વિભાષી બની ગયા છે.

શાન લુઇસે કહ્યું હતું, “શરૂઆતમાં તેમનું ભણવાનું અહીં ઉર્દમાં થયું હતું અને પછી તેમાંથી અનેક લોકો વૅલ્સના અલગ-અલગ વિસ્તારોમાં રહેવા ચાલ્યા ગયા હતા. તેનાથી તેમના માટે અનેક દરવાજા ઉઘડ્યા છે.”

માહ બ્રિટન પહોંચી ત્યારે અંગ્રેજી બોલી શકતી ન હતી.

માહે કહ્યું હતું, “એ બહુ જ મુશ્કેલ હતું. હું કોઈને જાણતી ન હતી. દરેક ચીજ મારા માટે નવી હતી.”

જોકે, હવે ત્રણ વર્ષ પછી માહે બીબીસી ન્યૂઝબીટને અંગ્રેજીમાં ઇન્ટર્વ્યૂ આપ્યો હતો, જે 20 મિનિટનો હતો. હવે માહ અન્ય ભાષા પણ શીખી રહી છે.

માહે કહ્યું હતું, “અહીંના લોકોએ રોજ ઉપરવાળાનો આભાર માનવો જોઈએ. અહીં મહિલાઓ પાસે અધિકાર છે. અહીં લોકોને જે કંઈ જોઈએ તે બધું જ ઉપલબ્ધ છે. તેઓ સલામત છે. તેમણે ખુશ થવું જોઈએ કે તેઓ કેટલા નસીબદાર છે.”

અકદાસે પણ છોડ્યો છે પોતાનો દેશ

17 વર્ષની અકદાસ પણ અફઘાનિસ્તાન છોડીને બીજા દેશમાં આવ્યાં છે. અકદાસ તેમના વતનથી લગભગ 12,000 માઈલ દૂર અમેરિકામાં રહે છે.

તેને ન્યૂ મૅક્સિકોની એક કૉલેજ તરફથી સંપૂર્ણ સ્કૉલરશિપ મળી છે.

તાલિબાને જે દિવસે કાબુલ કબજે કર્યું એ દિવસને યાદ કરતાં અકદાસે કહ્યું હતું, “મને યાદ છે કે શું કરવું તે સમજાતું ન હતું. શું તેઓ મારો હક્ક છીનવી લેશે? મારાં મમ્મીએ 20 વર્ષ પહેલાં જેવી હિંસાનો સામનો કરવો પડ્યો હતો, તેવી જ હિંસાનો સામનો મારે પણ કરવો પડશે?”

અકદાસે ઉમેર્યું હતું, “મેં જોયું કે મારી મમ્મી રડી રહી હતી. તેમણે મારા ખભા પર હાથ મૂકીને કહ્યું હતું કે તાલિબાનને કારણે હવે હું આગળ અભ્યાસ ચાલુ નહીં રાખી શકું.”

અકદાસનાં માતાએ તેને એમ પણ કહ્યું હતું કે “તાલિબાન કે એવી કોઈ પણ મુશ્કેલીને આપણી જીવનકથા લખવા દેવી ન જોઈએ.”

એ પછી અકદાસે હેરાત ઓનલાઇન સ્કૂલની મદદથી પોતાનો અભ્યાસ ઓનલાઇન માધ્યમથી ગૂપચૂપ ચાલુ રાખ્યો હતો.

અકદાસે કહ્યું હતું, “મેં ભણવાનું ક્યારેય છોડ્યું ન હતું. ઓનલાઇન કે બીજી રીતે ચાલુ જ રાખ્યું હતું.”

અકદાસના જીવનની કેટલીક ક્ષણો મુશ્કેલ અને વેરવિખેર કરી નાખે તેવી હતી.

તેને અમેરિકા માટે સ્કૉલરશીપ મળી ત્યારે વીઝાની જરૂર હતી, પરંતુ અફઘાનિસ્તાનમાં દૂતાવાસ બંધ હતો.

‘માત્ર છોકરીઓનું શિક્ષણ જ નહીં, બીજી અનેક સમસ્યાઓ છે’

અકદાસના જણાવ્યાં મુજબ, એ પછી તેઓ મેડિકલ વીઝા પર તેમના પિતા સાથે પાકિસ્તાન પહોંચ્યાં હતાં, કારણ કે મહિલાઓને એકલા દેશ છોડવાની છૂટ ન હતી.

અકદાસે હવે પોતાના ક્લાસ શરૂ કરી દીધા છે. તેમના કહેવાં મુજબ, અફઘાનિસ્તાનમાં એવી ઘણી બાબતો છે, જેને ધ્યાનમાં લેવામાં આવતી નથી.

અકદાસે કહ્યું હતું, “ઘણા લોકો એવું વિચારે છે કે અફઘાનિસ્તાનમાં માત્ર છોકરીઓના શિક્ષણની જ સમસ્યા છે. હકીકતમાં ત્યાં મેન્ટલ હેલ્થ જેવી બીજી અનેક સમસ્યાઓ છે.”

“અફઘાનિસ્તાનમાં છોકરીઓ રોજ ડિપ્રેશનમાંથી પસાર થાય છે, પરંતુ કોઈ મદદ મળતી નથી.”

બ્રિટન સરકારે બીબીસી ન્યૂઝબીટને જણાવ્યું હતું કે યુનિવર્સિટીઓ અને સ્કૂલોમાં મહિલાઓ પરના પ્રતિબંધની તે આકરી ટીકા કરે છે. “આ નિર્ણયો પાછા લેવા અને અફઘાન છોકરીઓના અધિકારોની સુરક્ષા માટે અમે તાલિબાનને આહ્વાન કરીએ છીએ,” એમ પણ બ્રિટન સરકારે જણાવ્યું હતું.

મહિલાઓ અને છોકરીઓના શિક્ષણ પર પ્રતિબંધના મુદ્દે તાલિબાન સરકારનો પ્રતિભાવ મેળવવા ન્યૂઝબીટે તેમનો સંપર્ક કર્યો હતો, પરંતુ કોઈ જવાબ મળ્યો ન હતો.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.