'મને ડર છે કે મારું સંતાન ગર્ભમાં જ મૃત્યુ પામશે', તાલિબાનના શાસનમાં સગર્ભા મહિલાની કરૂણ કહાણી

    • લેેખક, હફિઝુલ્લાહ મારૂફ
    • પદ, બીબીસી સંવાદદાતા

અફઘાનિસ્તાનમાં ઘણી આરોગ્ય સુવિધાઓ અને પ્રસૂતિ વૉર્ડ્સ બંધ થઈ રહ્યાં હોવાથી સગર્ભા મહિલાઓ ભયભીત છે અને પોતાની જાતને નિઃસહાય અનુભવી રહી છે.

સગર્ભા મહિલાઓએ ગર્ભાવસ્થા દરમિયાન ડૉક્ટરોને ઓછામાં ઓછું ચાર વખત પોતાની તબીયત દેખાડવા જવાનું થતું હોય છે, પરંતુ આરોગ્યસંભાળના અભાવે અફઘાનિસ્તાનમાં ઘણી સગર્ભા મહિલાઓ આવું કરી શકતી નથી.

ઉત્તર બદખ્શાન પ્રાંતમાં રહેતાં ફરકુંદા છ માસના ગર્ભવતી છે. તેઓ કહે છે, “મને ડર છે કે મારું સંતાન ગર્ભમાં જ મૃત્યુ પામશે અથવા મૃત અવતરશે.”

ફરકુંદા વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન દ્વારા સંચાલિત 60 બેડની હૉસ્પિટલમાં પ્રસૂતિ કરાવવાં ઇચ્છતાં હતાં, પરંતુ તેનું મૅટરનિટી યુનિટ જુલાઈથી બંધ છે.

તેઓ કહે છે, “પ્રથમ સંતાન વખતે મારું સિઝેરિયન કરવું પડ્યું હતું. આ વખતે શું થશે તેની મને ખબર નથી. હું ખૂબજ ચિંતિત છું.”

બીબીસી અફઘાને ફરકુંદા જેવી અનેક સગર્ભા મહિલાની કહાણી સાંભળી હતી, જે દર્શાવે છે કે દેશમાં પ્રસૂતિની સારવાર અને સંભાળ પર મોટું ભારણ છે.

માતૃત્વ અને ચિંતા

અફઘાનિસ્તાનમાં બદખ્શાન સ્થળને સ્થાનિક લોકો “જન્મ આપવા માટેના સૌથી ખરાબ સ્થળ” તરીકે ઓળખે છે. પહોંચવામાં મુશ્કેલી થાય તેવા આ પર્વતીય પ્રાંતમાં વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશને મહિલાઓ માટે બહુજરૂરી સેવા પૂરી પાડી હતી.

અફઘાનિસ્તાનમાં વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઈઝેશને બીબીસીને જણાવ્યું હતું કે ભંડોળમાં નોંધપાત્ર ઘટાડાને કારણે હૉસ્પિટલનું પ્રસૂતિ એકમ બંધ કરવા સિવાયનો બીજો કોઈ વિકલ્પ તેમની પાસે નથી.

પ્રસૂતિ એકમના એક ભૂતપૂર્વ કર્મચારીએ બીબીસીને કહ્યું હતું, “સુવિધા બંધ કરવામાં આવી એ પહેલાં અહીં રોજ 15 સિઝેરિયન ઑપરેશન કરવામાં આવતાં હતાં.”

હૉસ્પિટલમાં કાયમ ભીડ રહેતી હતી. એક બેડ પર ચાર મહિલાઓ બેસતી હતી અને ડૉક્ટર તેમને બોલાવે તેની રાહ જોતી હતી.

અધિકારીએ કહ્યું હતું, “હિસ્ટેક્ટોમી અને સિસ્ટેક્ટોમી જેવા અન્ય ઑપરેશનો પણ હૉસ્પિટલમાં કરવામાં આવતાં હતાં.”

બદખ્શાનમાં કાર્યરત એકમાત્ર અન્ય પ્રસૂતિ હૉસ્પિટલને આગા ખાન ચૅરિટી દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવે છે. 30 બેડની આ હૉસ્પિટલમાં બે નિષ્ણાતો અને ચાર ડૉક્ટરો છે. આ હૉસ્પિટલ વધુ સુવિધાની માગના વધારાનો સામનો કરી રહી છે.

નજીકના કુન્દુઝમાંની હૉસ્પિટલે પહોંચવા લગભગ પાંચ કલાક પ્રવાસ કરવો પડે છે. ફરકુંદા જેવી ગરીબ મહિલાઓને કાર ભાડેથી લેવાનું પોસાતું નથી. એવી મહિલાઓને પૈસા મળી જાય તો પણ તેઓને કુન્દુઝની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવશે કે કેમ તેની ખાતરી નથી, કારણ કે આ હૉસ્પિટલમાં પણ ભારે ભીડ રહે છે.

વધતાં મૃત્યુ

યુનિસેફના આંકડા અનુસાર, અફઘાનિસ્તાનમાં 2020માં દર 1,000 બાળકે શિશુ મૃત્યુદર 37 નોંધાયો હતો, જે વૈશ્વિક સરેરાશ કરતાં લગભગ ત્રણગણો વધારે છે.

અફઘાનિસ્તાનના પાંચમા ક્રમના સૌથી મોટા શહેર જલાલાબાદના એક ડૉક્ટરે જણાવ્યુ હતું કે માતાઓના મૃત્યુદરની સરખામણીએ શિશુઓનો મૃત્યુદર ઝડપથી વધી રહ્યો છે.

ડૉક્ટરે કહ્યું હતું, “અમારી પાસે સરકારી હૉસ્પિટલોમાં પ્રિમેચ્યોર બાળકોને રાખવાની સુવિધા નથી. પ્રસૂતિ દરમિયાન સર્જાતી જટિલ સમસ્યાઓના સામના માટે અમારી પાસે પૂરતી સુવિધાઓ નથી.”

સુયાણીઓની અપૂરતી સંખ્યા

યુનિસેફના તાજેતરના અહેવાલ મુજબ, આશરે 33 ટકા મહિલાઓ આરોગ્ય સુવિધાઓની બહાર બાળકને જન્મ આપી રહી છે.

તાલિબાન દ્વારા લાદવામાં આવેલા સામાજિક પ્રતિબંધોને કારણે આરોગ્ય કર્મચારીઓ પ્રવાસ કરવામાં સાવચેતી રાખે છે. તેનો અર્થ એ છે કે ઘણી સ્ત્રીઓએ પ્રસૂતિનું પ્રશિક્ષણ ન પામેલી સંબંધીત સ્ત્રીઓ અને પાડોશીઓ પર સુવાવડ માટે નિર્ભર રહેવું પડે છે.

કંદહાર પ્રાંતના અંતરિયાળ વિસ્તારની એક સુયાણીએ કહ્યું હતું, “આ વિસ્તારમાં પ્રસૂતિ સેવાઓનો અભાવ હોવાને કારણે કેટલીક સ્ત્રીઓ ઘરમાં જ બાળકને જન્મ આપે છે. બાળજન્મની હાલની પદ્ધતિ તબીબી સહાય તથા મૂળભૂત સ્વચ્છતાના માપદંડના સંદર્ભમાં સંપૂર્ણપણે ખામીયુક્ત છે.”

તેમણે ઉમેર્યું હતું, “એકવાર ગામવાસીઓ એવી મહિલાને લાવ્યા હતા, જેણે રાતે બે વાગ્યે બાળકને જન્મ આપ્યો હતો, પરંતુ તેની ગર્ભનાળ બહાર આવી ન હતી.”

પરિવારે સવાર સુધી રાહ જોઈ અને પછી તેને હૉસ્પિટલે લઈ ગયા હતા.

“એ મહિલાને ભયંકર પીડા થતી હતી. અમે અમારા શ્રેષ્ઠ પ્રયાસો કર્યા પછી તેને પીડામાંથી રાહત મળી હતી.”

આ સુયાણી માને છે કે પ્રસૂતાના કિસ્સામાં થોડા કલાકોનો વિલંબ પણ જીવલેણ સાબિત થઈ શકે છે.

કસુવાવડની વધતી સંખ્યા

બહુ થોડી સ્ત્રીઓ હૉસ્પિટલની ફી ચૂકવી શકે છે.

કાબુલની ખાનગી હૉસ્પિટલ શેફાજો ક્લિનિકના વેઇટિંગ રૂમમાં અમારી મુલાકાત 35 વર્ષનાં મુસર્સલ સાથે થઈ હતી. તેમને સાત કસુવાવડ થઈ હતી, જ્યારે 20 વર્ષનાં હમીદાને ચાર કસુવાવડ થઈ હતી. તેઓ આઘાતગ્રસ્ત હતાં.

શારીરિક રીતે થાકેલાં અને ભાવનાત્મક રીતે નંખાઈ ગયેલાં મુસર્સલે હિજાબમાંથી કહ્યું હતું, “મુખ્યત્વે સારા પોષણનો અભાવ અને વજન ઉઠાવવાને કારણે મને કસુવાવડ થતી હોવાનું ડૉક્ટર્સ મને કહે છે.”

અફઘાનિસ્તાનની મોટાભાગની મહિલાઓથી વિપરીત મુસર્સલ પાસે સરકારી નોકરી છે. તેઓ પૌષ્ટિક આહાર લે છે અને શારીરિક શ્રમ જરૂરી હોય તેવાં કામ કરતાં નથી.

બૉલ્ડ રૅડ નેઈલ પૉલીશ અને સિલ્કી અબાયામાં સજ્જ હમીદા ક્લિનિકમાં આવ્યાં હતાં. તેમનો ચહેરો ઢંકાયેલો છે.

તેમણે કહ્યું હતું, “મારી છેલ્લી કસુવાવડ છ મહિના પહેલાં થઈ હતી. એ પછી મેં કંદહાર, ક્વેટા અને ચમનના ડૉક્ટરોની સલાહ લીધી હતી.”

ક્વેટા અને ચમન પાકિસ્તાનમાં આવેલાં શહેરો છે. કંદહારના ડૉક્ટરોએ હમીદાને બૅક્ટેરિયલ ઇન્ફૅક્શન થયું હોવાનું નિદાન કર્યું હતું અને એક વૅક્સિન લેવાની સલાહ આપી હતી. મુસર્સલની માફક હમીદા પણ બાળકને જન્મ આપવાં આતુર છે.

હમીદા 16 વર્ષનાં હતાં ત્યારે તેમને બળજબરીથી પરણાવી દેવામાં આવ્યાં હતાં અને હવે બધા તેમને બાળક ન હોવા માટે ટોણાં મારે છે.

હમીદાએ કહ્યું હતું, “કેટલાક લોકો મને ચીડવે છે અને પૂછે છે કે મને બાળક કેમ નથી. આ શબ્દો સહન કરવાનું મારા માટે બહુ મુશ્કેલ છે.”

બન્ને મહિલાઓએ અનેક ટેસ્ટ્સ કરાવ્યા છે અને હવે પરિણામની રાહ જોઈ રહી છે.

મુસર્સલ અને હમીદા બન્ને સ્ત્રીરોગ ચિકિત્સક તથા શેફાજો ક્લિનિકના સ્થાપક ડૉ. નજમુસમા શેફાજોનાં પેશન્ટ છે.

આરોગ્યસંભાળમાં મોટાં ઘટાડાનાં અનેક કારણો છે, એમ જણાવતાં ડૉ. શેફાજો કહે છે, “સ્ત્રી ડૉક્ટર્સ તથા નર્સ અને ખાસ હૉસ્પિટલ્સ તથા દવાઓનો અભાવ મુખ્ય પરિબળો છે. લોકોમાં નિરક્ષરતા અને જાગૃતિનો અભાવ તેમાં ઉમેરો કરે છે.”

તાલિબાને 2021માં સત્તા સંભાળી પછી ઘણી અનુભવી મહિલા ડૉક્ટરો અફઘાનિસ્તાનમાંથી રવાના થઈ ગઈ હતી. નવી સરકારે લાયકાત ધરાવતી મહિલા સ્નાતકોને મેડિકલ લાયસન્સ આપવાનો તાજેતરમાં ઇનકાર કર્યો હતો. તેના કારણે સ્થિતિ વકરી છે.

ડૉ. શેફાજોએ કહ્યું હતું, “મહિલા ડૉક્ટરોની તંગી વધી રહી છે અને તે વધશે.”

સરકાર સંચાલિત હૉસ્પિટલ્સ આ વધતી માગને પહોંચી વળવા અસમર્થ છે અને જરૂરી આરોગ્યસંભાળ સેવાઓ પૂરી પાડી શકતી નથી, એમ તેમણે ઉમેર્યું હતું.

તેમણે કહ્યું હતું, “બ્લીડિંગ થતું હોય તેવી ત્રણ-ચાર મહિલાઓને એક સરકારી હૉસ્પિટલમાં એક જ બેડ પર બેસાડવામાં આવી હોય તેવું મેં જોયું છે. બીજી જગ્યાએ એક જ ઇન્ક્યુબેટરમાં પાંચ બાળકો જોવાં મળ્યાં હતાં.”

તાલિબાનના પ્રવક્તાએ માતૃત્વ સંભાળમાં અક્ષમતા માટે અગાઉની સરકારને જવાબદાર ગણાવી હતી.

ડૉ. શરાફત જમાને કહ્યું હતું, “અફઘાનિસ્તાનમાં મજબૂત સ્વાસ્થ્ય પ્રકલ્પોના અમલીકરણ માટે અમને ટેકો આપવા દાતાઓને સમજાવવાના પ્રયાસ અમે કરી રહ્યા છીએ.”

તેમણે ઉમેર્યું હતું કે અમારો હેતુ અફઘાન લોકો માટે વધુ સારી આરોગ્ય સેવાઓ પૂરી પાડી શકે તેવા લાંબા ગાળાના મજબૂત પ્રોજેક્ટ્સ પર કામ કરવાનો છે.

તેમણે એમ પણ જણાવ્યું હતું કે આરોગ્યસંભાળમાં સુધારણા માટે તેઓ આંતરિક બજેટ અને આંતરરાષ્ટ્રીય ભંડોળ બન્નેમાંથી સંસાધનો મેળવવાના પ્રયાસ કરી રહ્યા છે. આ પ્રક્રિયા ફળીભૂત થવામાં વર્ષો લાગી શકે છે.

બદખ્શાનમાં પાછા ફરીએ.

અહીં ફરકુંદા ચિંતિત છે. તેમના સંતાનનું આગમન ઑક્ટોબરમાં થવાનું છે. તેઓ લાચાર છે અને આવનારા સમયથી ભયભીત છે.

અહીં કાર્યરત એકમાત્ર હૉસ્પિટલમાં ભીડ છે અને નવા દર્દીઓને પાછા મોકલવામાં આવી રહ્યા છે.

એ હૉસ્પિટલમાં પ્રવેશ મળવાની શક્યતા ઓછી છે, એમ જણાવતાં ફરકુંદા કહે છે, “ખાનગી હૉસ્પિટલમાં જવા માટેની ફીના 25,000 અફઘાની (અંદાજે 29,800 રૂપિયા) હું ચૂકવી શકું તેમ નથી.”

ફરકુંદા જાણે છે કે તાલિબાન દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધોને કારણે ઘરે પ્રસૂતિ કરવા માટે સુયાણી મેળવવાનું અશક્ય છે.

નિરાશ ફરકુંદા કહે છે, “મહિલાઓ માટે હૉસ્પિટલની સુવિધા બહુ જ મર્યાદિત છે. સરકારને તેની કોઈ પરવા નથી.”

(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.