અફઘાનિસ્તાન: દમ તોડતાં બાળકોને જોઈને માતા કહે છે, ‘તેમની જગ્યાએ હું મરી જાઉં’

    • લેેખક, યોગીતા લિમયે
    • પદ, બીબીસી સંવાદદાતા, જલાલાબાદથી

આ અહેવાલની કેટલીક બાબતો તમને શરૂઆતથી જ વિચલિત કરી શકે છે.

અફઘાનિસ્તાનમાં તાલિબાન સત્તા પર આવ્યા પછી ભયંકર અવ્યવસ્થા છે અને મોટી સંખ્યામાં બાળકો ગરીબી અને કુપોષણનો ભોગ બન્યાં છે.

અમીના નામનાં મહિલા પોતાનાં છ બાળકો ગુમાવી ચૂક્યાં છે. તેઓ કહે છે કે, "મારા માટે આ કયામતના દિવસ જેવું છે. મને અત્યંત દુઃખ થાય છે. મારા બાળકોને મરતાં જોઈને મારા પર શી વીતતી હશે તેની તમે કલ્પના કરી શકો?"

અમીનાનાં 6 બાળકો મૃત્યુ પામ્યાં તેમાંથી એક પણ બાળક ત્રણ વર્ષ કરતા વધારે જીવી શક્યું નહીં. હવે વધુ એક બાળક જીવન અને મોત વચ્ચે ઝોલા ખાય છે.

સાત મહિનાની બીબી હજિરાનું કદ હજુ નવજાત શિશુ જેટલું જ છે. ગંભીર કુપોષણના કારણે અફઘાનિસ્તાનના પૂર્વ નંગરહાર પ્રાંતના જલાલાબાદ ક્ષેત્રિય હૉસ્પિટલના એક વૉર્ડમાં હજિરા માત્ર અડધી પથારીમાં જ સમાઈ જાય છે.

પીડાના કારણે લગભગ ચીસો પાડતી હોય તે રીતે અમીના કહે છે, “મારાં બાળકો ગરીબીના કારણે દમ તોડી રહ્યાં છે. હું તેમને માત્ર સૂકી રોટી અને પાણી ખવડાવું છું જેને હું સૂરજના તડકામાં ગરમ કરું છું.”

આના કરતા પણ ભયંકર વાત એ છે કે તેની કહાણી અનોખી નથી. સમયસર ઇલાજ થયો હોત તો બીજા ઘણાના જીવ બચાવી શકાયા હોત.

બીબી હજિરા અફઘાનિસ્તાનમાં કુપોષણથી પીડિત 32 લાખ બાળકો પૈકી એક છે. ગરીબી અને કુપોષણથી અફઘાનિસ્તાન તબાહ થઈ ગયું છે. અફઘાનિસ્તાન છેલ્લા કેટલાય દાયકાથી આવી સમસ્યામાં ઘેરાયેલું છે. 40 વર્ષ સુધી ચાલેલાં યુદ્ધ, દારૂણ ગરીબી અને તાલીબાન સત્તા પર આવ્યાં તેનાંં ત્રણ વર્ષમાં પેદા થયેલાં બીજા પરિબળોના કારણે હાલત ખરાબ છે.

હવે અહીં અભૂતપૂર્વ સંકટ પેદા થયું છે

કોઈના માટે એ કલ્પના કરવી પણ મુશ્કેલ છે કે 32 લાખ લોકોની હાલત આવી કેવી છે. તેથી આ એક નાનકડી હૉસ્પિટલના એક રૂમની કહાણીઓ ભયંકર સંકટ વિશે મહત્ત્વનો ચિતાર આપી શકે છે.

અહીં સાત પથારીમાં કુલ 18 બાળકો છે. એવું નથી કે સિઝનના કારણે દર્દીઓમાં ઉછાળો આવ્યો છે. અહીં હંમેશા આવું જ રહે છે. કોઈ ચીસ કે રડવાનો અવાજ નથી. રૂમમાં ગભરાટ પેદા કરે તેવી નીરવ શાંતિ પ્રસરેલી છે. માત્ર પલ્સ રેટ મૉનિટરનો બીપનો અવાજ શાંતિમાં ખલેલ પાડે છે.

મોટાં ભાગનાં બાળકોને ન તો બેહોશ કરવામાં આવ્યા છે કે ન તેમણે ઑક્સિજન માસ્ક પહેર્યાં છે. તેઓ જાગૃત છે પણ એટલાં બધાં નબળાં છે કે હલનચલન અથવા અવાજ પણ કરી શકે તેમ નથી.

બીબી હજીરાની સાથે તેની જ પથારી પર ત્રણ વર્ષની સાના છે જેણે જાંબુડિયા રંગનું અંગરખું પહેર્યું છે અને તેની ટૂંકી બાય તેનો ચહેરો ઢાંકે છે. તેની માતા તેની બહેનને જન્મ આપતી વખતે થોડા જ મહિના અગાઉ મૃત્યુ પામી હતી. તેથી તેની માસી લૈલા તેની સારસંભાળ રાખે છે. લૈલા મારો હાથ પકડીને સાત આંગળીઓ ગણાવે છે. દરેક બાળકનાં મૃત્યુની એક આંગળી.

પાસેની પથારીમાં ત્રણ વર્ષનો ઈલ્હામ છે જે પોતાની ઉંમરના પ્રમાણમાં બહુ નાનો દેખાય છે. તેના હાથ, પગ અને ચહેરાની ત્વચા ઉતરી રહી છે. ત્રણ વર્ષ અગાઉ તેની બે વર્ષની બહેનનું મોત નિપજ્યું હતું.

એક વર્ષની અસ્માની હાલત જોવી તો તેના કરતા પણ વધુ પીડાદાયક છે. તેને સુંદર ભૂરી આંખો અને લાંબી પાંપણ છે, પરંતુ તે સાવ ખુલ્લી છે. આંખનો પલકારો નથી લઈ શકતી કારણ કે તે ઑક્સિજન માસ્કની મદદથી જોરથી શ્વાસ લે છે જે તેના નાનકડા ચહેરાને ઢાંકે છે.

તેની બાજુમાં ઉભેલા ડૉક્ટર સિકંદર ઘની પોતાનું માથું હલાવે છે. તેઓ કહે છે, "મને નથી લાગતું કે તે જીવીત બચી શકે." અસ્માનું નાનકડું શરીર સૅપ્ટિક શૉકમાં જતું રહ્યું છે.

આવી પરિસ્થિતિ હોવા છતાં ત્યાં સુધી રૂમમાં એક સન્નાટો હતો. નર્સ અને માતાઓ કામ કરતી હતી, બાળકોને ખાવાનું ખવડાવતી હતી, તેમને શાંત કરતી હતી. અચાનક બધું અટકી જાય છે. કેટલાય ચહેરા પર એક તૂટેલો ભાવ આવે છે.

અસ્માનાં માતા નસીબા રડવાં લાગે છે. તેઓ પોતાનો બુરખો ઉઠાવે છે અને પોતાની દીકરીને ચૂમવા માટે નીચે ઝુકે છે.

તેઓ રડતાં રડતાં કહે છે, "એવું લાગે છે જાણે મારા શરીરમાં માંસ પીગળી રહ્યું છે. હું તેને આ રીતે પીડા ભોગવતી નથી જોઈ શકતી."

નસીબા પહેલેથી ત્રણ બાળકો ગુમાવી ચૂક્યાં છે.

તેઓ કહે છે,"મારા પતિ એક મજૂર છે. તેમને જ્યારે કામ મળે ત્યારે અમને ખાવા મળે છે."

ડૉ. ગનીએ અમને જણાવ્યું કે અસ્માને કોઈ પણ સમયે કાર્ડિયાક ઍરેસ્ટ આવી શકે છે. અમે રૂમમાંથી બહાર નીકળીએ છીએ. એક કલાક કરતા પણ ઓછા સમય પછી તે મૃત્યુ પામી.

નંગરહારમાં તાલિબાનના જાહેર આરોગ્ય વિભાગે અમને જણાવ્યું કે અફઘાનિસ્તાનમાં છેલ્લાં છ મહિનામાં સાતસો બાળકોનાં મોત નિપજ્યાં છે. એટલે કે રોજના ત્રણથી વધારે મોત.

આ એક ચોંકાવનારો આંકડો છે. પરંતુ વિશ્વ બૅન્ક અને યુનિસેફના ફંડિંગથી ચાલતી આ સુવિધાને ચાલુ રાખવામાં આવી ન હોત તો મૃત્યુનો આંકડો આના કરતા પણ મોટો હોત.

ઑગસ્ટ 2021 સુધી પાછલી સરકારોને આપવામાં આવેલા આંતરરાષ્ટ્રીય ભંડોળથી અફઘાનિસ્તાનમાં લગભગ તમામ જાહેર આરોગ્ય સંભાળ માટે નાણાં અપાયાં હતાં.

તાલિબાને જ્યારે કબજો કરી લીધો ત્યારે તેમની સામે આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોના કારણે નાણાં મળતાં બંધ થઈ ગયાં. તેના કારણે આરોગ્ય વ્યવસ્થા ભાંગી પડી. સહાય એજન્સીઓએ કામચલાઉ ઇમર્જન્સી સુવિધા આપવા માટે પગલાં લીધાં.

આ હંમેશા એક અસ્થિર ઉપાય હતો. હવે દુનિયામાં આટલી બધી ઘટનાઓ બની રહી છે ત્યારે અફઘાનિસ્તાન માટે નાણાકીય ટેકો ઘટી ગયો છે. આ ઉપરાંત તાલિબાન સરકારની નીતિઓ, ખાસ કરીને મહિલાઓ પર મૂકાયેલા પ્રતિબંધોના કારણે પણ દાનકર્તાઓ ભંડોળ આપતા ખચકાય છે.

તાલિબાન સરકારના નાયબ પ્રવક્તા હમદુલ્લા ફિતરતે અમને જણાવ્યું કે, “અમને ગરીબી અને કુપોષણની સમસ્યા વારસામાં મળી છે. પૂર અને ક્લાઈમેટ ચેન્જ જેવી કુદરતી આફતોના કારણે પરિસ્થિતિ વધુ વકરી છે. આંતરરાષ્ટ્રીય સમુદાયે માનવીય સહાયતા પૂરી પાડવી જોઈએ. તેને રાજકીય અને આંતરિક મુદ્દા સાથે જોડવું ન જોઈએ.”

પાછલાં ત્રણ વર્ષમાં અમે આ દેશમાં એક ડઝનથી વધારે આરોગ્ય સુવિધાઓની મુલાકાત લીધી છે અને સ્થિતિ ઝડપથી કથળતી જોઈ છે. હૉસ્પિટલની છેલ્લી કેટલીક મુલાકાતો દરમિયાન અમે બાળકોને મરતાં જોયાં.

પરંતુ અમે એ પણ જોયું કે યોગ્ય ઇલાજ કરીને બાળકોને બચાવી શકાય છે. ડૉ. ઘનીએ અમને ફોન પર જણાવ્યું કે અમે જ્યારે હૉસ્પિટલે ગયા હતા ત્યારે બીબી હજીરાની હાલત નાજુક હતી. હવે તેની સ્થિતિમાં ઘણો સુધારો થયો છે અને તેને હૉસ્પિટલમાંથી રજા આપી દેવાઈ છે.

તેઓ કહે છે કે “અમારી પાસે વધુ દવાઓ, સુવિધાઓ અને આરોગ્ય કર્મચારીઓ હોત તો વધુ બાળકોને બચાવી શકાયાં હોત. અમારો સ્ટાફ પ્રતિબદ્ધ છે. અમે સખત મહેનત કરીએ છીએ અને વધુ મહેનત કરવા તૈયાર છીએ.”

“મારા પણ બાળકો છે. જ્યારે કોઈ બાળકનું મૃત્યુ થાય ત્યારે અમને પણ દુઃખ થાય છે. હું જાણું છું કે માતા-પિતાના દિલ પર શું વીતે છે.”

કુપોષણ એ બાળકોના મૃત્યુદરમાં ઉછાળાનું એકમાત્ર કારણ નથી. અટકાવી શકાય અને સારવાર કરી શકાય તેવી બીજી બીમારીઓ પણ બાળકોનો જીવ લઈ રહી છે.

કુપોષણ વૉર્ડની નજીક ઇન્ટૅન્સિવ કૅર યુનિટમાં છ મહિનાની ઉમરા અત્યારે ન્યુમોનિયા સામે લડે છે. નર્સ જ્યારે તેના શરીર પર સેલાઇન ડ્રિપ લગાવે છે ત્યારે તે જોર જોરથી રડવાં લાગે છે. તેનાં માતા નસરીન તેની બાજુમાં બેઠાં છે અને આંસુ વહાવે છે. તેઓ કહે છે, “કાશ તેની જગ્યાએ હું મરી જાઉં. મને બહુ ડર લાગે છે.” હૉસ્પિટલ ગયાના બે દિવસ પછી ઉમરાનું મૃત્યુ થયું.

આ તે એવા લોકોની વાતો છે જેઓ હૉસ્પિટલ સુધી જઈ શક્યા. એવા હજારો છે જેઓ હૉસ્પિટલ સુધી નથી પહોંચ્યા. હૉસ્પિટલમાં સારવારની જરૂર હોય તેવા પાંચમાંથી માત્ર એક જ બાળકને જલાલાબાદની હૉસ્પિટલમાં સારવાર મળી શકી છે.

તબીબી સુવિધા પર દબાણ એટલું તીવ્ર છે કે અસ્માનાં મૃત્યુ પછી તરત જ, એક નાનકડી બાળકી ત્રણ મહિનાની આલિયાને અસ્માએ ખાલી કરેલી અડધી પથારીમાં ખસેડવામાં આવી હતી.

જે કંઈ થયું તેની પ્રોસેસ કરવા માટે રૂમમાં કોઈની પાસે સમય નહોતો. સારવાર માટે અન્ય એક ગંભીર રીતે બીમાર બાળક આવી ગયું હતું.

જલાલાબાદની હૉસ્પિટલ હેઠળ પાંચ પ્રાંત આવે છે. તાલિબાન સરકારના અંદાજ પ્રમાણે આ પ્રાંતોમાં 50 લાખ લોકો હોવાનો અંદાજ છે. અને હવે તેના પર દબાણ વધુ વધી ગયું છે. ગયા વર્ષના અંતથી પાકિસ્તાન દ્વારા બળજબરીથી દેશનિકાલ કરાયેલા 700,000 થી વધુ અફઘાન શરણાર્થીઓમાંથી મોટાભાગના નાંગરહારમાં રહેવાનું ચાલુ રાખે છે.

હૉસ્પિટલની આજુબાજુના સમુદાયોમાં અમને યુએન દ્વારા આ વર્ષે બહાર પાડવામાં આવેલા અન્ય ચિંતાજનક આંકડાના પુરાવા મળ્યા છે. અફઘાનિસ્તાનમાં પાંચ વર્ષથી ઓછી ઉંમરનાં 45 ટકા બાળકો સ્ટંટેડ છે, એટલે કે તેમની ઉંચાઈ હોવી જોઈએ તેના કરતા ઓછી છે.

રોબિનાનો બે વર્ષનો પુત્ર મહમદ હજુ ઊભો રહી શકતો નથી અને ઊંચાઈ ઓછી રહી ગઈ છે.

રોબિના કહે છે, “ડૉક્ટરે મને કહ્યું છે કે તેને આગામી ત્રણથી છ મહિના સુધી સારવાર મળશે તો તે ઠીક થઈ જશે. પણ અમને ખાવાનું પણ પોસાય તેમ નથી. અમે સારવાર માટે કેવી રીતે ચૂકવણી કરીશું?"

તેમણે અને તેમના પરિવારે ગયા વર્ષે પાકિસ્તાન છોડવું પડ્યું અને હવે તેઓ જલાલાબાદથી થોડે દૂર શેખ મિસ્ત્રીના વિસ્તારમાં ધૂળ ઉડતી હોય તેવી સૂકી વસતીમાં રહે છે.

રોબિના કહે છે કે “મને બીક છે કે તે વિકલાંગ થઈ જશે અને ક્યારેય ચાલી નહીં શકે.”

“પાકિસ્તાનમાં અમારું જીવન કઠિન હતું. પરંતુ કામ તો મળતું હતું. અહીં મારા મજૂરીકામ કરતા પતિને ભાગ્યે જ કોઈ કામ મળે છે. અમે હજુ પણ પાકિસ્તાનમાં હોત તો અમે આનો ઈલાજ કરાવી શક્યા હોત.”

યુનિસેફનું કહેવું છે કે સ્ટન્ટિંગથી અત્યંત ગંભીર શારીરિક અને સંજ્ઞાનાત્મક ક્ષતિ થઈ શકે છે. તેમાં સુધારો નથી થઈ શકતો અને તેની અસર આજીવન રહે છે. એટલું જ નહીં, તે આગળની પેઢીને પણ અસર કરી શકે છે.

ડૉ. ઘની પૂછે છે, “અફઘાનિસ્તાન પહેલેથી આર્થિર રીતે સંઘર્ષ કરી રહ્યું છે. આપણી ભવિષ્યની પેઢીનો એક મોટો વર્ગ શારીરિક અથવા માનસિક રીતે અક્ષમ હોય તો આપણો સમાજ તેની મદદ કેવી રીતે કરી શકશે?”

જો વધારે મોડું થઈ જાય તે અગાઉ મહમદની સારવાર થઈ જાય તો તેને કાયમી નુકસાનથી બચાવી શકાયા હોત.

પરંતુ અફઘાનિસ્તાનમાં એજન્સીઓ દ્વારા ચલાવાતા સામુદાયિક પોષણ કાર્યક્રમોમાં સૌથી નાટકીય ઘટાડો થયો છે. તેમાંથી અમુકને તે આવશ્યક રકમની સામે માત્ર ચોથો ભાગ મળે છે.

શેખ મિસ્ત્રીની શેરીમાં અમે કુપોષિત અથવા અવિકસિત બાળકોવાળા પરિવારોને મળીએ છીએ.

સરદાર ગુલનાં બે કુપોષિત બાળકો છે. ત્રણ વર્ષનો ઉમર અને આઠ મહિનાનો મુજીબ. તે એક ચમકદાર આંખોવાળા નાનકડા બાળકને પોતાના ખોળામાં બેસાડે છે.

એક મહિના અગાઉ મુજીબનું વજન ત્રણ કિલો કરતાં પણ ઘટી ગયું હતું. એક વખત અમે તેનું એક સહાય એજન્સીમાં રજિસ્ટ્રેશન કરાવી દીધું, ત્યાર પછી અમને ભોજનના પૅકેટ મળવા લાગ્યા. સરદાર ગુલ કહે છે કે આનાથી ખરેખર ઘણી મદદ મળી છે.

મુજીબનું વજન હવે છ કિલો છે. હજુ પણ અમુક કિલો ઓછું કહેવાય. પણ તેનામાં ઘણો સુધારો થયો છે.

તે સાબિત કરે છે કે યોગ્ય સમયે મદદ પૂરી પાડવામાં આવે તો મૃત્યુ અને વિકલાંગતાથી બચી શકાય છે.

(પૂરક માહિતી: ઇમોજન ઍન્ડરસન અને સંજય ગાંગુલી)

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.