ગૌરી લંકેશની હત્યાના આરોપીઓને જામીન મળ્યા બદલ સન્માન કરવાનો કિસ્સો શો છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ઇમરાન કુરેશી
- પદ, બેંગલુરુથી બીબીસી માટે
પત્રકાર અને ઍક્ટિવિસ્ટ ગૌરી લંકેશની હત્યાના બે આરોપી જામીન પર મુક્ત થયા બાદ વિજયપુરાના એક મંદિરમાં હારતોરા પહેરાવીને તેમનું સન્માન કરાયું હતું.
બંને આરોપી, પરશુરામ વાગમોરે અને મનોહર યાદવેની વિજયપુરા જિલ્લામાંથી ધરપકડ કરવામાં આવી હતી. અદાલતે શુક્રવારે આ બંને આરોપી અને અન્ય છ આરોપીને જામીન આપ્યા હતા.
પાંચમી સપ્ટેમ્બર 2017ના રોજ ગૌરી લંકેશની હત્યા તેમના જ ઘરની બહાર ગોળી મારીને કરવામાં આવી હતી. આ હત્યા પછી બેંગલુરુ પોલીસની વિશેષ તપાસ ટીમ (એસઆઇટી)એ બનાવીને તપાસ શરૂ કરી હતી.
એસઆઇટીની તપાસમાં જાણવા મળ્યું કે, રૅશનાલિસ્ટ નરેન્દ્ર દાભોલકર, સીપીઆઇ નેતા ગોવિંદ પાનસરે અને સ્કૉલર એમએમ કલબુર્ગીની હત્યા સાથે પણ ગૌરી લંકેશની હત્યાનો સંબંધ છે.
શ્રીરામ સેનાના જિલ્લા અધ્યક્ષ નીલકાંત કંડગલે બીબીસીને જણાવ્યું કે, “તેઓ હિંદુ કાર્યકર છે. જામીન પર મુક્ત થયા હતા તેથી અમે તેમનું ફૂલો અને હારતોરાથી સ્વાગત કર્યું. અમે કાલિકા મંદિરમાં પૂજા કરીને પ્રાર્થના કરી કે તેઓ કોર્ટમાં છૂટી જાય”.
મંદિરે પહોંચે એ પહેલાં પરશુરામ વાગમોરે અને મનોહર યાદવે વિજયપુરા શહેરમાંના શિવાજી સર્કલ પર સ્થાપિત શિવાજી મહારાજની પ્રતિમાને માળા અર્પણ કરી હતી.
મંદિરમાં ઉપસ્થિત સમર્થકોની હાજરીમાં નીલકાંત કંડગલ અને અન્ય લોકોએ આ બંનેનું સન્માન કર્યું હતું. આ પ્રસંગે મીડિયાને ત્યાં આવવાની મંજૂરી નહોતી અપાઈ, એટલું જ નહીં, કશી માહિતી પણ આપવામાં નહોતી આવી.
‘બળાત્કારીઓને હાર પહેરાવાઈ રહ્યા છે’

ઇમેજ સ્રોત, Getty Images
ગૌરી લંકેશનાં બહેન અને આ કેસનાં ફરિયાદી કવિતા લંકેશે બીબીસીને જણાવ્યું કે, “બળાત્કારીઓને હાર પહેરાવાઈ રહ્યા છે અને એ લોકોને અભિનંદન આપવામાં આવે છે, આપણો સમાજ ક્યાં પહોંચી ગયો છે?”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કવિતાનો ઇશારો ગોધરાકાંડ બાદ થયેલાં કોમી રમખાણોનો ભોગ બનેલાં બિલકીસબાનોના સામૂહિક બળાત્કારના દોષિતોને મળેલાં જેલમુક્તિ અને અભિનંદન તરફ હતો.
સુપ્રીમ કોર્ટે દોષિતોને છોડી મૂકવાના આદેશને રદ કરીને તેમને સજા ભોગવવા માટે ફરીથી જેલમાં મોકલી દીધા હતા.
જોકે, નીલકાંત કંડગલે કહ્યું કે, “અમે એવું માનીએ છીએ કે તેઓ આ કેસમાં સામેલ નથી. તેઓ નિર્દોષ છે.”
જામીન મળવા પાછળનું કારણ શું છે?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આ કેસના 18 આરોપીમાંથી 16ને જામીન મળવાનું મુખ્ય કારણ ટ્રાયલ મોડી શરૂ થઈ તે હતું. ચાર્જશીટમાં નોંધાયેલા 527 સાક્ષીઓમાંથી અત્યાર સુધીમાં લગભગ 140ની પૂછપરછ કરવામાં આવી છે અને નજીકના ભવિષ્યમાં કેસ પૂરો થવાની કોઈ જ શક્યતા નથી.
કર્ણાટક હાઈકોર્ટે મોહન નાઈક ઉર્ફે સંપાંજેને જામીન આપી દીધા હતા, પરંતુ ફરિયાદી પક્ષે સુપ્રીમ કોર્ટમાં આ ચુકાદાને પડકાર્યો હતો. સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના ચુકાદાને જૈસે થે જાળવી રાખ્યો હતો.
ત્યારબાદ કેટી નવીનકુમાર, અમિત દિગવેકર અને સુરેશ એચએલને પણ જુલાઈ 2024માં હાઈકોર્ટમાંથી જામીન મળ્યા. તેમના પછી, ભરતકુમાર, શ્રીકાંત પંગારકર, સુજિતકુમાર અને સુધાના ગૌંધકરને સપ્ટેમ્બર 2024માં જામીન મળ્યા.
ગયા અઠવાડિયે સેશન્સ કોર્ટે વાગમોરે અને યાદવે સહિતના આઠ આરોપીને જામીન આપ્યા હતા. જામીન મેળવનારા અન્ય લોકોમાં અમિત કાલે, રાજેશ ડી. બંગેરા, વાસુદેવ સૂર્યવંશી, ઋષીકેશ દેવદાર, ગણેશ મિસ્કીન અને અમૃત રામચંદ્ર બદ્દીનો સમાવેશ થાય છે.
વિકાસ પટેલ ઉર્ફે દાદા ઉર્ફે નિહાલ હજુ પણ ફરાર છે. અન્ય બે લોકોએ હજુ સુધી અદાલતનાં દ્વાર નથી ખખડાવ્યાં.
આરોપીઓ પર ભારતીય દંડ સંહિતા (આઇપીસી), ભારતીય શસ્ત્ર અધિનિયમ અને કર્ણાટક સંગઠિત અપરાધ નિયંત્રણ અધિનિયમની જોગવાઈઓ હેઠળ આરોપ કરાયા છે.
આરોપીઓના સન્માન બદલ કેવી પ્રતિક્રિયાઓ આવી?

ઇમેજ સ્રોત, Social Media Video
હરમંદિરકોરે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર સન્માન સમારંભનો વીડિયો મૂકીને લખ્યું, “ગૌરી લંકેશના હત્યારાઓને જામીન મળી ગયા. હિંદુ સંગઠનોએ હત્યારાઓનું ખુલ્લેઆમ સ્વાગત કર્યું. આ અત્યંત ખરાબ છે”.
અભિનેતા પ્રકાશ રાજે ઍક્સ પરની પોસ્ટમાં લખ્યું, “આ દેશમાં માત્ર હત્યારા અને દુષ્કર્મીઓ માટે જામીન નિયમ છે… શરમજનક”.
પરંતુ, કાર્યકર અને કટારલેખક શિવસુંદર સમગ્ર મામલાને જુદા દૃષ્ટિકોણથી જુએ છે.
તેમણે બીબીસીને કહ્યું, “સિદ્ધાંતની રીતે એમ કહેવું યોગ્ય છે કે ટ્રાયલ પૂરી થવા સુધી કોઈ પણ આરોપીને જેલમાં ન રાખવા જોઈએ. સમસ્યા એ છે કે આ સિદ્ધાંત ખૂબ ભેદભાવપૂર્ણ છે”.
તેમણે કહ્યું, “જોકે, આ એવા લોકોને લાગુ નથી થતો જે સરકારનો વિરોધ કરે છે, પરંતુ, તે દક્ષિણપંથીઓને લાગુ થાય છે. કોઈ આરોપીને સુનાવણી પૂરી ના થાય ત્યાં સુધી જેલમાં રાખવો તે માનવાધિકારનો સિદ્ધાંત નથી. તેને દક્ષિણપંથીઓ કે ડાબેરીઓ પર લાગુ ન કરવો જોઈએ”.
શિવસુંદરે કહ્યું, “સુનાવણીમાં ઝડપ આવે તે માટે અમે વિશેષ અદાલતની માગણી કરી રહ્યા છીએ. ફરિયાદી પક્ષે પણ ટ્રાયલ જલદી પૂરી કરવાના પ્રયાસરૂપે લગભગ 150 સાક્ષીઓને જતા કરવા માટે સંમતિ દર્શાવી છે.
“પરંતુ બિલકીસબાનોના કેસમાં જે થયું, જેમાં આરોપીઓનું સ્વાગત કરવામાં આવ્યું અને તેમને હાર પહેરાવાયા, તે ભયાનક છે”.
તેમણે કહ્યું, “ગૌરીના કેસમાં આ તેમની હત્યાનો ઉત્સવ ઊજવવા જેવું છે. આ—પાંચમી સપ્ટેમ્બર 2017, જે દિવસે તેમની હત્યા થયેલી—તેને ફરીથી અનુભવવા જેવું છે. આ ભયાનક છે. સમાજને આવો સંદેશ આપવો ખતરનાક છે”.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












