બિલકીસબાનો કેસ: ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટના આદેશમાંથી 'પ્રતિકૂળ ટિપ્પણીઓ' હટાવવાની વિનંતી કરી

ઇમેજ સ્રોત, Getty Images
બિલકીસબાનો સામૂહિક બળાત્કાર અને તેમના પરિવારજનોની હત્યાના કેસમાં સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારનો દોષિતોને સજામાફીનો નિર્ણય રદ કર્યો ત્યાર બાદ ગુજરાત સરકારે અદાલતને તેમના ચુકાદામાં રાજ્ય વિરુદ્ધ કરવામાં આવેલી પ્રતિકૂળ ટિપ્પણીઓ કાઢી નાખવાની માગ કરી છે.
ગુજરાત સરકારે 13મી ફેબ્રુઆરી એટલે કે મંગળવારે સુપ્રીમ કોર્ટમાં આ બાબતે રિવ્યૂ પિટિશન દાખલ કરી છે.
રાજ્ય સરકારે કહ્યું કે, "સર્વોચ્ચ કોર્ટના ચુકાદામાં સરકાર વિરુદ્ધ જે પ્રતિકૂળ ટિપ્પણી કરવામાં આવી છે તેનાથી તેને ભારે પ્રતિકૂળ અસર થઈ છે."
ગુજરાત સરકારે વધુમાં એવી દલીલ કરી છે કે રાજ્ય સરકારે કોર્ટે મે 2022માં આપેલા આદેશ મુજબ જ પગલાં લીધાં હતાં.
ગુજરાત સરકારે એક સમીક્ષા અરજીમાં જણાવ્યું હતું અમે સુપ્રીમ કોર્ટના મે 2022ના ચુકાદા મુજબ કામ કરી રહ્યા હતા, જેમાં કોર્ટે એક દોષિતની માફીની અરજી પર વિચાર કરવાનો નિર્દેશ આપ્યો હતો.
8 જાન્યુઆરીના રોજ, સુપ્રીમ કોર્ટે 2002નાં ગોધરા રમખાણો દરમિયાન બિલકીસબાનો પર કરવામાં આવેલા ગૅંગરેપ અને તેમના પરિવારના સભ્યોની હત્યા કરનારા 11 દોષિતોને માફી આપવાના ગુજરાત સરકારના આદેશને ફગાવી દીધો હતો.
સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે ગુજરાત સરકાર માફીના આદેશો પસાર કરવા સક્ષમ નથી પરંતુ મહારાષ્ટ્ર સરકાર છે.
ગુજરાત સરકારે રિવ્યૂ પિટિશનમાં જણાવ્યું છે કે, સુપ્રીમ કોર્ટની બીજી કો-ઑર્ડિનેટ બૅન્ચે CrPC ની કલમ 432(7) હેઠળ ગુજરાત રાજ્યને 'યોગ્ય સરકાર' ગણાવી હતી, અને ગુજરાત રાજ્યને આદેશ આપ્યો હતો કે તે જયારે આરોપીઓને દોષિત ઠરાવવામાં આવ્યા ત્યારે જે માફી નીતિ અસ્તિત્વમાં હતી (1992 માફી નીતિ) તેના પ્રમાણે ગુનેગારની માફીની અરજી પર નિર્ણય કરે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સમીક્ષા અરજી દાખલ કરતી વખતે, ગુજરાત સરકારે સર્વોચ્ચ અદાલતના અવલોકન સામે વાંધો ઉઠાવ્યો હતો કે 'ગુજરાત રાજ્યએ દોષિતો સાથે સંડોવાયેલી છે અને તેમના હિતમાં કામ કર્યું છે.'
ગુજરાત સરકારે 11 આરોપીઓ, જેમને આજીવન કેદની સજા થઈ હતી તેમને 15 ઑગસ્ટ, 2022માં મુક્ત કર્યા હતા. જયારે આ આરોપીઓને દોષિત ઠેરવવામાં આવ્યા ત્યારે 2008ની માફી નીતિ લાગુ હતી અને તે મુજબ તેમને મુક્ત કરવામાં આવ્યા હતા.
તમામ 11 દોષિતોએ ગોધરા જેલમાં સરેન્ડર કર્યું
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
સુપ્રીમ કોર્ટે આપેલા નિયત સમયગાળામાં બિલકીસબાનો કેસના તમામ 11 દોષિતોએ સરેન્ડર કરી દીધું હતું. પંચમહાલની ગોધરા સબજેલમાં આ તમામ દોષિતો હાજર થઈ ગયા હતા.
બિલકીસબાનો કેસના દોષિતોએ સરેન્ડર કરવા માટે સુપ્રીમ કોર્ટ પાસે વધુ સમયની માગણી કરી હતી.
આ માગણીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી અને દોષિતોને બે દિવસમાં જ એટલે કે 21 જાન્યુઆરી સુધીમાં જ સરેન્ડર કરવા કહ્યું હતું.
સ્થાનિક ક્રાઇમ બ્રાન્ચના નિરીક્ષક એનએલ દેસાઈએ સમાચાર ઍજન્સી પીટીઆઈને જણાવ્યું હતું કે, "તમામ 11 દોષિતોએ રવિવારે મોડી રાત્રે જેલના સત્તાવાળાઓ સમક્ષ આત્મસમર્પણ કર્યું છે. આ દોષિતો 21મી જાન્યુઆરીની મધ્યરાત્રિ પહેલાં જેલમાં પહોંચી ગયા છે, 21મીએ આત્મસમર્પણની નિયત સમયમર્યાદા હતી."
બિલકીસબાનો ગૅંગરેપ કેસના દોષિતોની સજામાફીને પડકારતી અરજીઓ અંગે સુપ્રીમ કોર્ટે તારીખ 8 જાન્યુઆરીએ પોતાનો ચુકાદો આપ્યો હતો અને તમામ દોષિતોને બે અઠવાડિયામાં સરેન્ડર કરવા કહ્યું હતું.
પરંતુ તમામ દોષિતોએ વિવિધ કારણો આગળ ધરીને સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી અને સરેન્ડર માટે વધુ સમય માગ્યો હતો.
જસ્ટિસ નાગરત્ના અને જસ્ટિસ ઉજ્જવલ ભુયનની બૅન્ચે દોષિતોએ કરેલી આ અરજી આજે સાંભળી હતી અને ફગાવી દીધી હતી.
તેમણે કહ્યું હતું કે, "સરેન્ડર માટે વધુ સમય આપવાની દોષિતોની માગણી અમે સાંભળી છે. પરંતુ તેમણે આપેલાં કારણોમાં કોઈ યોગ્યતા કે દમ નથી. અને આ કારણો તેમને અમારા નિર્દેશો અનુસાર ફરીથી જેલમાં જતા રોકી શકશે નહીં."
અહીં ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે બિલકીસબાનો સાથે બળાત્કાર અને તેમના પરિવારજનોની હત્યાના 11 દોષિતોની સજામાફી આપીને છોડી મૂકવાના ગુજરાત સરકારના નિર્ણયને રદ કરી દીધો હતો.
ગત વર્ષે 15 ઑગસ્ટના રોજ ગુજરાત સરકારે આ દોષિતોની સજામાફીની અરજી પર કાર્યવાહી કરીને 11 દોષિતોને મુક્ત કર્યા હતા. નોંધનીય છે કે તમામ દોષિતો ગોધરા સબજેલમાં સજા ભોગવી રહ્યા હતા.
દોષિતોએ શું માગણી કરી હતી?

ઇમેજ સ્રોત, CHIRANTANA BHATT
એક દોષિત મિતેશ ચીમનલાલ ભટ્ટે સરેન્ડર કરવા માટે છ અઠવાડિયાના ઍક્સ્ટેન્શનની માગણી કરી હતી. મિતેશ ચીમનલાલ ભટ્ટે કહ્યું કે તે ખેતીમાંથી પોતાનું ગુજરાન ચલાવે છે અને તેથી તેને શિયાળાના પાકની લણણી માટે વધારાના સમયની જરૂર છે.
ગોવિંદ નાઈએ ચાર અઠવાડિયાંનો સમય માગ્યો હતો. ગોવિંદ નાઈએ કહ્યું હતું કે તેમને સ્વાસ્થ્ય સમસ્યાઓ અને કૌટુંબિક જવાબદારીઓ છે. તે પોતાના બીમાર, 88 વર્ષીય પિતાની એકમાત્ર સંભાળ રાખનાર છે. પિતા સંપૂર્ણપણે તેના પર નિર્ભર છે. તેણે વધુમાં કહ્યું હતું કે તેનાં બાળકો પણ આર્થિક અને અન્ય જરૂરિયાતો માટે તેના પર સંપૂર્ણપણે નિર્ભર છે.
નાઈએ કહ્યું હતું કે તે પોતે પણ વૃદ્ધ છે અને તબિયત ખરાબ છે. તેને અસ્થમા છે અને તેણે ઍન્જીયોગ્રાફી પણ કરાવી હતી અને તેનું હેમોરહોઇડ્સનું ઑપરેશન કરવાનું છે.
ત્રીજા ગુનેગાર રમેશ રૂપાભાઈ ચંદાનાએ છ અઠવાડિયાના ઍક્સ્ટેન્શનની માગણી કરી હતી. તેણે કહ્યું કે અત્યારે આત્મસમર્પણ કરવાથી તેના માનસિક અને શારીરિક સ્વાસ્થ્યને અસર થશે. તેણે ઍન્જિયોગ્રાફી કરાવી છે અને તેને હૃદયની બીમારી છે. વધુમાં, તેના પુત્રની લગ્નની ઉંમર થઈ ગઈ છે અને તેને આ કામ પૂર્ણ કરવા માટે સમયની જરૂર છે.
તેણે એમ પણ કહ્યું હતું કે તેમના ખેતરમાં પાકની સંભાળ રાખતા પરિવારનો તે એકમાત્ર સભ્ય છે અને તેને પાક લણવા માટે સમયની જરૂર છે. ચંદાનાએ એમ પણ કહ્યું કે તેનાં માતા અનેક બીમારીઓથી પીડિત છે અને તેના માટે સારવારની વ્યવસ્થા કરવા માટે સમયની જરૂર છે.
તો પ્રદીપ રમણલાલ મોઢિયાએ ચાર સપ્તાહની મુદત આપવાની માગણી કરી હતી. તેણે કહ્યું હતું કે તેણે હાલમાં જ ફેફસાંની સર્જરી કરાવી છે અને તેને ડૉક્ટરોની નિયમિત સલાહની જરૂર છે. તેણે એમ પણ કહ્યું હતું કે તેનાં પત્નીનું તાજેતરમાં કિડની ફેલ થવાને કારણે અવસાન થયું છે. તેની પત્નીના નોકરીના લાભો અંગેની પ્રક્રિયા પૂરી કરવા માટે તેને વધુ સમયની જરૂર છે.
બિપિનચંદ કનૈયાલાલ જોષીએ 6 સપ્તાહની મુદ્દત વધારવાની માગણી કરી હતી. તેણે કહ્યું હતું કે તેની પત્નીને કેન્સર છે અને તેના સપોર્ટની જરૂર છે. વધુમાં, તેનો ભાઈ 75 વર્ષનો અને અપરિણીત છે અને તેને તેની સહાયની જરૂર છે.
આ રીતે તમામ દોષિતો અલગ-અલગ કારણો આપીને સરેન્ડર માટે વધુ સમયની માગણી સાથે સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા.
અત્યાર સુધી શું-શું થયું?

ઇમેજ સ્રોત, Getty Images
બિલકીસબાનોએ કેસમાં ન્યાય માટે ખૂબ લાંબી લડાઈ લડી છે. ન્યાય માટેની બે દાયકાની આ લડાઈમાં બિલકીસ અને તેમના પતિ યાકુબ રસૂલને પાંચ સંતાનો સાથે દસ ઘર બદલવાં પડ્યાં હતાં.
આ કેસમાં અત્યાર સુધી શું-શું થયું અને ગુજરાત સરકારે કોર્ટમાં દોષિતોને છોડી મૂકવાની તરફેણમાં શું દલીલો કરી તેના પર એક નજર ફેરવીએ.
2002નાં ગુજરાત રમખાણો દરમિયાન અમદાવાદ નજીકના રણધિકપુર ગામમાં ટોળાએ પાંચ મહિનાનાં ગર્ભવતી બિલકીસબાનો પર સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો.
તેમના ત્રણ વર્ષની પુત્રી સાલેહાની પણ નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી.
એ વખતે બિલકીસની ઉંમર લગભગ 20 વર્ષની હતી.
બળાત્કાર ગુજારાયા બાદ અધમૂઈ હાલતમાં છોડી દેવાયેલાં બિલકીસ જેમતેમ કરીને નજીકની ટેકરી પર પહોંચ્યાં હતાં અને પોતાનો જીવ બચાવ્યો હતો.
2002-03: આ ઘટના બાદ કેટલાક પોલીસકર્મીઓ દ્વારા બિલકીસને ડરાવવા તેમજ પુરાવાને નષ્ટ કરવાના પણ પ્રયાસ કરાયા હતા.
તેમના પરિવારજનોના મૃતદેહો પોસ્ટમૉર્ટમ કરાયા વગર દફનાવી દેવાયા હતા.
બિલકીસની તપાસ કરનારા તબીબે તેમનો બળાત્કાર ન થયો હોવાનું જણાવ્યું હતું અને આ મામલે બિલકીસને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ મળી હતી.
બિલકીસે મદદ માટે રાષ્ટ્રીય માનવઅધિકાર આયોગની મદદ લીધી હતી અને ત્યારબાદ આ મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો હતો.
ડિસેમ્બર 2003: સુપ્રીમ કોર્ટે મામલો સીબીઆઈને સોંપ્યો અને તપાસના આદેશ આપ્યા હતા.
જાન્યુઆરી 2004: બિલકીસની ફરિયાદમાં રજૂ કરાયેલા પુરાવાઓની સંપૂર્ણ તપાસ કર્યા પછી, સીબીઆઈએ કથિત રીતે સંડોવાયેલા તમામ શકમંદોની ધરપકડ કરી.
ઑગસ્ટ 2004: પુરાવા સાથે સંભવિત છેડછાડ અને સાક્ષીઓ પરના જોખમોને લઇને બિલકીસે તેની ચિંતા વ્યક્ત કરી હતી. પરિણામે, હાઈકોર્ટે ટ્રાયલને ગુજરાત હાઈકોર્ટથી બૉમ્બે હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરવાનું પસંદ કર્યું.
જાન્યુઆરી, 2008: ટ્રાયલ કોર્ટે 13 લોકોને બળાત્કાર, કાવતરું અને હત્યા સહિતના વિવિધ આરોપોમાં દોષિત ઠેરવ્યા હતા. તેમાંથી 11ને આજીવન કેદની સજા થઈ હતી. જવાબમાં, પ્રતિવાદીઓએ ટ્રાયલ કોર્ટના ચુકાદાને ઉથલાવી દેવાની માંગણી કરીને તેમની માન્યતાઓને હાઈકોર્ટમાં પડકારી હતી.
જુલાઈ 2011: સીબીઆઈએ બૉમ્બે હાઈકોર્ટને દોષિતોને ફાંસીની સજા આપવા વિનંતી કરી હતી.

ઇમેજ સ્રોત, Getty Images
જુલાઈ 2016: બૉમ્બે હાઈકોર્ટે 2002ના સામૂહિક બળાત્કારના કેસના સંબંધમાં આરોપિત 11 વ્યક્તિઓ દ્વારા રજૂ કરાયેલી અપીલો પર સુનાવણી કરી.
સપ્ટેમ્બર 2016: દોષિતોના વકીલે અનેક સાક્ષીઓની પુનઃ તપાસની વિનંતી કરી હતી, પરંતુ બૉમ્બે હાઈકોર્ટે આ અરજી ફગાવી દીધી હતી.
ઑક્ટોબર 2016: બૉમ્બે હાઈકોર્ટે કૉડ ઑફ ક્રિમિનલ પ્રોસિજર હેઠળની અરજીને ફગાવી દીધી હતી.
ડિસેમ્બર 2016: બૉમ્બે હાઈકોર્ટે આજીવન કેદની સજા પામેલા 11 કેદીઓ દ્વારા દાખલ કરવામાં આવેલી અપીલો પર ચુકાદો અનામત રાખ્યો હતો. વધુમાં, કોર્ટે સીબીઆઈની અપીલ પર ચુકાદો અનામત રાખ્યો હતો જેમાં ત્રણ દોષિત વ્યક્તિઓ માટે મૃત્યુદંડની માંગ કરવામાં આવી હતી, તેને અસાધારણ સંજોગો તરીકે વર્ગીકૃત પણ કરવામાં આવી હતી.
મે 2017: બૉમ્બે હાઈકોર્ટે 11 દોષિતોની આજીવન કેદની સજાને યથાવત્ રાખી હતી.
15 મે, 2022: વહેલી મુક્તિની માંગ કરતા, 15 વર્ષથી વધુ સમયની સજા ભોગવી ચૂકેલા કેદીઓમાંના એક, રાધેશ્યામ શાહે ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 432 અને 433 માં દર્શાવેલ જોગવાઈઓ હેઠળ સજા માફીના અનુસંધાનમાં ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી. હાઈકોર્ટે તેમની અપીલને ફગાવી દીધી હતી અને તેમાં એ વાત હાઈલાઇટ કરવામાં આવી હતી કે તેમની માફી અંગેનો નિર્ણય "રાજ્ય સરકાર" પાસે છે.
ત્યારબાદ રાધેશ્યામ શાહે સુપ્રીમ કોર્ટમાં અરજી રજૂ કરી, જેમાં તેણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, 1 એપ્રિલ, 2022 સુધીમાં, તેમણે કોઈપણ પ્રકારની માફી મેળવ્યા વિના કુલ 15 વર્ષ અને ચાર મહિના જેલમાં વીતાવ્યા હતા. તેમની અરજીના જવાબમાં સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને શાહની સજા માફી બાબતે તપાસ કરવા સૂચના આપી હતી. આ નિર્દેશને કારણે સરકારે પંચમહાલ કલેક્ટર સુજલ મયાત્રાના નેતૃત્વ હેઠળ આ સમસ્યાના નિરાકરણ માટે એક સમિતિની સ્થાપના કરવામાં આવી હતી.
આ સમિતિએ સજામાફીના કાયદા હેઠળ ભલામણ કરી હતી અને ગુજરાત સરકારે આ દોષિતોને છોડી મૂકવાનો નિર્ણય કર્યો હતો.
સજામાફીના નિર્ણય અંતર્ગત આ ગુનાના દોષિત જસવંતલાલ નાઈ, ગોવિંદ નાઈ, શૈલેશ ભટ્ટ, રાધેશ્યામ શાહ, બિપિનચંદ્ર જોશી, કેસરભાઈ વોહાણિયા, પ્રદીપ મોરઢિયા, બકાભાઈ વોહાણિયા, રાજુભાઈ સોની, મિતેશ ભટ્ટ અને રમેશ ચંદાનાને છોડી મૂકાયા હતા.
દોષિતો છોડી મૂકાયા બાદ શું થયું?
15 ઑગસ્ટ, 2022ના રોજ બિલકીસ બાનોના કેસમાં ગુનેગાર એવા 11 દોષિતોને છોડી મૂકવામાં આવ્યા હતા.
ગુજરાત સરકારના આ નિર્ણયની ટીકા થઈ હતી. કેટલાક રાજકીય પક્ષો, સામાજિક કાર્યકરો અને પત્રકારોએ આ નિર્ણય પર પ્રશ્નો ઉઠાવ્યા હતા.
દોષિતોને છોડી મૂકવાના ગુજરાત સરકારના આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો.
દોષિતો જ્યારે જેલમાંથી છૂટીને તેમના ગામ સિંહવાડા ગયા ત્યારે ત્યાંના સ્થાનિક લોકોએ મીઠાઈ વહેંચીને તથા ઊંચા અવાજમાં સંગીત વગાડીને તેમનું સ્વાગત કર્યું હતું.
બિલકીસબાનો ગૅંગરેપ કેસમાં દોષિતોની સજામાફી બાદ સુપ્રીમ કોર્ટમાં ગુજરાત સરકારના આ નિર્ણયને પડકારતી સંખ્યાબંધ અરજીઓ કરાઈ હતી.
જેમાં ખુદ બિલકીસબાનોની અરજી સહિત સીપીઆઈ (એમ)નાં નેતા સુભાષિની અલી, પત્રકાર રેવતી લૌલ, લખનૌ યુનિવર્સિટીનાં ભૂતપૂર્વ વાઇસ ચાન્સેલર રૂપ રેખા વર્મા અને તૃણમૂલ કૉંગ્રેસનાં નેતા મહુઆ મોઇત્રાની જાહેર હિતની અરજીઓ સામેલ છે.
અરજીકર્તા સુભાષિની અલી અને અન્ય લોકો તરફથી વકીલ કપિલ સિબ્બલ દલીલ કરી રહ્યા હતા.
બિલકીસબાનોના વકીલે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું હતું કે તેમના બળાત્કારીઓ સાથે જાણે કે તેઓ બાળક હોય તેઓ વ્યવહાર કરવામાં આવ્યો હતો. તેમણે કરેલો ગુનો ભયાનક હોવા છતાં ગુજરાત સરકાર દ્વારા તેમની તરફેણ કરવામાં આવી હતી.
બિલકીસ બાનોએ કોર્ટમાં કહ્યું હતું કે, “હું કોર્ટ સમક્ષ આજીજી કરું છું કે તેમને ફરીથી જેલમાં મોકલી દેવામાં આવે અને ગુનેગારો દયાભાવને લાયક નથી.”
ગુજરાત સરકારે શું દલીલ કરી હતી?

ઇમેજ સ્રોત, Getty Images
સુપ્રીમ કોર્ટમાં ગુજરાત સરકારે પોતે કરેલા નિર્ણયનો બચાવ કર્યો હતો. સરકારે કહ્યું હતું કે દોષીઓએ 14 વર્ષથી વધુ સમય જેલમાં વીતાવ્યો છે અને તેમના વ્યવહારને ધ્યાનમાં રાખીને તેમને છોડી મૂકાયા છે. આ નિર્ણય કેન્દ્ર સરકારની સહમતિ બાદ લેવામાં આવ્યો હતો.
સુપ્રીમ કોર્ટમાં આપેલા સોગંદનામામાં સરકારે કહ્યું હતું કે બિલકિસ બાનો કેસના 11 દોષિતોને મુક્ત કરવાના નિર્ણય સાથે અજાણ્યા એટલે કે થર્ડ પાર્ટી અરજીકર્તાઓને કોઈ લેવાદેવા નથી અને ન તો તેમની પાસે આ આદેશ સામે અપીલ કરવાનો કોઈ આધાર છે.
દોષિતોની મુક્તિ સામે દાખલ કરવામાં આવેલી અરજીના જવાબમાં ગુજરાત સરકારે એક સોગંદનામું આપ્યું હતું જેમાં એવું કહેવામાં આવ્યું હતું કે 'પોલીસ અધિક્ષક, સીબીઆઈ સ્પેશિયલ બ્રાન્ચ મુંબઈ અને સ્પેશિયલ સિવિલ જજ (સીબીઆઈ), સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટ, ગ્રૅટર બૉમ્બે'એ ગત વર્ષે માર્ચમાં કેદીઓને મુક્ત કરવાનો વિરોધ કર્યો હતો.
ગોધરા જેલના સુપ્રિટેન્ડેન્ટને લખેલા પત્રમાં સીબીઆઈએ જણાવ્યું હતું કે આ લોકો દ્વારા કરવામાં આવેલો અપરાધ "જઘન્ય અને ગંભીર" છે.
ગુજરાત સરકારે કહ્યું હતું કે, “અરજદાર (સુભાષિની અલી), જે વાસ્તવમાં રાજકીય કાર્યકર્તા છે, તેમણે સ્પષ્ટ કર્યું નથી કે સ્પેશિયલ જજ, ગ્રૅટર મુંબઈ દ્વારા જેમને સજા સંભળાવવામાં આવી તે 11 દોષિતોને છોડી મૂકવાના ગુજરાત સરકારના ફેંસલા સામે તેઓ કયા આધારે અપીલ કરે છે?
સરકારે કહ્યું, "અરજીકર્તાએ એ પણ સમજાવ્યું નથી કે તેઓ રાજ્ય સરકારના નિર્ણયથી કેવી રીતે અસંતુષ્ટ છે. ઉપરાંત, આ અરજીમાં ફરજિયાત દલીલો અને મૂળભૂત અધિકારોના ઉલ્લંઘનનો કોઈ ઉલ્લેખ નથી.”












