ચીનમાં મસ્જિદ ધ્વસ્ત કરવામાં આવી તો પણ મુસ્લિમ દેશો કેમ ચૂપ છે?

ઇમેજ સ્રોત, Reuters
તાજેતરમાં, ચીનના યુનાન પ્રાંતમાં એક મસ્જિદના પુનર્નિર્માણની યોજના દરમિયાન, પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણના અહેવાલ સામે આવ્યા હતા.
આ ઘટના સાથે જોડાયેલ વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો હતો. ચીનના સ્થાનિક પ્રશાસને યૂનાન પ્રાંતના નાનકડા ગામ નાગૂમાં આવેલી 13મી સદીની નાજિયિંગ મસ્જિદના ગુંબજ અને મીનારને તોડી પાડવાનો નિર્ણય કર્યો હતો.
નાગૂની નાજીયિંગ મસ્જિદ એક મોટું લૅન્ડમાર્ક છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં આ મસ્જિદનો વિસ્તાર વધારવામાં આવ્યો છે. આ દરમિયાન નવી મીનારો બનાવવામાં આવી છે અને એક નવો ગુંબજ પણ બનાવવામાં આવ્યો છે.
પરંતુ વર્ષ 2020માં કોર્ટના એક ચુકાદામાં કહેવામાં આવ્યું હતું કે મસ્જિદમાં કરવામાં આવેલું આ નિર્માણ ગેરકાયદે છે અને તેને તરત જ પાડી દેવામાં આવે.
કોર્ટના આ નિર્ણયનો અમલ કરાવવાનો પ્રયાસ થયો હતો. જેના કારણે વિસ્તારમાં ભારે દેખાવો થયા હતા.
આ સાથે જ ચીનનો પ્રયાસ ધર્મનું ચીનીકરણ કરવાનો હોય છે. એ મસ્જિદોના નિર્માણમાં ચીની વાસ્તુકલાને પ્રોત્સાહન આપે છે.

મુસ્લિમ રાષ્ટ્રોનું ચૂપ રહેવું

ઇમેજ સ્રોત, SOCIAL MEDIA
ચીનના યુનાન પ્રાંતમાં હાલમાં બનેલી ઘટનાની જાણ સમગ્ર દુનિયાને છે. આ પહેલા ચીનના જ શિનજિયાંગ પ્રાંતમાં જ ચીન સરકારનું અભિયાન જોવા મળ્યું હતું.
ચીનના ઉઇગર મુસ્લિમો પર અત્યાચારના સમાચારો કાયમ ચમકતા રહે છે. તેમને બળજબરીથી સર્વૅલન્સ કેમ્પમાં મોકલવામાં આવે છે. ચીન આ શિબિરોને પુનઃશિક્ષણ શિબિર તરીકે ઓળખાવે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આ તમામ મુદ્દાઓ પર વિશ્વના માનવાધિકાર સંગઠનોથી લઈને અમેરિકા, બ્રિટન અને યુરોપના ઘણા દેશોએ ખુલ્લેઆમ ચીનની નિંદા કરી છે અને કરી રહ્યા છે, પરંતુ મુસ્લિમ દેશો તરફથી ક્યારેય આ મુદ્દા પર કોઈ નિવેદન આવ્યું નથી.
સમગ્ર દુનિયામાં મુસલમાનો અને ઇસ્લામને લઈને કોઈ વિવાદ ઊભો થાય છે ત્યારે ઇસ્લામિક દેશોનું સંગઠન ઓઆઈસી હંમેશાં નિવેદન આપતું રહે છે. પયગંબર મહમદ પર ભાજપ નેતા નુપૂર શર્માએ કરેલી વિવાદિત ટિપ્પણી પછી મુસ્લિમ દેશોએ તેની નિંદા કરી હતી.
જ્યારે કાશ્મીરમાં હિંસાના સમાચારો પછી તુર્કી જેવા દેશોએ પણ ટિપ્પણી કરી હતી પરંતુ ચીનમાં મુસલમાનો પર સરકારની કાર્યવાહીઓ દરમિયાન આ દેશો ચૂપ રહે છે.
મુસ્લિમ દેશોની સંસ્થા ઑર્ગૅનાઈઝેશન ઓફ ઇસ્લામિક કૉઑપરેશન (OIC)એ પણ આ અંગે ક્યારેય ટિપ્પણી કરી નથી. ગયા વર્ષે માર્ચમાં પાકિસ્તાનમાં યોજાયેલી OICની બેઠકમાં પણ ચીનના તત્કાલીન વિદેશ મંત્રી વાંગ યી વિશેષ અતિથિ તરીકે પહોંચ્યા હતા.
આ દરમિયાન વાંગ યીએ જણાવ્યું કે ચીનમાં મુસ્લિમો કેટલી સારી રીતે રહે છે. તેમણે એ પણ ધ્યાન દોર્યું કે 'ચીન અને ઇસ્લામિક વિશ્વ બંનેનો ઊંડો ઇતિહાસ છે, આપણે બધા સમાન મૂલ્યોને શોધવા જોઈએ અને ઐતિહાસિક મિશનોમાં ભાગીદારી કરવી જોઈએ.'
વાંગે સંયુક્ત રાષ્ટ્રમાં ચીનને સમર્થન આપવા બદલ ઇસ્લામિક જગતનો પણ આભાર માન્યો હતો. ઘણીવાર એવું પણ બન્યું છે કે જ્યારે પણ સંયુક્ત રાષ્ટ્રમાં ચીનને લગતો કોઈ પ્રસ્તાવ આવે છે ત્યારે મુસ્લિમ દેશો ગેરહાજર રહે છે અને તેમનું આડકતરી રીતે સમર્થન કરે છે.

- ચીનના યૂનાન પ્રાંતમાં 13મી સદીની નાજિયિંગ મસ્જિદનો ગુંબજ પાડતી વખતે પોલીસ અને લોકો વચ્ચે અથડામણ થઈ છે
- દક્ષિણ-પશ્ચિમ ચીનના યૂનાન પ્રાંતમાં અનેક સમુદાયોના લોકો રહે છે જેમાં મુસ્લિમ સમુદાયની વસ્તી પણ મોટી સંખ્યામાં છે
- જે સમુદાય મસ્જિદ તોડી પાડવાનો વિરોધ કરી રહ્યો છે તેને ચીનમાં 'હુઈ' સમુદાય કહેવામાં આવે છે
- આ વિસ્તારમાં લગભગ સાત લાખ હુઈ મુસલમાન રહે છે. સમગ્ર ચીનમાં આ સમુદાયની વસતી અંદાજે એક કરોડ છે
- 2018માં જ યૂનાન પ્રાંતની ત્રણ મસ્જિદોને તાળાં મારી દેવામાં આવ્યા હતા. સરકારે કહ્યું હતું કે ત્યાં ગેરકાયદેસર રીતે ધાર્મિક શિક્ષા આપવામાં આવે છે
- ચીન તેના શિનજિયાંગ પ્રાંતમાં ઉઇગર મુસલમાનોના માનવાધિકારોનું હનન કરી રહ્યું તેવા આરોપો લાગે છે
- ચીન અધિકૃત રીતે એક નાસ્તિક દેશ છે અને ત્યાંની સરકાર બધા ધર્મોને સ્વતંત્રતા આપવાનો દાવો કરે છે.

મુસ્લિમ દેશો પણ ચીનના વખાણ કરતા રહે છે

ઇમેજ સ્રોત, Reuters
ઓઆઈસીની બેઠક દરમિયાન વાંગ યીએ વચન આપ્યું હતું કે ચીન બૅલ્ટ એન્ડ રૉડ ઈનિશિએટીવ (બીઆરઆઈ) હેઠળ ચીન મુસ્લિમ દેશોમાં $400 બિલિયનનું રોકાણ કરશે.
વિશ્લેષકો ચીનના આ કડક પગલા પર મુસ્લિમ દેશો અને OICના મૌનને પણ 'રાજકીય નાટક' ગણાવે છે.
લોકશાહી દેશો ચીનમાં માનવાધિકારના ઉલ્લંઘનનો મુદ્દો ઉઠાવતા રહ્યા છે. જ્યારે બીજી તરફ OICના સભ્ય દેશો જેવા કે પાકિસ્તાન, UAE, સાઉદી અરેબિયા, કતાર, ઓમાન, બહેરીન, ઇજિપ્ત અને કુવૈત ચીનના વખાણ કરી રહ્યા છે.
વર્ષ 2019 માં, 37 દેશોએ સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર પરિષદમાં 'માનવ સુરક્ષા અને વિકાસ દ્વારા માનવ અધિકારોને પ્રોત્સાહન આપવા' માટે ચીનની પ્રશંસા કરતા પત્ર પર હસ્તાક્ષર કર્યા હતા.
તેમાં એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે ચીને 'આતંકવાદ, અલગતાવાદ અને ચરમપંથ'નો સામનો કરીને શિનજિયાંગમાં 'સુરક્ષા અને વિશ્વાસ'ની ભાવનાને સ્થાપિત કરી છે.
ચીનનું કહેવું છે કે તે શિનજિયાંગમાં ચરમપંથને તાબે કરવા માટે અનેક નીતિઓ અપનાવી રહ્યું છે.
થિંક ટૅન્ક ઑબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશનના ફૅલો એજાઝ વાની તેમના લેખમાં લખે છે કે OIC દેશોએ માત્ર ચીનની મુસ્લિમ વિરોધી નીતિઓને સમર્થન આપીને માત્ર તેમનું સમર્થન જ કર્યું નથી, પરંતુ ચીનમાં ઇસ્લામોફોબિયા વધારવાના ગુનામાં પણ તેઓ ભાગીદાર છે.
એ પણ હકીકત છે કે પાકિસ્તાન, ઈરાન, યુએઈ, સાઉદી અરેબિયા, મલેશિયા, તુર્કી, કતાર, ઇજિપ્ત અને અફઘાનિસ્તાન જેવા દેશોએ ઉઈગર મુસલમાનોની અટકાયત કરી છે અથવા તેમને ચીન પરત મોકલી દીધા છે.

કેમ ચૂપ છે મુસ્લિમ દેશો?

ઇમેજ સ્રોત, EPA-EFE/REX/SHUTTERSTOCK
એજાઝ વાની મુસ્લિમ દેશોનાં મૌનનું કારણ જણાવતા કહે છે, "મુસ્લિમ દેશો સત્તાવાદી છે અને તેમની હસ્તક્ષેપવાદી નીતિઓને કારણે લોકશાહીથી તેઓ જોખમ અનુભવે છે. ખાસ કરીને આરબ સ્પ્રિંગ પછી, ચીને આ વર્તમાન સંજોગોનો ફાયદો ઉઠાવ્યો છે."
"તે જ સમયે, ચીન પ્રાદેશિક અખંડિતતા અને સાર્વભૌમત્વને જાળવી રાખવા માટે બિન-હસ્તક્ષેપવાદી નીતિ અપનાવવાનો આગ્રહ રાખે છે."
બીજું મોટું કારણ છે લોન- વાની જણાવે છે. તેમનું કહેવું છે કે ચીન આ મુસ્લિમ દેશોને કોઈપણ શરત વગર લોન આપી રહ્યું છે. બીઆરઆઈના ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે ચીને અત્યાર સુધીમાં પાકિસ્તાનને 62 અબજ ડૉલર સુધીની લોન આપી છે.
તેઓ લખે છે કે ચીન તેની એનર્જી ડિપ્લૉમસીનો પણ ઉપયોગ કરે છે અને તે સાઉદી અરેબિયા, ઈરાન, કુવૈત, ઑમાન જેવા દેશો માટે ક્રૂડ ઓઈલની નિકાસનું પણ મહત્ત્વનું કેન્દ્ર છે.
કતારે વર્ષ 2019માં યુએનના પત્ર પર હસ્તાક્ષર કર્યા ન હતા પરંતુ તેણે ચીનની સીધી રીતે નિંદા પણ કરી ન હતી. વર્ષ 2009માં તુર્કીની સરકારે ચીન પર નરસંહારનો આરોપ લગાવ્યો હતો, પરંતુ પછી તેણે પણ નરમ વલણ અપનાવ્યું હતું, કારણ કે તુર્કીની અર્થવ્યવસ્થા મોટાભાગે ચીન પર નિર્ભર છે.
આ સાથે જ ચીની ઇસ્લામિક ઍસોસિયેશનના માધ્યમથી ચીન ઇસ્લામને મુદ્દે પોતાનું વલણ સેટ કરી રહ્યું છે.

ઇમેજ સ્રોત, Getty Images
‘ધી વૉશિંગ્ટન પોસ્ટ’ માં રાજકીય વિશ્લેષક જૉનાથન હૉફમેન લખે છે કે ચીન મુસ્લિમ દેશો સાથે ધાર્મિક ગતિવિધિઓ પણ વધારી રહ્યું છે, ચીની ઇસ્લામિક ઍસોસિયેશનના માધ્યમથી મધ્ય પૂર્વમાં પણ ચીન પોતાના આ ધાર્મિક પ્રયાસોને ઝડપી બનાવી રહ્યું છે.
આ ઍસોસિયેશનનો અસલી ઇરાદો ‘ચીની ઇસ્લામની વિશિષ્ટતા અને પાર્ટીની વિચારધારાની પ્રશંસા’ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે.
વર્ષ 2021માં રાષ્ટ્રપતિ શી એ ધર્મના ચીનીકરણનું સૂત્ર આપ્યું હતું. જેનો અર્થ એ હતો કે ધાર્મિક આસ્થાઓને ચીની સંસ્કૃતિ અને સમાજને અનુકૂળ બનાવવી.
ઑસ્ટ્રેલિયન યુનિવર્સિટીમાં ચાઇના પોલિસીના ઍક્સ્પર્ટ માઈકલ ક્લાર્ક મુસ્લિમ દેશોનાં મૌનનું કારણ ચીનની આર્થિક શક્તિને માને છે. આ સિવાય તેઓ એવું કહે છે કે ચીન કોઈપણ બાબતે વળતો પ્રહાર કરી શકે છે તેવો ડર પણ દેખાય છે.
ક્લાર્ક એબીસીને કહે છે, “મ્યાનમાર સામે મુસ્લિમ દેશો એટલે બોલે છે કારણ કે તે નબળો દેશ છે. તેના પર આંતરરાષ્ટ્રીય દબાણ ઊભું કરવું સહેલું છે. મ્યાનમાર જેવા દેશોની સરખામણીએ ચીનની અર્થવ્યવસ્થા 180 ગણી મોટી છે. એવામાં ટીકા કરવાનું ભૂલી જવું એ પોતાના ફાયદાનો કે નુકસાનનો પ્રશ્ન હોય છે.”
ચીને 2005થી મધ્ય પૂર્વ અને ઉત્તર આફ્રિકામાં $144 બિલિયન ડૉલરનું રોકાણ કર્યું છે. આ દરમિયાન ચીને મલેશિયા અને ઇન્ડોનેશિયામાં 121.6 બિલિયન ડૉલરનું રોકાણ કર્યું છે.
ચીને સાઉદી અરેબિયા અને ઈરાકની સરકારી ઓઈલ કંપનીઓમાં જંગી રોકાણ કર્યું છે. આ સાથે ચીને તેની મહત્ત્વાકાંક્ષી બેલ્ટ વન રોડ યોજના હેઠળ એશિયા, મધ્ય પૂર્વ અને આફ્રિકામાં મોટાં રોકાણોનું વચન આપ્યું છે.














