દાહોદમાં ‘સદી જૂની’ મસ્જિદ સહિત આઠ ધાર્મિક સ્થળો કેમ તોડી પડાયાં?

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર
    • લેેખક, રૉક્સી ગાગડેકર છારા
    • પદ, બીબીસી સંવાદદાતા

ગત શુક્રવારની રાત દાહોદ શહેરમાં સામાન્ય રાત ન હતી.

અહીંના મુસ્લિમ સમુદાયના લોકો પોતાનાં ઘરોમાં તો હતા, પરંતુ એ રાત્રે કોઈ ઊંઘી નહોતું શક્યું. યુવાનો અને પુરુષો પોતાનાં ઘરની બારીમાંથી બહારનાં દૃશ્યો જોઈ રહ્યા હતા. તો અમુક મહિલાઓનું ગ્રૂપ સ્ટેશન રોડ પર આવેલી નગીના મસ્જિદની બહાર બેઠું હતું.

મુસ્લિમ સમુદાયના લોકોનાં મનમાં એ વાતને લઈને બીક હતી કે નગીના મસ્જિદમાં યોજાયેલી જુમ્માની તેમની અંતિમ નમાજ હતી અને થોડા સમય બાદ તેમની બીક સાચી પણ ઠરી. બાદમાં મસ્જિદને સ્માર્ટ સિટી ઍડમિનિસ્ટ્રેશનની કાર્યવાહીમાં તોડી પાડવામાં આવી હતી. અડધી રાત્રે વિસ્તારમાં પોલીસ કાફલો ખડકી દેવાયો હતો.

બારીમાંથી, દરવાજાના ખૂણેથી, અગાસીએથી લોકોની નજર માત્ર નગીના મસ્જિદની આસપાસના રસ્તાઓ પર ટકી ગઈ હતી.

દાહોદ સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ રોડ પહોળા કરવા માટેની કાર્યવાહી તોડી પડાયેલી ‘એક સદી કરતાં વધુ જૂની’ આ મસ્જિદ ‘ટ્રસ્ટની જમીન પર બની હોવાનો’ દાવો કરાયો હતો જ્યારે તંત્ર દ્વારા કાર્યવાહી ટાળવા માટે અપાયેલ સમય દરમિયાન ‘ટ્રસ્ટે રજૂ કરેલા જમીનના રેકૉર્ડ આધારભૂત ન હોવાનું’ ઠરાવવામાં આવ્યું હતું.

મુસ્લિમ સમાજના આગેવાનોના જણાવ્યા મુજબ આ મામલે તેમણે ગુજરાત હાઇકોર્ટની દાદ માગતી અરજી કરી હતી, જેની સુનાવણી ‘વૅકેશન બાદ થવાની હતી.’ અગ્રણીના દાવા મુજબ મસ્જિદના ‘ઐતિહાસિક મહત્ત્વ વિશે અધિકારીઓને માહિતગાર કરવાના પ્રયત્નો એળે ગયા’ હતા.

સમાજના લોકોએ કાર્યવાહી મામલે નિરાશા વ્યક્ત કરતાં કહ્યું હતું કે ‘કાર્યવાહીને કારણે તેઓ લાચારીનો અનુભવ કરી રહ્યા છે.’

સરકાર તરફી દલીલમાં સ્થાનિક મુસ્લિમોએ આ મામલે ‘કોઈ રજૂઆત ન કરી હોવાના’ અને ‘કાર્યવાહીમાં મંદિરો પણ તૂટ્યાં હોવાના’ જવાબ અપાયા હતા.

નોંધનીય છે કે મસ્જિદની સાથે વિસ્તારની બીજી દરગાહ અને નાનાં-મોટાં મંદિરો સહિત કુલ આઠ જેટલાં ધાર્મિકસ્થળોને પ્રશાસન દ્વારા તોડી પાડવમાં આવ્યાં હતાં.

નગીના મસ્જિદ

ઇમેજ સ્રોત, Sulaiman Dabiya

ઉપર જણાવ્યું એમ પ્રારંભિક અટકળો અને ચર્ચા બાદ આખરે શનિવારે સવારે આશરે ચાર વાગ્યાની આસપાસ સ્ટેશન રોડની આ મસ્જિદની આસપાસ આશરે 20 જેટલાં પોલીસ વાહનોમાં લગભગ 500 પોલીસજવાનોની હાજરીમાં લગભગ એક સદી જૂની નગીના મસ્જિદને તોડી પાડવામાં આવી હતી.

તે સમયે ભારે સંખ્યામાં મુસ્લિમ મહિલાઓ સ્થળ પર વિરોધ કરવા માટે હાજર હતાં. જોકે મહિલા પોલીસ દ્વારા તેમને ખસેડીને મસ્જિદ ઉપર બુલડૉઝર ફેરવી દેવાયું હતું.

નોંધનીય છે કે તંત્ર દ્વારા જાહેરાત કરાયેલી માહિતી મુજબ દાહોદ શહેરને અત્યાધુનિક બનાવવા માટેના સરકારના સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત કહેવાતાં ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવા માટેની ઝુંબેશ હેઠળ આ ‘દબાણ દૂર કરવામાં આવ્યાં હતાં.’

ગ્રે લાઇન

મસ્જિદ ગેરકાયદેસર હતી?

મસ્જિદ

ઇમેજ સ્રોત, Sulaiman Dabiya

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

સરકારી તંત્ર દ્વારા શહેરના ‘આધુનિકીકરણ માટેના પ્રોજેક્ટ’ અંતર્ગત આ કાર્યવાહી કરાઈ હોવાની વાત કરાઈ રહી છે તો બીજી તરફ સ્થાનિક મુસ્લિમ સમુદાયના લોકો ‘મસ્જિદ અત્યંત જૂની હોવાની અને દસ્તાવેજવાળી જમીન પર’ બની હોવાનો દાવો કરી રહ્યા છે.

અહીંના મુસ્લિમ સમાજના લોકો અનુસાર પ્રમાણે મસ્જિદ આશરે 100 વર્ષ કરતાં પણ વધુ જૂની હતી. અને તેની સાથે ‘મુસ્લિમ સમુદાયની ધાર્મિક લાગણીઓ જોડાયેલી હતી.’

નગીના મસ્જિદના એક ટ્રસ્ટી જાવેદ સૈયદ શેખે બીબીસી ગુજરાતી સાથે આ અંગે વાત કરતાં કહ્યું કે, “અમારી પાસે આ મસ્જિદના વર્ષ 1923ના પણ દસ્તાવેજો હતા. અમે ગુજરાત હાઇકોર્ટની દાદ પણ માગી હતી, જ્યાં અમારી સુનાવણી વૅકેશન બાદ થવાની હતી.”

“અમે અનેક વખત સરકારી અધિકારીઓને આ મસ્જિદના ધાર્મિક અને ઐતિહાસિક મહત્ત્વની વાત કરી હતી, પરંતુ કોઈ ફેર પડ્યો ન હતો.”

મસ્જિદનું કામકાજ સંભાળતા અને દાહોદના એક સામાજિક આગેવાન 71 વર્ષીય સુલેમાન ડાબિયાએ બીબીસી ગુજરાતી સાથે આ મુદ્દે વાત કરતાં દાવો કર્યો હતો કે આ મસ્જિદ વકફ બોર્ડમાં રજિસ્ટર હતી.

તેમણે કહ્યું હતું કે, “વર્ષ 1995માં આ મસ્જિદ વકફ બોર્ડમાં રજિસ્ટર થઈ ચૂકી હતી, મસ્જિદના પાંચ અલગ-અલગ પ્લૉટ છે, જેમાંથી ત્રણ પ્લૉટ પર મસ્જિદનું બાંધકામ હતું.”

ગુજરાત વકફ બોર્ડ દ્વારા દાહોદના કલેક્ટરને લખેલા એક પત્રમાં વકફ બોર્ડે આ મસ્જિદની માલિકી બોર્ડની હોવાનું જણાવાયું છે. પત્રમાં બોર્ડે ‘મસ્જિદની યથાસ્થિતિ જાળવવા’ની વાત કરાઈ છે. તેપત્રની કૉપી બીબીસી ગુજરાતીને મળી છે.

જેમાં કલેક્ટરને બોર્ડે લખ્યું છે કે, “સિટી સરવે નંબર 451થી 456વાળી વકફ મિલકતમાં નગીના મસ્જિદ આવેલી છે, આ વકફ મિલકતમાં કોઈ પણ જાતની ફેરબદલ કે તબદીલી ન કરવા માટે વિનંતી છે.”

આ મુદ્દે વધુ સ્પષ્ટતા મેળવવા માટે બીબીસી ગુજરાતીએ વકફ બોર્ડના સીઇઓ એમ. એચ. ખુમાર સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, તેમણે આ વિશે વાત કરવાનો ઇનકાર કરી દીધો હતો.

આ સમગ્ર મામલા સંદર્ભે બીબીસી ગુજરાતીએ દાહોદ જિલ્લા કલેક્ટર તેમજ મામલતદારનો સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમની સાથે આ અહેવાલ લખાઈ રહ્યો છે એ સમય સુધી વાત થઈ શકી ન હતી.

બીબીસી ગુજરાતી

શું કહેવું છે સરકારનું?

બીબીસી ગુજરાતીએ આ મામલે દાહોદ જિલ્લાના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી સાથે વાત કરી હતી.

તેમણે આ મુદ્દે મુસ્લિમ સમુદાય તરફથી ‘રજૂઆત ન મળી’ હોવાની વાત કરી હતી. ધારાસભ્ય કનૈયાલાલે કહ્યું હતું કે, “મુસ્લિમ સમુદાય તરફથી અમને આ વિશે કોઈ રજૂઆત નથી કરાઈ.”

“જો આ મામલે રજૂઆત મળી હોત તો અમે એ દિશામાં જરૂર કામ કર્યું હોત.”

તેમણે મસ્જિદ સાથે મંદિરો પણ તોડાયાં હોવાની વાતની દલીલ મૂકતાં કહ્યું હતું કે, “જ્યાં સુધી મને ખબર છે, ત્યાં સુધી સ્માર્ટ સિટીના પ્રોજેક્ટ માટે માત્ર આ મસ્જિદ જ નહીં, પરંતુ બીજાં મંદિરો સહિત ઘણાં ધાર્મિકસ્થળો, દુકાનો વગેરે પણ દૂર કરવામાં આવી છે. કામગીરી સમયે કાયદાનું પાલન થાય તેનું પૂરતું ધ્યાન રાખવામાં આવ્યું છે.”

બીબીસી ગુજરાતી

મુસ્લિમ આગેવાનોએ કહ્યું, ‘અમે લાચારી અનુભવી રહ્યા છીએ’

નોંધનીય છે કે દાહોદમાં મુસ્લિમ સમુદાયની વસતી આશરે 50 હજાર કરતાં વધુ છે. મોટા ભાગના લોકોનું કહેવું હતું કે તેઓ હવે ‘લાચારી અનુભવી રહ્યા છે.’

આ કાર્યવાહી વિશે ડાબિયા કહે છે કે, “અમે જે કરી શકતા હતા, એ બધું કર્યું. વર્ષ 1923ના પુરાવા પણ રજૂ કર્યા, પરંતુ કોઈ ફરક નથી પડ્યો. માટે અમે લાચારી મહેસૂસ કરી રહ્યા છીએ.”

દાહોદના કાઉન્સિલર અહેમદભાઈ ચાંદ પણ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કંઈક આવી જ લાગણી વ્યક્ત કરી હતી.

તેમણે કહ્યું હતું કે, “અમે બધા વ્યથિત છીએ અને લાચારી અનુભવી રહ્યા છીએ, તમામ લોકો પોતાની રીતે સંયમ રાખીને બેઠા છે. અમે ગુજરાત હાઇકોર્ટમાં પણ રજૂઆત કરી છે.”

તેમણે કહ્યું કે, “અમે જ કરી શકતા હતા, તે બધું કર્યું, પરંતુ હવે તો માત્ર આ મસ્જિદ માટે અફસોસ કરવા સિવાય અમે કંઈ જ કરી શકતા નથી.”

બીબીસી ગુજરાતી

પોલીસે શું કહ્યું?

આ કાર્યવાહી અંગે વાત કરતાં દાહોદના સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ અને સ્માર્ટ સિટી પ્રોજેક્ટના અમલ માટેની જિલ્લા કક્ષાની સમિતિના સભ્ય બલરામ મીણાએ 'ધ ઇન્ડિયન એક્સપ્રેસ' સાથેની વાતચીતમાં જણાવ્યું હતું :

“મસ્જિદના ટ્રસ્ટે જમીનના રેકૉર્ડ રજૂ કરવા માટે શુક્રવાર સુધીનો સમય માગ્યો હતો. તંત્રે આ વિનંતી ગ્રાહ્ય રાખી પરંતુ શુક્રવારે રજૂ કરાયેલા રેકૉર્ડ આધારભૂત નહોતા.”

તેમણે આગળ કહ્યું કે, “શુક્રવારે સાંજે મસ્જિદના સભ્યોની પ્રાંત ઑફિસર, સબ-ડિવિઝનલ મૅજિસ્ટ્રેટ, મ્યુનિસિપાલિટીના ચીફ ઑફિસર અને ડીવાય. એસ. પી. સાથે બેઠક થઈ હતી. જેમાં ટ્રસ્ટના સભ્યો પોતાની જાતે માળખું હઠાવવાનો વિકલ્પ આપવાની શરતે સ્થળ ખાલી કરવા તૈયાર થયા હતા. તેમણે ડિમોલિશનની કાર્યવાહી માટે જાતે જ માળખું ખાલી કરી દીધું હોઈ અમારે અંદર પણ ન જવું પડ્યું. પોલીસ બંદોબસ્ત હજુ રહેશે. જોકે ડિમોલિશન સમયે સમુદાયના લોકો પ્રદર્શન કરવા બહાર નહોતા આવ્યા તેથી અમને કોઈ મુશ્કેલી સર્જાશે તેવી શક્યતા નથી દેખાઈ રહી.”

બીબીસી ગુજરાતી

મંદિરો પણ તૂટ્યાં

‘દબાણ હઠાવવાની આ પ્રક્રિયા’માં ચાર જેટલાં મંદિરોને પણ તોડી પાડવામાં આવ્યાં હતાં.

જોકે આ મંદિરો, નગીના મસ્જિદ જેટલાં જૂનાં ન હતાં.

આ પૈકીનું એક મંદિર બનાવનાર લખુભાઈ દંતાણીએ કાર્યવાહી અંગે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું કે, “મેં પોતે મંદિર થોડાં વર્ષ પહેલાં બનાવ્યું હતું. દેવીપૂજક સમાજના અનેક લોકો હડકવા માતાના આ મંદિરે પૂજા કરવા આવતા હતા.”

“હું મારો આખો સમય આ મંદિરની સેવા કરવામાં લગાવતો હતો. પણ અમને કોઈ પણ પ્રકારની નોટિસ પાઠવ્યા વગર મંદિર તોડી પાડવમાં આવ્યું.”

રેડ લાઇન
રેડ લાઇન