અમદાવાદ : 'ત્રણ-ત્રણ રૂપિયે મજૂરી હતી ત્યારે લોહી-પાણી એક કરીને ઘર બાંધ્યાં હતાં, મિનિટોમાં તોડી નાખ્યાં'

    • લેેખક, લક્ષ્મી પટેલ
    • પદ, બીબીસી સંવાદદાતા

"ત્રણ રૂપિયા મજૂરી હતી ત્યારે લોહી અને પાણી એક કર્યાં ત્યારે આ ઘર બન્યાં હતાં. અમારી 60 વર્ષની મજૂરીને સરકારે એક જ ઘડીમાં ધૂળ ભેગી કરી નાખી. ઇન્દિરા ગાંધીની સરકાર સારી હતી, જેણે ઘર વગરના લોકોને ઘર આપ્યા હતા. આ ભાજપની સરકાર લોકોના 'ઘરભૂખી' છે. આ સરકારે ચારે તરફથી લોકોનાં ઘર તોડવાનાં શરૂ કર્યાં છે."

આ શબ્દો છે 70 વર્ષીય રતનબહેન રાઠોડના, જેમનું એએમસીની ડિમોલિશનની કામગીરીમાં ઘર તૂટ્યું છે.

અમદાવાદના સાબરમતી વિસ્તારમાં આવેલા બળદેવનગર વિસ્તારમાં 29 તારીખે શનિવારે વહેલી સવારે એએમસી દ્વારા ડિમોલિશન કરવામાં આવ્યું હતું.

આ વિસ્તારના લોકોનું કહેવું છે કે તેમનાં 29 મકાનો તોડવામાં આવ્યાં છે. રહીશોનો આક્ષેપ છે કે તેમને ઘરનો સામાન કાઢવા માટે યોગ્ય સમય આપવામાં આવ્યો ન હતો.

તોડી નાખવામાં આવેલાં મકાનો બે માળ અને ત્રણ માળનાં હતાં. તેમજ દુકાનો પણ હતી.

રહીશોનું કહેવું છે કે તેઓ ત્રણ પેઢીથી રહેતા હતા. ઘર તૂટવાને કારણે ભાડે ઘર શોધવા માટે સવારથી ભટકી રહ્યા હતા. બાળકોના ભવિષ્યની ચિંતા કરી રહ્યા હતા.

બળદેવનગર મોટેરા નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી નજીકનો વિસ્તાર છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે ઑલિમ્પિક અને કૉમનવેલ્થ 2030ના આયોજનના ભાગરૂપે તેમનાં ઘરો તોડવામાં આવ્યાં છે.

જોકે એએમસીનું કહેવું છે કે ટાઉન પ્લાનિંગ સ્કીમમાં અમલવારીના ભાગરૂપે રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો છે.

'નાનાં નાનાં બાળકો છે, સામાન કાઢવાનો સમય ન આપ્યો'

બળદેવનગરમાં રહેતા મોટા ભાગના લોકો ત્રણ પેઢીથી આ જગ્યા પર રહેતા હતા. કોઈનાં માતા બીમાર છે તો કોઈકનાં બાળકો ભણી રહ્યાં છે. રતનબહેન રાઠોડે વધુમાં જણાવ્યું કે "ચૂંટણી સમયે નેતાઓ ઢોલ વગાડતાં વગાડતાં મત લેવા માટે આવે છે. કાલે અમારાં ઘર પડી ગયાં પછી અમારી શું સ્થિતિ છે તે અંગે કોઈ જોવા પણ આવ્યું ન હતું. અમારાં નાનાં નાનાં બાળકો છે. સામાન કાઢવાનો સમય ન આપ્યો. સરકાર પાસે અમારી માગ છે કે અમને ઘર આપવામાં આવે."

જગદીશ વાણિયા તેમની ત્રણ પેઢીથી રહી રહે છે. બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં તેમણે જણાવ્યું કે "મારા દાદાએ આ જગ્યા લીધી હતી. અમારાં બે મકાન અને એક દુકાન તોડવામાં આવ્યાં છે. અમે ગુજરાત હાઇકોર્ટમાં ગયા હતા. સિંગલ જજની બેન્ચમાં અમારી ફેવરમાં ચુકાદો આવ્યો ન હતો. હાઇકોર્ટે અમને અપીલ કરવા માટે 15 દિવસનો સમય આપ્યો હતો. અમે ડબલ જજની બેન્ચમાં અપીલ કરી છે, જે અંગે 1 ડિસેમ્બરના રોજ સુનાવણી હાથ થવાની છે. તે પહેલાં જ 29 તારીખે એએમસી દ્વારા ડિમોલિશન કરવામાં આવ્યું છે. અમને જાણ કર્યા વગર જ સવારે ડિમોલિશનની ટીમ આવી ગઈ હતી."

'માતા બીમાર છે અને ઘર તોડી નાખ્યાં'

જે લોકોનાં ઘર તૂટી ગયાં છે તે એએમસી પાસે ઘરની માગ કરી રહ્યા છે. જતીન જાદવનો પરિવાર 1965થી આ જગ્યા પર રહે છે.

તેઓ કહે છે, "મારા દાદા હતા ત્યાર બાદ મારા પિતા અને હવે હું મારા પરિવાર સાથે રહું છું, વૈકલ્પિક વ્યવસ્થામાં અમને ઘર મળે તે માટે અમે એએમસી અધિકારીઓને મળ્યા હતા. અમારાં બે માળનાં મકાન હતાં. તેઓ અમને 1 બીએચકે આપવાનું કહે છે. અમારાં ઘરોમાં બે ત્રણ પરિવારો રહે છે. તો બધા 1 બીએચકે ઘરમાં કેવી રીતે રહી શકે?"

સ્થાનિકોનું કહેવું છે કે એએમસી તેમને 7 હજાર ભાડું આપવાનું કહે છે. તેમનું કહેવું છે કે હાલમાં આ વિસ્તારમાં 7 હજારમાં મને ઘર મળશે નહીં. તેમનાં બાળકો આ વિસ્તારમાં ભણી રહ્યાં છે. જો ઘર છોડીને બીજા વિસ્તારમાં જશે તો એમનાં બાળકોનું શિક્ષણ બગડશે.

જતીન જાદવનાં માતાનું લિગામેન્ટનું ઑપરેશન હોવાને કારણે તેમને એસવીપી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં.

જતીન કહે છે કે "એક તરફ મારી માતા હૉસ્પિટલમાં હતાં અને બીજી તરફ ઘર તોડવા માટે આવ્યા હતા. હું કેવી રીતે વ્યવસ્થા કરું. મેં એએમસીના અધિકારીઓને આજીજી કરી હતી કે થોડોક સમય આપો. મારી માતા હૉસ્પિટલમાં હોવાનું હું બહાનું નથી બતાવતો, તમે ખુદ તપાસ કરી શકો છો. જોકે તેમ છતાં અધિકારીઓ અમને એક કલાકનો પણ વધારે સમય આપ્યો ન હતો."

બળદેવનગરના લોકોની એએમસી પાસે માગ છે કે તેમને ઘરના બદલામાં 2 બીએચકે ઘર મળે. જોકે એએમસીનું કહેવું છે કે પુરાવા તપાસ્યા બાદ પાત્રતા ધરાવતા લોકોને ઘર મળી શકશે.

જતીન જાદવ કહે છે કે "સરકારે અમારાં ઘર તોડીને અમને ત્રણ પેઢી પાછળ ધકેલી દીધા છે. અમારા દાદાએ અહીંયાં ઘર બનાવ્યા હતા. હવે અમારે ઝીરોથી શરૂઆત કરવી પડશે. અમારા પરસેવાની કમાણી એક જ મિનિટમાં જતી રહી. અમે વિકાસના વિરોધી નથી. બસ, અમારી એટલી જ માગ છે કે અમને 2 બીએચકે મકાન આપો અને પછી ભલે તમે અમારાં ઘર તોડો."

'હાલમાં તો પડોશીઓના ઘરમાં સામાન મૂક્યો છે'

લોકોનો આક્ષેપ છે કે શનિવારે સવારે 6 વાગે તેઓ જાગ્યા જ હતા ત્યાં એએમસીવાળા બુલડોઝર લઈને આવી ગયા હતા. સામાન લીધો કે ન લીધો બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું.

હરીશ રાઠાડને એએમસી દ્વારા ઘર તોડવા માટેની નોટિસ આપવામાં આવી હતી, જેના આધારે તેમણે ગુજરાત હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરી હતી.

તેઓ કહે છે, "એએમસી અમને 1 બીએચકે મકાન આપવા જ તૈયાર છે. અમારા પરિવારોમાં 7થી 8 લોકો છે. 2 બીએચકે મકાન આપે એટલી જ અમારી માગ છે."

હરીશ રાઠોડનું કહેવું છે કે "હાલ ઘર ભાડે લેવા જઈએ તો ભાડાં મોંઘાં છે. તેમજ બે ભાડાં ડિપૉઝિટ માગે છે. અમે ગરીબો છીએ. મજૂરી કરીએ છીએ. કેટલાક લોકો તો દસ હજારમાં નોકરી કરે છે. તેઓ આટલા પૈસા કેવી રીતે કાઢી શકે. હાલ પડોશીઓના ઘરમાં સામાન મૂક્યો છે. આજે સવારથી લોકો ઘર ભાડે શોધવા માટે ભટકી રહ્યા છે."

ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં 2030માં કૉમનવેલ્થ ગેમ્સનું આયોજન થવાનું છે. હરીશભાઈનો આક્ષેપ છે કે "સરકાર 2030માં કૉમનવેલ્થ અને બાદમાં ઑલિમ્પિકની રમતોનું આયોજન કરવાના ભાગરૂપે અમારાં મકાનો તોડી રહ્યાં છે."

બળદેવનગર વિસ્તારની જ્યારે બીબીસીએ મુલાકાત લીધી ત્યારે લોકોએ તેમની આર્થિક સ્થિતિ અંગે પણ વાત કરી હતી.

પુષ્પાબહેન વાઘેલાનું ઘર પણ આ ડિમોલિશનની કાર્યવાહીમાં તોડી પાડવામાં આવ્યું છે.

બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં તેમણે જણાવ્યું કે "ઘરનો સામાન વસાવે તેને ખબર પડે છે કે કેટલી તકલીફ પડે છે. સરકારે અમારી આંખ સામે અમારી જિંદગીની જમા પૂંજી પર બુલડોઝર ફેરવી દીધું. અમારો કેટલોય સામાન દટાઈ ગયો છે. અમે સરકારી નોકરિયાત નથી. અમે તો લોકોના બંગલામાં કામ કરીને ગુજરાન ચલાવીએ છીએ. મારી દીકરી 10મા ધોરણમાં અભ્યાસ કરે છે. તેની બોર્ડની પરીક્ષા નજીક આવી રહી છે. બીજી તરફ અમે ઘર વગરના થઈ ગયા છીએ. છોકરાં બિચારાં ચિંતામાં છે, જેની તેમના અભ્યાસ પર પણ અસર થઈ રહી છે."

અરવિંદભાઈ રાઠોડનું ઘર પણ આ ડિમોલિશનમાં તૂટી ગયું છે. તેઓ અહીં 50 વરસથી રહેતા હતા.

બીબીસીને તેઓ કહે છે, "એએમસી કહે છે કે 1984ની ટીપી સ્કીમનો અમલવારી કરી રહી છે, પરંતુ અમને છેલ્લાં 40 વર્ષમાં પહેલાં ક્યારેય નોટિસ આપવામાં આવી નથી."

તેમનું કહેવું છે કે "સરકાર અમનો કોઈ જગ્યા પર પ્લૉટ ફાળવે તો અમે તેની જંત્રીના રૂપિયા ચૂકવવા માટે પણ તૈયાર છીએ."

અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનનું શું કહેવું છે?

અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા શનિવારે જાહેર કરેલી પ્રેસ-રિલીઝ આપવામાં આવેલી માહિતી અનુસાર, 'સાબરમતી વૉર્ડમાં ટાઉન પ્લાનિંગ સ્કીમ 23 બળદેવનગર સાબરમતી ટોલનાકા પાસેનો 24.38 મીટર (પહોંળાઈ) રસ્તો ખુલ્લો કરવા માટે વચ્ચેનાં આવતાં દબાણ દૂર કરવામાં આવ્યાં હતાં. ચાર હિટાચી, જેસીબી અને મજૂરો દ્વારા રહેણાક અને કૉર્મશિયલનાં કુલ 29 જેટલાં બાંધકામ દૂર કરાયાં હતાં.'

એએમસીના પશ્ચિમ ઝોનના ડેપ્યુટી એસ્ટેટ ઑફિસર મહેશ તબિયારે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે "ટાઉન પ્લાનિંગ સ્કીમના અમલવારીના ભાગરૂપે ડિમોલિશન કરવામાં આવ્યું છે."

તેમનું કહેવું છે કે "આ વિસ્તારના લોકોને એક વર્ષ પહેલાં નોટિસ આપવામાં આવી હતી. રહીશો ગુજરાત હાઇકોર્ટમાં ગયા હતા. ત્યાર બાદ અમલવારી કરવામાં આવી છે."

રહીશોને સામાન લેવા દેવામાં આવ્યો ન હતો તે આક્ષેપને મહેશ તબિયારે ખોટા ગણાવીને જણાવ્યું હતું કે રહીશોને તેમનો સામાન લેવા માટે પૂરતો સમય આપવામાં આવ્યો હતો.

રહીશોને વૈકલ્પિક વ્યવસ્થા આપવામાં આવશે કે નહીં તે અંગે વાત કરતાં મહેશ તબિયારે જણાવ્યું હતું કે "રહીશો પાસે પુરાવા માગવામાં આવ્યા છે. તેમના તરફથી પુરાવા જમા કરાવ્યા બાદ પાત્રતા ધરાવતા લોકોને વૈકલ્પિક વ્યવસ્થા આપવામાં આવશે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન