અમદાવાદ : મહિલા કૉર્પોરેટરને ભાજપનાં કૉર્પોરેટર દ્વારા બુરખો ઉતારવાનું કહેવાતાં હોબાળો, શું છે સમગ્ર મામલો?

    • લેેખક, લક્ષ્મી પટેલ
    • પદ, બીબીસી સંવાદદાતા

અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનની સામાન્ય સભામાં ચર્ચા દરમિયાન એક મહિલા કૉર્પોરેટરને બુરખો ઉતારવા માટે કહેવામાં આવતાં વિવાદ સર્જાયો છે.

મહિલા કોર્પોરેટરે બુરખો પહેરવાને પોતાના અધિકાર સાથે જોડીને ભાજપ અને ભાજપના કૉર્પોરેટર સામે આક્ષેપો કર્યા છે. મામલો વકરતાં ભાજપના કૉર્પોરેટરે 'ડેમેજ કંટ્રોલ' કરવાનો પ્રયાસ કર્યો છે. અને આ બધા વચ્ચે હજુ સુધી આ મામલે કોઈ પણ પ્રકારની ફરિયાદ કરાઈ નથી.

બીબીસીએ મહિલા કૉર્પોરેટર અને ભાજપના સભ્ય સાથે વાત કરીને સમગ્ર મામલાની પાછળની હકીકત જાણવાનો પ્રયાસ કર્યો છે.

વાત એમ છે કે 21 નવેમ્બરના રોજ અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન (એએમસી)માં સામાન્ય સભા યોજાઈ હતી, જ્યાં બુરખા અંગે વિવાદ થયો હતો. સામાન્ય સભામાં વોર્ડ નંબર 34, મક્તમપુરાનાં કાઉન્સિલર જૈનબ શેખ પોતાનાં વિસ્તારના પ્રશ્નો અંગે રજૂઆત કરવા ઊભાં થયાં ત્યારે ભારતીય જનતા પાર્ટીના ખાડિયાનાં મહિલા કાઉન્સિલર ગીતા પરમારે તેમને બુરખો ઉતારીને વાત કરવાનું કહેતાં થોડા સમય માટે સભાનું વાતાવરણ ગરમાયું હતું.

ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીન કાઉન્સિલરે તરત જ એવો જવાબ આપ્યો હતો કે, "તમે સાડી પહેરો છો તો હું કંઈ કહું છું?"

સામાન્ય સભામાં આ શાબ્દિક લડાઈના કારણે સોંપો પડી ગયો હતો અને બુરખા અંગે થયેલી ટિપ્પણી બાદ પહેરવેશના અધિકાર અંગે ચર્ચા શરૂ થઈ ગઈ હતી.

આ અંગે પ્રતિક્રિયા આપતાં જૈનબ શેખે કહ્યું કે, "દરેક ભારતીયને પોતાની મરજી મુજબ કપડાં પહેરવાનો, ખોરાક પસંદ કરવાનો અને હરવા-ફરવા માટેનો હક આપવામાં આવ્યો છે."

જો કે, વિવાદ થયા બાદ ગીતા પરમારે કહ્યું કે, "મારો ઈરાદો માત્ર ઓળખનો હતો. કોઈનું અપમાન કરવાનો ન હતો."

મારું અપમાન થયું છે : જૈનબ શેખ

જાહેરમાં બુરખો ઉતારવાનું કહેવા અંગે જૈનબ શેખે તેને અપમાન ગણાવતાં કહ્યું હતું કે, "અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનની સામાન્ય સભામાં શહેરના નાગરિકોના પ્રશ્નોની રજૂઆત કરવામાં આવે છે. આ સદનમાં જાહેરમાં મહિલાને બુરખો ઉતારવાનું કહેવું તે અપમાનજનક છે."

ઘટનાની શરૂઆત કેવી રીતે થઈ તે વિશે જણાવતાં તેઓ કહે છે કે, "અમારા વિસ્તારમાં ચોમાસામાં પાણી ભરાઈ જાય છે. ડ્રેનેજ વિભાગની મશીનરી યોગ્ય કામ કરતી નથી. તેમાં જીપીએસ સિસ્ટમ લગાવવા માટે હું રજૂઆત કરી રહી હતી. હું બોલી રહી હતી ત્યારે ગીતા પરમારે મને બુરખો ઉતારીને વાત કરવાનું કહ્યું હતું. આ સાંભળીને થોડીક વાર માટે હું સ્તબ્ધ થઈ ગઈ. જો કે, મેં તેમને જવાબ તો આપ્યો, પરંતુ હું મારા મુદ્દાઓ ભૂલી ગઈ હતી."

ઘટનાની માનસિક સ્થિતિ પર થયેલી અસર અંગે વાત કરતાં જૈનબ શેખ કહે છે કે, "અમે આ દેશના નાગરિક છીએ તેમ છતાં અવારનવાર અમારાં કપડાં, ખાવાની આદતો વગેરે બાબતોને લઈને વિવાદ ઊભા કરવામાં આવે છે."

ભારતીય જનતા પાર્ટી પર આક્ષેપ કરતાં તેમણે કહ્યું કે, "મને ખબર નથી પડતી કે ભાજપના લોકોને ટોપી અથવા બુરખો જોઈને તકલીફ કેમ થાય છે. તેઓ હંમેશાં વિવાદ ઊભો કરે છે. મારું માનવું છે કે નજીકના સમયમાં કૉર્પોરેશનની ચૂંટણી છે અને એટલા માટે આ પ્રકારના મુદ્દા ઊભા કરવામાં આવી રહ્યા છે."

તેમણે વધુમાં જણાવ્યું કે તેઓ પોતાની મરજીથી બુરખો પહેરે છે અને તેમના પરિવાર તરફથી આ અંગે કોઈ દબાણ નથી. જૈનબ શેખ કહે છે કે, "બુરખો પહેરવા માટે મારા પરિવાર તરફથી કોઈ દબાણ નથી. હું પહેલા બુરખો પહેરતી નહોતી. છેલ્લાં છ વર્ષથી હું જાહેર જીવનમાં છું. મારે અલગ-અલગ જગ્યાએ જવાનું હોવાથી હું બુરખો પહેરું છું. બુરખો પહેરવાથી હું પોતાને સુરક્ષિત અનુભવું છું. જ્યારે પણ મારી ઓળખનો પ્રશ્ન હોય ત્યારે હું મારો ચહેરો બતાવું છું."

ઓળખી શકાય તે માટે કહ્યું હતું: ગીતા પરમાર

આ સમગ્ર મામલે બીબીસીએ ગીતા પરમારનો મત જાણવાનો પ્રયાસ કર્યો હતો. બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં તેમણે જણાવ્યું કે, "મારો ઇરાદો કોઈનું અપમાન કરવાનો ન હતો. જૈનબ શેખની બોલવાની છટા સારી હતી. તેમને ઓળખી શકાય તે માટે જ મેં બુરખો ઉતારવા માટે કહ્યું હતું. હું પોતે પણ મહિલા છું તો હું ક્યારેય કોઈ મહિલાનું અપમાન કરવાનું વિચારી શકું નહીં."

"મારો જન્મ અમદાવાદના રાયખડ વિસ્તારમાં થયો છે અને હું મુસ્લિમ પરિવારો વચ્ચે રહીને મોટી થઈ છું. આજે પણ મુસ્લિમ મહિલાઓ મારી ખાસ મિત્રો છે. હું માત્ર સમાનતામાં માનું છું અને કોઈ પણ પ્રકારના ભેદભાવમાં માનતી નથી."

જો કે, ગીતા પરમારના નિવેદનથી જૈનબ શેખ સહમત નથી. તેઓ કહે છે કે, "વિવાદ થયા બાદ ખાડિયાના કાઉન્સિલર પોતાનો બચાવ કરી રહ્યાં છે. હું છેલ્લાં ચાર વર્ષ 8 મહિનાથી કૉર્પોરેશનમાં આવું છું. દર મહિને સામાન્ય સભામાં પણ આવું છું. દરેક કાઉન્સિલર મને ઓળખે છે. તેમ છતાં તેઓ મને ઓળખતા નથી. જો તેમને મારો ચહેરો જોવો હતો તો તેઓ મને એકલામાં આવીને કહી શક્યા હોત. આ રીતે કોઈ મહિલાને જાહેરમાં બુરખો ઉતારવા માટે કહેવું એ ગરિમાને ઠેસ પહોંચાડવા જેવું છે."

'આ પ્રકારે દેશમાં પહેલાં ક્યારેય ચર્ચા થઈ નથી'

મ્યુનિસિપલ કૉર્પોરેશનની સામાન્ય સભાના અધ્યક્ષ મેયર હોય છે. મેયર પ્રતિભા જૈને બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, "કૉર્પોરેટર ગીતાબહેનનો કોઈ ખરાબ ઈરાદો ન હતો. તેમણે સહજ ભાવે ઓળખ માટે જ કહ્યું હતું. હું માનું છું કે પહેરવેશ તે દરેકની અંગત બાબત છે. આ પ્રકારની ટિપ્પણી કરવાથી બચવું જોઈએ. મેં સામાન્ય સભામાં પણ કહ્યું હતું કે આ પ્રકારની ચર્ચાને બદલે શહેરીજનોના મુદ્દાઓ અંગે વાત કરવી જોઈએ."

સમાજશાસ્ત્રી ગૌરાંગ જાનીએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું કે, "દરેકને પોતાની મરજી મુજબનો પહેરવેશ પહેરવાનો હક છે. પાઘડી, લૂંગી કે સાડી, સલવાર કે બુરખો પહેરવો તે દરેકની પરંપરા છે. ગામડાઓમાં આજે પણ ચૂંટાયેલી હિંદુ મહિલાઓ લાજ કાઢીને મીટિંગમાં જાય છે."

"કોઈ બુરખો પહેરે કે લાજ કાઢે, આ પ્રકારે દેશમાં પહેલાં ક્યારેય ચર્ચા થઈ નથી. વ્યક્તિના પહેરવેશ કરતાં તેમનું કામ અને મુદ્દાઓ મહત્ત્વનાં હોય છે. આ પ્રકારની ઘટનાથી વ્યક્તિનું આત્મગૌરવ દુભાય છે."

તેઓ વધુમાં જણાવે છે કે, "મહિલાઓ બુરખો પહેરે કે લાજ કાઢે છે તે પુરુષપ્રધાન સમાજની માનસિકતા છે. મહિલાઓના બુરખા કે લાજ અંગે જો કોઈને સવાલ કરવો હોય તો તે પુરુષોને સવાલ કરવા જોઈએ."

સમાજશાસ્ત્રી પ્રોફેસર ઘનશ્યામ શાહે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું કે, "આજકાલ માહોલ એવો થઈ રહ્યો છે કે લઘુમતી સમુદાયોને ડગલે ને પગલે અપમાનિત કરવામાં આવે છે. રોજબરોજ તેમને ખાવા-પીવા કે પહેરવા કે અન્ય કોઈ બાબતોમાં ટોકવામાં આવી રહ્યા હોય તેવું તેમને લાગે છે. જેથી જ્યારે કૉર્પોરેટર મહિલાને બુરખો ઉતારીને વાત કરવા કહેવામાં આવી ત્યારે તેમને અપમાનજનક લાગવું તે તેમનું સ્વાભાવિક રિએક્શન હોવાનું હું માનું છું. પહેલાં પણ મહિલા કૉર્પોરેટરો બુરખો પહેરીને આવતાં હતાં, પરંતુ પહેલાં ક્યારેય આ પ્રકારના સવાલો ઊભા થયા નથી."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન