You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'ગરીબી હઠાવવાને બદલે આ સરકાર તો ગરીબોને જ હઠાવી રહી છે'- ઇસનપુરમાં 'મેગા ડિમોલિશન' પછી લોકો શું કહી રહ્યા છે?
- લેેખક, રૉક્સી ગાગડેકર છારા
- પદ, બીબીસી સંવાદદાતા
સોમવારની સવાર ઇસનપુર તળાવની ફરતે રહેતા હજારો રહેવાસીઓની તેમનાં ઘરોમાં છેલ્લી સવાર હતી. કારણ કે સવારે સાત વાગ્યે જ આ વિસ્તારમાં અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનના બુલડોઝરે એક પછી એક લગભગ એક હજાર જેટલાં મકાનો તોડી પાડ્યાં હતાં.
સરકારનું કહેવું છે કે ઇસનપુર તળાવના 'વિકાસ' માટે આ લોકોને અહીંથી ખસેડવામાં આવ્યા છે.
જોકે, બીજી બાજુ પરિવારોનો રોષ રસ્તા પર દેખાયો હતો અને તેમણે સરકારનાં આ પગલાંની ઉગ્ર ટીકા કરી હતી.
બીબીસી ગુજરાતીએ આ વિસ્તારની મુલાકાત લઈને રહેવાસીઓ સાથે વાત કરી હતી અને તેમની તકલીફો જાણવાનો પ્રયાસ કર્યો હતો.
આ રહેવાસીઓ કેટલા સમયથી અહીં રહેતા હતા? તેમને નોટિસ આપવામાં આવી હતી કે નહીં? સરકારી તંત્ર શું દાવા કરી રહ્યું છે? જાણીશું આ ગ્રાઉન્ડ રિપોર્ટમાં...
ઇસનપુરમાં કેટલાં મકાનો તોડી પડાયાં અને સ્થિતિ શું છે?
સોમવારે સવાર સુધી અનેક લોકો પોતાનાં ઘરોમાં રહી રહ્યા હતા એ ઇસનપુર તળાવનો વિસ્તાર બપોર સુધીમાં તો કાટમાળમાં ફેરવાઈ ગયો હતો. ત્યાં એક પછી એક નાનાં–મોટાં તમામ મકાનો તોડી પાડવામાં આવ્યાં હતાં.
બીબીસી ગુજરાતીની ટીમ ત્યાં પહોંચી ત્યારે લોકો પોતાના તૂટેલાં મકાનમાંથી જે મળી શકે તે બચાવવાનો પ્રયાસ કરતા નજરે પડ્યા હતા.
કોઈ પતરાં, તો કોઈ દરવાજા, કોઈ બારીની જાળી, તો કોઈ તૂટેલી સગડી, કોઈ ઇલેક્ટ્રિક વાયર, તો કોઈ લાકડું જે બચી શકે એ બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. અનેક લોકો પોતાના ઘરના કાટમાળમાંથી આવી વસ્તુઓ બહાર કાઢતાં દેખાઈ રહ્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
લગભગ 20 બુલડોઝર અને 500થી વધુ પોલીસકર્મીઓ સાથે કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. ઘણા લોકો પોતાનાં તૂટી રહેલાં ઘરમાંથી જે શક્ય હોય તે બચાવવા દોડતા પણ દેખાયા હતા.
સરકારી આંકડા મુજબ અહીં '925 નોંધાયેલાં ઘરો' હતાં, પરંતુ સ્થાનિકોનું કહેવું છે કે કુલ મકાનોની સંખ્યા 1500થી 2000ની આસપાસ હશે.
એક સમયે જ્યાં તેમનું ઘર હતું હવે એ જ જગ્યાએ ઘરના કાટમાળ પર ઊભા રહીને બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જયંતીભાઈ પરમાર કહે છે, "હવે અમે ઘર વગરના થઈ ગયા છીએ. આખા જીવનની કમાણી આ મકાનમાં નાખી હતી. અમે સરકાર સામે તો લડી નથી શકતા, માટે અમે બે હાથ જોડીને સરકારને માત્ર અરજ જ કરી શકીએ છીએ કે અમે રહી શકીએ તેવું એકાદ છાપરું અમને આપો તો અમે રહી શકીએ, પોતાનું ગુજરાન ચલાવી શકીએ."
તેમની બાજુમાં જ એક સમયે જેમનું ઘર હતું તે પીયૂષ પરમાર માને છે કે ગરીબોની હાલત ખૂબ ખરાબ થઈ છે.
તેઓ કહે છે, "અમે તો આખા જીવનમાં માત્ર નરેન્દ્ર મોદીની જ સરકાર જોઈ છે. અમે તો તેમની પાર્ટીને અરજ જ કરી શકીએ છીએ કે મહેરબાની કરીને અમને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપો. અમને તો ખબર જ નથી પડી રહી કે હવે અમારે શું કરવું."
'અમારા વડવાઓ અહીં 50 વર્ષથી રહેતા હતા'
આ વિસ્તારના જ રહેવાસી એવા સુનીલ નાડિયા કહે છે કે "આ વસાહતમાં અમારા વડવાઓ લગભગ 50 વર્ષથી રહેતા હતા. જ્યારે અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં ઇસનપુર સામેલ નહોતું થયું ત્યારથી અમે અહીં રહીએ છીએ, અને આજે અમારાં જ મકાનો તોડી પાડવામાં આવ્યાં છે."
બીબીસી ગુજરાતીની ટીમ જ્યારે આ વિસ્તારમાં પહોંચી ત્યારે ઘણા એવા લોકો મળ્યા હતા કે જેમના પિતાનો જન્મ પણ અહીં જ થયો હતો.
શંકરભાઈ નામના એક વ્યક્તિએ કહ્યું, "મારો અને મારા પિતાનો જન્મ આ જ વસાહતમાં થયો છે. અમે છેલ્લા બે દિવસથી ભૂખ્યાં–તરસ્યાં છીએ. બસ ઘરવખરીને સંભાળવામાં લાગ્યા છીએ. સરકારે અમને રોડ પર તો લાવી દીધાં છે, હવે અમને રહેવા માટે નાની મોટી જગ્યા આપે, બસ એટલી જ અરજ છે."
તેમના જેવા અનેક લોકો પોતાના ઘરના દસ્તાવેજો તેમજ બીજા દસ્તાવેજો ભેગા કરતા નજરે ચડ્યા હતા.
બીબીસી ગુજરાતીની ટીમે જોયું કે જ્યાં સવારે મકાનો હતાં, ત્યાં બપોરે બુલડોઝર ફરી રહ્યાં હતાં. કેટલીક ઇમારતો RCCની બહુમાળી હતી, તો કેટલાંક મકાનો નાનાં ઝૂંપડાં જેવાં હતાં.
આ વસાહતમાં ઠાકોર, ભરવાડ, રાવળ, દલિત તથા અન્ય સમાજના લોકો રહેતા હતા. મોટાભાગના લોકો રિક્ષા ચલાવવાનું, છૂટક મજૂરીનું, ભંગાર વેચવાનું કામ કરતાં હતાં. તો કેટલાક રસ્તા પર શાકભાજી વેચીને ગુજરાન ચલાવતા હતા.
'ગરીબી નહીં, ગરીબોને જ હઠાવી રહી છે સરકાર'
દીપક રાવળ છૂટક મજૂરી કરીને ગુજરાન ચલાવે છે.
તેઓ કહે છે, "સરકારે વાયદો કર્યો હતો કે તે ગરીબી હટાવશે, પરંતુ અહીં તો ગરીબોને હઠાવાઈ રહ્યા છીએ. મારું ઘર નથી, મારી ઘરવખરી લઈને હું અને મારો પરિવાર આ જાહેર શૌચાલયની બહાર પડ્યા છીએ."
સરકારની આ કામગીરી પર કટાક્ષ કરતાં તેઓ કહે છે, "અમારા પર આટલી મહેરબાની ન કરાય કે અમે ક્યાંયના ન રહીએ."
પિન્ટુ રાવળ નામના એક રહેવાસીએ બીબીસી ગુજરાતીને જણાવ્યું કે, "છ મહિના પહેલાં રોડ પર આવેલી અમારી ચાર દુકાનો એએમસીએ તોડી નાખી હતી અને હવે અમારાં ઘર પણ ગયાં. અમે 15 લોકોનો પરિવાર છીએ, જેમાં ઘણી મહિલાઓ છે. હવે તેમને લઈને હું ક્યાં જાઉં? અમારી રોજિંદી કમાણી પણ ગઈ, ઘર પણ ગયું, અને હવે રહેવાની જગ્યા પણ નથી."
અનેક રહેવાસીઓનો આરોપ છે કે તેમને એએમસી દ્વારા સમયસર માહિતગાર કરવામાં આવ્યા નહોતા.
એક મહિલાએ બીબીસી ગુજરાતીના કૅમેરા સામે રડતાં–રડતાં જણાવ્યું કે, "અમારાં બાળકોની શાળાઓ ચાલી રહી છે. અમે ચાર મહિના રાહ જોવા વિનંતી કરી હતી, પરંતુ અમને સાંભળવામાં નથી આવ્યા. હવે બાળકોને લઈને અમે ક્યાં જશું?"
એક અન્ય રહેવાસી એવા ડેલાજી ઠાકોરે કહ્યું, "અમે ચૂંટણીમાં મત આપીએ છીએ, રેલીમાં ભાગ લઈએ છીએ, છતાં આજે અમારો અવાજ કોઈ સાંભળતું નથી. અમે તમારા મતદારો છીએ. અમને પહેલા આવાસ આપો પછી મકાનો તોડો — માત્ર એટલી જ અમારી માંગ હતી."
હાલ અનેક પરિવારો ભાડાનું ઘર શોધી રહ્યા છે, પરંતુ ભાડું અને ડિપોઝિટ બંને વધી ગયાં છે.
આવા જ એક વ્યક્તિએ બીબીસી ગુજરાતીને કહ્યું, "મારું ઘર મોટું હતું અને હું બે–ત્રણ રૂમ ભાડે આપતો હતો. હવે મારા 10–12 લોકોના પરિવાર માટે ભાડેથી જગ્યા મળતી નથી. મારા પપ્પાએ વર્ષો પહેલાં અહીં જમીન ખરીદી હતી અને અમારા બધાના જન્મ અહીં જ થયા છે."
અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનનું શું કહેવું છે?
અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન છેલ્લા ઘણા સમયથી એક પછી એક કથિત ગેરકાયદેસર વસાહતોને દૂર કરીને 'શહેરને સુંદર બનાવવા' માટે જગ્યા ખુલ્લી કરી રહ્યું છે. તે માટે થોડા સમય પહેલાં ચંડોળા તળાવની વસાહતમાંથી હજારો પરિવારોને દૂર કરવામાં આવ્યા હતા.
ભારતની સુપ્રીમ કોર્ટે છેલ્લા બે દાયકામાં અનેક વખત એવા ચુકાદા આપ્યા છે, જેમાં 'ડૉક્ટ્રાઇન ઑફ પબ્લિક ટ્રસ્ટ ઇન ઇન્ડિયન ઍન્વાયરમેન્ટલ લૉ' નો ઉલ્લેખ કરીને કહેવામાં આવ્યું છે કે તળાવ જેવી વૉટર બૉડીની આસપાસ કોઈ પણ પ્રકારનું દબાણ હોવું ન જોઈએ.
ઇસનપુરની આ વસાહતની તોડફોડ અંગે જ્યારે બીબીસી ગુજરાતીએ અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનના સાઉથ ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ઇન્ચાર્જ રિધ્ધેશ રાવલ સાથે વાત કરી હતી.
તેમણે જણાવ્યું કે, "આદરણીય સુપ્રીમ કોર્ટનો ઑર્ડર છે કે વૉટર બૉડીની આસપાસનાં દબાણોને દૂર કરવું જોઈએ. આ લોકો વર્ષોથી ઇસનપુરના તળાવમાં ઘર બનાવીને રહેતા હતા. અમે હજારો એકર જમીન ખુલ્લી કરીને તળાવનો વિકાસ કરવાનું આયોજન કર્યું છે."
તેમણે વધુમાં કહ્યું, "અહીં લગભગ 925 જેટલાં ઘર તળાવની જમીન પર હતાં અને તમામ પરિવારોને શક્ય તેટલી વહેલી તકે વૈકલ્પિક રહેવાની વ્યવસ્થા કરવામાં આવશે. તેણે માટેની પ્રક્રિયા માટે ફૉર્મ ભરવા, સ્થળ નક્કી કરવા વગેરે જેવી કામગીરી ચાલુ છે."
તેમણે એ પણ કહ્યું કે શહેરનાં અન્ય તળાવો પાસેનાં અતિક્રમણો પણ આવતા દિવસોમાં દૂર કરવામાં આવશે અને કાનૂની હક ધરાવતા તમામ રહેવાસીઓને વૈકલ્પિક વ્યવસ્થા આપવામાં આવશે.
આ વિસ્તારના ભાજપના મ્યુનિસિપલ કૉર્પોરેટર શંકર ચૌધરીએ બીબીસી ગુજરાતીને જણાવ્યું, "અમે ગયા એક વર્ષથી લોકોને સમજાવી રહ્યા છીએ. ઘણા લોકોએ સ્વૈચ્છિક રીતે ઘર ખાલી કર્યાં છે. લગભગ 30 ટકા લોકોએ સ્વૈચ્છિક રીતે ઘર ખાલી કરીને પોતાનો સામાન લઇ લીધો હતો. વૈકલ્પિક આવાસ માટે ફૉર્મ ભરવાની કામગીરી ચાલી રહી છે અને સ્થળ શોધવાની પ્રક્રિયા ચાલુ છે."
ચૌધરીએ વધુમાં એવો પણ દાવો કર્યો હતો કે આ કામગીરી અચાનક કરવામાં આવી નથી અને લોકોને વિશ્વાસમાં લઇને કરવામાં આવી છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન