You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પહલગામ હુમલો : લગ્નના માત્ર છ દિવસ બાદ માર્યા ગયેલા લેફ્ટનન્ટ વિનય નરવાલ, પરિવારે શું કહ્યું
ભારતીય નૌકાદળના 26 વર્ષીય લેફ્ટનન્ટ વિનય નરવાલ પણ જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા ચરમપંથી હુમલામાં માર્યા ગયા છે.
તેમના અંતિમ સંસ્કાર હરિયાણાના કર્નાલમાં કરવામાં આવ્યાં જ્યાં તેમનાં પત્ની બહુ જ ભાવુક હાલતમાં જોવા મળ્યાં.
નરવાલનાં લગ્ન 16 એપ્રિલના રોજ થયાં હતાં. હુમલાના ચાર દિવસ પહેલાં 19મી એપ્રિલના રોજ તેમનું રિસેપ્શન આયોજિત થયું હતું. તેઓ પત્ની સાથે હનીમૂન મનાવવા કાશ્મીર ગયા હતા.
વિનયના દાદા હવાસિંહ નરવાલે પત્રકારોને જણાવ્યું, "તેઓ લગ્ન બાદ સ્વિટ્ઝર્લૅન્ડ જવા માંગતાં હતાં પરંતુ તેમને વિઝા ન મળ્યા તેથી તેઓ કાશ્મીર ગયાં."
મૂળ હરિયાણાના કરનાલ જિલ્લાના રહેનારા નરવાલે બે વર્ષ પહેલાં જ નેવીમાં નોકરી શરૂ કરી હતી.
નરવાલના પરિવારના જણાવ્યા પ્રમાણે તેઓ આ દિવસોમાં કોચીનમાં તહેનાત હતા. બીટૅક કર્યા બાદ નરવાલ ભારતીય નેવીમાં સામેલ થયા.
તેમના મોત પર પ્રતિક્રિયા આપતાં ભારતીય નૌકાદળે કહ્યું, "ચીફ ઑફ નેવલ સ્ટાફ ઍડમિરલ દિનેશ ત્રિપાઠી અને ભારતીય નૌકાદળના તમામ જવાનો પહલગામમાં થયેલા આ કાયરતાપૂર્ણ હુમલામાં લેફ્ટનન્ટ વિનય નરવાલના મોતથી આઘાતમાં છે."
તેઓ પોતાના પરિવારના એક માત્ર પુત્ર હતા. તેમની નાની બહેન છે જે યુપીએસસીની તૈયારી કરે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ હુમલો પહલગામની બૈસરન ઘાટીમાં થયો જેને કાશ્મીરનું મિની સ્વિટ્ઝર્લૅન્ડ પણ કહેવામાં આવે છે. મંગળવારે થયેલા હુમલામાં બે વિદેશી નાગરિકો સહિત 26 લોકોનાં મૃત્યુ થયાં હતાં.
નરવાલનો પરિવાર કરનાલના ભુસલી ગામનો છે અને કરનાલ શહેરના સેક્ટર 7માં રહે છે.
પરિવારના જણાવ્યા પ્રમાણે વિનય નરવાલ પોતાનાં પત્ની સાથે હનીમૂન મનાવવા 21મી એપ્રિલે કાશ્મીર ગયાં હતાં.
પહલગામ હુમલા બાદ સોશિયલ મીડિયા પર એક તસવીર શૅર કરવામાં આવી રહી છે. જેમાં જમીન પર મૃતદેહની પાસે એક મહિલા ચૂપ બેઠાં છે. આ તસવીર વિનય નરવાલ અને તેમનાં પત્ની હિમાંશીની છે.
બુધવારે સવારે મીડિયા સાથેની વાતચીતમાં વિનય નરવાલના દાદા હવાસિંહ નરવાલે કહ્યું, "જેમણે આ કામ કર્યું છે તેને પડકવામાં આવે અને તેમના પર કડક કાર્યવાહી કરવામાં આવે."
તેમણે કહ્યું, "જો તેને ગોળી ન લાગી હોત તો તે કદાચ બે-ચાર આંતકવાદીઓને પછાડી દેત. હું ચાહું છું કે તેની મોતનો બદલો લેવામાં આવે. આ ઉગ્રવાદને ખતમ કરવામાં આવે."
બુધવારે સવારે જ વિનય નરવાલના ઘરે લોકો પહોંચી રહ્યા છે. તેમનું મોત થયું તેથી લોકો આઘાતમાં છે.
સ્થાનિક ધારાસભ્ય જગમોહન આનંદ સહિતના નેતાઓ પણ તેમના પરિવારજનોને મળવા પહોંચ્યા.
મીડિયા સાથેની વાતચીતમાં જગમોહન આનંદે કહ્યું, "જે પ્રકારે આતંકવાદીઓએ આ કામ કર્યું છે, આખો દેશ તેનાથી ગુસ્સામાં છે. આવા આતંકવાદીઓને પકડી-પકડીને તેની સાથે તેનો બદલ લેવો જોઈએ. દેશના વડા પ્રધાન સાઉદી અરેબિયાની યાત્રા વચ્ચે છોડીને ભારત આવી ગયા છે. તેઓ પણ શ્રીનગર જઈ રહ્યા છે. કંઇક મોટું જરૂર થશે."
તેમના પાડોશી બીરસિંહે કહ્યું, "અમે હૃદય પર પથ્થર રાખીને નિવેદન આપી રહ્યા છીએ. અમે પોતાના દર્દને વ્યક્ત નથી કરી શકતા. અમે ઇચ્છીએ છીએ કે પાકિસ્તાનને પાઠ ભણાવવો જોઈએ. એવો પાઠ કે તે આતંકવાદી મોકલવાનું ક્યારેય નહીં વિચારે."
નરવાલનાં પત્ની હિમાંશી ગુરુગ્રામનાં રહેવાસી છે. તેઓ પીએચડી કરી રહ્યાં છે. તેમના પિતા જીએસટીમાં સુપ્રિન્ટેન્ડન્ટ છે. દાદા પોલીસ તંત્રમાંથી નિવૃત થયા છે.
મે મહિનામાં આવી રહ્યો હતો જન્મદિવસ
તેમના એક મિત્રના જણાવ્યા પ્રમાણે નરવાલની પહેલી મેના રોજ વર્ષગાંઠ હતી. તેમણે હનીમૂન બાદ પોતાના ઘરમાં જ પરિવાર સાથે જન્મદિવસ ઊજવવાની યોજના બનાવી હતી.
પહલગામમાં થયેલા આ ચરમપંથી હુમલા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પોતાની સાઉદી અરેબિયાની યાત્રાને અધવચ્ચે છોડીને ભારત આવી પહોંચ્યા છે.
મોદી આ ઘટનાને આતંકવાદી હુમલો ગણાવી ચૂક્યા છે. તેમણે એમ પણ કહ્યું છે કે હુમલાના જવાબદારોને છોડવામાં નહીં આવે.
જમ્મુ-કાશ્મીરના મુખ્ય મંત્રી ઓમર અબ્દુલ્લાહે આ હુમલાને હાલનાં વર્ષોમાં કાશ્મીરમાં સામાન્ય નાગરિકોને નિશાન બનાવતો સૌથી મોટો હુમલો ગણાવ્યો છે.
આ હુમલામાં 26 લોકોનાં મૃત્યુ થયાં છે અને કેટલાક લોકો ઘાયલ પણ થયા છે. ઘાયલ લોકોને સરકારી મેડિકલ કૉલેજમાં ભરતી કરવામાં આવ્યા છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન