You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પહલગામ હુમલો: "મારા પિતા અને કાકાને તંબૂમાંથી બહાર બોલાવીને ગોળી મારી" - ચરમપંથીઓએ પ્રવાસીઓને કેવી રીતે નિશાન બનાવ્યા?
જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં તાજેતરના સૌથી મોટા હુમલામાં 26 લોકોનાં મોત નિપજ્યાં છે.
પીટીઆઈના એક અહેવાલ પ્રમાણે પહલગામ હુમલામાં માર્યા ગયેલા લોકોમાં 54 વર્ષના સંતોષ જગદલે પણ સામેલ હતા. તેઓ પરિવાર સાથે એક તંબૂમાં છુપાયા હતા ત્યારે ચરમપંથીઓ અંદર આવ્યા અને તેમને બહાર લઈ ગયા. તેમણે તેના માથામાં ગોળી મારી, એક ગોળી કાન પર અને એક પીઠમાં મારી.
પિતા અને કાકા જીવિત છે કે નહીં તેની ખબર નથી
સંતોષ જગદલે પૂણેસ્થિત બિઝનેસમેન છે. તેમનાં 26 વર્ષીય પુત્રી આસાવરી જગદલે આખી ઘટના કેવી રીતે બની તે વિશે પીટીઆઈ સાથે વાત કરી હતી.
આસાવરી જગદલેએ કહ્યું કે મારાં માતાપિતા સહિત અમે પાંચ લોકો હતા. અમે પહલગામ નજીક બૈસારન ઘાટીમાં ગયા હતા અને ત્યાં અમે મિની સ્વિટ્ઝર્લેન્ડ તરીકે ઓળખાતી જગ્યા પર હતા ત્યારે ફાયરિંગ શરૂ થયું.
આસાવરીએ આ વાત કરી ત્યારે તેમને ખબર ન હતી કે તેમના પિતા અને કાકા જીવિત છે કે મૃત્યુ પામ્યા છે.
આસાવરી, તેમનાં માતા અને બીજા એક મહિલાને ચરમપંથીઓએ છોડી દીધાં હતાં. સ્થાનિક લોકો અને સુરક્ષાદળો તેમને પહલગામ ક્લબ લઈ ગયા હતા. ત્યાં પણ તેમને ખબર ન હતી કે તેમના ઘરના બીજા સભ્યોનું શું થયું છે.
26 વર્ષીય આસાવરી પૂણેમાં હ્યુમન રિસોર્સ પ્રોફેશનલ તરીકે કામ કરે છે. તેઓ કહે છે કે તેઓ જમ્મુ- કાશ્મીરમાં પરિવાર સાથે વેકેશન ગાળવા આવ્યા હતા. અચાનક ફાયરિંગ શરૂ થઈ ગયું હતું. સ્થાનિક લોકો જેવા કપડાં પહેરેલા લોકો નજીકની ટેકરી પરથી ઊતરી આવ્યા અને ગોળીબાર ચાલુ કરી દીધો હતો.
20 મિનિટ સુધી કોઈ મદદ ન આવી
આસાવરીએ કહ્યું કે, "અમે બચવા માટે તરત નજીકના તંબૂમાં ગયા. અમે ત્યાં છથી સાત જણ હતા. અમને લાગ્યું કે સુરક્ષાદળો અને ચરમપંથીઓ વચ્ચે ફાયરિંગ ચાલે છે તેથી અમે બચવા માટે ભોંયતળિયા પર સૂઈ ગયા."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"ત્યાર પછી ચરમપંથીઓનું એક જૂથ નજીકના તંબૂ પર આવ્યું અને ગોળીબાર કર્યો. પછી તેઓ અમારા તંબૂમાં આવ્યા અને મારા પિતાને બહાર લઈ ગયા. તેમણે કહ્યું "ચૌધરી તું બહાર આ જા."
"ત્યાર પછી ઉગ્રવાદીઓએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ટેકો આપવા બદલ લોકોને દોષ આપ્યો. તેમણે કહ્યું કે કાશ્મીરી મિલિટન્ટ્સ ક્યારેય નિર્દોષ લોકો, મહિલાઓ અને બાળકોની હત્યા નથી કરતા."
"ત્યાર બાદ તેમણે મારા પિતાને માથામાં, કાન પાછળ અને પીઠમાં - ત્રણ ગોળી ધરબી દીધી.
મારા કાકા નજીકમાં જ ઊભા હતા. ઉગ્રવાદીઓએ તેમના પર ચારથી પાંચ બૂલેટ ફાયર કરી."
"તેમણે ત્યાં બીજા પુરુષોને પણ ગોળી મારી. ત્યાં કોઈ મદદ માટે ન હતું. પોલીસ કે આર્મી ન હતી. તેઓ બધા 20 મિનિટ પછી આવ્યા."
"અમને જે લોકો ખચ્ચર પર ત્યાં લઈ ગયા હતા, તેમણે અમારી મદદ કરી. હું અને મારી માતા સહિત ત્રણ મહિલાઓ પાછી આવી. અમારી મેડિકલ તપાસ કરવામાં આવી અને અમને પહલગામ ક્લબ લઈ જવાયા."
આસાવરીએ કહ્યું કે, "બપોરે 3.30 વાગ્યે ફાયરિંગ થયું હતું. પાંચ કલાક પછી પણ મને મારા પિતા અને કાકાનું શું થયું તેની માહિતી નથી મળી."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન