હિમાચલમાં ફરી ભારે વરસાદથી તબાહી, 20થી વધુ લોકોનાં મોત

    • લેેખક, આદર્શ રાઠોડ
    • પદ, બીબીસી હિન્દી માટે

હિમાચલ પ્રદેશ ભારે વરસાદને કારણે થઈ રહેલી તબાહીના બીજા તબક્કામાં સૌથી ભયાનક પરિસ્થિતિનો સામનો કરી રહ્યું છે. છેલ્લા 48 કલાકમાં રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં ભારે વરસાદને કારણે જાનમાલનું ભારે નુકસાન થયું છે.

આ સમાચાર લખાયા ત્યાં સુધીમાં 20થી વધુ લોકોનાં મોત થયાં છે. અનેક સ્થળોએ ભૂસ્ખલન થવાને કારણે અથવા તો મકાનો પડી જવાને કારણે અનેક લોકો કાટમાળમાં દટાયેલાં પડ્યાં છે.

શિમલાનાં સમરહિલમાં હિમાચલ પ્રદેશ યુનિવર્સિટી પાસે થયેલું ભૂસ્ખલન દેવદારનાં મોટાં વૃક્ષો સાથે નીચે આવેલા શિવ મંદિર પર પડ્યું.

શ્રાવણનો સોમવાર હોવાને કારણે ત્યાં ઘણા શ્રદ્ધાળુઓ આવ્યા હતા, જે આ કાટમાળ નીચે દટાઈ ગયા. અત્યાર સુધીમાં ત્યાંથી નવ શબ બરામદ થયાં છે. એવી આશંકા છે કે બીજા અનેક લોકો ત્યાં દબાયેલા હોઈ શકે છે.

અહીંથી જ થોડાક કિલોમિટર દૂર ફાગલીમાં એક મકાન ધરાશાયી થયું હતું, જ્યાંથી પાંચ મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. હજુ પણ અહીં કેટલાક વધુ લોકો દટાયા હોવાની આશંકા છે.

મંડી જિલ્લામાં પણ વાદળ ફાટવાને કારણે બે અલગ-અલગ ઘટનાઓમાં કાટમાળ નીચે દબાઈને બે લોકોનાં મોત થયાં છે. આમાંથી એક જગ્યાએ 12 થી 15 લોકો દટાયા હોવાની આશંકા છે.

ગઈકાલે રાત્રે સોલનમાં વાદળ ફાટવાને કારણે બે મકાનો કાટમાળમાં ફેરવાઈ ગયાં હતાં. આ ઘટનામાં પણ સાત લોકોનાં મોત થયાં હતાં.

અગાઉ ગયા અઠવાડિયે સિરમોરમાં એક મકાન ભૂસ્ખલનમાં દબાઈ ગયું હતું જેમાં એક જ પરિવારના પાંચ લોકોના મોત થયા હતા.

આફતનો વરસાદ

પહાડી વિસ્તારોમાં ભારે વરસાદ થવો એ કોઈ અસામાન્ય વાત નથી. પરંતુ હિમાચલ પ્રદેશમાં એક વાક્ય કે જે આજકાલ સૌથી વધારે બોલાઈ રહ્યું છે એ છે, “આવો વરસાદ પહેલાં ક્યારેય નથી જોયો.”

મોટી ઉંમરનાં લોકો કહે છે કે આવો વરસાદ તેઓ નાનાં હતાં ત્યારે થતો હતો પરંતુ ત્યારે પણ આટલું જાનમાલનું નુકસાન થતું નહોતું.

ચોમાસાની આ સિઝનમાં 24 જૂનથી ભારે વરસાદને કારણે 270થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે.

કેટલાક લોકો અચાનક પૂરને કારણે મૃત્યુ પામ્યાં તો કેટલાક ભૂસ્ખલનની ચપેટમાં આવ્યાં. કેટલાંક મકાનો ધરાશાયી થયાં અને કેટલાક લોકો માર્ગ અકસ્માતનો ભોગ બન્યા. રાજ્યભરમાં ઘણી ખાનગી અને સરકારી ઇમારતો, રસ્તાઓ, પુલ અને અન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નુકસાન થયું છે.

સામાન્ય રીતે પહાડોમાં વરસાદને કારણે થતાં નુકસાનનાં બે મુખ્ય કારણો છે - લાંબા સમય સુધી સતત વરસાદ, કે જે ભૂસ્ખલનનું જોખમ વધારે છે. અને બીજું કારણ વાદળ ફાટવું છે.

વાદળ ફાટવાનો અર્થ છે - એક જગ્યાએ સામાન્ય કરતાં વધુ વરસાદની અચાનક ઘટના. જેના કારણે અચાનક પૂર અને ભૂસ્ખલન જેવી ઘટનાઓ બને છે.

હવામાન વિભાગની ઍલર્ટ

હવામાન વિભાગે ત્રણ દિવસ અગાઉ આઠ જિલ્લા માટે ઑરેન્જ ઍલર્ટ જાહેર કર્યું હતું. આ ઍલર્ટ ત્યારે જાહેર કરવામાં આવે છે, જ્યારે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી હોય.

12 ઑગસ્ટના રોજ હવામાન કેન્દ્ર શિમલાના ડાયરેક્ટર સુરેન્દ્ર પૉલે કહ્યું હતું કે આગામી 24 કલાકમાં શિમલા, સોલન, કાંગડા, ચંબા, હમીરપુર, બિલાસપુર, મંડી અને કુલ્લુમાં ભારે વરસાદ થઈ શકે છે.

આ આશંકાને જોતા પોલીસ અને પ્રશાસને પણ લોકોને અપીલ કરી હતી કે તેઓ ઘરમાં જ રહે અને જ્યારે અત્યંત જરૂરી કામ હોય ત્યારે જ બહાર નીકળે.

આ ચેતવણી સાચી સાબિત થઈ છે અને છેલ્લા બે દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે. તેના કારણે ભૂસ્ખલન અને અચાનક પૂરની ઘટનાઓ બની હતી. કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા પણ સર્જાઈ હતી.

મંડીની બલ્હ ખીણ હિમાચલ પ્રદેશનો સૌથી ફળદ્રુપ પ્રદેશ માનવામાં આવે છે. અહીં એટલો વરસાદ પડ્યો કે ખીણમાંથી પાણી કાઢતી સુકેતી ખડ્ડ નદી પણ એ પાણીને કાઢી શકી નહીં. જેના કારણે ત્યાંનો મોટો વિસ્તાર અને ત્યાં ઉગાડવામાં આવતી શાકભાજીનાં ખેતરો ડૂબી ગયાં છે.

હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલા વરસાદના આંકડા પર નજર કરીએ તો ખબર પડે છે કે આ તબાહીનું કારણ શું છે.

જેના માટે ઑરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું હતું તે તમામ જિલ્લામાં 14 ઑગસ્ટના રોજ સામાન્ય કરતાં આઠ ગણો વધુ વરસાદ નોંધાયો છે.

સોલનમાં સામાન્ય કરતાં ત્રણ ગણો, મંડીમાં પાંચ ગણો અને શિમલામાં લગભગ સાત ગણો વરસાદ પડ્યો છે. સૌથી વધુ વરસાદ હમીરપુરમાં નોંધાયો હતો, જે સામાન્ય કરતાં લગભગ આઠ ગણો વધુ હતો.

સમસ્યા એ છે કે ઑરેન્જ એલર્ટ માત્ર બે દિવસ માટે હતું, પરંતુ હજુ પણ વરસાદ ચાલુ છે. જેના કારણે સ્થિતિ વધુ ચિંતાજનક બની છે.

છેલ્લા 48 કલાકમાં જે રીતે નુકસાન થયું છે, તેવું જ નુકસાન એક મહિના અગાઉ જુલાઈના બીજા સપ્તાહમાં થયું હતું. ત્યારે બિયાસ નદીના કિનારે આવેલા વિસ્તારોમાં મનાલી, કુલ્લુ અને મંડીમાં આ પ્રકારની તબાહી થઈ હતી.

હજારો કરોડ રૂપિયાનું નુકસાન

તે સમયે નવનિર્મિત ફોર લેન હાઈ-વેનો મોટો હિસ્સો પણ નદીમાં વહી ગયો હતો. ઘણી સરકારી અને પ્રાઇવેટ ઑફિસો પણ જળમગ્ન થઈ ગઈ હતી તથા પીવાનાં પાણીની અનેક યોજનાઓ અને સિંચાઈ પરિયોજનાઓને નુકસાન પહોંચ્યું હતું.

આ પછી કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરી પણ હિમાચલમાં થયેલાં નુકસાનનો તાગ લેવા પહોંચ્યા હતા. ત્યારબાદ કેન્દ્ર સરકાર તરફથી રાજ્યને મદદ પણ મળી હતી.

જોકે, રાજ્ય સરકારનું કહેવું છે કે આ મદદ અપૂરતી છે, કારણ કે ઘણું નુકસાન થયું છે.

એક સપ્તાહ પહેલાં રાજ્ય સરકારે વરસાદને કારણે અંદાજે રૂ. 4000 કરોડનાં નુકસાનનો અંદાજ મૂક્યો હતો, પરંતુ હવે આ ગણતરી નવેસરથી કરવી પડશે.

દિવસેને દિવસે નુકસાન વધી રહ્યું છે. અવિરત વરસાદને ધ્યાનમાં લેતા રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ કરી દેવામાં આવી છે.

લોકોને ઘરોમાં રહેવાની અપીલ

આ તરફ મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખ્ખુએ લોકોને અપીલ કરી છે કે તેઓ ઘરની બહાર ન નીકળે. તેમણે 15 ઑગસ્ટના કાર્યક્રમ માટે તેમનો મંડી જવાનો પ્રોગ્રામ પણ રદ્દ કરી દીધો છે.

મુખ્યમંત્રીએ કહ્યું, “વહીવટી તંત્ર તૈયાર છે અને રાજ્યભરમાં રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. કેટલું નુકસાન થયું છે, તેનું આકલન હવે પછી કરીશું. અત્યારે અમારી પ્રાથમિકતા લોકોને સુરક્ષિત રાખવાની અને બંધ રસ્તાઓને પુનઃસ્થાપિત કરવાની છે.

હવામાન વિભાગ દ્વારા જારી કરાયેલી ઍલર્ટ 14 ઑગસ્ટ સુધી છે. હજુ પણ અનેક ભાગોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે રાહત અને બચાવ કામગીરીમાં મુશ્કેલી પડી રહી છે. જો વરસાદ આમ જ ચાલુ રહેશે તો નુકસાન વધે તેવી સંભાવના છે.