You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સાબરકાંઠા : 'પ્રેમીએ અંગતપળોનો વીડિયો બનાવ્યો, બીજી મહિલા સાથે મળીને દેહવેપારમાં ધકેલી'
- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
"મારા પિતા બીમાર થયા પછી મેં બ્યુટીપાર્લરમાં નોકરી શરૂ કરી. ઘર ચલાવવા હું નોકરી બાદ મહિલાઓના ઘરે જઈને બ્યુટી ટ્રીટમૅન્ટ પણ આપતી હતી. આ દરમિયાન મારા પ્રેમીએ અમારી અંગત પળોના વીડિયો ઉતારીને મારી હરીફ બ્યુટીપાર્લરવાળીને આપી દીધો. બાદમાં બંનેએ ભેગા થઈને મને બ્લૅકમેલ કરી અને બળજબરીથી દેહવેપારના ધંધામાં ધકેલી. બસ, હવે હું થાકી છું એટલે મેં મારા પ્રેમી અને દેહવેપારમાં ધકેલનારી બે મહિલાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે."
આ શબ્દો છે. સાબરકાંઠાના એક નાનકડા ગામમાં રહેતી 19 વર્ષીય અમીનાનાં. (નામ બદલ્યું છે)
છેલ્લાં કેટલાક મહિનાથી ઘેરા માનસિક આઘાતમાંથી પસાર થઈ રહેલી અમીનાનું હાલ પોલીસ કાઉન્સેલિંગ કરી રહી છે. બીબીસીએ પોલીસની મદદથી તેની સાથે વાત કરી હતી.
અમીનાનાં ઘરમાં માત્ર તેમના પિતા કમાનારા હતા. અમીનાએ બ્યુટીપાર્લરનો કોર્સ કર્યો હોવાથી પિતા બીમાર થયા બાદ તેમણે પરિવારનું ગુજરાન ચલાવવા બ્યુટીપાર્લરમાં કામ કરવાનું શરૂ કર્યું હતું.
પોતાની કમનસીબીની દાસ્તાન વર્ણવતાં અમીના કહે છે, "અમારા પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હતી. એવામાં પિતાની તબિયત બગડતા મેં બ્યુટીપાર્લરનું કામ શરૂ કર્યું. હું કામ શીખી હોવાથી પાર્લરમાં આવતી મહિલાઓને મારું કામ ગમતું પણ હતું."
તેમણે આગળ કહ્યું, "અમારા ગામમાં ઘણી મહિલાઓ ઘરની બહાર નીકળતી નહોતી એટલે હું તેમનાં ઘરે જઈને પણ કામ કરતી હતી. ગામમાં મારી અવરજવર રહેતી હતી. એવામાં યુવરાજસિંહ નામનો યુવાન વારંવાર મારી સામે પ્રેમનો પ્રસ્તાવ મૂકતો હતો. અમારો ધર્મ અલગ હોવાથી પહેલા તો મેં ના પાડી."
પ્રેમીએ પણ સાથ ન આપ્યો
જોકે, આખરે બન્ને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો. અમીનાના કહેવા પ્રમાણે યુવરાજસિંહે એ પળોના વીડિયો પણ બનાવી લીધા હતા. જે અંગે તેમને જાણ પણ ન હતી.
અમીના આગળ જણાવે છે, "મારું કામ ખૂબ સારી રીતે ચાલી રહ્યું હતું. જેનાથી અન્ય એક બ્યુટીપાર્લરવાળી આયેશા મકરાણીને નુકસાન થતું હતું. યુવરાજસિંહે અમારી અંગત પળોના ફોટોઝ અને વીડિયો આયેશાને આપી દીધા હતા અને એ દિવસથી મારી કમનસીબીની શરૂઆત થઈ ગઈ હતી."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેઓ વધુમાં કહે છે, "એક દિવસ આયેશાએ મને વીડિયો અને ફોટા બતાવીને કહ્યું કે હવેથી મારે એ જેમ કહેશે એ પ્રમાણે કરવું પડશે. મને ખબર હતી કે તે બ્યુટીપાર્લરની આડમાં દેહવેપાર કરે છે. તેની સાથે ફરીદા નામની એક મહિલા પણ હતી. બંને ભેગા મળીને મારો સોદો કરતા અને એ લોકો કહે એ ગ્રાહક પાસે જવું પડતું."
આ અંગે જ્યારે અમીનાએ પોતાના પ્રેમી યુવરાજસિંહને કહ્યું તો તેણે પણ આયેશાના કહેવા પ્રમાણે કામ કરવા કહ્યું હતું. સાથે જ અમીનાએ આરોપ મૂક્યો હતો કે યુવરાજસિંહે પણ તેમની સાથે બળજબરીથી શારીરિક સંબંધ બંધ્યો છે.
દેહવેપાર અંગેના પોતાના ડરામણા અનુભવ વિશે તેઓ જણાવે છે, "આયેશા અને ફરીદા અવારનવાર મારો સોદો કરીને ગ્રાહકો પાસે હોટલમાં અથવા તો બીજી જગ્યાઓએ મોકલતા હતા. મને ડર લાગતો હતો પણ સાથે જ બીજો ડર આબરું જવાનો પણ હતો. ધીરેધીરે તેઓ મને વધારે પડતા લોકો પાસે મોકલતા થયા અને મારી સહનશક્તિ ખૂટી પડી."
અંતે અમીનાએ પૂર્વ પ્રેમી યુવરાજસિંહ, આયેશા મકરાણી અને ફરીદા નામક મહિલા સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
'ઓછામાં ઓછી 10 વર્ષની સજાની જોગવાઈ'
આ કેસની તપાસ કરી રહેલા ડીવાયએસપી સ્મિત ગોહિલે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, "આ યુવતીની ફરિયાદના આધારે અમે તેમનાં પૂર્વપ્રેમી યુવરાજસિંહ, આયેશા અને ફરીદા સહિત કુલ છ લોકો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે."
તેમણે આગળ કહ્યું, "જે પૈકી યુવરાજસિંહ અને આયેશાની ધરપકડ કરી છે. આ તમામ લોકો વિરુદ્ધ આઈપીસીની કલમ 376, 376 (ડી) અને 370 અંતર્ગત બળાત્કાર અને જાતીય શોષણ માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાનો ગુનો દાખલ કર્યો છે."
ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી આ પ્રકારના ગુનાની સંખ્યા વધી ગઈ છે.
ગુજરાત હાઇકોર્ટના વકીલ આશિષ શુક્લએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, "છોકરીઓને પ્રેમજાળમાં ફસાવીને દેહવેપારમાં ધકેલવાના ગંભીર ગુના વધી રહ્યા છે. મોટા ભાગના કેસમાં પોલીસ ફરિયાદ નોંધાય એ પહેલાં જ દીકરીનાં માતાપિતા સમાધાન કરી લે છે. જેથી આવા ઘણા ઓછા કિસ્સા બહાર આવે છે."
જોકે, આ કેસ હવે બહાર આવતા આ રીતે ફસાયેલી મહિલાઓ બહાર આવશે અને તેમની સામે થતાં આ પ્રકારના ગુનામાં ઘટાડો થશે, એમ ઍડવોકેટ આશિષ શુક્લનું માનવું છે.
તેઓ કહે છે, "આ કેસમાં જે પ્રકારની કલમો લગાવવામાં આવી છે. એ મુજબ ઓછામાં ઓછી 10 વર્ષની સજાની જોગવાઈ છે. જેથી સમાજમાં પણ એક દાખલો બેસશે."