You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પાકિસ્તાનનાં શાહલીન સાથે લગ્ન કરવા ભારતના નમને સાત વર્ષ રાહ જોઈ
- લેેખક, ગુરપ્રીત ચાવલા
- પદ, બીબીસી સંવાદદાતા
આ કહાણી છે ભારતીય અને પાકિસ્તાની પંજાબમાં પાંગરેલા અનોખા પ્રેમની. જે હાલ સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચાઈ રહી છે.
આઠ વર્ષ પહેલાં શરૂ થયેલી આ કહાણી સરહદ, ધર્મ અને ભારત-પાકિસ્તાનના સંબંધોની પરંપરાગત કટુતાને દૂર કરી શકે છે.
કહાણીની શરૂઆત વર્ષ 2015માં થઈ. જ્યારે ભારતીય પંજાબના વકીલ નમન લૂથરા અને પાકિસ્તાનના લાહોરમાં રહેતા શાહલીન જાવેદની મુલાકાત થઈ અને વર્ષ 2023માં બંનેના લગ્ન સુધી પહોંચી.
નમન હિંદુ છે અને શાહલીન ઈસાઈ છે એટલે તેમના લગ્ન હિંદુ અને ઈસાઈ રીતિ-રિવાજો પ્રમાણે થયા.
તેમની પ્રથમ મુલાકાતથી અત્યાર સુધીમાં તેમણે ઘણા પડકારોનો સામનો કરવો પડ્યો છે. આ તમામ પડકારો બંનેએ સાથે મળીને દૂર કર્યા અને અંતે એ દિવસ આવ્યો જ્યારે શાહલીન લાહોરથી લગ્ન કરવા માટે ભારત આવ્યાં અને લગ્ન બાદ હવે ભારતમાં જ રહેવાનો નિર્ણય કર્યો.
પ્રથમ મુલાકાત
ભારતના પંજાબના શહેર બટાલામાં રહેતા નમનના દાદા લાહોરના હતા અને ભાગલા પડ્યા ત્યારે તેઓ ભારત આવી ગયા હતા. તેથી નમન માટે પાકિસ્તાન અને ત્યાં રહેતા લોકો કંઈ અજાણ્યા નહોતા.
શાહલીન અને નમનની પ્રથમ મુલાકાત વર્ષ 2015માં પાકિસ્તાનમાં થઈ હતી. આ મુલાકાત વિશે તેઓ કહે છે, "2015માં હું મારી માતા અને દાદી સાથે લાહોરમાં મારા સંબંધીઓને મળવા ગયો હતો. જ્યાં અમે પહેલી વખત મળ્યા હતા."
શાહલીન તેમના દૂરના સંબંધીઓમાંના એક છે. એ મુલાકાત બાદ નમન પાછા ભારત આવી ગયા હતા પરંતુ તેમણે શાહલીન સાથે ઓનલાઇન સંપર્ક રાખ્યો હતો.
જલદી જ બંને વચ્ચે પ્રેમ પાંગર્યો અને પરિવારજનોની મંજૂરીથી બંનેએ 2016માં સગાઈ કરી લીધી હતી. જે પાકિસ્તાનમાં યોજાઈ હતી.
શાહલીનનું કહેવું છે કે સગાઈ બાદ તેઓ 2018માં પોતાની માતા અને માસી સાથે ભારત આવ્યાં હતાં. જ્યાં તેઓ નમનના પરિવારને મળ્યા હતા.
લગ્નમાં વિલંબ
વર્ષ 2018માં થયેલી મુલાકાતમાં બંનેના પરિવાર લગ્ન માટે તૈયાર થઈ ગયા હતા, પરંતુ બે દેશો વચ્ચેના સંબંધના કારણે સરહદ પાર કરવી અને સાથે રહેવું સરળ નહોતું.
પહેલી સમસ્યા એ તી કે 2020ની શરૂઆતમાં જ કોરોના મહામારી આવી ગઈ અને ઘણા દેશોએ પોતાની સરહદો બંધ કરી દીધી. ભારત અને પાકિસ્તાનમાં પણ એમ જ થયું.
બીજી સમસ્યા એ હતી કે ભારત-પાકિસ્તાનના સંબંધો. એક તરફ કોરોના મહામારીએ વિદેશયાત્રા મુશ્કેલ કરી દીધી હતી અને બંને દેશો વચ્ચેની કટુતાના કારણે તે મુશ્કેલી વધી ગઈ હતી.
જોકે, ત્યાર પછી પણ સમસ્યા વધુ વિકટ બની હતી. કોરોના મહામારીમાંથી રાહત મળ્યા બાદ ડિસેમ્બર 2021માં શાહલીનના પરિવારે લગ્ન માટે ભારતના વિઝા માગ્યા હતા, પરંતુ તે મળ્યા નહોતા.
આશરે છ મહિના બાદ મે 2022માં તેમણે ફરી વિઝા માટે અરજી કરી હતી, પરંતુ આ વખતે પણ તેમની અરજી મંજૂર ન થઈ.
ત્યાર પછીના ત્રીજા પ્રયાસમાં શાહલીનના પરિવારના ત્રણ સભ્યોએ વિઝા માટે અરજી કરી અને આ પ્રયાસ સફળ રહ્યો.
શાહલીન અને તેમનાં માતાને વિઝા મળ્યા અને એપ્રિલ 2023માં તેઓ ભારત આવ્યા.
શાહલીનનું કહેવું છે કે "સાચા દિલથી જે ચાહો, એ મળીને જ રહે છે. જ્યારથી અમારી સગાઈ થઈ છે, હું ભારત વિશે વિચારી રહી હતી. મેં કોઈનું ન સાંભળ્યું, બસ એટલું જ વિચાર્યું કે ગમે તેટલો સમય લાગે, હું રાહ જોઈશ."
કરતારપુર સાહિબ - આશાનું કિરણ
શાહલીન અને નમનની સગાઈ અને લગ્ન વચ્ચે લાંબું અંતર હતું. આ દરમિયાન તેઓ ફોન અને અન્ય સોશિયલ મીડિયા પ્લૅટફોર્મ દ્વારા સંપર્કમાં હતા. પરંતુ તેમને એકબીજાને મળવાની ઘણી ઇચ્છા હતી.
આ સમયગાળા દરમિયાન બંને પોતાના પરિવારજનો સાથે બે વખત કરતારપુર સાહિબ ગયા હતા. જ્યાં તેઓ મળ્યા હતા.
ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનમાં ગુરુદ્વારા દરબાર સાહિબને શીખોના પ્રથમ ગુરુ શ્રી ગુરુનાનક દેવજીની 550મી જયંતિ નિમિત્તે 2019માં ભારતીય નાગરિકો માટે ખોલવામાં આવ્યા હતા.
પરિવારજનો લગ્ન માટે કેવી રીતે માન્યા?
નમન લૂથરાનાં માતા યોગિતા લૂથરા માટે દીકરાનાં પાકિસ્તાનમાં લગ્ન કરાવવાં સરળ ન હતાં.
યોગિતા જણાવે છે કે જ્યારે તેઓ નાનાં હતા ત્યારે પોતાની માતા સાથે પાકિસ્તાનમાં રહેતા સંબંધીઓને ત્યાં જતાં હતાં, પરંતુ જ્યારે તેમના પુત્રએ પાકિસ્તાની છોકરી સાથે લગ્ન કરવાની વાત કરી તો તેમને ઝટકો લાગ્યો.
તેઓ કહે છે, "નમનના પિતા પણ શરૂઆતમાં આ લગ્ન માટે તૈયાર નહોતા. મોટો પ્રશ્ન એ હતો કે જાન લઈને કેવી રીતે જઈશું? પરંતુ નમને પોતાનું મન બનાવી લીધું હતું. એટલે અમે પણ તૈયાર થઈ ગયા."
યોગિતા પ્રમાણે, "અંતે નમનના પિતા પણ તૈયાર થઈ ગયા હતા. શરત માત્ર એટલી હતી કે લગ્ન ભારતમાં બટાલામાં જ થશે."
તેમણે કહ્યું કે મંજૂરી બાદ સત્તાવાર રીતે અમે શાહલીનના ઘરે વાત કરી અને નમનનાં દાદીએ વાત આગળ વધારી.
દાદીનું કહેવું છે, "નમન મારો પૌત્ર છે અને શાહલીન પૌત્રી. જ્યારે આ લગ્ન માટે મેં હા પાડી હતી ત્યારે નહોતી ખબર કે તેના માટે આટલી રાહ જોવી પડશે."
પુત્રીના લગ્ન માટે પાકિસ્તાનથી ભારત આવેલાં શાહલીનનાં માતા કહે છે, "જ્યારે નમને લગ્નની વાત કરી તો એ પરિવાર માટે એક મોટી સમસ્યા હતી. અમે એ વિશે ઘણું વિચાર્યું."
તેમણે આગળ કહ્યું, "ઘણા લોકોએ અમને કહ્યું કે દીકરીનું સાસરું નજીક હોવું જોઈએ પરંતુ નમન અને શાહલીને પોતાનું મન મક્કમ રાખ્યું."
શાહલીનના માતા જણાવે છે, "અમે ત્રણ વખત વિઝા લેવાનો પ્રયાસ કર્યો અને છેલ્લે માત્ર મને અને શાહલીનને વિઝા મળ્યા."
તેઓ હરખાઈને કહે છે, "અહીં (ભારતમાં) સતત 15 દિવસ સુધી લગ્નની વિધિઓ ચાલી અને અમારી બધી જ ઇચ્છા પૂર્ણ થઈ."
નમનના પરિવારનું કહેવું છે કે ગુરદાસપુર લોકસભા મતવિસ્તારના સાંસદ સની દેઓલ અને બટાલાના ધારાસભ્ય શેરસિંહ કલસીના પ્રયાસોથી શાહલીન અને તેમના માતાને વિઝા મળવામાં સરળતા રહી હતી.