મહિલા અવકાશયાત્રીને અંતરિક્ષમાં માસિક આવે ત્યારે શું થાય? અવકાશયાત્રીઓને સંતાન પેદા કરવામાં મુશ્કેલી થાય?

ઇમેજ સ્રોત, NASA
દરેક સ્ત્રી માટે માસિકધર્મ એક પડકાર હોય છે. અવકાશમાં જતાં મહિલા અંતરિક્ષયાત્રીઓને જ્યારે માસિક આવે ત્યારે શું થાય? તેઓ આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ મથક પર પીરિયડ્સને કઈ રીતે મૅનેજ કરે? સુનીતા વિલિયમ્સની જેમ તેમણે પણ અવકાશમાં અણધાર્યા લાંબા સમય સુધી રહેવું પડે તો શું થાય?
સ્ત્રીઓ મુસાફરીનું આયોજન કરે ત્યારે સામાન્ય રીતે વિચારે છે કે તેમને પીરિયડ્સ ક્યારે આવશે? એ સમય દરમિયાન મુસાફરી કરવી જરૂરી છે?
માત્ર આઠ દિવસ માટે અવકાશમાં ગયેલાં સુનીતા વિલિયમ્સે ત્યાં નવ મહિના રહેવું પડ્યું. સુનીતાની વયને આધારે તેમને આવી સમસ્યા હોઈ શકે કે ન હોઈ શકે, પરંતુ જેમને માસિક આવતું હોય તેવાં અંતરિક્ષયાત્રીએ સુનીતાની માફક અવકાશમાં મહિનાઓ સુધી રહેવું પડે તો શું થાય? તેઓ તેમના પીરિયડ્સને મૅનેજ કરી શકે કે નહીં?
આ પ્રશ્નોના જવાબ જાણવા બીબીસીએ સ્પેસ ગાયનેકૉલૉજિસ્ટ ડૉ. વર્ષા જૈન સાથે વાત કરી હતી. ડૉ. જૈને અવકાશમાં મહિલાઓનાં સ્વાસ્થ્ય વિશે સંશોધન માટે નાસા સાથે કામ કર્યું છે.
કોઈ સ્ત્રીને અવકાશમાં પીરિયડ્સ આવે તો શું થાય અને તેની સાથે કેવી રીતે કામ પાર પાડવું એ બાબતે પણ તેમણે કામ કર્યું છે.

મહિલા અવકાશયાત્રીઓને સ્પેસમાં પીરિયડ્સ આવે ત્યારે એ શું કરે?

ડૉ. વર્ષા જૈને બીબીસી પ્રેઝન્ટર ઍમા બાર્નેટ સાથે આ મુદ્દે 2019માં વાત કરી હતી.
એ વાતચીતમાં ડૉ. વર્ષા જૈને જે જવાબ આપ્યા હતા એ તેમના જ શબ્દોમાં અહીં રજૂ કર્યા છે.
નાસાએ તેમના પ્રથમ મહિલા અવકાશયાત્રી સેલી રાઇડને અવકાશમાં મોકલ્યાં ત્યારે આવા સવાલ થયા હતા કે "કોઈ સ્ત્રીને અવકાશમાં પીરિયડ્સ આવે ત્યારે શું થાય? તેની સાથે કેવી રીતે કામ પાર પાડવું જોઈએ?"
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એ સમયે મહિલા અવકાશયાત્રીઓને જણાવવામાં આવ્યું હતું કે માસિક સમસ્યા ન બને ત્યાં સુધી તેને સમસ્યા ગણશો નહીં, પરંતુ એન્જિનિયર્સે તમામ પ્રકારની યોજના બનાવવી પડે. મહિલા અવકાશયાત્રીને કેટલાં સૅનિટરી ઉત્પાદનોની જરૂર પડશે તેનો અંદાજ લગાવવો પડે.
એ સમયે એવો અંદાજ હતો કે મહિલા અવકાશયાત્રીને દર અઠવાડિયે 100થી 200 સૅનિટરી પૅડ્સની જરૂર પડશે. બાદમાં સમજાયું હતું કે એટલા બધાં સૅનિટરી પૅડ્સની જરૂર નથી.
હાલ મહિલા અવકાશયાત્રીઓ તેમનાં પીરિયડ્સ અટકાવવા બર્થ કંટ્રૉલ પિલ્સનો ઉપયોગ કરે છે. એ ગોળીઓ નુકસાનકારક ન હોવાથી તેના ઉપયોગમાં કોઈ સમસ્યા નથી.
'હું માસિકધર્મ અટકાવવા વિશે પણ સંશોધન કરું છું'
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
વિવિધ દેશોના સેંકડો અવકાશયાત્રીઓ અવકાશમાં જઈ ચૂક્યા છે. તેમાં મહિલાઓનો પણ સમાવેશ થાય છે.
સોવિયેત યુનિયનનાં વેલેન્ટિના તેરેશકોવા અવકાશમાં ગયેલાં પ્રથમ મહિલા હતાં. તેમણે આ સિદ્ધિ 1963માં હાંસલ કરી હતી.
એ ઘટનાના 20 વર્ષ પછી નાસાએ તેમનાં પહેલાં મહિલા અવકાશયાત્રી સેલી રાઇડને અવકાશમાં મોકલ્યાં હતાં.
સેલી રાઇડ પહેલીવાર અવકાશમાં જતાં હતાં ત્યારે મીડિયાએ તેમને સવાલ કર્યા હતા કે "તમે તમારી મૅકઅપ કીટ સાથે લીધી છે? સ્પેસક્રાફ્ટ સિમ્યુલૅશનમાં કોઈ ગડબડ જોઈને તમે રડ્યાં હતાં?"
અવકાશનું હવામાન સ્ત્રી અને પુરુષને અલગ-અલગ અસર કરે?
ડૉ. વર્ષા જૈને કહ્યું હતું, "અવકાશમાં અનુકૂલન સાધવાની પ્રક્રિયા સ્ત્રીઓ તથા પુરુષો માટે સમાન હોય છે. અલબત, કેટલાક તફાવત જરૂર છે."
સ્ત્રીઓ અવકાશમાં જાય ત્યારે વધારે સુસ્તી અનુભવે છે, જ્યારે પુરુષો પૃથ્વી પર પાછા આવે ત્યારે તેમને સુસ્તીનો અનુભવ થાય છે.
અવકાશમાંથી પાછા ફર્યા બાદ પુરુષોને દૃષ્ટિ તથા શ્રવણ સંબંધી સમસ્યાઓ થવાની શક્યતા વધારે હોય છે, જ્યારે સ્ત્રીઓને બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવાની સમસ્યાનો અનુભવ થવાની શક્યતા વધારે હોય છે.
ડૉ. વર્ષા જૈને કહ્યું હતું, "આવી સ્થિતિ શારીરિક કે હૉર્મૉનલ તફાવતોને કારણે થાય છે કે કેમ તે હજુ સુધી જાણી શકાયું નથી. આ બાબતોનો ઊંડો અભ્યાસ અવકાશમાં સ્વાસ્થ્ય વિશેની લાંબા ગાળાની સમજ આપી શકે."
શૌચાલયની સમસ્યા શું છે?

ઇમેજ સ્રોત, NASA
"ઇન્ટરનૅશનલ સ્પેસ સ્ટેશન પર બે શૌચાલય છે, પરંતુ પીરિયડ્સ દરમિયાન સ્ત્રીઓને જે રક્તસ્ત્રાવ થાય છે તેને ધ્યાનમાં રાખીને તે ડિઝાઇન કરવામાં આવ્યાં નહોતાં."
પેશાબ અવકાશમાં ફેંકી દેવામાં આવતો નથી. તેને રિસાઇકલ કરવામાં આવે છે અને તેમાંથી સ્વચ્છ પાણી બનાવવામાં આવે છે.
પીરિયડ્સ દરમિયાન લોહીનો જે સ્ત્રાવ થાય છે તેને ઘન પદાર્થ માનવામાં આવે છે. અવકાશમથક પરનાં શૌચાલય તેમાંથી પ્રવાહીને અલગ કરી શકતાં નથી. તેથી તેમાં રહેલાં પાણીને રિસાઇકલ કરી શકાતું નથી.
"પાણીના વપરાશ પર પણ કેટલાંક નિયંત્રણો છે. માસિકસ્ત્રાવ દરમિયાન વ્યક્તિગત સ્વચ્છતાની જાળવણી મુશ્કેલ હોય છે."
તે પ્રજનનક્ષમતાને અસર કરે છે?

ઇમેજ સ્રોત, NASA
"અવકાશયાત્રા પ્રજનનક્ષમતાને અસર કરતી હોવાના કોઈ પુરાવા મળ્યા નથી."
સ્પેસ મિશન પરથી પાછા આવ્યા બાદ બાળકોને જન્મ આપ્યો હોય તેવાં ઘણા સ્ત્રી અને પુરુષ છે.
આપણે એ ન ભૂલવું જોઈએ કે મહિલા અવકાશયાત્રી પહેલી વાર સ્પેસ મિશન પર નીકળે છે ત્યારે તેમની સરેરાશ વય 38 વર્ષ હોય છે.
ભાવિ પેઢી માટે પોતાના ઍગ્ઝ ફ્રીઝ કરાવવાં અને જાળવી રાખવાં એ તેમનો વ્યક્તિગત નિર્ણય હોય છે. નાસાએ આ સંદર્ભે કોઈ નિયમ નક્કી કર્યા નથી.
અવકાશયાત્રીઓ અવકાશમાં કિરણોત્સર્ગના સંપર્કમાં આવે છે, પરંતુ તે પ્રજનનક્ષમતાને કેવી રીતે અસર કરે છે તે જાણી શકાયું નથી.
અવકાશયાત્રા દરમિયાન શુક્રાણુઓની ગુણવત્તા ઘટે છે, પરંતુ પાછા ફર્યા પછી તેમાં ફરીથી વધારો થાય છે. આ સંદર્ભે લાંબા ગાળાની અસરનો અભ્યાસ કરવાની જરૂર છે.
"સ્ત્રી ઇંડાં સાથે જન્મે છે અને તેમને બાકીના જીવન માટે તેની જરૂર પડે છે. સ્પેસ મિશન પહેલાં પોતાનાં ઍગ્ઝ જાળવી રાખવા ઇચ્છતાં મહિલા અવકાશયાત્રીઓને નાસા મજબૂત ટેકો આપે છે."
તમે અવકાશ યાત્રાએ જશો?

ઇમેજ સ્રોત, NASA
ડૉ. વર્ષા જૈને કહ્યું હતું, "હું ત્યાં વધારે સમય રહેવા ઇચ્છતી નથી, કારણ કે અવકાશયાત્રા દરમિયાન શરીરમાં થતા ફેરફારો વિશે હું ઘણુંબધું જાણું છું."
અવકાશમાં શરીર ઝડપથી વૃદ્ધ થાય છે, હાડકાંની ઘનતા ઘટે છે. અવકાશયાત્રી પૃથ્વી પર પાછા ફરે પછી ગમે તેટલા સારા ઉપાય કરે તો પણ કેટલાક હિસ્સા ક્યારેય સ્વસ્થ થતાં નથી.
"મને અવકાશમાંથી પૃથ્વીને નિહાળવાનું ગમશે, પરંતુ હું તેને લાંબા ગાળાના ધ્યેય તરીકે જોઉં છું. હમણાં તો હું ડ્રીમ જોબ કરી રહી છું."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન













